સ્ટોરી પોઇન્ટ:એક અજાણી સ્ત્રી

24 દિવસ પહેલાલેખક: માવજી મહેશ્વરી
  • કૉપી લિંક
  • મીરાંનું પોતાનું જગત બહુ જ અંગત છે. સાવ અંગત. એની પ્રાઈવસીમાં પ્રવેશવું એટલે જાણે કોઈ મોટો ગુનો! અને એ ગુનો એકવાર નીરજથી થઈ ગયો

’મીરાં નામ હોય એટલે એ ભજન ગાતી હોય એવું થોડું છે? એને મળીશ તો ખબર પડશે કે એ કેટલી સ્માર્ટ છોકરી છે. ઈશ્વરનો આભાર માન કે તને આવી સુંદર અને બુદ્ધિશાળી છોકરી મળે છે. હા જ પાડી દેજે. જરાય વાર ન કરતો. હા, એવું બને કે એ તને રિજેક્ટ કરી દે. જરા આકરી છે. વિજાપુરનાં તીખાં મરચાં જેવી. ધ્યાન રાખજે. જો આ વર્ષે પાસ થઈ ગઈ ને તો કલેક્ટર થવાની.’ સગાઈના આગલા દિવસે મિત્રે કહેલું. એ મીરાંને જોવા મા-બાપ સાથે એના ઘેર ગયો હતો ત્યારથી છેલ્લે મીરાંએ ઘર છોડ્યું એ વચ્ચેના બે વર્ષ નીરજ સામેથી પસાર થઈ ગયાં. એની ઓફિસની ચેમ્બરમાં લગાડેલા એ.સી.ના બ્લોઅરમાંથી ઠંડી હવાની લહેરખીઓ છૂટતી હતી. છતાંય ભીતરની અકળામણ એને દઝાડતી હતી. ટેબલ ઉપર આગલા દિવસે જુદા જુદા વિભાગોએ મૂકેલી ફાઈલ્સ પડી હતી. એણે એ ફાઈલ્સ વાંચીને સહીઓ કરવાની હતી, મંજૂરી આપવાની હતી. એને પોતાના જીવનની જ ફાઈલ સમજાતી નહોતી. મીરાં તો ચાલી ગઈ હતી. એટલું કહીને કે, ‘ડિવોર્સના કાગળો મોકલી દેજો. હું સહીઓ કરી દઈશ.’ સગાઈ પછી તરત નાનીબહેને કહેલું, ‘નીરજભાઈ, તું ભલે ઓફિસર રહ્યો પણ તારામાં વ્યવહારુ જ્ઞાન નથી. એ છોકરી સીધી અને સરળ દેખાય છે પણ ખરેખર એવી નથી. એની આંખો કહે છે કે એ ઈગોઈસ્ટ છે. શરૂઆતમાં જ દબાઈ જઈશ તો પછી રસોડામાં કચરા-પોતાં કરજે. પાછી એ આઈ.એ.એસ. થઈ ગઈ તો પછી તું જાણે છે. મેં તો પપ્પાને કહેલું કે નીરજ માટે કોઈ શિક્ષિકા શોધો. એ માસ્તર જેવો જ છે. પણ પપ્પાને તો કલેક્ટર વહુ ઘરમાં લાવવી હતી. હવે તારે ધ્યાન રાખવાનું છે. સમજ્યોને?’ એ વખતે બહેન સામે જોઈ રહેલો. એને થયેલું કે કદાચ બહેન મીરાંથી બળતી લાગે છે. બહેન શિક્ષિકા છે એટલે એને બધું એવું જ દેખાય છે. પણ કદાચ બહેન સાચી હતી. એને માણસની આંખો વાંચતા આવડે છે. એણે મીરાંની આંખો વાંચી લીધી હશે. એ આંખો જેમાં સાત સમુંદર ઊછાળા મારતા હતા. એ આંખો જોઈને જગત ભુલાઈ જતું હતું. એ આંખો સામે પોતાનું પદ, સત્તા કશું જ નહોતું. કોલેજમાં પણ કોઈ છોકરીને જોઈને કદી મોહ જાગ્યો નહોતો. એવો મોહ જગાડ્યો મીરાંની આંખોએ. સાલું સાહિત્ય કે કવિતામાં હીંગનીય ખબર નહોતી પડતી, તોય લગ્ન પછી મીરાંની આંખો જોઈને કવિતાની પંક્તિઓ હોઠે આવી જતી. કારમાંથી છટાભેર એ ઊતરતી ત્યારે કેટલાયને અદેખાઈ આવતી. નજીકના મિત્રો તો મશ્કરી પણ કરતા કે, ‘નીરજ, તું ભાભી સામે સાવ પોમલો લાગે છે.’ ઘડીભર મિત્રો ઉપર ગુસ્સો આવતો. પછી થવા માંડ્યું કે સાલું સાચે જ એવું છે. હું મીરાં સામે કંઈ જ નથી. એની એટિકેટ, ડિસિઝન લેવાની ઝડપ, પોતાનું દરેક કામ જાતે કરવાની આવડત અને આગ્રહ, હાઈ-વે ઉપર પુરપાટ ઝડપે કાર ચલાવતી ત્યારે બીક લાગતી કે કોઈ ટ્રક સાથે અથડાવી ન દે. મા સાથે તો એને બનતું જ નહોતું. એણે બાપુજીના હાજરીમાં જ કહી દીધેલું, ‘મારે કેમ રહેવું, શું પહેરવું, શું કરવું એની સલાહો તમારે આપવાની નહીં.’ મા રોજ જાતજાતના કકળાટ કરે. ક્યારેક મીરાંની સામે શંકાનાં પોટલાં ખોલે. ધીમે ધીમે માની વાતો સાચી લાગવા માંડી. એના ફોનની પ્રત્યેક એપમાં એણે જે રીતે પાસવર્ડ નાખેલા એ જોઈને મન અવળચંડું બન્યું. એવું લાગ્યું કે એ મારી પત્ની છે પણ એનું પોતાનું જગત બહુ જ અંગત છે. સાવ અંગત. એની પ્રાઈવસીમાં પ્રવેશવું એટલે જાણે કોઈ મોટો ગુનો! અને એ ગુનો એકવાર થઈ ગયો. બસ! ત્યારથી નક્કી કરી લીધું કે મીરાં સાથે નહીં જ રહેવાય. હજુ તો બાળક પણ નથી થયું. લગ્નજીવનનાં બે વર્ષ જ વીત્યાં. આગળ જતાં શું થશે? એક દિવસ હાથ ઊપડી ગયો. મીરાંની જે આંખો ઉપર મરી ફિટવાનું મન થતું હતું એ આંખો સ્તબ્ધ થઈને જોઈ રહી હતી. એમાં સહન ન થાય એવો આઘાત હતો. એ રાતે એ સૂતી નહીં. ખુરશી ઉપર બેસીને રાત પસાર કરી. વહેલી સવારે એ મીરાં હતી જ નહીં. કોઈ અજાણી સ્ત્રી હતી, જેની સાથે મારે કોઈ સંબંધ નહોતો. ⬛ mavji018@gmail.com

અન્ય સમાચારો પણ છે...