તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોિશયલ નેટવર્ક:એક અંગદાન કોઇને નવજીવન આપી શકે

કિશોર મકવાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંગ ટ્રાન્સપ્લાન્ટ પછી વ્યક્તિ આમ સાઇકલ ચલાવી સ્ફૂર્તિથી જીવી શકે

‘દાદા’ના હુલામણા નામે જાણીતા દિલીપભાઈ દેશમુખ... દિલીપભાઈને લોકોએ કચ્છના ભયાનક ભૂકંપ સમયે રાત-દિવસ દોડતા જોયા છે. લોકોની સેવા કરતા જોયા છે. મોતને હથેળીમાં લઈ લોકોના જીવ બચાવતા જોયા છે. એવી ઉત્સાહ.... ઉમંગ...આત્મવિશ્વાસ... અને થનગનાટથી છલોછલ વ્યક્તિને હોસ્પિટલના બિછાને સૂતેલી જોવી એ કેટલી પીડાદાયક ક્ષણો હોય છે, શબ્દોમાં એને વર્ણવવી બહુ કઠિન છે. દિલીપભાઈ લીવરની મહાભયાનક બીમારીનો ભોગ બન્યા. હવે કોઇ લીવર ડોનેટ કરે તો જ દિલીપભાઇ ફરી ઊભા થઇ દોડતા થાય. અકસ્માતમાં બ્રેનડેડ સુરતનો ચોવીસ વર્ષનો યુવાન મહર્ષ પટેલ દિલીપભાઇ માટે દેવદૂત બની આવ્યો... પોતાના શરીરમાંથી પ્રાણ છોડતાં પહેલાં એના પરિવારજનોએ દિલીપભાઈને લીવર ડોનેટ કરી પુનર્જન્મ આપ્યો. દિલીપભાઈ ફરી એ જ ઉત્સાહ... ઉમંગ... આત્મવિશ્વાસ... અને થનગનાટથી છલોછલ આપણી વચ્ચે છે. હવે એમને ફરી વાર રમરમાટ સાઇકલ ચલાવતા, ગાડી ચલાવતા જોઇ શકો. અંગદાન કેટલું મહત્ત્વનું છે એ વાત પરથી સમજાશે કે મહર્ષ પટેલના શરીરનાં ચાર અંગ ચાર વ્યક્તિમાં ધબકી રહ્યા છે. દિલીપભાઇની આ થર્ડ ઇનિંગ છે : જન્મથી લઇ 2001ના ભયાનક ભૂકંપ સુધી, 2001થી લીવરની બીમારીના ભોગ બન્યા ત્યાં સુધી અને લીવર ટ્રાન્સપ્લાન્ટથી એમનો ત્રીજો પુર્નજન્મ-થર્ડ ઇનિંગ શરૂ થઇ છે. દિલીપભાઇએ સંકલ્પ કર્યો છે કે હવે આ થર્ડ ઇનિંગનો ઉપયોગ અંગદાનના પ્રચાર-પ્રસાર કાર્ય માટે કરવો. દિલીપભાઇ દેશમુખ જેવા અનેક લોકો આજે હોસ્પિટલના બિછાને કોઇ અંગદાન કરે એની રાહ જોઇ રહ્યા છે. અંગ ટ્રાન્સપ્લાન્ટથી માણસ ફરી હરતો-ફરતો, દોડતો થઇ શકે છે. અનેક લોકોને લીવર, કિડની, ચક્ષુ વગેરે અંગોની ખૂબ જરૂર છે. અંગદાનની વૃત્તિ વધે એ ખૂબ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગદાનને મહાદાન કહે છે. એમણે ‘મન કી બાત’ પ્રોગ્રામમાં પણ લોકોને અંગદાન કરવા અપીલ કરતા કહ્યું : ‘ત્યાગ અને સેવાની અભિવ્યક્તિ આપણી સંસ્કૃતિ અને પરંપરાના કેન્દ્રમાં છે. અંગનું દાન મહાન છે, કારણ કે અંગ પ્રાપ્ત કરનાર વ્યક્તિ તેનાથી નવું જીવન મેળવે છે. આપણા દેશમાં એવા લાખો લોકો છે જેમને આવી જરૂરિયાત હોય છે અને આનાથી મોટું દાન બીજું કોઈ હોઈ શકે નહીં. અંગદાનને એક જન આંદોલન બનાવીને ઘણા જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકાય છે. અંગનું દાન એક વૃત્તિ અને પ્રવૃત્તિ બને. અંગદાનને એક ઉત્સવ બનાવવો જોઈએ. મને લાગે છે કે આ વિષય ખૂબ મહત્વપૂર્ણ છે. દેશમાં દર વર્ષે 2.5 લાખથી વધુ કિડની, હાર્ટ અને લીવર ડોનેશનની જરૂર હોય છે, પરંતુ આપણા 125 કરોડના દેશમાં ફક્ત પાંચ હજાર ટ્રાન્સપ્લાન્ટ જ સફળ થઈ શક્યા છે. દર વર્ષે એક લાખ આંખોને દૃષ્ટિની જરૂર હોય છે અને આપણે ફક્ત પચીસ હજાર સુધી પહોંચી શક્યા છીએ. ચાર આંખોની જરૂર છે ત્યાં આપણે ફક્ત એક જ આપી શકીએ છીએ. માર્ગ અકસ્માતમાં મૃત્યુની સ્થિતિમાં શરીરના અંગનું દાન કરી શકાય છે. કાનૂની ગૂંચવણો પણ ઘણી છે. રાજ્યોને આ દિશામાં માર્ગદર્શન આપવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. કેટલાક રાજ્યોએ કાગળકામ ઘટાડીને તેને વેગ આપવા માટે સારો પ્રયાસ કર્યો છે. ઘણી સામાજિક સંસ્થાઓ આ દિશામાં ખૂબ સારા કામ કરી રહી છે. અંગ પ્રત્યારોપણને પ્રોત્સાહન આપવા માટે ‘નેશન ઓર્ગન અને ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન’ (નોટો)ની સ્થાપના કરવામાં આવી છે. આપણે ત્યાં એવું કહેવામાં આવ્યું છે કે ‘તેન ત્યક્તેન ભુંજીથા:’ ત્યાગનો આનંદ આ મંત્ર ‘તેન ત્યક્તેન ભુંજીથા:’ માં ખૂબ સરસ રીતે વર્ણવ્યો છે. આપણે બધાએ ટેલીવિઝન પર જોયું હશે કે દિલ્હીની જી.બી. પંત હોસ્પિટલમાં એક ગરીબ લારીવાળાની પત્નીનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. આ લીવરને ખાસ વ્યવસ્થા કરીને લખનૌથી દિલ્હી લાવવામાં આવ્યું હતું અને તે કામગીરી સફળ રહી. એક જીવ બચી ગયો.’ મૃત્યુ પામેલી વ્યક્તિના ઓછામાં ઓછા છ અંગ – કિડની, લીવર, હૃદય, ફેફસાં, પેન્ક્રિયાસ (સ્વાદુપિંડ) તથા ઇન્ટેસ્ટાઇન (આંતરડું) બીમાર વ્યક્તિને નવજીવન આપી શકે છે. એ જ રીતે બ્રેનડેડ વ્યક્તિના ઓછામાં ઓછાં 37 અંગ બીમાર લોકોને નવજીવન આપી શકે છે. ભગવાનની ભક્તિ કરવાનું જેટલું મહત્ત્વ છે, એટલું જ મહત્ત્વ જરૂરિયાતવાળા લોકોને નવજીવન આપવાનું પણ છે. 130 કરોડ કરતાં વધુ વસ્તી ધરાવતા આપણા દેશમાં રોજેરોજ વિવિધ કારણસર હજારોની સંખ્યામાં લોકો અંતિમ શ્વાસ લે છે. તેની સામે એવા જ હજારો લોકો છે, જેઓ માત્ર એકાદ અંગની રાહ જોવામાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતાં હોય છે. મૃત્યુ પામી રહેલા અર્થાત્ બ્રેનડેડ લોકોનું અથવા મૃત્યુ પામી ચૂકેલા લોકોનું એ અંગ એવી વ્યક્તિને મળી જાય તો તેને તો નવજીવન મળે જ, સાથે તેમના પરિવારને પણ નવજીવન પ્રાપ્ત થાય છે. માનવતા અને માનવીય મૂલ્યોનું સન્માન કરવાની બાબતમાં ભારત હંમેશાં અગ્રીમ હરોળમાં રહ્યો છે. તો પછી અંગદાન જેવું માનવતાનું કામ બીજું કયું હોઈ શકે! ⬛ namaskarkishore@gmail.com

અન્ય સમાચારો પણ છે...