સોશિયલ નેટવર્ક:મહાપુરુષને અપમાનિત કરનારી બૌદ્ધિક ટોળકી

કિશોર મકવાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડો. આંબેડકરનું મિશન ‘નેશન ફર્સ્ટ’ હતું અને તેથી દેશને ખતમ કરવા માંગતા આવા માયાવી લોકોને ઓળખવા એ રાષ્ટ્રીય કર્તવ્ય છે. માયાવી લોકોની જાળને ધ્વસ્ત કરવી જોઇએ

યુગપ્રવર્તક મહાપુરુષો વિશે સમાજમાં જુદી જુદી ધારણાઓ પ્રવર્તતી હોય છે. યુગપુરુષનો એક ભક્તવર્ગ તૈયાર થાય છે અને તેમને જાગૃત દેવતા માને છે, તો બીજો વર્ગ તે યુગપુરુષને રતીભાર મહત્ત્વ આપતો નથી. તેમનો મત એવો હોય છે કે, યુગપુરુષના વિચારોના કારણે અને કામગીરીને કારણે સમાજ અને દેશને અત્યંત નુકસાન થયું છે. ત્રીજો વર્ગ પોતાના સ્વાર્થ માટે યુગપુરુષના વિચારોનો પ્રશંશક કે વિરોધી બની જાય છે. ડો. બાબાસાહેબ આંબેડકર, મહાત્મા ગાંધી અને સ્વતંત્રતાવીર સાવરકર આ ત્રણેય સમકાલીન યુગપુરુષો માટે તમને આ ત્રણેય પ્રકારની ધારણા જોવા મળશે. ડો. બાબાસાહેબ આંબેડકરને વિશ્વભૂષણ, મહામાનવ માનનારા લોકો પણ છે, તો કેટલાક લોકો તેમને દલિતોના નેતા સિવાય બીજું સ્થાન આપવા તૈયાર નથી. ત્રીજો વર્ગ પોતાની વિચારધારાના સ્વાર્થ માટે બાબાસાહેબનો કુનેહપૂર્વક ઉપયોગ કરે છે. એક પક્ષ બાબાસાહેબનું અધ્યયન કરનાર, તેમના વ્યક્તિત્વ માટે શ્રદ્ધા રાખનારો છે. તેમાં પણ બે પ્રકાર છે. વાસ્તવિક અધ્યયન કરનારા પહેલા પ્રકારમાં આવે છે. આ પ્રકારમાં કેટલાક નામ ધનંજય કીર, વસંત મૂન, નામદેવ ઢસાલ, નરેન્દ્ર જાદવ વગેરે છે. બીજા પ્રકારમાં માયાવી આંબેડકર ભક્તોનો સમાવેશ થાય છે. તેમનો એજન્ડા અલગ છે. આ પ્રકારના માયાવી ભક્તો એકેડેમિક ક્ષેત્રમાં વધારે જોવા મળે છે. તેઓ પરિસ્થિતિનું વિશ્લેષણ એવી રીતે કરે છે જેથી આંબેડકર વિશે વધારે ન જાણનાર લોકો તેમની જાળમાં ફસાઈ જાય. આ પ્રકારના લોકો પોતાની જાતને પ્રગતિશીલ, સેક્યુલર, લોકતંત્રવાદી, માનવતાવાદી ગણાવે છે. આમ તો આ મહોરાં હોય છે. એમને માનવતા કે લોકશાહી સાથે કંઇ લેવાદેવા હોતી નથી. ડો. બાબાસાહેબ આંબેડકરે ડાબેરીઓને અરાજકતાવાદી, જૂઠ્ઠા, લોકશાહી અને બંધારણ વિરોધી તેમ જ પોતાના સ્વાર્થ માટે બીજાની હત્યા કરતાં પણ ન ખચકાય તેવા ગણાવ્યા છે. આજે આ જ ડાબેરીઓ ડો. આંબેડકરના હિતેચ્છુ હોવાનો ડોળ કરી એમના નામે જૂઠ ચલાવવું, ભ્રમ ફેલાવવો, અને અર્ધસત્ય લખાણો લખી લોકોને ગુમરાહ કરવા માટે જાણીતા છે. અરુંધતી રોય, રોમીલા થાપર, આનંદ તુલતુંબડે જેવા ડાબેરીઓ-નક્સલીઓ પ્રથમ હરોળમાં આવે. અરુંધતી રોયે તો ડો. આંબેડકરના પ્રવચન પર આધારિત એક પુસ્તકની પ્રસ્તાવના લખીને રીતસર આ મહામાનવને અપમાનિત જ કરી નાખ્યા. વાર-તહેવારે ડો. આંબેડકરના અપમાનને મુદ્દો બનાવી રાજકારણ રમતા દલિત ઠેકેદારો આવા મામલે કાયમ ચૂપ રહે છે. અરુંધતી રોયનો એક ચહેરો દલિત -શોષિત-આદિવાસીઓ માટે લડનારી મહિલાનો છે. આવી વ્યક્તિઓ સામે કોઈ બોલવા કે લખવા તૈયાર થતું નથી. ‘અનાહિલેશન ઓફ કાસ્ટ’ બાબાસાહેબનું અત્યંત મહત્ત્વપૂર્ણ પુસ્તક છે. પુસ્તકના પ્રકાશક નવયાન પ્રકાશન સંસ્થાએ પ્રસ્તાવના અરુંધતી રોય પાસે લખાવી છે. પુસ્તક બજારમાં આવ્યું ત્યારે પુસ્તકના કવર પર બાબાસાહેબની સાથે અરુંધતી રોયનું નામ છાપવામાં આવ્યું હતુંં. પહેલો પ્રશ્ન તો એ છે કે, આંબેડકરના પુસ્તકની પ્રસ્તાવના લખવાની અરુંધતી રોયની યોગ્યતા છે? ડો. આંબેડકરના 60-65 પાનાંના પુસ્તક annihilation of caste (લાહોરના જાત-પાત તોડક મંડળમાં આપવાનું પ્રવચન-જે બાબાસાહેબ આપી નહીં શકેલા તેનું તેમણે પુસ્તક છપાવ્યું)નું અરુંધતી રોય જેવી જેહાદી અને નક્સલી આતંકવાદની સમર્થક વ્યક્તિ કઇ હદે વિકૃત વિશ્લેષણ કરે છે. ડો. બાબાસાહેબ લિખિત સાઠ પાનાંના આ પુસ્તકમાં અરુંધતીએ બસો પાનાંની પ્રસ્તાવના લખી છે. લેખક પોતાની સમકક્ષ કે પોતાનાથી વેંત ઊંચી પ્રતિભા પાસે પુસ્તકની પ્રસ્તાવના લખાવતા હોય છે. ડો. આંબેડકરે કોઇની પાસે પ્રસ્તાવના લખાવી નથી. 1936માં બાબાસાહેબે પોતાની હયાતીમાં પોતે છપાવેલા પુસ્તકની 2016માં અરુંધતી રોય બસો પાનાંની પ્રસ્તાવના લખે એ આઘાતજનક છે. બાબાસાહેબે ડાબેરી વિચારધારાને માત્ર દલિતો માટે જ નહીં, સમગ્ર માનવજાત માટે દુશ્મનરૂપ ગણાવી છે. એ વિચારધારાની ઘોર સમર્થક પોતાના વિચારો ફેલાવવા ડો. આંબેડકરના નામને વટાવી ખાય આ કેવી ચાલાકી? ડાબેરી બૌદ્ધિકોને એમની બૌદ્ધિકતાનો એટલો અહંકાર હોય તો એમણે સ્વતંત્ર પુસ્તક લખવું જોઇએ, ડો. બાબાસાહેબ જેવા રાષ્ટ્રપુરુષ ખભે શું કામ બંદૂક મૂકો છો? ડો. આંબેડકરના પુસ્તકનો આવો ઉપયોગ કેમ? અરુંધતી રોયની પ્રસ્તાવના ચાલાકીપૂર્વકનો દસ્તાવેજ છે. આ પુસ્તકમાં બાબાસાહેબે કહ્યું કે, જો હિંદુ સમાજને સંગઠિત કરવો હોય તો તેને જાતિમુક્ત બનાવવો જોઈએ. જાતિનું બંધન ધર્મને કારણે છે. ધર્મની માન્યતાને સમાપ્ત કરી અને સમાજને એક તાંતણે બાંધવો જોઈએ. સમાજનું સંગઠન સ્વતંત્રતા, સમતા અને બંધુત્વ પર આધારિત હોવું જોઈએ, પરંતુ અરુંધતીની પ્રસ્તાવનામાં તેનો ઉલ્લેખ પણ નથી. અરુંધતી રોયે પુસ્તકની પ્રસ્તાવનામાં મહાત્મા ગાંધીને નીચા બતાવવાનો અને જાતિવાદને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. અરુંધતી રોય, ગેલ આમ્વેટ, ડો. આનંદ તેલતુંબડે જેવા માયાવી આંબેડકર ભક્ત ખતરનાક હોય છે. ડો. આંબેડકરનું મિશન ‘નેશન ફર્સ્ટ’ હતું અને તેથી દેશને ખતમ કરવા માંગતા આવા માયાવી લોકોને ઓળખવા એ રાષ્ટ્રીય કર્તવ્ય છે. ⬛ namaskarkishore@gmail.com

અન્ય સમાચારો પણ છે...