સોશિયલ નેટવર્ક:એક અમેરિકને જીન્સ, ટી-શર્ટ ઉતારીને ભગવાં પહેરી લીધા!

એક વર્ષ પહેલાલેખક: કિશોર મકવાણા
  • કૉપી લિંક
  • પર્વતની ટોચે બેઠેલા રિચર્ડના અંતરમાંથી અવાજ ઊઠ્યો. ‘ભારત જા’ અને પુણ્યભૂમિ ભારતમાં પહોંચવાની જીજિવિષા હૃદયમાં જાગ્રત થઈ

અમેરિકાના હાઈલેન્ડ પાર્કમાં રહેતા યુવાન રિચર્ડે જીવનમાં ક્યારેય ભારતનું નામ નહોતું સાંભળ્યું. એક દિવસ સ્વિસની પહાડીઓમાં રખડી રહ્યો હતો. પર્વતની ટોચે બેઠો હતો અને એના અંતરમાંથી અવાજ ઊઠ્યો. ‘ભારત જા’ અને પુણ્યભૂમિ ભારતમાં પહોંચવાની જીજિવિષા હૃદયમાં જાગ્રત થઈ. જીન્સ, ટી-શર્ટ ઉતારીને ભગવાં પહેરી લેવાની ઝંખના જાગી. એના પિતા ઝિરાલ્ડ અને મા ઈડલ બહુ ધાર્મિક નહોતાં, પરંતુ જીવનમાં સેવા, સમર્પણ અને શ્રદ્ધાને ખૂબ મહત્ત્વ આપતાં.

રિચર્ડ સમજણો થયો ત્યારથી જ પશ્ચિમની પરંપરાઓને અવગણતો. ઘરમાં એ જમતી વખતે ખુરશી પર બેસવાનું ટાળતો. હોટલમાં જમવા જતાં ત્યારે પણ એ ખુરશીમાં બેસવા આનાકાની કરતો. એની માતાએ રિચર્ડનાં નવાંનક્કોર કપડાં જ્યાં સુધી એ જૂનાં ના દેખાય ત્યાં સુધી વારંવાર ઘસીઘસીને ધોવાં પડતાં કારણ કે એ પછી જ રિચર્ડ કપડાં પહેરતો. નવા બૂટ લાવતા ત્યારે પણ એ પથ્થરથી ઘસીને એને જૂના કરી નાખ્યા પછી જ પહેરતો. બીજાથી ચડિયાતી વસ્તુઓ રિચર્ડ પાસે હોવી એ સ્થિત જ એને શરમજનક લાગતી. ગરીબ અને છેવાડાના માણસને પૂજ્યભાવથી જોતો. એકવાર પરિવાર સાથે એ ‘કન્ટ્રી ક્લબ’માં જમવા માટે ગયેલો. થોડીવારમાં એ દોડતો બહાર નીકળી ગયો. કારણ કે તે એની સાથે ભણતા વિદ્યાર્થીને વેઈટર તરીકે જોયો. પોતાની સાથે ભણતો ગરીબ ઘરનો છોકરો એક વેઈટર તરીકે જમવાનું પીરસે એ રિચર્ડ સહન ના કરી શક્યો. એના દાદા પાછળ પાછળ આવ્યા ત્યારે રિચર્ડ ગાડીમાં બેઠેલો હતો. દાદાને એણે વાત કરી. દાદા એટલું જ બોલ્યા, ‘તારા આવા વિચારો પર મને ગર્વ છે.’ યુવાવસ્થામાં પગ મૂક્યો ત્યારે પણ ઈશ્વરની સ્તુતિ કરતો, આત્માને સ્પર્શે એવાં ગીતો ખૂબ ગમતાં. સંપત્તિ, પ્રતિષ્ઠાનો દંભ અને પરપોટા જેવા સામાજિક તરંગોથી પર એવો જીવનનો સાચો હેતુ જાણવાની ઝંખના થયા કરતી. જીવનના હેતુની શોધમાં જ એ માર્ટિન લ્યૂથર કિંગ જુનિયરની કાળાઓ માટેના હકની ચળવળમાં કૂદી પડ્યો. હબસીઓ માટે કામ કરવામાં એને આનંદ આવતો. કૉલેજમાં એણે મનોવિજ્ઞાન અને સામાજિક વિષયો પર અભ્યાસ કર્યો.

એક દિવસ એના કૉલેજ મિત્રો ગેરી લીસ અને ફ્રેન્કે યુરોપના દેશો જોવાનો કાર્યક્રમ બનાવ્યો. રિચર્ડને પણ સાથે આવવા આગ્રહ કર્યો. રિચર્ડના કુટુંબમાંથી કોઈ વ્યક્તિ ક્યારેય અમેરિકાની બહાર ગઈ નહોતી. દુનિયાભરનાં માતા-પિતા લાગણીના મામલે એકસરખાં હોય છે. કોઈ માતા-પિતા દીકરો-દીકરી ગમે તેટલી ઉંમરના થાય એકલાં મોકલતાં ખચકાતાં હોય છે. રિચર્ડનાં માતા-પિતા પણ એવા જ હતાં. એક દિવસ ઘરના બધા સભ્યો ભોજન કરવા સાથે બેઠા હતા. રિચર્ડે જાહેરાત કરી, ‘મેં ગેરી સાથે યુરોપ ફરવા જવાનું નક્કી કર્યું છે.’ મા જાણે અંગત વ્યક્તિના મોતના સમાચાર સાંભળ્યો હોય એમ રિચર્ડ સામે તાકી રહી, ‘રિચી...’ એ ડૂસકાં ભરતાં બોલી, ‘તું કેમ જાય છે ?’ ‘ત્યાં તું શું ખાઈશ ?’ ‘તું રોકાઈશ ક્યાં ?’ ‘હજુ તો તું બાળક છે.’ ચિંતાથી માએ સવાલોનો મારો ચલાવ્યો. પિતા પણ ઢીલા અવાજે બોલ્યા, ‘મારા દીકરા, ગાંડો થયો છે ? તને દુનિયાનો અનુભવ નથી.’ પરંતુ જવા માટેની રિચર્ડની મક્કમતા જોઈ બધાં મૌન થઈ ગયાં. માતા-પિતા એટલું જ બોલ્યાં, ‘તું પાછો નહીં આવે ત્યાં સુધી અમને રાત-દિવસ તારી ચિંતા થયા કરશે.’

ત્રણેય મિત્રો યુરોપ પહોંચ્યા. ત્રણેયમાંથી માત્ર ફ્રેન્ક પાસે જ થોડા ડૉલર હતા. એ ચોરાઈ ગયા. ફ્રેન્ક ઘરે પાછો ફર્યો. ગેરી અને રિચર્ડે એમની પાસેના 20 ડૉલરથી આગળ પ્રવાસ કરવાનું નક્કી કર્યું. દિવસોના પ્રવાસ પછી અનેક ગામડાં અને શહેરો પસાર કરી એ પેરિસ આવ્યા. બંને મિત્રો કલાકો સુધી એમના જીવન અને આધ્યાત્મિક ઉત્કટતા વિશે વાત કરતા. ક્યારેક રસ્તા પર ગીતો ગાઈને વાપરવા જેટલા પૈસા ભેગા કરી લેતા. ક્યારેક પગપાળા તો ક્યારેક કોઈની લિફ્ટ લઈને પ્રવાસ આગળ ધપાવતા. ઘણીવાર જંગલમાં રાતો વિતાવી. રખડતાં રખડતાં બંને સ્વિસ પહોંચ્યા અને એક દિવસ રિચર્ડ સૂર્યાસ્ત સમયે પહાડ પર બેઠો હતો અને અંતરમાં અવાજ ઊઠ્યો: ‘ભારત જા...’ રિચર્ડ પાસે પૈસા નહોતા. આગળ કેવી રીતે જવું એની ગતાગમ નહોતી. છતાં એ માનતો હતો કે એ આંતરિક પોકાર ભગવાનનો છે! આવી જ અનુભૂતિ ગેરીને પણ થયેલી અને એના અંતરમાંથી અવાજ ઊઠ્યો હતો: ઈઝરાયલ જવાનો... બંને મિત્રોની દિશા અહીંથી ફંટાઈ. એક ભારત તરફ ચાલી નીકળ્યો, બીજો ઈઝરાયેલ તરફ. રિચર્ડ થોડા દિવસ માટે જ ઘરેથી યુરોપના પ્રવાસે નીકળ્યો હતો, પરંતુ એ પાછો ક્યારેય ઘરે ના ગયો. અધ્યાત્મ અને જીવનનું સાચું સુખ કયું છે એની શોધમાં એ નીકળી પડ્યો. અનેક દેશોની સરહદો ઓળંગતો ક્યારેક પગપાળા, તો ક્યારેક ખટારામાં બેસીને એ ભારત આવ્યો. એણે પસંદ કરેલા માર્ગ વિશે માતા-પિતાને પત્ર લખ્યો: ‘મેં સ્વીકારેલો માર્ગ ખાડા-ટેકરાવાળો જરૂર છે, છતાં વાસ્તવિક રીતે એ માર્ગ મારા માટે સારો છે, સાચો છે. મહેરબાની કરીને મારી ચિંતા કરીને દુઃખી ના થતાં.’

ગામડાંઓનાં લોકો અહીંના યોગીઓ, નાગા બાવાઓ અને હિમાલયની ગોદ, ગંગા નદીમાં પાવન સ્નાન, મઠ-મંદિરો, આશ્રમો અને આખા દેશની રખડપટ્ટી કર્યા પછી રિચર્ડમાંથી એ ‘રાધાનાથ સ્વામી’ બની ગયો. ભગવાધારણ કરી હિમાલયની ગીરી કંદરાઓ અને આશ્રમો ખૂંદી નાખ્યા. રીચર્ડમાંથી રાધાસ્વામી બનવાની કથા રોમાંચક છે. એમણે લખેલા પુસ્તકોમાં વાંચવા જેવા છે, એમાં એમની અધ્યાત્મ જીવનની રોમાંચક સફર જાણી શકાય છે. એ ઘરેથી નીકળ્યો ત્યારથી લઈ લક્ષ્યપ્રાપ્તિ સુધીનો એમનો પ્રવાસ કેટલો ભીષણ, રૂંવાડાં ઊભાં કરી દેનારો છે એ તો રિચર્ડના શબ્દોમાં લખાયેલા પુસ્તક ‘પેલે પારનો પ્રવાસ’ કરીએ તો જ જાણી શકીએ, આ દેશના ધર્મ, અધ્યાત્મ, સમાજ, લોકોને અહીંની ધરતી કેટલી પુણ્યશાળી અને ભવ્ય છે એ રિચર્ડની નજરે જોવા જાણવા જેવી છે ! namaskarkishore@gmail.com

અન્ય સમાચારો પણ છે...