તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસાંજો કચ્છ:ગજબની સાંસ્કૃતિક અને વૈચારિક અેકતા

કીર્તિ ખત્રી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધોળાવીરાની હડપ્પન વસાહતનો મુદ્દો ચર્ચતી વખતે સમગ્રતયા સિંધુ ખીણની સભ્યતાના વ્યાપ અને અેનાં કેટલાક અાગવા લક્ષણો ધ્યાને લેવા જરૂરી છે. વિશ્વની સાૈથી પ્રાચીન સભ્યતાઅોમાં ઇજિપ્ત, મેસોપોટામિયા અને ત્રીજી સાૈથી ચર્ચિત તે અવિભાજ્ય ભારતની હડપ્પા સંસ્કૃતિ 5000થી 8000 વર્ષ જૂની છે. અેને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનો સંપૂર્ણ યશ બ્રિટિશ રાજને-અંગ્રેજોને ફાળે જાય છે. પ્રાચીન સભ્યતા ધરબાયેલી હોવાના એંધાણ મળતાં બ્રિટિશ સરકારે 1861માં ભારતીય પુરાતત્ત્વ વિભાગની રચના કરી હતી. અાખરે 60 વર્ષ પછી અેટલે કે 1921માં દયારામ સાહનીના નેતૃત્વ હેઠળ હાથ ધરાયેલા ઉત્ખનનમાં હડપ્પા વિસ્તારમાંથી પ્રાચીન શહેરના અવશેષ મળ્યા, તો અે જ સમયમાં મોહેં-જો-દડોમાં પણ રખાલદાસ બેનર્જીની ટીમે પ્રાચીન વસાહતના અવશેષ પાધરા કર્યાં. અામ, 1921માં અવિભાજ્ય ભારતમાં અેક અનોખી માનવ સભ્યતાની ખોજ થઇ. સો વર્ષ વીતી ગયા છે અે ખોજને. વીતેલી અેક સદીમાં ભારતીય ઉપખંડે અનેક ઊથલપાથલ જોઇ છે. 1947માં ભારતનું વિભાજન થયું અને 1971માં પાકિસ્તાનનાયે ટુકડા થયા. અા દરમિયાન વિજ્ઞાન અને ટેક્નોલોજીઅે હરણફાળ ભરી છે. ઉપગ્રહ તસવીરોના સહારે ધરતીના પેટાળ વાંચવાનું અાસાન બનતાં સિંધુ ખીણના સેંકડો શહેર અને વસાહતો શોધી કાઢવામાં અાવ્યાં છે. અેની વ્યાપકતા પર નજર કરીઅે તો, અત્યારના પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાન્તના સૂતકાંગે ડોરથી ઉત્તર પ્રદેશના અાલમગીરીપુર સુધી અને જમ્મુ-કાશ્મીરના માંદા ચિનાબ કિનારાથી મહારાષ્ટ્રના દાયમાબાદ સુધીના અંદાજે 15થી 20 લાખ ચો.કિ.મી.ના ક્ષેત્રફળમાં સિંધુ સભ્યતાનો પથારો હતો. બલુચિસ્તાન, સિંધ, પંજાબ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના સીમાવર્તી ક્ષેત્ર સુધી ફેલાયેલી અા સભ્યતા ઇજિપ્ત અને મેસોપોટામિયા કરતાં વિશાળ ક્ષેત્રફળ ધરાવતી હતી. અેની માનવવસ્તીનો અંદાજ 50 લાખ કરતાં વધુ છે. નામકરણને સંબંધ છે ત્યાં સુધી મોંહે-જો-દડો વિસ્તાર સિંધુ નદી નજીક હોવાથી અેને સિંધુ ખીણ નામ અાપી દેવાયું. ખોજ અાગળ વધતાં જાણવા મળ્યું કે સરસ્વતી તેમ જ અન્ય નદીઅોના કાંઠે અને મેદાનોમાં અા સભ્યતા પ્રવર્તમાન હતી. આ અંગે સરસ્વતીનું નામ તેની સાથે જોડાયું હોવા છતાં અાજે પ્રચલિત નામ તો સિંધુ ખીણનું જ છે. તેથી જ કચ્છના જાણીતા પુરાતત્ત્વવિદ ડો. પુલિન વસા અેમ કહે છે કે સિંધુ સભ્યતાનો ઉલ્લેખ સમયસૂચક છે, સ્થળસૂચક નથી. સિંધુ જ્યાં નથી ત્યાં પણ અા માનવ સભ્યતા પોતાની લાક્ષણિકતા અનુસાર વિકસી છે તેથી તે સિંધુકાલીન સંસ્કૃતિ છે. અેને સ્થળ સાથે સંબંધ નથી. વધુ સ્પષ્ટતા કરતાં ડો. વસા કહે છે કે, અા સભ્યતાના શહેરો ભાૈગોલિક દૃષ્ટિઅે અેકમેકથી સેંકડો માઇલ દૂર હોવા છતાં તત્કાલીન માનવોની સાંસ્કૃતિક અેકતા, વૈચારિક અેકતા, શાસન પદ્ધતિની અેકવાક્યતા અને વ્યાપક અાદાન-પ્રદાનની અેકતા પ્રસ્થાપિત થઇ હતી, તે અેનો જ્વલંત પુરાવો છે. ડો. વસા તો અા અેકતા અને અેકવાક્યતાને અખંડ હિન્દુસ્તાનની પરિકલ્પનાનો પાયો માને છે. અા માન્યતાના સમર્થનમાં તેમણે લખ્યું છે કે ‘સંસ્કૃત પ્રજાનો (સિંધુ સભ્યતા)નો અસ્ત થયા પછી ભારતમાં લગભગ અેક હજાર વર્ષનાે અંધકાર યુગ અાવે છે જેના વિશે ખાસ કોઇ માહિતી અાપણી પાસે ઉપલબ્ધ નથી. ત્યાર પછી છેક ઇ.સ. પૂર્વે 300-400 પહેલાંના સમયથી ફરી પાછા સ્પષ્ટ અૈતિહાસિક પુરાવાઅો મળવા માંડે છે અને ફરી ચંદ્રગુપ્ત માૈર્યથી લઇ ગુપ્ત સામ્રાજ્ય સુધી પુન: અેક વિશાળ અખંડ ભારતની કલ્પનાને સાર્થક કરવામાં અાવી હોવાનો ઇતિહાસ અાપણી પાસે છે. ભલે અે શહેરોનો (સિંધુ ખીણના) અંત અાવ્યો, પણ અે પ્રજા અને તેની વિચારધારા, ધર્મ, કાૈશલ્ય અને શોખ અદ્યાપિ જીવંત રહ્યા છે.’ ટૂંકમાં, સિંધુ સભ્યતા અેટલે અખંડ હિન્દુસ્તાન. મૂળ મુદ્દા પર પાછા ફરીઅે તો, સિંધુ સભ્યતાના 1400થી વધુ શહેર કે વસાહતોની પહેચાન-ખોજ અત્યાર સુધીમાં થઇ ચૂકી છે. અા પૈકી 925 સાઇટ ભારતમાં છે. અામ છતાં અા સાઇટો પૈકી માત્ર 3 ટકા સ્થળે ઉત્ખનન થયું છે. તોય જે કાંઇ પુરાવા મળ્યા છે અે વિશાળ પ્રમાણમાં છે અને અે સૂચવે છે કે અા પ્રજાઅે મંદિરો બનાવ્યા નથી, પરંતુ સૂર્ય, ચંદ્ર, પવન, પાણી, અગ્નિની પૂજા કરતી હતી. સ્વસ્તિક, પશુપતિનાથ, મહાદેવની પૂજાના ચિહ્્્નો મળ્યાં છે. લિંગપૂજા અને માતૃપૂજાયે થતી. સાપ અને પાણી પૂજાઅે ખરી. ટૂંકમાં, ડો. વસાના મતે અાપણી અાજની ધાર્મિક માન્યતાઅો અને ધર્મનો પાયો પાંચ હજાર વર્ષ જેટલો જૂનો છે. અહીં અે પણ નોંધવું જોઇઅે કે ધોળાવીરા વસાહત ઉત્ખનનના કર્ણધાર ડો. બિસ્ત ઉપરાંત ડો. અેમ.જે. ધવલીકરે અા નગરની રચના વેદકાલીન વર્ણવ્યવસ્થા સાથે સંબંધ ધરાવતી હોવાનું અનુમાન વ્યક્ત કરેલું છે. જોકે અા અેક અલગ ચર્ચાનો વિષય છે. બાકી, વિકિપીડિયાની માહિતી અનુસાર, ભારતના જુદા જુદા રાજ્યોમાં સિંધુ સભ્યતાના શહેરો શોધાયાં છે અને ખોદકામ થયું છે, તેમાં સાૈથી મોખરે ગુજરાત અને ગુજરાતમાં સાૈથી વધુ કચ્છમાં છે. બીજા નંબરે હરિયાણા રાજ્ય અાવે છે, જ્યાં રાખીગઢીમાં મોટા પાયે ઉત્ખનન થયું છે. ગુજરાતમાં લોથલ, રંગપુર, રોજી, માલવદ, દેસૂલ, પ્રભાસ પાટણ, ભગતરાવ, બેટદ્વારકા, કાંજેતર, બાબરકોટ, લોટેશ્વર, કુંતાસી, રોજડી, વેજાલ્કા વગેરે, કચ્છમાં ધોળાવીરા, દેશલપર (ગુંતલી), જૂની કુરણ, રાયણ, નવીનાળ, પબુમઠ, શિકારપુર, સુરકોટડા, કોટડા ભડલી, ખીરસરા, વગેરે, હરિયાણામાં રાખીગઢી, ભિરડાણા, બનાવલી, કુણાલ અને મીતાથલ, પંજાબમાં રોપડ, બાડા અને સંધોલ, મહારાષ્ટ્રમાં દાયમાબાદ, રાજસ્થાનમાં કાલીબંગા અને જમ્મુ-કાશ્મીરમાં માન્ડાનો સમાવેશ થાય છે. સિંધુ સભ્યતાનું સાૈથી પ્રાચીન શહેર 2014માં હરિયાણામાં ભિરડાણા ખાતે શોધાયું હતું. જોકે નગરરચના સંદર્ભે સાૈથી વધુ મહત્ત્વ ધોળાવીરાને અપાય છે. ⬛ kirtikhatri@hotmail.com

અન્ય સમાચારો પણ છે...