તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહજ સંવાદ:સિકંદર, એરિસ્ટોટલ, ગઝનવી અને ગુજરાતીપણું!

વિષ્ણુ પંડ્યા11 દિવસ પહેલા
 • કૉપી લિંક

ઇતિહાસ પણ કેવો અને કેટલો અદ્્ભુત, રહસ્યમય અને રોચક હોય છે? હમણાં કચ્છ જવાનું થયું તો યાદ આવ્યો એલેક્ઝાંડર ધ ગ્રેટ સિકંદર. વિશ્વવિજેતા થવાનાં રક્તરંજિત સપનાં સાથે નીકળ્યો હતો. તે આ કચ્છની ભૂમિ પરથી પસાર થયો ઇ.સ. પૂર્વે 325માં. અહીં તેને યુદ્ધ કરવામાં હવે રસ નહોતો. તેને તો નાલંદા વિદ્યાકેન્દ્રમાં અધ્યાપન કરાવતા બ્રાહ્મણ વિષ્ણુગુપ્ત એટલે કે આચાર્ય ચાણક્યની રાજનીતિથી જ નવાઈ લાગી. ખુલ્લા ખભા પર જનોઈના ત્રણ દોરા, મસ્તક પર ખુલ્લી શિખા અને વસ્ત્રમાં એક ધોતી, આમાં ક્યાંય બખ્તર નહોતું, ઢાલ નહોતી, તલવાર પણ નહીં, નિવાસ માટે એક ઝૂંપડી છતાં તેના શબ્દો, તેની પૂજા, તેનું લેખન... આ બધું પ્રજાને માટે પ્રેરિત બળ હતું, આવું કેમ? અને વળી, આ તો શિક્ષક હતો. એથેન્સમાં વિચારકો, શિક્ષકોની બોલબાલા હતી. એરિસ્ટોટલ કે સોક્રેટિસનાં નામ જાણીતાં પણ આવી કુશળ અને પ્રચંડ રાજનીતિ સાથેનું સામર્થ્ય? પૌરસ પણ પરાજિત છતાં વિજયી જ રહ્યો! કચ્છમાં તેને એક વધુ પરિચય ભારતીય ચિંતન અને શક્તિનો થઈ ગયો. ધૂળ ઉડાડતા અસવારોની આગેકૂચ કોઈ રોકી શકે તેમ નહોતું એવો તેને ગર્વ હતો. ત્યાં રસ્તામાં એક વૃક્ષના છાંયડે નિદ્રાધીન અલ્લડ સંન્યાસી પર તેની નજર પડી. એક કિશોર વયનો શિષ્ય તાપણું કરીને રસોઈ બનાવી રહ્યો હતો. સિકંદરને નવાઈ લાગી. આવો અર્ધ આવૃત્ત મનુષ્ય જોઈને નવાઈ લાગી. તેણે પોતાનો રથ રોક્યો. પુછાવ્યું કે તે શું કરે છે? પોતાના સૈન્યમાં અપરિચિત ભાષાના જાણકારોને તે સાથે જ રાખતો. યુદ્ધ એમ જ જીતાતું નથી, ભાષાને ય ખભે બેસાડવી પડે છે! ‘તે અર્ધનિદ્રિત આંખે સંસ્કૃત શ્લોકનું પઠન કરી રહ્યો છે.’ તેને થયું, આ દેશમાં રસ્તા પર સાધુ, સંતો, ફિલસૂફો જ મળે છે! તેણે પૂછ્યું, ‘આપ કોણ છો?’ તેણે ભાષાંતર કરનારને કહ્યું, ‘તારા રાજાને કહે કે હું કોઈ જ નથી. ન મારું કોઈ નામ છે, ન શરીર, ન લાલસા, ન ઈચ્છા.’ સિકંદર: ‘ચિંતા કરવાની જરૂર નથી. અમે તો અમારા ગ્રીસ દેશમાં પાછા વળી રહ્યા છીએ. થાકી ગયા તમારાથી. અહીંનો સૈનિક અને રાજા, પ્રજા અને પંડિત બધાં જીવનની ફિલસૂફીથી તરબતર રહે છે. હું અહીં પરાજય પામ્યો હોઉ એવું લાગે છે.’ ‘તારે મૃત્યુને સુધારવું છે?’ સંન્યાસીનો પ્રશ્ન. ‘મારે તો આખી દુનિયા જીતીને ધ ગ્રેટ એલેકઝંડર બનવું છે!’ તુચ્છકારથી સિકંદરે કહ્યું.‘ગ્રેટ? એટલે શું?’ ‘ગ્રેટ એટલે મહાન.’ ‘મહાનથી મહાન નથી થવું?’ સિકંદરને રસ પડ્યો: ‘મહાનથી મહાન કોઈ હોતું હશે?’ ‘હા. મહાનથી પણ મહાન હોય તે મહાત્મા. તે કોઈનાથી ડરે નહીં. તું ડરે છે કોઈનાથી?’જવાબમાં સિકંદરે કહ્યું, ‘હા. બીમારીથી, કાવતરાથી, બળવાન, શત્રુથી, મોતથી... પણ મને ડરાવી શકે એવો મનુષ્ય જન્મ્યો જ નથી.’ સાધુએ બળતા અગ્નિમાંથી સળગતાં બે લાકડાં કાઢ્યાં અને તે લઈને સિકંદર તરફ ગયો. સૈનિકોએ તેને રોક્યો. તેણે પૂછ્યું, ‘જો તારો રાજા કોઇથી ડરતો નથી તો આ બળતાં લાકડાંથી કેમ ગભરાય છે?’ એમ કહીને સાધુએ તે લાકડાંથી પોતાનો હાથ બાળવા માંડ્યો. સિકંદરે ઊંચા અવાજે કહ્યું: ‘અરે મૂર્ખ, આ શું કરી રહ્યો છે?’ સૈનિકોએ તેના હાથમાંથી લાકડાં ઝૂંટવી લીધા. પાછળ ઊભેલા તરુણ શિષ્યે એક શ્લોક ઉચ્ચાર્યો: ‘નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવક: ન ચૈન ક્લેદયન્ત્યાપૌ ન શોષયતિ મારુત:’ અને સાધુ તો કોઈ પરવા વિના બોલતો ગયો: ‘સાંભળ, તારા કરતાં યે મોટું યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું હતું, તારા બાપદાદાના જન્મ પૂર્વે. રણભૂમિમાં સેનાપતિના સારથિએ યુદ્ધથી પ્રેરિત કરીને અંતિમ સત્ય કહ્યું કે આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી, વાયુ સૂકવી શકતો નથી.. તે અજેય છે, અપરાજેય છે.. તેને જીતે તો ‘મહાન’થી ઉપર ‘મહાત્મા’ બની શકે. ‘તે ક્યાં છે?’ સિકંદરે પૂછ્યું. ‘તે તારામાં છે, મારામાં છે, આ સૈનિકોમાં છે. ઝાડ-જંગલમાં છે, પ્રકૃતિમાં છે.’ સિકંદર બે હાથ જોડીને સેનાની સાથે ચાલતો થયો. આ કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતની પાસે બૃહદ ગુજરાતની પરંપરા છે, જેટલું સંશોધન કરો એટલું નવું મળે. જ્યાંથી મોહમ્મદ ગઝની આક્રમણ કરવા આવ્યો અને છેક સોમનાથ સુધી પહોંચ્યો, તે પાછા વળતાં સિંધના રસ્તે નીકળ્યો. તેને સોમનાથના પૂજારીઓએ આ જીવલેણ રસ્તો બતાવ્યો અને રોગચાળામાં ફસાયેલા સૈન્યને માંડ સાચવતા તે પૂજારીઓને મારી નાખ્યા એ દંતકથાની સાથે સોમનાથની નૃત્યાંગના ચૌલાદેવીની કથા પણ છે. તેનો પરમ વિશ્વાસ હતો કે ભલે સોમનાથ તોડી પડાયું હોય, તે ફરીવાર ઊભું થશે. અને વારંવાર તેનો જીર્ણોદ્ધાર પણ થયો. સિકંદરને એરિસ્ટોટલે સલાહ આપી હતી કે પૂર્વ આફ્રિકાને જીતવા માટે જાય છેને? ભલે તેમાં વિજય મળે, પણ ત્યાં એક સુખાલ દ્વીપ છે, ત્યાંના નિવાસીઓને તલવારથી જીતી નહીં શકે. તેમનામાં વિશ્વાસ પેદા કરજે, સંબંધ બાંધજે ત્યારે મહા-વિજેતા બની શકીશ. આ સુખાલ દ્વીપમાં તે સમયે આપણાં ગુજરાતીઓ વસતા હતા! ⬛ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો