તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોશિયલ નેટવર્ક:આલ્બર્ટ આઇન્સ્ટાઇન કહે છે: આપણે ભારતીયોના ઋણી છીએ

કિશોર મકવાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતની રાષ્ટ્રીય બૌદ્ધિક શક્યતાઓ અને આધ્યાત્મિક ઊર્જા અસીમ છે

ચોથી શતાબ્દી સુધી ભારતના જ્ઞાન-વિજ્ઞાન અને વૈભવના ડંકા આખા વિશ્વમાં ગાજતા હતા. ચોથી શતાબ્દી સુધી એનો વૈભવકાળ હતો એવું કહેવાય છે, પછી ભારતનો વૈભવ ઝાંખો થવા લાગ્યો. ભારત આર્થિક-સાંસ્કૃતિક રીતે અતિશય સમૃદ્ધ હતું. કોઇ પણ અત્યાધુનિક સાધનો વિના હજાર વર્ષ પહેલાં બનેલા મંદિરોની કોતરણી-માપન જોઇ આશ્ચર્યચકિત બની જવાય છે. ભારત સામાજિક બદીઓની વિકૃતિમાં સપડાતું ગયું. ચોથી શતાબ્દી પછી એનો વૈભવ નિસ્તેજ પડતો ગયો. સાતમી શતાબ્દી પછી પડતા પર પાટું માર્યું વિદેશી આક્રાંતાઓએ. આપસી ફૂટનો એમણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો. વિદેશી ઇસ્લામી આક્રાંતાઓના ધાડા આવતા ગયા, એમ ભારત સાવ અંધકારમાં ધકેલાઇ ગયું. જ્ઞાન-વિજ્ઞાન-વૈભવ બધું ખતમ થઇ ગયું. ભારતને ગરીબી, સામાજિક સ્ખલન-પતન, વિકૃતિઓ અને ગુલામીએ ઘેરી લીધું. જોકે 1200 વર્ષની ગુલામી અને 70 વર્ષના સ્વશાસન પછી આજે ફરી ભારતની ગણના વિશ્વ સ્તરે થવા લાગી છે. ભારત ફરી એની પહેલાંની શક્તિ, સામર્થ્ય પાછાં મેળવશે એવો આત્મવિશ્વાસ જાગી રહ્યો છે. એક પ્રશ્ન થાય કે, શું ભારત સાચે જ મહાન હતું? ભારતની બોલબાલા દુનિયાભરમાં થતી હતી? આપણે દુનિયાના મહાન વૈજ્ઞાનિકો, ગણિતશાસ્ત્રીઓ અને દિગ્ગજો શું કહે છે ભારત વિશે, એમના જ શબ્દોમાં જોઇએ. આ એવા વ્યક્તિઓ છે જેમને દુનિયા જાણે, વાંચે, પૂજે છે. આમાં એક પણ ભારતીય નથી. આલ્બર્ટ આઇન્સ્ટાઇન. આજ સુધીના બધાં વૈજ્ઞાનિકો અને દાર્શનિકોમાં શ્રેષ્ઠ ગણાતું નામ. એ કહે છે : ‘આપણે ભારતીયોના અત્યંત ઋણી છીએ, કારણ કે તેમણે આપણને સંખ્યાની ગણતરી શીખવી, જેના વિના કોઇ પણ વૈજ્ઞાનિકની શોધખોળ સફળ થઇ શકી ન હોત.’ ટી. એસ. ઇલિયટના કહેવા મુજબ : ‘ભારતના દાર્શનિકો અને તેમના અતિ સૂક્ષ્મ ચિંતનની સામે મોટા ભાગના યુરોપિયન તત્ત્વવેત્તા શાળાના બાળકો લાગે છે.’ ઇલિયટ 20મી સદીના શ્રેષ્ઠ અમેરિકન કવિ, દાર્શનિક અને આલોચક મનાય છે. એમને 1948માં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ સંસ્કૃત શીખ્યા. પછી વેદ-ઉપનિષદ અને યોગસૂત્રનું મનન-પઠન કર્યું. ભારતીય તત્ત્વદર્શનનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. જર્મન લેખક અને મહાન દાર્શનિક આર્થર શોપનહોવર કહે છે: ‘ઉપનિષદના અભ્યાસ અને ચિંતન જેવું લાભદાયક અને માનવજીવનને ઉન્નત કરનારું પવિત્ર સાહિત્ય જગતમાં બીજું કોઇ નથી.’ ફ્રાન્સની ઐતિહાસિક ક્રાંતિમાં ભાગ લેનાર ક્રાંતિવીર ફ્રાન્કોઇસ એમ. વોલ્તેયર મહાન લેખક. એ ફ્રાન્સ્વા વોલ્તેયર તરીકે પણ જાણીતા હતા. એ લખે છે : ‘મહત્ત્વપૂર્ણ હકીકત એ છે કે લગભગ 2500 વર્ષ પહેલાં પાયથાગોરસ અંકગણિત અને ભૂમિતિ શીખવા માટે સામોસથી ગંગા સુધી ગયેલા. હું દૃઢપણે માનું છું કે ખગોળશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, જ્યોતિષવિજ્ઞાન વગેરેનું ગહન જ્ઞાન ગંગા-કિનારેથી જ અર્થાત્ ભારતભૂમિ પાસેથી મળ્યું છે.’ એર્વિન શ્રોડિંગરના કહેવા પ્રમાણે : ‘પૂર્વમાંથી પશ્ચિમમાં કેટલાક લોહીના સંબંધો સ્થપાય તે જરૂરી છે, જેથી પશ્ચિમના વિજ્ઞાન અને સમાજને જન્મગત રીતે આધ્યાત્મિક અને સંસ્કારની બાબતમાં ઊભી થતી ખામીઓથી બચાવી શકાય.’ એર્વિન શ્રોડિંગર વિશ્વપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી, દાર્શનિક અને વિદ્વાન લેખક. એમને તરંગ વેવ મિકેનિક્સની રચના માટે નોબલ પુરસ્કાર આપવામાં આવેલો. તેમણે ‘વોટ ઇઝ લાઇફ?’ પુસ્તક લખ્યું, જેમાં જ્ઞાનપ્રાપ્તિ અને પુસ્તક લેખનના મહત્ત્વના સ્ત્રોત તરીકે ઉપનિષદનો આધાર લીધો. જુલિયસ ઓપનહાઇમરને વિશ્વના અગ્રણી વૈજ્ઞાનિક અને એટમબોમ્બના સંશોધક પિતા કહેવાય છે. તેઓ કહે છે : ‘આધુનિક ભૌતિકશાસ્ત્રમાં અને તેની શોધખોળ તથા પ્રાપ્ત થતી સિદ્ધિઓમાં આપણને પ્રાચીન હિન્દુસ્તાનનું જ્ઞાનસભર પ્રોત્સાહન મળતું રહે છે.’ ફ્રાંસના પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી પિયેર સીમોન લાપ્લાસ તો ગણિતશાસ્ત્ર માટે ભારતનો આભાર માને છે. એમના કહેવા પ્રમાણે : ‘માત્ર દસ પ્રતીકથી બધી જ સંખ્યાઓને અભિવ્યક્ત કરવાની મેધાવી પદ્ધતિ ભારતમાંથી મળી છે.’ ફ્રાંસના જ્યોતિષશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી અને અવકાશવિજ્ઞાની જેન સિલ્વીયન બેઇલીની વાતથી લેખ પૂરો કરીએ, કારણ કે એટલા કથનો મહાન વૈજ્ઞાનિકો, દાર્શનિકો અને ગણિતશાસ્ત્રીઓના છે, જેમણે એક અવાજે સ્વીકાર્યું છે કે ભારતની રાષ્ટ્રીય બૌદ્ધિક શક્યતાઓ અને આધ્યાત્મિક ઊર્જા અસીમ છે ને સદીઓ સુધી જ્ઞાનના તેજથી કીર્તિવંત રહેશે. જેન કહે છે : ‘ભારતનું ખગોળવિજ્ઞાન સૌથી પ્રાચીન છે. જેમાંથી ગ્રીક, રોમ, યહૂદી અને મિસ્રની પ્રજાએ જ્ઞાન મેળવ્યું છે.’ ⬛ namaskarkishore@gmail.com

અન્ય સમાચારો પણ છે...