માય સ્પેસ:અક્સર એસા ભી મોહબ્બત મેં હુઆ કરતા હૈ કિ સમઝ-બુઝ કે ખા જાતા હૈ ધોકા કોઈ

16 દિવસ પહેલાલેખક: કાજલ ઓઝા વૈદ્ય
  • કૉપી લિંક

આફતાબ પૂનાવાલા અને શ્રદ્ધા વાકરનો કિસ્સો સોશિયલ મીડિયા અને ટેલિવિઝન પર ચગ્યો છે. ‘બમ્બલ’ નામની ડેટિંગ એપ પર મળેલાં આ બે જણાં ચાર વર્ષથી સાથે રહેતાં હતાં. 15 મેએ એમણે એક જ ફ્લેટમાં શિફ્ટ કર્યું અને 18 મેએ આફતાબે શ્રદ્ધાનું ખૂન કરી નાખ્યું. શબના 35 ટુકડા કરીને એણે દસ દિવસ સુધી એ જ ફ્રિજમાં રાખ્યા, જેમાં એ ખાવાપીવાનો સામાન રાખતો હતો... ડેટિંગ એપ આજના સમયની સૌથી ‘ટ્રેન્ડી’ અને ફેશનેબલ ચીજ બનતી જાય છે. ‘‘બમ્બલ’, ‘ટિંડર’, ‘મેચ’, ‘અવરટાઈમ’, ‘પ્લેન્ટી ઓફ ફિશ’, ‘હિન્જ’, ‘ઓકેક્યૂપાઈડ’ જેવી અનેક ડેટિંગ એપ આજે સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. લગભગ દરેક ટીનએજ સંતાન પાસે પોતાનો સ્માર્ટ ફોન છે. દરેક સ્માર્ટ ફોનમાં પ્રાઈવસી અથવા લોકિંગની ઉત્તમ સુવિધા છે. પોતાની જાતને મોર્ડન કહેવડાવાનો શોખ ધરાવતાં માતા-પિતા સંતાનોને ભાગ્યે જ પૂછે છે કે, એના મિત્રો કોણ છે અથવા એ કોની સાથે પાર્ટી કરે છે-સમય પસાર કરે છે. કદાચ, ‘જુનવાણી’નો આક્ષેપ સ્વીકારીને પણ મા-બાપ પૂછપરછ કરે તો દરેક સંતાન સવાલોના ખુલ્લા દિલે જવાબ આપે એવું જરૂરી નથી. અજાણી વ્યક્તિને મળવું, ચેટિંગ કરવું, એની સાથે ડેટ કે શારીરિક સંબંધ બાંધવા એ બદલાતા સમય સાથે આપણા સમાજની એક મોટી સમસ્યા બનવા લાગ્યા છે. એક જમાનામાં લગ્ન કરતાં પહેલાં માતા-પિતા બેકગ્રાઉન્ડ ચેક કરાવતા. એ પરિવારના અડોશીપડોશી, સગાંવહાલાં કે ઓળખીતાની પૂછપરછ કરીને છોકરી કે છોકરાની ચાલચલગત, એના પારિવારિક સંબંધો અને મિત્રો વિશે પણ જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવતો. સંબંધ પાકો કરતાં પહેલાં વેવાઈને પોતાને ઘેર બોલાવવા અને પોતે વેવાઈને ઘેર જવાનો રિવાજ હતો. આમાં ફાયદો એટલો જ હતો કે, પોતાનાં સંતાનનું જીવન જેની સાથે જોડાવાનું છે એ વ્યક્તિ વિશે બને એટલી વધુ માહિતી મેળવી શકાય, જેથી નિર્ણય કરવામાં સરળતા પડે. એડવેન્ચરના શોખીન આ નવયુવાનો ડેટિંગ એપ્સ પર બ્લાઈન્ડ ડેટ કે ચેટિંગ પછી ડેટિંગ કરે છે. સામે-છોકરા કે છોકરીના માતા-પિતા, પરિવાર ને ક્યારેક તો શિક્ષણ વિશે પણ કે નોકરી વિશે પણ જાણવાની પરવા કરતા નથી. સામેની વ્યક્તિ જે કહે, તે સાચું... અથવા, હુ કેર્સ? કહીને દોસ્તીને આગળ વધારવામાં રહેલાં ભયસ્થાનો વિશે એમને ખબર નથી, એવું પણ નથી. આ નવયુવાનો એમનાં માતા-પિતા કરતાં વધુ અપડેટેડ છે. એમના હાથમાં જે નાનકડો સ્માર્ટફોન છે એનાથી એ દુનિયાભર સાથે કનેક્ટેડ છે તેમ છતાં પોતાની સલામતી વિશે આ પેઢી આટલી બેદરકાર કેમ છે? આપણે નવી પેઢી કે યુવા પેઢી કોને કહીએ? 1990 પછીની પેઢીને જો આપણે ‘યુવા’ ગણીએ તો એમનાં માતા-પિતા જે 60ના દાયકામાં જન્મ્યાં હોવાં જોઈએ એ બધાંની ફરિયાદ લગભગ એકસરખી છે. વિદ્રોહ કરવો, કોઈ પણ વાતમાં-સીધી સલાહ કે સૂચના ન માનવી-ધાર્યું જ કરવું અથવા અનુભવનો ફાયદો ન લઈને પોતાનો આગવો અનુભવ લેવાની જીદ રાખવી એ આ પેઢીની લાક્ષણિકતાઓ છે. મોટા ભાગના યુવાનોને એમના પારિવારિક વ્યવસાયમાં રસ નથી, એમને પોતાના રસ અને રુચિ પ્રમાણે, કશું ‘જુદું’ કરવું છે, પરંતુ આ ‘જુદું’ કરવા માટે પાછી એમની અપેક્ષા એવી છે કે, માતા-પિતા જ એમની મદદ કરે! આ ‘જુદું’ અથવા એમના રસ કે રુચિ શું છે એની મોટા ભાગના યુવાનોને પાકી ખબર હોતી નથી. ડેટિંગ એપ કે ચેટિંગમાં મળેલા લોકો એકબીજા વિશે કશું જાણતા નથી, એ જ એમની થ્રિલ હોય તો પણ-બે-ચારવાર મળ્યા પછી પણ જાણવાની પરવા કરતા નથી. આવી બ્લાઈન્ડ એપ કે થ્રિલના નામે શરૂ કરાયેલો સંબંધ જ્યારે ‘પ્રેમ’ કે લિવ ઈન જેવા સંબંધમાં પરિણમે, લગ્ન સુધી પહોંચે ત્યારે સામેની વ્યક્તિનો સાચો રંગ ઊઘડવા લાગે છે. આપણે 22મી સદીમાં જીવી રહ્યા છીએ, ગર્લપાવર અને સ્ત્રીઓની સ્વતંત્રતાની મોટી મોટી વાતો કરીએ, છીએ તેમ છતાં સ્ત્રીની મૂળ ફિતરત સંવેદનશીલ અને ઈમોશનલ છે. પ્રેમને નિભાવવો કે પોતે પસંદ કરેલા સંબંધને કોઈ પણ રીતે ટકાવવો, એ એના ઉછેર અને સંસ્કારમાં ક્યાંકને ક્યાંક પડ્યું હોય છે. આજના સમયનો સૌથી મોટો પેરેડોક્સ (વિરોધાભાસ) એ છે કે, પેન્ટ પહેરતી, સિગારેટ પીતી, શરાબ પીતી, શારીરિક સંબંધો વિશે કોઈ છોછ ન ધરાવતી છોકરી પણ પરિવાર અને વફાદારીને મહત્ત્વનો મુદ્દો સમજે છે. થોડો વખત લિવ ઈન રહ્યા પછી, આવી મૂળતઃ પારિવારિક ઉછેર પામેલી અને સંસ્કારી પરિવારની છોકરીઓને લગ્ન મહત્ત્વનાં લાગવાં માંડે છે, બીજી તરફ કેટલાક પુરુષોની ફિતરત એ હોય છે કે, જે છોકરી લગ્ન વગર એની સાથે રહે કે શારીરિક સંબંધથી જોડાય એના ચારિત્ર્ય વિશે એમના મનમાં જાણે-અજાણે સન્માન ઘટી જાય છે. આ કોઈ ‘સાચું કે ખોટું’, ‘યોગ્ય કે અયોગ્ય’ની ચર્ચા નથી, એક સર્વસામાન્ય માનસિકતાને સમજવાનો પ્રયાસ છે. પોતાની જાતને ગમે તેટલો મોર્ડન ગણાવતો ભારતીય પુરુષ આજે પણ ‘પઝેસિવ’ છે અને પ્રમાણમાં ‘સંકુચિત માનસિકતા’ ધરાવે છે એ વાતને નકારી શકાય એમ નથી. વિદ્રોહ કરીને ઘર છોડીને ગયેલી છોકરીને કદાચ સમજાઈ જાય છે કે એણે ભૂલ કરી છે, સાથે જ એને લાગે છે કે, પાછા ફરવાના રસ્તા બંધ થઈ ગયા છે. શ્રદ્ધાનો કિસ્સો હોય કે આયેશાનો-એકનું ખૂન થયું અને બીજીએ આપઘાત કર્યો! કારણ? જ્યાં ઈગો નથી રાખવાનો ત્યાં કારણ વગર ઈગો પ્રોબ્લેમ ઊભો કરવાનો. માતાપિતાના વિરોધ સામે જ્યારે એક છોકરી પોતાના જીવનસાથીને, પતિ કે પાર્ટનરને પસંદ કરે છે ત્યારે એક વિચિત્ર પ્રકારના ઈગો પ્રોબ્લેમ સાથે એ ઘર છોડે છે. પોતે કરેલી પસંદગી ‘સાચી’ જ છે એવું સાબિત કરવાનો મરણિયા પ્રયાસ કરતી આવી છોકરીઓ અંતે કોઈ કારણ વગર પોતાના સ્વમાનને અને સલામતીને બાર્ટર કરે છે. જરૂર છે થોડીક હિંમતની! સામે જરૂર છે માતા-પિતાના સ્નેહ અને સહાનુભૂતિની... ભૂલ કયું સંતાન નથી કરતું? પોતે માતા-પિતા બન્યાં-એ લોકોએ પણ પોતાની યુવાનીમાં નાની મોટી ભૂલ કરી જ હશે. વિદ્રોહ અને સ્વતંત્રતાની આંધળી ઝંખના એ યુવાનીનાં લક્ષણ છે, કદાચ. એ સ્વતંત્રતા સાથે જોડાયેલા ભયજનક વળાંક કે જેને એ ‘સાહસ’ માને છે એમાં કેટલો ખતરો છે એની એમને ખબર નથી... જ્યારે સમજાય છે, ત્યારે મોડું કેમ થઈ જાય? જે માતા-પિતાએ જન્મ આપ્યો, સ્નેહથી ઉછેર્યા, ઉત્તમ શિક્ષણ અને હેસિયત મુજબ સગવડ, વસ્તુઓ આપ્યા-એ માતા-પિતા જ્યારે કશું કહે કે સમજાવે ત્યારે માતા-પિતા ‘જુનવાણી’ છે, ‘કશું સમજતા નથી’, એ ‘કંટ્રોલ ફ્રીક’ કે ‘હેલિકોપ્ટર પેરેન્ટ્સ’ છે, આવા બધા ફેશનેબલ શબ્દો વાપરવાને બદલે આ પેઢી એકાદવાર માતા-પિતાની ચિંતા, કાળજી અને સંતાનની સલામતી માટે એમની બેચેનીનો વિચાર કરે તો કેવું? સાથે જ, માતા-પિતા પણ સંતાનની ભૂલને ઉદાર હૃદયે માફ કરીને એના પાછા ફરવા માટે ઘર અને હૃદયને ખુલ્લા રાખે તો કેવું? ⬛kaajalozavaidya@gmail.com

અન્ય સમાચારો પણ છે...