સ્પોર્ટ્સ:AIFF ખાલી FIFA ખાંડે છે

એક મહિનો પહેલાલેખક: નીરવ પંચાલ
  • કૉપી લિંક

એશિયા કપના પડઘમ વચ્ચે ભારતીય ફૂટબોલને સંદર્ભે મહત્ત્વની ઘટનાઓ બની. ફિફાએ ભારતીય ફૂટબોલ ફેડરેશન પર પ્રતિબંધ મૂકી દીધો. તેનો સીધો મતલબ એ હતો કે ભારતીય નેશનલ ફૂટબોલ ટીમ અને તેને સંલગ્ન તમામ એસોશિયેશન અને ક્લબ્સ કોઈ પણ પ્રકારની વૈશ્વિક ટૂર્નામેન્ટમાં ભાગ ન લઇ શકે. પરંતુ, સુપ્રીમ કોર્ટના નવા ચુકાદા બાદ નવેસરથી ચૂંટણી કરવાના આદેશને ધ્યાનમાં રાખીને ફિફાએ આ પ્રતિબંધ ઉઠાવી લીધો છે. ઉલ્લેખનીય છે કે જો આ પ્રતિબંધ યથાવત્ રહ્યો હોત તો ઓક્ટોબરમાં યોજાનાર અંડર -17 વિમેન્સ વર્લ્ડકપનું આયોજન ખોરવાઈ જાત. બેકગ્રાઉન્ડ: 2020માં ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના હેડ નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રફુલ પટેલ હતા. પ્રમુખપદની ચૂંટણી નવેમ્બર, 2020માં થવાની હતી પરંતુ કોવિડ અને અન્ય કારણસર તે પાછી ઠેલાતી ગઈ. આ દરમિયાન તેમનો કાર્યકાળ પૂરો થઇ જતા મિનરવા પંજાબ ફૂટબોલ ક્લબના પ્રમુખ રણજિત બજાજે પ્રફુલ પટેલ અને જનરલ બોડી પર કેસ કરી દીધો. સુપ્રીમ કોર્ટે છેક મે 2022માં કેસનું હીયરિંગ શરૂ કર્યું અને તત્કાલ પ્રભાવથી પ્રફુલ પટેલ અને જનરલ બોડી બરખાસ્ત કરી દીધી. ત્યારબાદ, સુપ્રીમ કોર્ટે 3 મેમ્બરની કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટરનું ગઠન કરીને તેઓને ફેડરેશનના નવા બંધારણ અને ચૂંટણીના આયોજન માટેની ડેડલાઈન આપી. બંધારણ ઘડવાની ડેડલાઈન 31 જુલાઈ અને ચૂંટણીની ડેડલાઈન 13 સપ્ટેમ્બર રાખવામાં આવી.ફિફાને આ કમિટીથી કોઈ વાંધો ન હતો. ફિફાના અધિકારીઓ અને એશિયન ફૂટબોલ કાઉન્સિલના મેમ્બર્સ ભારત આવીને સુપ્રીમ કોર્ટના આદેશના બાંહેધરી લઈને પરત ગયા. પરંતુ, કમિટી જુલાઈ 31ની ડેડલાઈન ચૂકી ગઈ. ઉપરાંત કમિટીએ જનરલ બોડી અને પ્રમુખ પદની ચૂંટણી માટે 36 ફૂટબોલ પ્લેયર્સના 25 ટકા વોટિંગ સામે 50 ટકા વોટ શેરનો પ્રસ્તાવ રાખતાની સાથે જ ફિફાએ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન પર પ્રતિબંધ મૂકી દીધો. પ્રતિબંધની અસર શું પડી? પ્રતિબંધ લાગવાને કારણે ઇન્ડિયન વિમેન્સ લીગની ચેમ્પિયન ક્લબ ગોકુલમ કેરેલા ઉઝબેકિસ્તાનમાં યોજાયેલ એશિયન ફૂટબોલ કોન્ફેડરેશનની વિમેન્સ ક્લબ ચેમ્પિયનશિપ રમવા માટે ત્યાં પહોંચી ચૂકી હતી. ઉઝબેકિસ્તાનમાં પહોંચ્યા બાદ તેમને સમાચાર મળ્યા કે પ્રતિબંધને કારણે તેઓ ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લઇ શકે. ફિફા દ્વારા પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવે ત્યાં સુધીમાં બહુ મોડું થઇ ચૂક્યું હતું. ફૂટબોલ ફેડરેશનની નિર્લજ્જ ભૂલની સજા એ 23 ખેલાડીઓને મળી કે જેમણે આખું વર્ષ મહેનત કરી હતી. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની કુંડળી: સમગ્ર પ્રકરણમાં ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનનો વાંક છે. પ્રફુલ પટેલે સ્પષ્ટ રીતે ફૂટબોલ ફેડરેશનના બંધારણમાં રહેલ લૂપહોલનો ફાયદો ઉઠાવ્યો. 2020માં તેમના કાર્યકાળને 3 વર્ષ પૂરાં થઇ ચૂક્યાં હતાં પરંતુ સુપ્રીમ કોર્ટમાં રહેલી એક પેન્ડિંગ પિટિશનનો હવાલો આપીને ચૂંટણી ટાળી દીધી. સુનાવણી છેક 2022માં થવાથી પ્રફુલ પટેલનો કાર્યકાળ સ્વાભાવિક રીતે લંબાઈ ગયો. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના છેલ્લા 33 વર્ષના ઇતિહાસમાં માત્ર બે પ્રમુખનો દબદબો રહ્યો છે. અગાઉ કોંગ્રેસના નેતા પ્રિયરંજન દાસમુનશીનો 20 વર્ષનો કાર્યકાળ અને હવે પ્રફુલ પટેલનો 13 વર્ષનો કાર્યકાળ. ફૂટબોલનું પ્રતિનિધિત્વ એવી વ્યક્તિઓના હાથમાં રહ્યું છે જેમને ફૂટબોલ સાથે કોઈ લેવાદેવા નથી. હજુ પણ ભારતના અમુક સ્ટેટ એસોશિયેશન પાસે પોતાની ફૂટબોલ લીગ કે પછી ડિવિઝનનું માળખું નથી. સ્વાભાવિક છે કે માળખાગત સુવિધાઓ અને મેચના અભાવે ભારતમાં સ્ટેટ અને નેશનલ લેવલના ખેલાડીઓની સંખ્યા માંડ અન્ય દેશોની સરખામણીએ નગણ્ય કહી શકાય એટલી છે. ભારતમાં ફૂટબોલ વર્લ્ડકપની જમીની હકીકત: ભારત એજ ગ્રૂપના ફૂટબોલ વર્લ્ડકપની યજમાની કરવાનું છે તે સારી બાબત છે પરંતુ એ પણ યાદ રાખવું જરૂરી છે કે ભારતમાં મેન્સ ફૂટબોલ અને વીમેન્સ ફૂટબોલની હાલત એક સરખી છે. વીમેન્સ ટીમની વાત કરીએ તો જે સ્ટેટમાં પોતાની લીગ છે ત્યાં માળખાગત સુવિધાઓ છે પરંતુ બાકીના રાજ્યોમાં સુવિધાના અભાવે ટેલેન્ટ ડેવલપ થતી નથી અને એમાંય એજ ગ્રૂપ કેટેગરીમાં તેનાથી વધુ ખરાબ હાલત છે. જ્યાં સુધી નેતાઓ પોતાની ખુરશીની વાસના સંતોષવાનો આગ્રહ રાખતા રહેશે ત્યાં સુધી ભારતમાં ફૂટબોલનું ભવિષ્ય અંધકારમય રહેશે.⬛ nirav219@gmail.com

અન્ય સમાચારો પણ છે...