તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડણક:‘તા પ્રોમ’ મંદિર ને ઝૂલતા મિનારાને પુનઃનિર્મિત કરનાર અમદાવાદી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગત્યનું યોગદાન પણ સાદગી અને ‘લો પ્રોફાઈલ’ને કારણે ઓછા લોકોના ધ્યાનમાં છે એવા પુરાતત્ત્વ ઈજનેર વાસુદેવ નાયરના કામની અગત્યતા જાણીએ

- શ્યામ પારેખ

વર્ષ હતું 2001 નું. ‘ટુંબ રેઈડર’ (ગુજરાતીમાં ટોમ્બ કહીએ છીએ) ફિલ્મ થકી એન્જેલિના જોલી અચાનક વિશ્વભરના સિનેમા સ્ક્રીન પર યુવાનોના દિલો-દિમાગ પર ગ્લેમરસ એક્શન-હિરોઈન તરીકે છવાઈ ગઈ હતી. આ એક ફિલ્મમાં તેના અભિનય અને સાહસો થકી એ વિશ્વભરના ચાહિતા સિનેતારકોની યાદીમાં પ્રવેશી ગઈ. ત્યારબાદ આ ફિલ્મના નામથી જ અને તેના થીમ પર આધારિત એક વિડીયો ગેમ પણ બની અને ખૂબ ધૂમ મચાવી ગઈ. જોકે ‘ટેમ્પલ રન’ તરીકે હમણાં સુધી ખૂબ જાણીતી બનેલી, આવી જ થીમની, એક વિડીયો ગેમ ત્યારબાદ બનેલી, અને તેમાં પણ એ જ ‘ટુંબ રેઇડર’ જેવી જ થીમ અને મુખ્ય પાત્ર તરીકે એક મહિલાને જ દર્શાવાઈ હતી. આ બતાવે છે કે લગભગ 15-20 વર્ષ સુધી આ ફિલ્મની થીમ વિશ્વભરમાં છવાયેલું રહ્યું.

ફિલ્મના પોસ્ટર્સ અને ઘણા સીન્સમાં આવતી થીમ - એટલે કે કંબોડિયાના ‘અંગકોરવાટ’નાં ખંડેર તરીકે જાણીતા બની ગયેલાં મંદિરોની પશ્ચાદ્્ભૂમિની છે. અને વધારે તો, 2004થી શરૂ થયેલા આ મંદિરના રિસ્ટોરેશન એટલે કે પુનઃનિર્માણની છે અને ખાસ તો તેમાં,ગત મહિને અવસાન પામેલા અને એક ઓછા જાણીતા અમદાવાદીના યોગદાનની છે! પી. કે. વાસુદેવન નાયર, અમદાવાદ ખાતે પુરાતત્ત્વ વિભાગમાં ફરજ બજાવતા હતા. અને ઘણા લોકોને ખ્યાલ નહીં હોય, પરંતુ અમદાવાદને યુનેસ્કોનું હેરિટેજ સિટી સ્ટેટ્સ મળ્યું તે માટે પણ તેઓ ઘણાં અંશે યશને પાત્ર હતા. પરંતુ આ પહેલાં, આ મંદિર, અને તેના ઇતિહાસ વિષે થોડું જાણી લેવું જરૂરી છે. ઐતિહાસિક રીતે કમ્બોજ પ્રદેશ તરીકે ઓળખાતા અને ત્યારબાદ વીસમી સદીમાં ‘કામ્પુચિયા’ તરીકે ઓળખાયેલ દક્ષિણપૂર્વ એશિયાનો આ દેશ, હાલમાં કંબોડિયા તરીકે ઓળખાય છે. ત્યાંની ખ્મેરવંશી પ્રજા પર પોલ પોટ નામના એક શાસક દ્વારા ’70ના દાયકામાં થયેલા અત્યાચારો અને નરસંહાર માનવ ઇતિહાસની સહુથી કલંકિત ઘટનાઓમાંની એક તરીકે ઓળખાયછે.

ભારત અને કંબોડિયાના સંબંધ લગભગ 2000 વર્ષથી પણ વધારે પુરાણા છે. વિશ્વભરમાં કોઈ પણ ધર્મના સહુથી મોટા સ્થાનક તરીકે જેની ગણના થાય છે તેવાં ‘અંગકોરવાટ’ મંદિર સમૂહ - મૂળ વિષ્ણુ મંદિર તરીકે બારમી સદીમાં ત્યાંના રાજા સૂર્યવર્મન દ્વિતીય દ્વારા બાંધવામાં આવ્યું હતું. ત્યારબાદ બૌદ્ધ આધિપત્યના કાળ દરમિયાન આ મંદિરમાંથી હિન્દુ દેવી-દેવતાઓના સ્થાને ભગવાન બુદ્ધ અને તેમના શિષ્યોના ચહેરા લગાવી દેવાયા. અને આમ વિશ્વનો સૌથી મોટો અને હિન્દુ મંદિર સમૂહ, બૌદ્ધ મંદિર સમૂહ બની ગયો.

ત્યારબાદ અનેક રાજાઓ દ્વારા આ મંદિર સમૂહના ક્ષેત્રનું વિસ્તરણ થતું જ રહ્યું. જેની શૈલી અંગકોર જેવી જ રહી. તેમાંનું એક એટલે વિશ્વ વિખ્યાત ‘તા પ્રોમ’. રાજા જયવર્મન સાતમા દ્વારા તેનું બૌદ્ધ તરીકે નિર્માણ થયેલું હોવાનો એક દાવો છે અને બીજો જે વધારે સ્વીકારાઈ રહ્યો છે - કે તે મૂળ બ્રહ્મા મંદિર હતું. આ ફિલ્મને કારણે વિશ્વભરનું ધ્યાન આ અનોખા ઐતિહાસિક વારસા ભણી દોરાયું. પંદરમી સદીના ઉત્તરાર્ધ બાદ સદીઓથી એ ત્યજાયેલી હાલતમાં રહ્યું હોવાને કારણે તેની ઉપર અતિ વિશાળ વૃક્ષો અને અનેક પ્રકારની વનસ્પતિઓએ કબજો જમાવ્યો હતો. વર્ષ 1992માં યુનેસ્કોએ આ મંદિર સમૂહને ‘વર્લ્ડ હેરિટેજ’ તરીકે જાહેર કર્યો. ત્યારબાદ કંબોડિયાની સરકાર તથા જાપાન અને અન્ય દેશોની મદદથી આ વિશાળ વૈશ્વિક વારસાની જાળવણી અને આંશિક પુનઃસ્થાપન માટે અનેક દેશો દ્વારા કંબોડિયાના ‘સીએમ રીપ’ નગરમાં એક પ્રોજેક્ટ ચાલુ થયો. અને વર્ષ 2000માં એન્જેલિના જોલીની ફિલ્મ બાદ વિશ્વભરમાં આ મંદિર સમૂહ ખૂબ પ્રખ્યાત થયો. વિશ્વભરમાંથી હજારો પ્રવાસીઓને ધાડા અહીં ઊતરી આવ્યા.પરંતુ મંદિરની હાલત ખૂબ નાજુક હતી. મંદિર ઉપર ઊગી નીકળેલાં વૃક્ષો કાપી નાખવામાં આવે તો જે કારણે આ મંદિરો પ્રખ્યાત તે જ જતું રહે. અને જો યથાવત્ રાખવામાં આવે તો રહ્યાંસહ્યાં મંદિરો પણ ધસી પડે. આથી વર્ષ 2004માં ભારતીય પુરાતત્ત્વ વિભાગે આ વિખ્યાત ‘તા પ્રોમ’ મંદિરની જાળવણીનું કામ હાથ ધર્યું. ત્યારથી લગભગ ત્રણ વર્ષ સુધી આ અનોખા પ્રોજેક્ટનું મુખ્ય કામ સાંભળી રહ્યા હતા અમદાવાદના પુરાતત્ત્વવિદ અને પુરાતત્ત્વ ઇજનેર વાસુદેવ નાયર.

આ ભગીરથ કાર્ય માટે આઈ. આઈ. ટી. ઈજનેરો, ફોરેસ્ટ્રી એક્સપર્ટસ, હાઇડ્રોલોજિસ્ટ વગેરે અનેક પ્રકારના નિષ્ણાતો જોડાયા ને ટીમની રચના થઇ. સ્વાભાવિક છેકે હજાર વર્ષ પહેલાં નિર્મિત થયેલાં મંદિરના કોઈ નકશા કે પ્લાન ઉપલબ્ધ ના જ હોય. આવી પરિસ્થિતિમાં મૂળ સ્વરૂપને શક્ય તેટલું વળગી રહેવું કેટલું કઠિન હશે! પણ નાયરસાહેબના વડપણ હેઠળ થયેલ કામ એવું હતું કે આશરે 10 વર્ષ બાદ પણ, ત્યાં કામ કરી રહેલા પુરાતત્ત્વવિદ્ો અને કર્મચારીઓ ખૂબ અહોભાવથી તેમની વાત કરતા હતા. વર્ષ 2007થી તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ વિભાગમાં જોડાયા. અને ધરતીકંપમાં ખંડિત થયેલ, અમદાવાદની શાન સમા ગણાતા ઝૂલતા મિનારાને પણ ફરીથી નિર્મિત કર્યા હતા. દુર્ભાગ્યે, કોવિડને કારણે ગત મહિને એટલે કે નવેમ્બરની 23મીએ તેઓ અવસાન પામ્યા. અમદાવાદમાં તેમની યાદગીરી જળવાઈ તે જરૂરી છે. dewmediaschool@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો