હજુ યુક્રેન રશિયાનું પત્યું નથી ત્યાં આ નવું શું આવ્યું કે આવવાનું છે ભાઈસા’બ, આવો સવાલ થાય એ સ્વાભાવિક છે. ઇન્ટનેશનલ વૉર વખતે કેટલાંક દેશોની મદદ કે સહાનુભૂતિ મળવાની શક્યતા પણ ખરી, પરંતુ ઉપરોક્ત બે પ્રદેશો વચ્ચે ચાલતું શીત યુદ્ધ જો ઉનાળાના તાપ જેવું ગરમાવો સાથે ફરમાવોના હુકમ મુજબ જાહેર થાય કે ફાટી નીકળે તો કોઈ શહેર, રાજ્ય, દેશ કે નેશનલ - ઈન્ટરનેશનલ સંસ્થા હાથ ન ઝાલે કે ન તો પક્ષ ખેંચે કોઈનો કે મદદ માટે પણ ન આવે!! કેમકે આ અવિરામ યુદ્ધ છે, બોસ!! આમાં મુદ્દા નહીં ને મુદત નહીં જેવી સ્થિતિ ઊભી થાય. ગોલાને ગોળા કહેવાની વાત તો દૂર રહી, પણ ગોલા બનાવતાં અમદાવાદીઓને આવડતું નથી એવું રાજકોટવાળા માને છે અને રાજકોટવાળાના ગોળામાં ડ્રાયફ્રૂટમાં ભૂસ્કો મારીને બરફ શોધવા જવું પડે આવી અમદાવાદના લોકોની માનસિકતા વચ્ચે બિચારા ગોલાવાળા ઝોલાં ખાય છે. ચોથું વિશ્વયુદ્ધ જો થશે ક્યારેય તો એ નક્કી સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગાંઠિયા-ફાફડા બાબતે થશે!! સૌરાષ્ટ્રના લોકોને ગુમાન, અભિમાન કે કાઠિયાવાડમાં શામળો ભૂલો પડે એને સ્વર્ગ ભૂલવી શકાય તો જો સૌરાષ્ટ્રમાં શામળિયો ભૂલો પડે તો એને ગાંઠિયા ખવડાવીને કાયમી અહીં રાખી શકાય. એ બાબતમાં તો સૌરાષ્ટ્ર એક માર્ક વધુ લઈ જાય કેમકે આખા જગતમાં કઢી-ખીચડી પ્રખ્યાત કરનાર વીરપુરના જલારામ પણ એની લાકડી લઈને પાછળ દોડે જો એને ખબર પડે કે ગુજરાતના અમુક ભાગમાં લોકો ગાંઠિયા જોડે કઢી ખાય છે કે પછી કઢી જોડે ગાંઠિયા ખાય છે!! આ તો થઈ ખાવા-પીવાની વાતો, પણ બાર ગાંવે બોલી બદલાય એ કહેવત હવે બાર ઘર વટી જવાનું ત્યાં બોલી બદલાય એવા જમાનામાં આવી ગઈ છે. કહેવતો પણ આપસમાં જાતને અપગ્રેડ કરવા માટે અંદરોઅંદર ડાયરો ભરીને બેઠી હતી એક દિવસ અને પછી શું થયું? એની ચર્ચા આવતાં લેખમાં કરીશું. હા તો વાત હતી બોલી, ભાષા અને વ્યાકરણની. ગુજરાતી ભાષાના એટલાં વર્ઝન અવેલેબલ છે આપણી પાસે કે એટલાં તો ડિસ્પાસિતોના પણ નથી આ દુનિયામાં. ગોલા અને ગોળાનું પતે એમ નથી ત્યાં રાજકોટમાં માટલાને ગોળાને બદલે ગોરા કહે છે ને એમાં અમદાવાદીઓનું મોઢું સવારે ખાધેલા ફાફડા જોડે પીધેલી કઢી જેવું ઊતરી જાય છે. લીમડો બિચારો ખરીને, નીચે પડીને કહે છે કે હે રાજકોટવાસીઓ મને લીંબડો કહેવાનું બંધ કરો બાકીનું આ લીંબડી ગામે ધીંગાણું કરીશ. વાંક રાજકોટના લોકોની ભાષાનો જ નથી. અમદાવાદીઓ ઓછાડને ચાદર કહે છે. ઓઢવા અને પાથરવાની વસ્તુઓ વચ્ચેનો ભેદ રાજકોટની કે અમદાવાદની કઈ યુનિવર્સિટી શીખવશે એ નક્કી કરવાનું આપણે આ યુદ્ધવિરામ પછી રાખીએ. લાંબો લહેકો કરીને વાતો કરતાં અમદાવાદના લોકો રાજકોટની સીધીસટ ભાષા પચાવી શકતાં નથી ને એટલે જ ત્યાંના રિક્ષાવાળા રાજકોટની પ્રજાને પારખી જઇને મીટરમાં એક મોટું ચક્કર લગાવતાં લગાવતાં નંબર વધારી શકવા સક્ષમ થઈ ગયા છે. આ બધી થઈ કલ્ચરની વાતો કે ખોરાક અલગ ને ભાષા અલગ, પણ હવે વ્યવહારમાં આવી જઈએ તો રાજકોટના લોકો પોતાને એક રિઝર્વ બેંક સમજી રહ્યા હશે કે શું ઉપરવાળો જાણે, પણ એમને એવો ફોબિયા થઈ ગયો છે કે એલર્જી થઈ ગઈ છે કે શું, ડર પેસી ગયો છે તે દસ રૂપિયાના સિક્કાને ચલણમાંથી નાબૂદ કરવા પર ઊતરી આવ્યા છે. રગડા જેવી ચા મફત પીવડાવી દેશે, પણ દસ રૂપિયાનો સિક્કો નહીં ચલાવે. પાછાં કહે પણ ખરાં કે રાખી મૂકો, અમદાવાદ જાવ તો કામ લાગશે ને અમદાવાદીઓ દસ રૂપિયાના સિક્કાને સોનાનાં સિક્કાની માફક વધાવી લે છે એ પણ હકીકત છે. આવું જ કંઈક પાંચ રૂપિયાની ચલણી નોટોનું ચાલેલું, જે હવે કંઈક થાળે પડી રહ્યું છે એવા વાવડ છે. યુદ્ધો નુકસાન કરે, જાનહાનિ કરે પણ આવા યુદ્ધો તો થવા જોઈએ જેમાં ખેલદિલી દાખવવામાં આવે તો જબરી મજા પડે છે લોકોને. ઉત્તરાયણમાં જેમ પતંગ કાપીને થોડી વાર ખુશ થઈને પછી એકબીજાના ધાબેથી ચિકીઓ એક્સચેન્જ કરીને ગુજરાતીપણું દેખાડવામાં આવે એવી જ રીતે એક યા બીજી રીતે રાજકોટ અને અમદાવાદને સતત ભરેલા અગ્નિ જેવી સ્થિતિમાં રાખીને લોકો નવા નવા બહાને ઝઘડતાં રહે એવી અંદરથી આશા આ લખનારને પણ ખરી. યે આગ બુઝની નહીં ચાહિએ. યે મશાલ જલતી રહની ચાહિએ. આખરે જિંદગીમાં લડ્યા નહીં ને રડ્યા નહીં તો શું પૃથ્વી પર પડ્યા??!! ⬛
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.