• Gujarati News
  • Magazine
  • Rasrang
  • After Studying Mechanical Engineering, He Passed UPSC With Gujarati Literature Subject In The Second Attempt And Became An IAS Officer.

લક્ષ્યવેધ:મીકેનિકલ એન્જિનિયરિંગના અભ્યાસ પછી બીજા પ્રયાસે ગુજરાતી સાહિત્ય વિષય સાથે UPSC પાસ કરીને બન્યા IAS અધિકારી

હેમેન ભટ્ટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

યુપીએસસી પરીક્ષામાં ગુજરાતીઓનું યોગદાન ઘણું જ ઓછું છે, ઘણા ઓછા ગુજરાતી વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે ને સફળતા બહુ જ ઓછા ઉમેદવારોને મળતી હોય છે. 2016ના વર્ષમાં જે ઉમેદવારો પાસ થયા અને આઇ. એ. એસ.ની ટ્રેનિંગ લીધી તેમાંથી 10 આઈએએસ અધિકારીને ગુજરાતની ફાળવણી થઇ હતી. આ દસમાંથી પણ ગુજરાતી યુવાન એક જ તેજસ પરમાર હતા. આઇ. એ. એસ. તેજસ પરમારે મીકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા પછી બે વર્ષ પ્રાઇવેટ જોબ કરી. ત્યાર બાદ તેમણે યુપીએસસી પરીક્ષા આપી અને બીજા પ્રયાસમાં તેઓ આઈ. એ. એસ. બન્યા. હાલમાં તેઓ ગાંધીનગરમાં શહેરી વિકાસ વિભાગમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવે છે. સિંચાઈ વિભાગના ડેપ્યુટી એન્જિનિયર પિતા દિલીપભાઇ અને માતા રમીલાબહેનનાં તેજસ્વી સંતાન એવા તેજસભાઇએ શાળાકીય અભ્યાસ પાલનપુરની વિવિધલક્ષી વિદ્યામંદિરમાં કર્યો. તેમણે દસમા ધોરણમાં 93.43 ટકા માર્ક્સ મેળવ્યા અને બારમા ધોરણમાં સાયન્સ સ્ટ્રીમમાં 92.06 માર્ક્સ મેળવ્યા હતા. બારમા ધોરણમાં બનાસકાંઠા જિલ્લામાં તેમણે બીજો રેન્ક પ્રાપ્ત કર્યો. તેમણે ધોરણ આઠ અને નવમાં પ્રખરતા શોધ પરીક્ષામાં સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેેજસ પરમારે સુરતની સરદાર વલ્લભભાઈ પટેલ એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. એન્જિનિયરિંગમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા પછી તેમણે જમશેદપુર અને ખડગપુરમાં ટાટા હીટાચી કંપનીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે કામ કર્યું. આ પછી યુપીએસસીની તૈયારી કરવા તેવો અમદાવાદ ‘સ્પીપા’માં આવ્યા. યુપીએસસીની તૈયારી વિશે તેજસ પરમાર કહે છે, ‘મેં નાનપણથી જ નક્કી કર્યું હતું કે મારે યુપીએસસી પરીક્ષા આપવી છે. તેની પાછળનું કારણ એ કે અમારી સ્કૂલમાં કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા આવ્યા હતા ત્યારે અમારા શિક્ષકે કહ્યું હતું કે તમારે પણ આ કલેક્ટર કે જિલ્લા પોલીસ વડા અધિકારી જેવા અધિકારી બનવું હોય તો યુપીએસસી પરીક્ષા આપવી પડે. એ વખતે જ મેં મનમાં ગાંઠ વાળી હતી કે, યુપીએસસી પરીક્ષા પાસ કરવી જ છે. આ પછી કોલેજમાં આવ્યો ત્યારે ઘણા મિત્રો પાસેથી યુપીએસસી વિશે જાણ્યું. આ ઉપરાંત મારા પપ્પા સહિત ઘણા સરકારી નોકરીમાં છે તેમની પાસેથી પણ આઇ. એ. એસ. આઇ. પી. એસ. કેમ બનાય એ જાણવા મળ્યું હતુું. આથી બેથી સવા બે વર્ષ મેં જોબ કરી. ફાઈનાન્સિયલ બેકઅપ વ્યવસ્થિત થયા પછી મને લાગ્યું કે મારે હવે જોબ છોડી દેવી જોઈએ. મેં અમદાવાદની જાણીતી ઇન્સ્ટિટ્યૂટ ‘સ્પીપા’ની એન્ટ્રન્સ એક્ઝામ આપી. તેમાં પાસ થયો પછી યુપીએસસીની સઘન અને પદ્ધતિસરની તૈયારી શરૂ કરી.’ યુપીએસમાં વિષયની પસંદગી અને તૈયારીની પેટર્ન વિશે તેજસભાઇ જણાવે છે, ‘મેં ગુજરાતી લિટરેચર વિષય રાખ્યો હતો. હું સ્પીપાના દરેકેદરેક લેક્ચર ભરતો હતો. પછી ઘરે આવીને પણ વાંચન-લેખન કરતો હતો એકંદરે આઠથી દસ કલાકનું વાંચન-લેખન થતું હતું.’ ઈન્ટરવ્યૂમાં પુછાયેલા પ્રશ્નો વિશે તેઓ કહે છે, ‘મને ભારત શ્રીલંકા વચ્ચેના સંબંધો, રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ, મહિલા સશક્તિકરણ ઉપરાંત ક્રિકેટ વિશેના સવાલો પૂછવામાં આવ્યા હતા. ‘ટી ટ્વેન્ટી ક્રિકેટથી ક્રિકેટની રમતને લાભ થાય છે કે નહીં? એવો સવાલ મને પુછાયો હતો. જવાબમાં મેં કહ્યું હતું કે T-20થી ફિલ્ડિંગ, બોલિંગ, બેટિંગમાં નવી નવી સ્કિલ ડેવલપ થાય છે. બેટિંગમાં અગાઉ જોવા નહોતા મળતા એવા નવા નવા શોટસ્ જોવા મળે છે. આ રમતથી ક્રિકેટની રમતને કોઈ નુકસાન થતું હોય એવું મને લાગતું નથી.’ યુપીએસસી પરીક્ષાની વૈતરણી સફળતાપૂવર્ક પાર કર્યા પછીના પોસ્ટિંગ્સ વિશે આઇ. એ. એસ. અધિકારી તેજસ પરમાર કહે છે, ‘મેં રાજકોટમાં પ્રોબેશન પિરિયડ પૂરો કર્યો. પછી દાહોદમાં પ્રાંત અધિકારી બન્યો. ત્યાર બાદ અમરેલી અને દાહોદમાં જિલ્લા વિકાસ અધિકારી બન્યો અને અત્યારે ગાંધીનગરમાં શહેરી વિકાસ વિભાગમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવું છું.’⬛ hemennbhatt@gmail.com

અન્ય સમાચારો પણ છે...