પ્રશ્ન વિશેષ:આખરે આ બુદ્ધિ અને પ્રજ્ઞા છે શું?

ભદ્રાયુ વછરાજાનીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમે ગમે તેટલી માત્રામાં બુદ્ધિશાળી હો, તેથી તમે પ્રજ્ઞાવાન નથી બની શકતા..

થોડી ગંભીર, પણ બહુ જરૂરી વાત કરવી છે. શબ્દોની માયા-જાળમાં આપણે ક્યારેક એવા ફસાઈએ છીએ કે તેનાં અર્થઘટનમાં ભયંકર ભૂલ કરી બેસીએ છીએ. જેવી ગડમથલ મન અને આત્માને સમજવામાં થાય છે, તેવી જ બુદ્ધિ અને પ્રજ્ઞાનો ઉપયોગ ક૨વામાં થાય છે. બુદ્ધિ અને પ્રજ્ઞા વચ્ચે જમીન અને આસમાન જેટલો તફાવત છે; એટલે બુદ્ધિ જમીનની નીચેની કક્ષાએ છે, તો પ્રજ્ઞા આસમાનની ઊંચાઈએ છે. આપણે આ બંને સંકલ્પનાઓને કંઈ ફિલસૂફીની એરણે નથી ચડાવવી. આપણે તો આપણને સમજાય તેવી સરળ શૈલીમાં ‘ઈન્ટલેક્ટ’ (પ્રજ્ઞા) અને ‘ઈન્ટેલિજન્સ’ (બુદ્ધિ)ની ઘડ પાડવી છે. સ્વામી પાર્થસારથિ પ્રજ્ઞાવાન વ્યક્તિવિશેષ છે. રાજકોટની મુલાકાત દરમિયાન તેઓની પ્રજ્ઞાથી પ્રભાવિત થવાનો અવસર મળેલ છે. તેઓનું ‘ગવર્નિંગ બિઝનેસ એન્ડ રીલેશનશિપ’ નામનું પુસ્તક ચોટદાર છે અને તેમાં સ્વામી પાર્થસારથિએ આ બે સંકલ્પનાઓને સોઈ ઝાટકીને સ્પષ્ટ કરી છે. આપણે બુદ્ધિમાં વૃદ્ધિ કરવા માટે, વિકાસ પામતી પ્રજ્ઞાના ખર્ચે ઘણો સમય બગાડી નાખીએ છીએ, એવું કોઈ કહે ત્યારે પ્રશ્ન થાય કે : આખરે આ બુદ્ધિ અને પ્રજ્ઞા છે શું? પુસ્તકો, શિક્ષકો, શાળાઓ, યુનિવર્સિટીઓ જેવી બાહ્ય સંસ્થાઓ પાસેથી માહિતી અને જ્ઞાન એકઠું કરવું તે બુદ્ધિનું કામ. જ્યારે પ્રજ્ઞા તમારા ખુદ દ્વારા પ્રયત્નપૂર્વક ક૨વામાં આવતી પ્રશ્નો પૂછવાની, વિચારવાની અને કારણો તા૨વવાની કવાયત છે. તર્ક કે કારણ જે બાબતને સંમતિ ન આપે તેવી કોઈ પણ બાબતને નહીં સ્વીકા૨વાની! તમે ગમે તેટલી માત્રામાં બુદ્ધિશાળી હો, તેથી તમે પ્રજ્ઞાવાન નથી બની શકતા.. બુદ્ધિએ બહારની એજન્સી પાસેથી ઢગલો ભેગો કર્યો, તે તો પેલા કમ્પ્યુટરમાં ડેટા ફીડ ક૨વા જેવી વાત છે. ધારી લો કે તમારા ઘરના કમ્પ્યુટરમાં આગ લાગે તો ઓલવવાનાં સાધન-સરંજામની બધી જ વિગતો ભરેલી છે, આગ લાગે તો કેમ ભાગવું, અગ્નિશમન યંત્રો કેમ વાપરવા તેની અઢળક માહિતી પણ તેમાં ઠાંસી-ઠાંસીને ભરી છે. કમ્પ્યુટરની મેમરીમાં આ જે બાબતો પડી છે તેનો ઉપયોગ કમ્પ્યુટર જાતે નહીં કરી શકે અને ધારો કે આ કમ્પ્યુટર જે રૂમમાં છે, તે રૂમને જ આગ લાગી તો? કમ્પ્યુટર સહિત બધું બળીને ખાખ થઈ જશે!! આપણે જે જ્ઞાન મેળવીએ તે આપણી પ્રજ્ઞા વગર ધૂળધાણી બરાબર છે. શાન કે બુદ્ધિ તમે જે મેળવેલ છે, તેને જિંદગીમાં અમલમાં મૂકવા માટે શક્તિશાળી પ્રજ્ઞા આવશ્યક છે. આપણે કયારેય વિચાર્યું છે કે મેડિકલમાં ભણતા બધાં જ વિદ્યાર્થી એક જ સરખું વિષયવસ્તુ શીખે છે ને એક જ સરખી ડિગ્રી મેળવે છે. છતાં હજારો તબીબોમાંથી કેમ બહુ જ થોડા તબીબો જીવન-રક્ષક પદ્ધતિઓ, સા૨વા૨ અને ઉપચારો શોધે છે? લાખો ઈજનેરોમાંથી આંગળીના વેઢે ગણાય તેટલા પનામા કેનાલ કે યુરટનલની ડિઝાઈન બનાવી જાણે છે! કેમ આમ? બધાં બુદ્ધિશાળી ખરાં, પણ તેમાંથી પ્રજ્ઞાવાન અન્યની સરખામણી એ ‘હટ કે’ પુરવાર થાય છે. પ્રજ્ઞા વગરની બુદ્ધિ વિશ્વની શાંતિ અને આનંદને નષ્ટ કરી શકે. ઓસામા બિન લાદેન બુદ્ધિનો બળિયો, પણ તેની પ્રજ્ઞા શૂન્યથી પણ નીચે એટલે ઈન્ટેલિજન્સે વિનાશનો માર્ગ નોતર્યો! પ્રશ્ન વળી એ થાય કે આપણે પ્રજ્ઞા ઉમેરવી પડે? ના. માણસ જન્મે છે ત્યારે તેનો ‘સ્વ’ એટલે કે ‘સેલ્ફ’ (સંસ્કૃતમાં ‘આત્મન’) લઈને જન્મે છે અને પ્રત્યેક જન્મ ધારણ કરનાર, સ્વને ત્રણ ભેટ તો પ્રકૃતિ દ્વારા મળે જ છે. તે છે : શરીર+મન+પ્રજ્ઞા (બોડી+માઈન્ડ+ઈન્ટલેક્ટ), પરંતુ આપણે જીવનમાં ઈન્ટલેક્ટની અગત્યતા સમજતાં નથી એટલે પ્રજ્ઞાનો વિકાસ કરવાનો કોઈ પ્રયાસ કરતા નથી. વળી, આપણે માત્ર બુદ્ધિના વ્યાયામમાં વ્યસ્ત થઈ જઈએ છીએ. આપણું વાચન ઉપરછલ્લું; અન્યનાં પ્રકાશનો અને ચીલાચાલુ સામયિકોનું; ભાગ્યે જ કોઈ સાહિત્યમાં ઊંડું ઊતરે છે, પણ જે ઊંડા ઊતરે છે તે તીક્ષ્ણ બને છે, તેને પ્રશ્નો થાય છે, વિચારે ચડે છે અને કારણો શોધવા મથે છે. આમ ઊંડાણથી તમે કંઈક પામો છો. આપણા શિક્ષણે તેનો ઉદ્દેશ ગુમાવી દીધેલ છે, એટલે આપણી પેઢી બુદ્ધિશાળી રોબોટ થઈ ગઈ છે, જે સજાગતા વગર જીવન પસાર કરી રહી છે, જેને જીવનના અર્થ કે ઉદેશની ફિકર નથી. થોડું મેળવીને ઘણું પ્રાપ્ત કર્યાનો દંભ બુદ્ધિ કરે છે ! ⬛ bhadrayu2@gmail.com

અન્ય સમાચારો પણ છે...