તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટોરી પોઈન્ટ:આખરે નિશાળો છે શેના માટે?

માવજી મહેશ્વરી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઇસ્કૂલનો ચાર્જ સંભાળ્યો, ત્યારે અખિલેશને ખબર હતી કે તેમણે શરૂઆત ક્યાંથી અને કેવી રીતે કરવાની છે

‘અચાનક રાજીનામું આપી દેવાનું કારણ હોય તો શું હોય?’ ‘નવાઈ તો મને પણ લાગે છે. તેણે જે રીતે આખી હાઈસ્કૂલ ઊભી કરી, શાખ અપાવી. બધું બરાબર ગોઠવાઈ ગયું ત્યારે એનું આમ રાજીનામું આપી ખોવાઈ જવું મને સમજાતું નથી.’ ‘અંદરની વાત શું હોય કોને ખબર? એ તો એને મળીએ તો ખબર પડે. એ ડરે જાય એવો માણસ નથી કે ન તો ખોટું કરવા દે. ગમેતેમ તોય આપણા ક્ષેત્રનો માણસ અને આપણો મિત્ર પણ છે. મને એવું થાય છે કે તું ચાલતો હોય તો અત્યારે જ એના ઘેર જઈએ.’ ‘એને ગમશે નહીં, પણ આપણે જવું જોઈએ.’ જેની વાત કરી રહ્યા હતા એ એમનો કોઈ સમયનો મિત્ર અને સાથી કાર્યકર અખિલેશ રાણા. અખિલેશ રાણા એટલે દોઢેક લાખની વસ્તીવાળા શહેરનું જાણીતું નામ. શહેરની સૌથી વધુ વિદ્યાર્થીની સંખ્યા ધરાવતી સરકારી હાઇસ્કૂલના પ્રિન્સિપાલ, પણ એક હાઇસ્કૂલના પ્રિન્સિપાલ એવું તે શું કરી શકે જેથી એને આખું શહેર ઓળખે? અખિલેશ રાણા નોખી માટીનો માણસ. દેખાવે જરાય શિક્ષક ન લાગે. હસવાનો કંજૂસ માણસ કહેવો હોય તો અખિલેશ રાણાને કહી શકાય. જાણે હુકમ કરવા જ જન્મ્યો હોય એવો ચહેરાનો કડપ. એનો માંહ્યલો નખશીખ શિક્ષકનો અને બાવડાં ખેડૂતના. સખત અને સતત કામ કરનારો માણસ. આવા અખિલેશ રાણાએ નવ વર્ષ પહેલાં ખાતાંકીય પરીક્ષા પાસ કરીને હાઇસ્કૂલમાં પ્રિન્સિપાલની ખુરશી સંભાળી, ત્યારે હાઈસ્કૂલની અડધી ભીંતો ચિત્ર-વિચિત્ર લખાણોથી ભરેલી હતી. સામાન્ય રીતે ઓછી ટકાવારીવાળા અને ગામડેથી આવતાં વિદ્યાર્થીઓ એ હાઈસ્કૂલમાં જતા. પરિણામમાં સૌથી પાછળ રહેતી હાઇસ્કૂલનો ચાર્જ સંભાળ્યો, ત્યારે અખિલેશને ખબર હતી કે તેમણે શરૂઆત ક્યાંથી અને કેવી રીતે કરવાની છે. જોકે વિદ્યાર્થીઓ કરતાંય શિક્ષકોને ખબર હતી કે અખિલેશ શું ચીજ છે? અખિલેશ રાણાએ શિક્ષણના જામ થઈ ગયેલા પૈડાંમાં તેલ ઊંજ્યું અને થોડા સમયમાં પૈડું ફરવા માંડ્યું. શાળાની દીવાલો પરનું લખાણ વિદ્યાર્થી આગેવાનો પાસે સાફ કરાવ્યું. સાધનો ઉપરથી રજ ખંખેરાઈ. વિદ્યાર્થીઓ સમયસર શાળામાં આવતા થયા, પ્રાર્થનામાં બેસતા થયા, ભણતા થયા. ત્રણ વર્ષમાં તો જે શાળામાં ચાર લીમડા હતાં, ત્યાં હરિયાળું ઉપવન થઈ ગયું. અર્ધા દાયકામાં શાળા પાટે ચડી ગઈ. શહેરની સારી હાઈસ્કૂલોમાં તેની ગણતરી થવા માંડી. જેમ જેમ શાળા વિકસતી ગઈ તેમ તેમ ન દેખાય તેમ બીજી ચીજ પણ વિકસવા લાગી. અંડરકરન્ટની જેમ. એક દિવસ અખિલેશ રાણાને એ અંડરકરન્ટનો ભયંકર ઝાટકો વાગ્યો. અખિલેશના ઘરની ડોરબેલ વાગી. દરવાજો ખૂલ્યો. અખિલેશના ચહેરા ઉપર ઉદાસ સ્મિત આવ્યું. બંને મિત્રોએ પોતાના આવવાના હેતુની ખબર ન પડે એ રીતે વાત માંડી, પણ અખિલેશ રાણા સમજી ગયા કે એ શું જાણવા માંગે છે? તેમણે ગોળ-ગોળ વાત કહે રાખી, પરંતુ બેય જણ ઓછા નહોતા. એમણે કહ્યું, ‘રાણા, તું ભલે ન કહે, પણ અમે માનીએ છીએ કે તારા ઉપર કોઈ મોટો આક્ષેપ મુકાયો છે. તે સિવાય તું અચાનક નોકરી મૂકી ન દે. અમને કહે કે સાચું કારણ શું હતું?’ આખરે રાણાથી ટ્રિગર દબાઈ ગયું. ‘મહેતા આપણે આખી જિંદગી વર્ગમાં કાઢી છે. આપણે શિક્ષકો જે કરીએ છીએ તો કોના માટે? સમાજ માટે ને? સમાજના પૈસાદાર અને વગદાર લોકો સમજવા લાગે કે તેઓ સત્તા અને પૈસાના જોરે બધું જ ખરીદી લેશે, ત્યારે શું કરવું? વિદ્યાર્થીઓને શિસ્તના પાઠ શીખવીએ એ ગુનો? તો નિશાળો શેના માટે? હું જે રીતે જીવું છું તે રીતે નહીં જીવી શકું એવું લાગતાં મેં નોકરી મૂકી દીધી. સમાજને શિસ્તપ્રિય શિક્ષકની જરૂર ન હોય તો વિચારવું રહ્યું. બસ, મેં વિચાર્યું અને નોકરી મૂકી દીધી.’ અખિલેશ રાણાના મોં ઉપર ઉદાસી છવાઈ ગઈ.⬛mavji018@gmail.com

અન્ય સમાચારો પણ છે...