ડણક:70 વર્ષના બ્રેનસન પછી હવે 82 વર્ષના ફંકની અવકાશયાત્રા!

શ્યામ પારેખએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 82 વર્ષના મહિલા વોલી ફંક પણ અવકાશમાં ભૂસકો મારશે; વડીલોની અવકાશી દોટ પરથી લાગે છે કે હવે રિટાયરમેન્ટજ બહુ જલદીથી રિટાયર થશે!

વિટનના વિખ્યાત વર્જિન ગ્રૂપનાં સ્થાપક અને અબજોપતિ રિચાર્ડ બ્રેનસન વર્ષોથી સમાચારમાં છવાઈ રહેવાની કલા હસ્તગત કરી ચૂક્યા છે. પ્લેબોય સ્ટાઇલ, સ્ટન્ટ અને ગ્લેમરના ભરપૂર ઉપયોગથી લોકોની યાદદાસ્તમાં કેમ છવાઈ રહેવું એ તો કોઈ એમની પાસેથી જ શીખે! પરંતુ ગત રવિવારે 70 વર્ષની ઉંમરે તેમણે જે કરી દેખાડ્યું તે ચોક્કસપણે યુવાનોને પણ શરમાવે તેવું કામ હતું. માનવ ઇતિહાસમાં તેઓ કોમર્શિયલ કે ખાનગી અવકાશયાત્રા કરનાર પ્રથમ વ્યક્તિ બની ગયા અને સાથે સાથે તેમણે અમેરિકન અબજોપતિ જેફ બેઝોસની આ બિરુદ મેળવવાની તમન્ના ઉપર પાણી ઢોળી દીધું. બેઝોસ પોતાની કંપની બ્લુ-ઓરિજીન દ્વારા નિર્મિત ‘ન્યુ શેપર્ડ’ યાનમાં બેસી, તેના ભાઈ માર્ક, 82-વર્ષીય ભૂતપૂર્વ પાઇલટ મહિલા ફંક અને અન્ય હજુ અઘોષિત એવા એક વ્યક્તિને લઈને અવકાશમાં જવા માગે છે. થોડા મહિના પહેલા જયારે બેઝોસે પોતાનો આ ઈરાદો જાહેર કર્યો કે તરત જ બ્રેનસને અવકાશમાં તેમનાથી પહેલાં પહોંચવાનું બીડું ઝડપી લીધું. જોકે બ્રેનસને વર્ષો પહેલાં વર્જિન ગેલેક્ટિક નામની અવકાશી યાત્રા કરાવવા માટેની કંપની લોન્ચ કરી હતી... બેઝોસ કે એલોન મસ્કથી પણ પહેલાં. અને વળી પાછું એમનું અવકાશયાન યુનિટી-22 મૂળ સ્વરૂપે અત્યાર સુધીનાં બધા અવકાશયાનોથી અલગ હતું. સામાન્ય રીતે સ્પેસ શટલ સહિતનાં બધાજ અવકાશયાનો રોકેટ દ્વારા છોડવામાં આવે છે. જે ખુબ ખર્ચાળ, પ્રદુષક અને જોખમી પ્રક્રિયા માનવામાં આવે છે અને મોટા પાયે વારંવાર પ્રવાસ માટે મુશ્કેલ છે, પરંતુ બ્રેનસને પ્રથમવાર યુનિટી નામનાં ‘સ્પેસપ્લેન’નો ઉપયોગ કરીને પ્રવાસ ખેડ્યો. આ સ્પેસપ્લેન એરપોર્ટના રનવે પરથી પ્લેનની માફક ઉડે છે અને જયારે 50,000 ફૂટની ઊંચાઈ પાર હોય છે ત્યારે તેમાંથી અવકાશયાન અલગ થઈને અવકાશ ભણી ધપે છે. ધરતીથી 80 કિલોમીટરની ઊંચાઈએ ધરતીનું વાતાવરણ સમાપ્ત થાય છે અને અવકાશની સીમા શરૂ થાય છે તે વટાવી અવકાશમાં પ્રવેશે છે અને નિયત ઊંચાઈ પ્રાપ્ત કરી તરતું રહે છે. તે જયારે પરત ફરે ત્યારે પ્લેનની માફક ફરીથી ધરતી ઉપર ઊતરે છે. બ્રેનસન એરપોર્ટ રનવે ઉપર સાઇકલ ચલાવીને અવકાશયાન સુધી ગયા. અવકાશમાં ભૂસકો લગાવી અને ધરતી પર પાછા આવી ઉજવણીમાં જોડાયા અને ભારતીય મૂળની સહ-અવકાશયાત્રી શિરીષા બન્દાલેને ખભે બેસાડી અને ઘૂમ્યા! 70 વર્ષની ઉંમરે તેમની આ સિદ્ધિને જાણે ઓછી સાબિત કરવા માંગતા હોય તેમ બેઝોસ પોતાની સાથે 82 વર્ષના મહિલાને લઇ જવા માગે છે. કોણ છે આ 82-વર્ષીય ‘બા’ કે જે સહુથી વધુ વયે અવકાશમાં જવાનો રેકોર્ડ કરશે? જેમને વૃદ્ધ કહેતાં જીભ અચકાય તેવાં વોલી ફંક આજથી લગભગ 82 વર્ષ પહેલાં 1939માં લાસવેગાસ ખાતે જન્મેલાં. 1961માં તેમણે નાસાના સમાનવ અવકાશયાત્રાના મિશન માટે ‘મરક્યુરી-13’ નામનો ટ્રેનિંગ પ્રોગ્રામ જવલંત સફળતા સાથે પૂરો કરેલો. દુર્ભાગ્યે અમેરિકી સરકારે અવકાશી કાર્યક્રમમાં મહિલાઓનો સમાવેશ ના કરવાનો નિર્ણય લીધો અને ફંકના અવકાશમાં જવાનાં ખ્વાબ રોળાઇ ગયાં. જોકે આ મહિલા ત્યારથી લઈને દાયકાઓ સુધી અમેરિકન અવકાશ સંશોધનમાં અનેક સ્વરૂપે જોડાયેલાં રહ્યાં. પાઇલટ તરીકેનું કામકાજ પણ તેમણે જાળવી રાખ્યું અને 80 વર્ષે પણ તેમણે પોતાનાં સ્વાસ્થ્યની જાળવણી કરી અને અવકાશ પ્રવાસની આશા તેમણે જીવંત રાખી. પરિણામે બેઝોસે અવકાશયાત્રાનો પ્લાન બનાવ્યો ત્યારે પોતાના ખાસ મહેમાન તરીકે પ્રથમ આમંત્રણ તેમણે વોલી ફંકને આપ્યું. તા. 20 જુલાઈના રોજ જયારે વોલી અવકાશમાં જશે ત્યારે તેઓ સહુથી મોટી ઉંમરે અવકાશમાં જવાનો અમેરિકાના અવકાશયાત્રી જ્હોન ગ્લેનનો રેકોર્ડ તોડશે. રસપ્રદ બાબત એ છે કે 1961માં જ્હોન ગ્લેને પણ વોલી ફંક સાથે જ મરકયુરી-13 કાર્યક્રમ અંતર્ગત ટ્રેનિંગ લીધી હતી અને વોલી આ ટ્રેનિંગ દરમિયાન ગ્લેન કરતાં ઘણાં સારાં દરજ્જે ઉતીર્ણ થયાં હતા પરંતુ ગ્લેન 1962માં અવકાશમાં પહોંચી ગયા અને અમેરિકામાં હીરો બન્યા અને મહિલા હોવાને કારણે ફંકનું સ્વપ્ન અત્યાર સુધી અધૂરું રહ્યું. કોઈ પણ સામાન્ય રીતે તંદુરસ્ત માણસને માટે પણ અવકાશયાત્રા કરવી સહેલી નથી હોતી, તો મોટી ઉંમરે તો વધારે અઘરું પડે. આ માટે આ બધા કિસ્સાઓ એ સહુ માટે પ્રેરણાદાયી છે કે જે દૃઢપણે એવું માનતા હોય કે 60 વર્ષે વૃદ્ધાવસ્થા અને રિટાયરમેન્ટ એટલે કે સક્રિય જીવનનો અંત. એ સમય બદલાઇ ગયો છે કે જયારે વડીલો હામ હારીને ખાટલાભેગા થઇ જાય. જો ધારીએ તો હવે મોટી ઉંમરે ઘડપણ ના બેસવા દઈને શારીરિક અને માનસિક રીતે સક્ષમ અને બૌદ્ધિક સ્તરે સક્રિય રહી શકાય. જોકે એ માટે યોગ્ય આહાર, કસરત અને ચુસ્તી-સ્ફૂર્તિ જાળવી રાખે તેવા નિત્યક્રમની જરૂર રહે છે. કોઈ ખાસ બીમારી ના હોય અને આખો સમય ખાટલામાં સૂઈ રહેવું પડે તેવી તકલીફ ના હોય તો લોકો પોતાની જાતને બિચારા-બાપડા સમજવાની બદલે બ્રેનસન અને ફંકની જેમ ચિર-યુવાન પણ રહી શકે.⬛ dewmediaschool@gmail.com

અન્ય સમાચારો પણ છે...