ડૂબકી:અફઘાનિસ્તાન ઝંખે છે એ કાબુલીવાલાને

વીનેશ અંતાણીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૂળ અફઘાનિસ્તાનના કેટલાય કવિઓ અને કવયિત્રીઓનાં કાવ્યોમાં અફઘાન પ્રજાની વેદના સંભળાય છે

રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા ‘કાબુલીવાલા’ સુપ્રસિદ્ધ છે. વાર્તા વાંચી નહીં હોય, એમણે ‘કાબુલીવાલા’ ફિલ્મ તો અવશ્ય જોઈ હશે. એ વાર્તા પરથી બંગાળીમાં, હિન્દીમાં ફિલ્મો બની અને ટી.વી. પર પણ એનું રૂપાંતર થયું છે. ‘કાબુલીવાલા’ હિન્દી ફિલ્મમાં બલરાજ સહાનીએ અદ્્ભૂત અભિનયથી સૂકા મેવા વેચવાનું કામ કરતા અફઘાનિસ્તાનના રહેમત ખાનને પરદા પર જીવંત બનાવી દીધો હતો. ‘કાબુલીવાલા’માં પિતા-પુત્રીનો પ્રેમ ત્રણ સ્તરે આલેખાયો છે. અફઘાનિસ્તાનના કાબુલ શહેરમાં રહેતો ગરીબ પઠાણ રહેમત ખાન એની નાનકડી દીકરીને ખૂબ પ્રેમ કરે છે. પૈસા કમાવા માટે એ દીકરીને વૃદ્ધ મા પાસે મૂકી કલકત્તા આવે છે. અહીં એ ઘરેઘરે જઈ ડ્રાય ફ્રૂટ વેચવાનું કામ કરે છે. બીજાં બાળકો એને જોતાં જ દૂર નાસી જતાં, પણ મીની નામની પાંચ વર્ષની છોકરીને એ ગમવા લાગે છે. રહેમત ખાનને પણ એની દીકરી જેવડી મીનીમાં અફઘાનિસ્તાનમાં રહેતી પોતાની દીકરી દેખાય છે અને એનાં માટે પિતાસમાન વહાલ જાગે છે. એ રોજ મીની પાસે આવે, વાર્તા કહે, કિશમિશ-બદામથી એનું ગજવું ભરી દે. મીનીના પિતાને એના માટે સહાનુભૂતિ છે. મીની અને એના પિતા વચ્ચેનો વહાલભર્યો સંબંધ પણ આ વાર્તામાં પિતા-પુત્રીના સંબંધનું ત્રીજું સ્તર છે. વાર્તામાં આગળ બીજું બનતું રહે છે, પરંતુ રહેમતના પાત્રમાંથી અફઘાનિસ્તાનના સંવેદનશીલ, પુત્રીવત્સલ, પઠાણનું ચરિત્ર આપણી સ્મૃતિમાં જડાઈ જાય છે. અન્ય હિન્દી ફિલ્મોમાં પણ અફઘાનિસ્તાનના મિત્રપ્રેમી, ખાનદાન, જીવનમૂલ્યો માટે જાન કુરબાન કરી દેતાં પાત્રો આપણે જોયાં છે. સામાન્ય રીતે અફઘાન લોકો અંગત સુખથી વધારે મહત્ત્વ પરિવારને આપે છે. પુરુષપ્રધાન સમાજમાં મહિલાઓનો વિકાસ થઈ શક્યો નહોતો. બદલાતા સમયની સાથે એ પરિસ્થિતિમાં બદલાવ આવ્યો અને સ્ત્રીઓ પ્રત્યે દૃષ્ટિકોણ બદલાયો. સ્ત્રીઓ શિક્ષણ મેળવી આગળ વધવા લાગી, પરંતુ તાલિબાનોએ દેશ પર કાબૂ મેળવ્યો પછી મહિલાઓ પર અનેક નિયંત્રણ લાદવામાં આવ્યાં. એ બધું ઇતિહાસ બની જાય એવી પરિસ્થિતિ ફરી વાર અફઘાનિસ્તાનમાં ઊભી થઈ છે. એ દેશ ફરી તાલિબાનોના હાથમાં આવી ગયો છે. મૂળ અફઘાનિસ્તાનના નવલકથાકાર ખાલેદ હુસૈનીએ એમની નવલકથાઓમાં વિવિધ સમયે અન્ય સત્તાઓથી કચડાતા રહેલા અફઘાનિસ્તાનની પ્રજાની, મહિલાઓની, દુર્દશા વિશે લખ્યું છે. એમણે કહ્યું છે કમ્પાસનો કાંટો ઉત્તર ધ્રુવ તરફ જ રહે છે એમ પુરુષોની આંગળી હંમેશાં સ્ત્રીઓ તરફ જ ચીંધાય છે. એક જગ્યાએ ખાલેદ લૈલા નામની છોકરીને સંબોધીને લખે છે : ‘હું જાણું છું કે તારી ઉંમર હજી નાની છે, છતાં તું મારી આ વાત ગાંઠે બાંધી રાખજે. લગ્ન રાહ જોઈ શકે, પરંતુ શિક્ષણ નહીં. તું બહુ હોશિયાર છોકરી છે, તારાં જીવનમાં જે ઇચ્છશે તે કરી શકશે. હું એ પણ જાણું છું કે આ યુદ્ધનો અંત આવશે ત્યારે અફઘાનિસ્તાનને પુરુષોની જરૂર પડશે, પરંતુ એટલી જ, કદાચ એથી પણ વધારે, તારાં જેવી શિક્ષિત સ્ત્રીઓની પડશે. અશિક્ષિત મહિલાઓ ધરાવતો સમાજ વિકાસ કરી શકતો નથી.’ વિશિષ્ટ ભૌગોલિક સ્થાનને લીધે વિદેશી સત્તાઓનો અફઘાનિસ્તાન પર ડોળો રહ્યો છે. રશિયાએ આક્રમણ કર્યું, તાલિબાનોને ખસેડવાના હેતુથી અમેરિકાએ એનું સૈન્ય ઘણાં વર્ષ ત્યાં રાખ્યું. એમાંથી બહાર નીકળવાની યોજના બનાવી તે સાથે જ તાલિબાનો આગળ વધ્યા અને અણધારી ઝડપથી અફઘાનિસ્તાન કબજે કરી લીધું. તાલિબાનોના પુન:આગમન પછી ચીને પૈસેટકે ખુવાર દેશને જંગી આર્થિક સહાય કરી, એના પર નિયંત્રણ જમાવવાની મેલી મુરાદ ધરાવે છે. પાકિસ્તાન માટે અફઘાનિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે. તાલિબાનની ઝડપથી અમેરિકા સહિત આખું વિશ્વ ઊંઘતું ઝડપાયું છે. આતંકનો ભય ફેલાયો છે. મહિલાઓ ફફડે છે કે એમના પર ફરીથી ક્રૂર અંકુશ લાદવામાં આવશે. આ રાજરમતોમાં સહન સમાન્ય પ્રજાએ કરવું પડ્યું છે. ભૂતકાળમાં વિદેશી સત્તાઓના આક્રમણને કારણે લાખો લોકો વતન છોડી પારકી ભૂમિ પર નિર્વાસિત બની ગયાં. ફરીથી એવી જ સ્થિતિ ઊભી થઈ છે. મૂળ અફઘાનિસ્તાનના કેટલાય કવિઓ અને કવયિત્રીઓનાં કાવ્યોમાં અફઘાન પ્રજાની વેદના સંભળાય છે. પ્રજાએ સહન કરેલા અત્યાચારો, અન્યાય, શોષણ, મનમાં દાબી રાખેલો વિદ્રોહ, લાચારી અને વતન છોડી પારકી ભૂમિમાં નિર્વાસિત બની જીવવાની પીડા. શકીલા અઝીઝાદાની એક કવિતામાં વતન છોડીને ચાલી નીકળેલી સ્ત્રી કહે છે : ‘હું બધું છોડીને ફરી વાર ચાલી નીકળી છું. મારી સાથે કોઈ નથી. મારા પગ નીચેથી જમીન ખેંચી લેવામાં આવી છે. સૂરજ મારી પહોંચની બહાર રહી ગયો છે. મારી નાભિનાળને કુરિવાજો સાથે બાંધી રાખી હતી. મારા કાનમાં સતત કહેવામાં આવતું રહ્યું કે તારી આગળ-પાછળની અને તારા પગ નીચેની ધરતી હંમેશાં ઉજ્જડ રહેશે. પરંતુ મને લાગે છે, જરાક આગળ, જરાક જ ઉપર, મેં ઇચ્છેલી ધરતી હશે અને શયતાને મારા માટે બનાવેલી જગાથી સુંદર હશે. પાછળ છોડી દીધેલી ધરતી પરથી મેં એક હજાર અને એકમી વાર આગળ ડગ ભરવાનું શરૂ કર્યું છે.’ સુંદર જીવનની આશા ગુમાવી બેઠેલી અઝિતા ઘાહરેમાન નામની કવયિત્રી કહે છે : ‘અમે અંધારાનો અને વરસતા વરસાદનો વિચાર કરતાં અડોઅડ ઊભાં છીએ. જ્યારે અંધારું ઓસરે છે અને વરસાદ થંભે છે, ત્યારે વસંત ઋતુનો વિચાર કરવા માથું ફેરવીએ છીએ, ત્યારે ખબર પડે છે કે અમે એકબીજાંને ઓળખતાં પણ નથી.’ પોતાના લોકોની વચ્ચે પણ અજાણ્યા બનવાની આ પીડા વેધક છે. પાર્તૉ નાદેરી નામનો કવિ પણ નિર્વાસિત બનવાનું દુ:ખ વ્યકત કરે છે. ‘હું મારી પીઠ પર થેલો ઊંચકીને ફરું છું અને મારા હોઠ પર મૂંગાં ગીતો છે. હું મારી જિંદગીની નદી પાર કરીને આવ્યો છું ત્યારે લાગે છે કે મારી જિંદગી મેં ગુમાવી દીધેલા અવાજમાં જ વસતી હતી.’ અત્યારે અફઘાનિસ્તાનની પ્રજા ટાગોરની વાર્તાના એ કાબુલીવાલાની રાહ જુએ છે, જે એનાં સંતાનોને, દીકરીઓને, માનવજાતને, સાચા પિતાની જેમ ખાનદાની વહાલ કરતો હોય. ⬛ vinesh_antani@hotmaill.com

અન્ય સમાચારો પણ છે...