દેશ-વિદેશ:ચીનની ચાર હજાર જેટલી બેંકો મુશ્કેલીમાં છે

2 મહિનો પહેલાલેખક: જય નારાયણ વ્યાસ
  • કૉપી લિંક

ચીનમાં અભૂતપૂર્વ આર્થિક કટોકટીના એંધાણ વરતાવા માંડ્યાં છે. ચીન ભીષણ આર્થિક તંગીના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. અર્થવ્યવસ્થા જાણે કે ભાંગીને ભટુરિયું થઈ ગઈ છે. હજારો લોકો જેમણે બેંકોમાં પોતાના પૈસા મૂક્યા છે તેઓ રાતોરાત કંગાળ થઈ ગયા છે. તેઓને પૈસા પાછા મળે તેવું લાગતું નથી. બેંકોની કોમ્પ્યુટર સિસ્ટમ ડાઉન છે. બેંકોમાં પૈસા લેવા આવનાર ભીડ ઉપર કમ્યુનિસ્ટ સુરક્ષા દળ લાઠી, દંડા અને ગોળીઓ વરસાવી રહ્યું છે. તે જોતાં લાગે છે કે પાકિસ્તાનના પહેલા ચીન કંગાળ થઈ ગયું છે. ચીનના હેનાન પ્રાંતમાં અત્યારે શ્રીલંકા જેવી પરિસ્થિતિ ઊભી થઈ ચૂકી છે. દુનિયા સામે પોતાની આર્થિક સદ્ધરતાને જોરે માથું ઊંચું કરીને ફરનાર ચીનની પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. એની 4000 બેંકો કંગાળ થઈ ચૂકી છે. આ બેંકો પાસે પોતાના ખાતેદારોને પરત કરવા માટે પૈસા બચ્યા નથી. એમની તિજોરીનું તળિયું દેખાઈ ગયું છે. ચીનની અર્થવ્યવસ્થાની ગાડી પાટા ઉપરથી ઊતરી ચૂકી છે. બેંકોની આ કટોકટી એપ્રિલ, 2022થી સપાટી પર આવી છે. લોકોની ધીરજનો અંત આવી ગયો છે. બેંકોને નાદાર થતી બચાવવા માટે ચીનની સેન્ટ્રલ બેંક દ્વારા લાખો ખાતાં ફ્રિજ (સ્થગિત) કરી દેવામાં આવ્યાં છે. એનો અર્થ એ થાય કે ચીનની કોમ્યુનિસ્ટ સરકારે બેંકોમાંથી પૈસા કાઢવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. કોમ્યુનિસ્ટ સરકારના આ વલણને કારણે બેંકો સામે ભેગી થતી ભીડ હવે વધતી જાય છે અને તેનો રોષ એટલો પ્રબળ છે કે ચીનની કોમ્યુનિસ્ટ સરકાર અને પ્રજા સામસામે આવી ગઈ છે. છેલ્લા ત્રણ મહિનાથી ભીષણ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલ શી જીનપીંગની પોલ અમેરિકન ટેલિવિઝન ચેનલ સીએનએન દ્વારા ખોલી નાખવામાં આવી છે. ચીનમાં મીડિયા તો ઠીક પણ બહારની કોઈ એજન્સી કે ટેલિવિઝન સરકાર વિરુદ્ધ કોઈ પણ સમાચાર પ્રસિદ્ધ નથી કરી શકતી. ચીનમાં મુખ્ય પ્રેસ મીડિયા સરકારનું જ છે. પહેલીવાર એક વિદેશી ચેનલે ચીનની આ પોલિસીમાં ગાબડું પાડીને ચીનની આર્થિક બેહાલીની સનસનીખેજ વિગતો મેળવવામાં સિદ્ધિ મેળવી છે. સીએનએનની ખબર મુજબ ચીનની 4000 કરતાં વધુ બેંક બંધ થવાની પરિસ્થિતિમાં ડચકાં ખાઈ રહી છે. ચાર લાખ ખાતેદારોની મહેનતની કમાઈના કરોડો રૂપિયા ડૂબી ગયા છે. આ ખાતેદારો ઓનલાઇન કે એટીએમ દ્વારા પૈસા ન કાઢી લે તે માટે બધી બેંકો દ્વારા પોતાના કોમ્પ્યુટર ઠપ કરી બેંકોની વેબસાઈટ બંધ કરી દેવામાં આવી છે. આમ છેલ્લા ચાર મહિનાથી બેંકોએ પૈસા વિથડ્રો કરવા એટલે કે કાઢવા ઉપર રોક લગાવી દીધી છે. ચીનના સ્થાનિક મીડિયામાં પણ હવે સરકાર વિરોધી ખબર આવવા માંડી છે. આ પરિસ્થિતિનો કોઈ ઉપાય ચીનની સરકારને જડતો હોય એવું દેખાતું નથી. તમે બેંકોમાં તપાસ કરો તો આવી પૃચ્છાના જવાબમાં બેંકમાં મેન્ટેનન્સ કામ ચાલે છે એટલે બધી સિસ્ટમ બંધ છે એવું કહેવામાં આવે છે. ચીનની યુડો સીમીનસીંગ બેંક, યુમીન વિલેજ બેંક, કોમ્યુનિટી બેંક અને ઓરિએન્ટલ બેંક તાનચાઇમાંથી ખાતાધારકો પૈસા કાઢી શકતા નથી. આમ હજારો લોકો બેંકોની આ કટોકટીને કારણે નિસહાય બનીને તકલીફ વેઠી રહ્યા છે. ચીનના પ્રમુખ શી જીનપીંગે આ પરિસ્થિતિમાં બેંકના સામે દેખાવો કરતી ભીડ સામે સખ્તાઈથી કામ લેવાનું કહ્યું છે. હેનાન પ્રાંતનાં ઘણાં શહેરોમાં ચીનનાં સુરક્ષા દળોએ પોતાના પૈસા કાઢવા માટે ભેગી થયેલ ભીડ ઉપર લાઠીચાર્જ અને ક્યાંક ગોળીબાર પણ કર્યા છે. પરિણામે ચીનમાં ખાતાધારકોના દેખાવો હિંસક થવા માંડ્યા છે. આને કારણે સરકારી દળો અને નાગરિકો વચ્ચે ઘર્ષણ ચાલુ થયું છે જેને પરિણામે કેટલા ઘવાયા એની આધારભૂત વિગતો હજુ સુધી મળતી નથી. અત્યાર સુધીની ઘટનાઓ ઉપરથી લાગે છે કે ચીન ભયંકર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આની સરખામણીમાં ભારતીય બેંકોમાં પરિસ્થિતિ પ્રમાણમાં સારી છે એમ કહી શકાય. આજે ચીનની અર્થવ્યવસ્થા વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં બીજા નંબરે છે પણ પરચેઝ પ્રાઇસ પેરિટીની દૃષ્ટિએ ચીન પહેલું અને અમેરિકા બીજા નંબરે આવે છે. આ જોતાં ચીનમાં અર્થવ્યવસ્થા આટલી ઝડપથી ગબડે તે સ્થિતિ સમજાતી નથી. ⬛ (લેખક ગુજરાતના આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે. )

અન્ય સમાચારો પણ છે...