ટાઇટલ્સ ઇતિહાસ બનાવે, કોઇ ઇતિહાસ બદલાવે. (છેલવાણી) જગતનાં મહાકવિ રિલ્કે બુઢાપામાં બીમાર હતા, ત્યારે એમને મળવા એની મનગમતી ઇજિપ્તની સુંદરી નિમેટ ઇલોયુ આવી. કવિ રિલ્કે, નમણી નિમેટ માટે બગીચામાં ગુલાબ ચૂંટવા ગયા ને ડાળખી પરના કાંટાનો એમને ડંખ લાગ્યો, પછી એમનો હાથ પાકી ગયો, ધીમે ધીમે આખા શરીરમાં ઝેર ચઢ્યું ને તેઓ મૃત્યુ પામ્યા! ઉફ્ફ, માશુકા માટેના ગુલાબના ડંખથી મોત મળે એથી વધારે ઈશ્કૈયા મોત, કવિ માટે શું હોય? જતી ઉંમરે સરકારી સંસ્થાઓના પગથિયે માથાં પછાડી-પછાડીને, દાઢીમાં હાથ નાખી-નાખીને ઉછીનાં ઇનામો જીતવાં કરતાં કવિ રિલ્કે જેવું મોત, 100ગણું સારુંને? અને હાં, 'સરકાર' શબ્દ પરથી યાદ આવ્યું કે રાષ્ટ્રપતિ ભવનનાં 'મુઘલ-ગાર્ડન'ને હવે 'અમૃત-ઉદ્યાન' કહેવું પડશે. વેલકમ ચેન્જ…પણ ત્યાં જાતજાતનાં ટ્યૂલિપ અને ગુલાબ ખીલે છે, હવે એ બધાં ફૂલોનાંય નામ બદલાશે? શેક્સપીઅરે કહ્યું છે - 'ગુલાબને કોઇ પણ નામથી બોલાવો એની ખુશબૂ એ જ રહે છે!' અગાઉ તો એમ પણ ફરમાવાયું હતું કે હવે ચાઇનીઝ 'ડ્રેગન-ફળ'ને 'કમલમ્' નામ આપવામાં આવે, જોકે એ પણ સારી વાત હતી! શું છે કે સરકારો તો આવે ને જાય, મોંઘવારી-બેકારીમાં બદલાવ આવે કે ના આવે, પણ દેશમાં કશુંક ને કશુંક તો સતત બદલાતું રહેવું જ જોઇએ! સુપરસ્ટાર રાજેશ ખન્નાએ 1969ની 'આરાધના'થી 1974 સુધી સતત 15-20 સિલ્વર-ગોલ્ડન જ્યુબિલી હિટ ફિલ્મો આપીને અણનમ રેકોર્ડ સર્જેલો. પછી સેકન્ડ ઇંનિંગ્ઝમાંય 1983-85 સુધી 'અવતાર', 'સૌતન', 'અગર તુમ ના હોતે' કે 'આખિર ક્યું?' જેવી હિટ ફિલ્મોય આવી, પણ આખરે સ્ટારડમની શમ્મા ધીમી પડતી ગઇ. ફિલ્મકાર મહેશ ભટ્ટે, રાજેશ ખન્નાને પૂછ્યું, ‘આપ કો ફાઇનલી કબ પતા ચલા કિ આપ કા સ્ટારડમ અબ ખતમ હો ચૂકા હૈ?’ ત્યારે રાજેશ ખન્નાએ એમના રોમેન્ટિક અંદાજમાં કહ્યું, ‘જબ મેરે જન્મદિન પર ગુલાબ કે ગુલદસ્તે આને બંધ હો ગયે! પહેલે ઘર મેં પૈર રખને કી જગહ નહીં હોતી થી. ઉન્હેં લે જાને એક ટ્રક આતી થી... ફિર એક સાલ એક ભી બૂકે નહીં આયા તબ સમઝ ગયા કિ મેરા સ્ટારડમ ભી ઉન ગુલાબ કે ફૂલોં કી તરફ મુરઝા ચુકા હૈ!’ ગુમનામીની કેવી ગુલાબી રજૂઆત છેને? ઇન્ટરવલ આપ કા સાથ, સાથ ફૂલોં કા, આપ કી બાત, બાત ફૂલોં કી. (મખદૂમ મોઇનુદ્દીન) પહેલાં પ્રેમની કબૂલાતથી માંડીને જૂની કિતાબમાં સાચવી રાખેલ ગુલાબની પાંખડીઓમાં આપણાં સૌના અનામ ઇકલૌતા ઇશ્કનો ઇતિહાસ છુપાયેલો હોય છે. જોકે પાછું, વચ્ચે એમ પણ સાંભળેવા મળેલું કે 'ગુલાબને સુંઘવાથી ઊંઘ સારી આવે છે.' રંગીન મિજાજી નવાબો કે ઐયાશો પોતાના હાથ પર મોગરાનો ગજરો બાંધીને સૂંઘતાં એ સાંભળ્યું ને વાંચ્યું છે, પણ 'ગુલાબ સુંઘવાથી નીંદર આવે' એ વળી નવું! હાય રે, આધુનિક રિસર્ચ રસિયાઓ, તમે બિચારાં ફૂલોને તો છોડો! પ્રેમિકાના ઝરૂખા નીચે, ગુલાબનું ફૂલ હાથમાં લઇને, આખી રાત, એક પલક પણ ઝપકાવ્યા વિના રાહ જોતો પ્રેમી આ જગતે યુગોથી જોયો છે. અરે, ગુલાબથી ઊંઘ જ આવતી હોય, તો પેલો પ્રેમી ઊભો ઊભો સૂઇ ના જાત? ભારતના પ્રથમ વડાપ્રધાન નેહરૂ એમની શેરવાનીમાં વચ્ચે ગુલાબ ખોસીને 'સ્ટાઇલ સ્ટેટમેન્ટ' આપતા. હવે નેહરૂના ટીકાકારોને કહેવાનો ફ્રેશ મોકો મળી જશે કે નેહરૂ ગુલાબ સુંઘતા એટલે એમને હંમેશાં ઊંઘ આવતી ને એ ઊંઘમાં ને ઊંઘમાં જ એમણે દેશ માટે ખોટા નિર્ણયો લીધેલા! આજે દેશમાં જે જે ખામીઓ છે એ બધાં માટે નેહરૂ અને એમને ઊંઘાડનાર ગુલાબ જવાબદાર છે! જોકે ગુલાબનો શોખ તો બાદશાહ અકબરને પણ હતો એટલે ગુલાબના ફૂલ સાથે, ગુલાબનો કંઇક તો વાસ્તો છે ખરો. કવિઓએ ગુલાબ પર જેટલી કાવ્યપંક્તિ કે શેર લખ્યા હશે એટલી તો જગતમાં ગુલાબની ખેતી પણ નહીં થઇ હોય! મીર તકી મીર જેવો ઉર્દૂનો મહાકવિ પણ ગુલાબના ખૂશ્બૂદાર આક્રમણથી બચ્યો નથી. પ્રેમિકાના નાજુક હોઠ માટે એણે લખેલું – ‘નાઝુકી ઉસ કે લબ કી ક્યા કહીએ? પંખુડી ગુલાબ-કી સી હૈ!’ અરે, આપણી ભાષાના મહાકવિ મરીઝે પણ ગુલાબ વિશે અદ્ભુત શેર લખ્યો છે કે - ‘બનાવટ રૂપની પણ રૂપનો આધાર માગે છે, સુઘડ ને સ્વચ્છ કાગળ જોઇએ નકલી ગુલાબોને!’ તો આ બધાં વચ્ચે 'ગુલાબથી ઊંઘ આવે'વાળા દાવાથી અમારી તો ઊંઘ ઊડી ગઇ છે. આધુનિક સાયન્સે આપણને મોબાઇલ ફોન, ઇન્ટરનેટ વગેરે આપીને પ્રેમ-પત્ર લખવાનો રોમાન્સ છીનવી જ લીધો છે અને હવે વળી પ્રેમિકાની ઝુલ્ફમાં નખાતા ગુલાબને પણ નીંદરની દવા બતાવીને વધારે રોમાન્સ છીનવી લેશે? વચમાં વળી એવુંય રિસર્ચ આવેલું કે ગુલાબની પાંખડી ચાવવી કારણ કે એમાં વિટામિન બી-12 હોય છે! એ છોડો, પણ અમને તો એટલી ખબર છે કે ગુલગુદાઝ ગુલાબમાં વ્હાલના વિટામિન છે. આમ તો એક જમાનામાં કેસૂડાના ફૂલોનાં રંગમાં હોળીઓ રમાતી. એનો પાકો રંગ, સાચા પ્રેમની જેમ દિવસો સુધી ઊતરતો જ નહીં. તો તમને સૌને પણ આ વખતની હોળીએ કદીય ના ઊતરનારો પ્રેમરંગ પ્રાપ્ત થાય એવી 'ફ્લાવરાત્મક ફિલોસોફીભરી' ખુશનસીબી મળે. બાકી ફૂલ કે ગુલ કે 'પુષ્પ' વિશે વધુ શું કહીએ, 'પુષ્પા'? દરેક ગુલાબ તો ખુશ્બૂથી ખિલખિલાતો ખત છે...રે! એન્ડ ટાઇટલ્સ ઇવ : આ વર્ષે મને કયા રંગે રંગશે? આદમ : 'બેશર્મ રંગ' સિવાય કોઇ પણ! sanjaychhel@yahoo.co.in
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.