રણમાં ખીલ્યું ગુલાબ:અબ આંસૂ સંભલતે નહીં હૈં સંભાલે, તુમ્હારી અમાનત તુમ્હારે હવાલે

16 દિવસ પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
  • કૉપી લિંક

પૂરાં ત્રણ વર્ષ સુધીના સોશિયલ મીડિયા પરના સંગાથના અંતે નૈષાએ રુહાનને ગ્રીન સિગ્નલ બતાવ્યું. એવું ન હતું કે અત્યાર સુધી નૈષાએ અકડાઇ બતાવી હતી; ત્રણ ત્રણ વર્ષ સુધી બંનેએ ખૂબ આત્મીયતાપૂર્વક વાતો કરી હતી. પણ આ સંબંધ બેસ્ટ ફ્રેન્ડનો જ બની રહ્યો હતો. નૈષાને ક્યારનીયે ખબર પડી ગઇ હતી કે રુહાન એના પ્રેમમાં પડી ગયો છે, પણ નૈષા ફ્રેન્ડની બાબતમાં જરા પણ ઉતા‌વળ કરવા માગતી ન હતી. કોઇ પુરુષ દોસ્ત તરીકે સારો હોય એટલે એક પતિના રૂપમાં પણ સારો જ હશે એવું માની ન લેવાય. આમ પણ જીવનસાથી અંગેના નૈષાના માપદંડો બહુ ઊંચા હતા. પૂરાં ત્રણ વર્ષની આકરી પરીક્ષાઓમાંથી આખરે રુહાન ડિસ્ટિન્ક્શન માક્્ર્સ સાથે પાસ થયો હતો. પણ આ તો માત્ર કાગળ પર લેવાયેલી પરીક્ષા હતી. પ્રેક્ટિકલ વાઇવા હજુ બાકી હતી. નૈષાએ એક સાંજે રુહાનને મેસેજ કર્યો: ‘હાય! શું કરે છે? માયસેલ્ફ ફીલિંગ લોન્લી.’ તરત જ જવાબ આવ્યો, ‘હું આવી જાઉં?’ નૈષા હસી પડી. એ જવાબમાં મેસેજ ટાઇપ કરે તે પહેલાં તો રુહાને ફોન કરી દીધો, ‘કેમ એકલું લાગે છે? બધું બરાબર તો છેને? હોસ્ટેલમાં કોઇએ કંઇ કહ્યું તો નથીને? ઘર યાદ આવી ગયું? મમ્મી-પપ્પા, ભાઇ-ભાભી, નાની ભત્રીજી આ બધાંને ‘મિસ’ કરતી હોઇશ, ખરુંને?’ ‘એ બધાંને તો રોજ ‘મિસ’ કરું છું. નૈષાએ હૃદયની બારી ખોલવાનું શરૂ કર્યું, ‘અત્યારે તો હું કોઇનો પ્રેમાળ સંગાથ ઝંખું છું. કોઇ એવું અત્યારે મારી પાસે હોય એના હાથમાં મારો હાથ મૂકીને હું કલાકો સુધી બેસી રહું, શબ્દો કરતાં મૌનનો મહિમા વધી ગયો હોય અને જીભ કરતાં જ્યાં હૃદય વધુ બોલતું હોય એવો કોઇ પુરુષ…’ સામેનો છેડો થોડી ક્ષણો માટે ખામોશ થઇ ગયો. પછી રુહાને પણ દિલ ખોલવાની શરૂઆત કરી, ‘નૈષા, એક વાત પૂછું? આપણે ત્રણ વર્ષથી એકબીજાને જાણીએ છીએ. તને ખબર છે કે તું મને ગમે છે. આજ સુધી તેં મને ક્યારેય એવો સંકેત આપ્યો નથી કે હું તને ગમું છું કે નહીં? આજે પહેલીવાર તેં મારી આગળ તારી ઝંખનાની વાત જણાવી છે. હવે હું તને પૂછું છું; તું જેવા પુરુષનો સંગાથ ઝંખી રહી છે એ પુરુષ હું હોઇ શકું ખરો?’ લાંબો જવાબ આપવાને બદલે નૈષાએ સાવ ટૂંકમાં પતાવ્યું, ‘આપણે આવતીકાલે મળીએ.’ અત્યાર સુધી એ બંને ક્યારેય મળ્યાં ન હતાં એવું પણ ન હતું. નૈષા વર્કિંગ વુમન હતી. અમદાવાદમાં એનું કોઇ સગુંવહાલું ન હતું એટલે એ હોસ્ટેલમાં રહેતી હતી. રુહાન એને મળવા માટે વીમેન્સ હોસ્ટેલમાં જઇ શકતો ન હતો, એટલે નૈષા જ રુહાનની ઓફિસમાં જઇ ચડતી હતી. રુહાનનો લેન્ડ ડેવલપમેન્ટનો બિઝનેસ હતો. ખૂબ ઝડપથી એ આ ક્ષેત્રમાં પોતાનું નામ બનાવી ચૂક્યો હતો. દેખાવમાં એ સહેજ ડાર્ક હતો પણ એનો ચહેરો નમણો હતો, એની ફિટનેસ અક્ષય કુમાર જેવી હતી અને વ્યક્તિત્વ આકર્ષક હતું. આનાથી વધારે એના વિશે બીજું કંઇ જાણવાની નૈષાએ પરવા કરી ન હતી. અત્યાર સુધી નૈષાએ એની સાથે લગ્ન કરવા અંગે ગંભીરતાથી વિચાર જ ક્યાં કર્યો હતો? રુહાન વિશે વધુ જાણવાનો સમય હવે જ તો શરૂ થતો હતો. બીજા દિવસનો સમય અને સ્થળ નક્કી કરીને નૈષાએ ફોન પૂરો કર્યો. બીજા દિવસે રવિવાર હતો. જોબ ઉપર જવાનું ન હતું. મુલાકાતનો સમય છ વાગ્યાનો નક્કી થયો હતો. નૈષાએ બપોરના ત્રણ વાગ્યાથી જ તૈયાર થવાનું શરૂ કરી દીધું. સવારે સ્નાન કર્યું હોવા છતાં ફરી વાર સ્નાન કર્યું. એની પાસે જે શ્રેષ્ઠ ડ્રેસ હતો એ ધારણ કર્યો. એ રૂપા‌ળી હતી તેમ છતાં હળવો મેકઅપ કરી લીધો. મેચિંગ સેન્ડલ અને પર્સ લઇને એ પાંચ વાગે નીકળી પડી. એની પાસે વાહન ન હતું. ક્યાંય પણ જવા-આવવા માટે એ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતી હતી. પાલડીથી સિટી બસ પકડીને એ યુનિવર્સિટી વિસ્તારમાં જવા રવાના થઇ. રુહાન બરાબર છના ટકોરે દાદાસાહેબનાં પગલાં પાસે એની રાહ જોવાનો હતો. બસમાં બેસી ગયાં પછી નૈષાએ રુહાનને મેસેજ કર્યો:‘હું નીકળી ગઇ છું. તું સમયસર આવી પહોંચજે. મોડું ન કરીશ. ત્યાં પહોંચીને તારી રાહ જોવામાં મને કંટાળો આવશે.’ રુહાન નક્કી કરેલા સમય કરતાં પાંચ મિનિટ પહેલાં હાજર થઇ ગયો હતો. બસમાંથી ઊતરતાં જ નૈષાએ જોઇ લીધું કે જમણી બાજુની ફૂટપાથ પાસે સિલ્વર ગ્રે કલરની ઓડી કારને અઢેલીને એનો સંભવિત જીવનસાથી ઊભો હતો અને બેસબ્રીથી એની પ્રતીક્ષા કરી રહ્યો હતો. ઉત્તેજનાથી છલકાતી નૈષા રસ્તો ઓળંગીને કાર પાસે પહોંચી ગઇ. રુહાને એને હગ કરીને કારમાં બેસાડી દીધી. જરા પણ ખબર ન પડે એવી હળવાશ સાથે ઓડી રસ્તા પર દોડવા લાગી અને પૂરેપૂરી ખબર પડે એવી રીતે રુહાન પણ ચાલુ થઇ ગયો: ‘આજે તો કંઇ જોરદાર જામે છેને તું?!’‘તું પણ ક્યાં કમ લાગે છે આજે?’ નૈષાએ પણ ખીલવાનું અને ખૂલવાનું શરૂ કરી દીધું. કારમાં પરફ્યુમની હળવી મહેક પ્રસરી રહી હતી. ધીમેથી વાગતા મ્યુઝિકનો નશો રોમાન્સ જમાવી રહ્યો હતો. નૈષા અને રુહાન મદભરી વાતો કરી રહ્યાં હતાં. અચાનક રુહાને પૂછ્યું, ‘ક્યાં જવું છે?’ ‘તું જ્યાં લઇ જાય ત્યાં.’ નૈષાએ પૂરા ‌િવશ્વાસ સાથે કહી દીધું. રુહાને ગાડી દોડાવી મૂકી. લગભગ અડધા કલાકની ડ્રાઇવ પછી ઓડી એક ભવ્ય પ્રવેશદ્વારમાં દાખલ થઇ. એ રસ્તો અમદાવાદના આઉટસ્કર્ટ એરિયામાં આવેલા વીકએન્ડ વિલા તરફ લઇ જતો હતો. કાર એક રમ્ય વિલા પાસે આવીને ઊભી રહી. રુહાને બારણું ખોલીને હાથ લંબાવ્યો, ‘મહારાણી નૈષા, નાચીઝના ગરીબખાનામાં આપનું સ્વાગત છે!’ વિલામાં પગ મૂકતા જ નૈષાનાં મુખેથી શબ્દો સરી ગયાં, ‘વાહ! જો તારું ગરીબખાનું આવું હોય તો અમીરખાનું તો કેવું હશે?’ એ પછીના ચાર કલાક એવા ગયા જાણે નૈષા સ્વર્ગલોકની સફરે ગઇ હોય! સુંદર સજાવટવાળો વિલા હતો. એક કેર ટેકર હતો. એસ્થેટિક સેન્સવાળું ફર્નિચર હતું અને સુખ તથા આનંદ માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હતી. રુહાને નૈષાને ગાઢ આલિંગનમાં જકડી લીધી અને દીર્ઘ ચુંબન ચોડી દીધું. નૈષાને એ ગમ્યું પણ ખરું પણ એણે કહી દીધું, ‘બસ! આટલેથી વધુ આગળ નહીં વધીએ.’ રુહાન તરત જ માની ગયો. નૈષાનો હાથ પકડીને ટેરેસ પર લઇ ગયો. ત્યાં ઊભા રહીને બંને દૂરદૂર સુધી વિસ્તરેલા સપાટ મેદાનો, ખેતરો, એમાં ઊભેલાં વૃક્ષો અને ઢળતા સૂરજના ગેરુઆ રંગથી રંગાયેલા અસીમ આકાશને નીરખી રહ્યાં. રુહાને નૈષાનો હાથ પકડી રાખ્યો હતો. નૈષાને લાગ્યું કે આ હાથ પર ભરોસો મૂકવો જોઇએ. માણસની બૂમ સંભળાઇ, ‘સાહેબ, ભોજન તૈયાર છે.’ બંને નીચે આવ્યાં. નૈષાએ જિંદગીમાં પ્રથમવાર સેવન કોર્સ ડિનર માણ્યું. પછી બંને વિલાની પાછળ આવેલા વોક-વે પર ચાલવા માટે નીકળી ગયાં. આવો ક્વોલિટી ટાઇમ નૈષાએ આ પહેલાં ક્યારેય માણ્યો ન હતો. એ લગભગ નિર્ણય પર આવી ગઇ હતી. બસ!, એ હોસ્ટેલ પર જઇને શાંતિથી રુહાન વિશે ઊંડો વિચાર કરીને આખરી નિર્ણય લેવા માગતી હતી. સુખનો સમય વિચાર કરતાં પણ વધુ વેગથી પસાર થઇ જાય છે. રાતના સાડા દસ વાગી ગયા. નૈષાએ ઘડિયા‌ળમાં જોઇને ઉતાવળ કરી, ‘મારે બાર વાગતા પહેલાં પહોંચી જવું પડશે. હોસ્ટેલનો નિયમ છે.’ રુહાન તરત જ નીકળી પડ્યો. ત્રીસ મિનિટ પછી ઓડી દાદાસાહેબનાં પગલાં પાસે આવીને ઊભી રહી ગઇ. કારનો ડોર ખોલીને રુહાને હાથ લંબાવ્યો, ‘મહારાણી, તમારાથી વિખૂટા પડતા ખૂબ જ દુ:ખ થાય છે. હું આશા રાખું છું કે મારે આવું દુ:ખ હવે વધારે દિવસો સુધી વેઠવું નહીં પડે.’ નૈષા ગાડીમાંથી ઊતરીને બસસ્ટોપ પાસે જઇ પહોંચી. એના સદ્્ભાગ્યે એ રૂટની છેલ્લી બસ એને મળી ગઇ. બસની બારીમાંથી એણે જોયું કે રુહાન તો બસ ઊપડે એ પહેલાં જ ચાલ્યો ગયો હતો. બીજા દિવસે રુહાનનો ફોન આવ્યો, ‘કાલની મુલાકાત અવિસ્મરણીય રહી. હું આશા રાખું છું કે તું પણ ખુશ થઇ હોઇશ. અબ મૈં યહ રિશ્તા પક્કા સમજુ?’ ઊંડો શ્વાસ છાતીમાં ભરીને નૈષાએ પોતાનો નિર્ણય જણાવ્યો, ‘જરા પણ નહીં. રુહાન, તું ગઇકાલની પરીક્ષામાં લગભગ પાસ થઇ ગયો હતો. પણ તેં એક મોટી ભૂલ કરી નાખી. તેં મને રોયલ ટ્રીટમેન્ટ આપી. મને પૂરા ચાર કલાક સુધી મહારાણી હોવાનો અહેસાસ કરાવ્યો, પણ છેવટે તું તારી ઔકાત પર આવી ગયો. તને એટલું પણ ભાન નથી કે કોઇ યુવાન, ખૂબસૂરત છોકરીને રાતના અગિયાર વાગે સિટી બસ સ્ટોપ પર એકલી મૂકીને ચાલ્યા ન જવાય. મને મારી વીમેન્સ હોસ્ટેલ સુધી મૂકી જવાની તારી ફરજ હતી. મારા જેવી માનુનીને એના સ્વપ્નપુરુષ પાસેથી માત્ર પ્રેમની જ અપેક્ષા નથી હોતી, સ્ત્રીદાક્ષિણ્યની પણ અપેક્ષા હોય છે. તું એ ચૂકી ગયો છે. ગુડ બાય!’ ⬛ (शશીર્ષકપંક્તિ: ખુમાર બારાબંકવી) drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...