તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણમાં ખીલ્યું ગુલાબ:આદમી પરખને કી યે ભી એક નિશાની હૈ ગુફ્તગૂ બતા દેતી હૈ, કૌન કિતના ખાનદાની હૈ

2 મહિનો પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
 • કૉપી લિંક
 • જન્નત આ લંપટ યુવાનની આંખમાંથી છૂટતાં વિષાક્ત તીર જેવાં વાસનાના ઇશારાઓને પારખી જતી હતી અને એટલે એ બેચેન થઇ જતી હતી પણ પેલાને કંઇ કહી શકતી ન હતી

ચોવીસ વર્ષની જન્નત જ્યારે ઓફિસમાં જવા માટે ફ્લેટમાંથી બહાર નીકળી ત્યારે સકળ સૃષ્ટિનો શ્વાસ થંભી ગયો. લેમન યલો કલરના ડ્રેસમાં જન્નત ચોવીસ કેરેટ સોનાંની લગડી જેવી લાગતી હતી. વહેતો પવન એનાં બદનની ખુશ્બુને પાંચસો મીટરના ઘેરાવામાં લઇ ગયો.

10.35ની સિટી બસ પકડવા માટે જન્નત બસસ્ટોપ પર આવીને ઊભી રહી ગઇ. એક બસ હમણાં જ પેસેન્જર્સનો ટોપલો ઊંચકીને વિદાય થઇ ગઇ હતી. બસ સ્ટોપ હવે નિર્જન હતું. પણ ગોળનું દડબું જોઇ અને મકોડો દોડી આવે એમ એક રંગીલો યુવાન આવી પહોંચ્યો. એને જોતોવેંત જન્નતે હોઠ મચકોડ્યા. છેલ્લા પંદરેક દિવસથી આ લોફર જન્નતને પરેશાન કરી રહ્યો હતો. એને ક્યાંય જવાનું ન હતું, બસમાં ચડવાનું ન હતું તેમ છતાં એ રોજ નિયત સમયે બસસ્ટોપ આવી ચડતો હતો. જો બીજા પેસેન્જર્સ ઊભા હોય તો કંઇ જ બોલ્યા વગર એ ધારીધારીને જન્નતની સામે જોયા કરતો હતો. ઇશ્વરે સ્ત્રીની અંદર પુરુષની નજરને સમજવાની એક વિશિષ્ટ દૃષ્ટિ મૂકેલી હોય છે. જન્નત આ લંપટ યુવાનની આંખમાંથી છૂટતાં વિષાક્ત તીર જેવાં વાસનાના ઇશારાઓને પારખી જતી હતી અને એટલે એ બેચેન થઇ જતી હતી પણ પેલાને કંઇ કહી શકતી ન હતી. જો એ કંઇ કરે કે બોલે તો એને પડકારી શકાયને? પણ આજે બસસ્ટોપ જન્નત એકલી હતી એનો ફાયદો ઉઠાવવાના આશયથી એ યુવાને હિંમત કરી નાખી.

જમણા હાથમાં છુપાવેલું ગુલાબનું ફૂલ જન્નતની સામે ધરીને એણે કહ્યું, ‘હાય! મારું નામ સુકેશ છે. મારું મનગમતું ફૂલ મને ખૂબ ગમતી રૂપસુંદરીને અર્પણ કરવા આવ્યો છું. આ ફૂલ નથી પણ મારું હૃદય છે.’ જન્નતને મોકો મળી ગયો. એણે ગુલાબનું ફૂલ ઝૂંટવી લીધું. જમીન પર ફેંકી દીધું. પછી એના પર જમણા પગમાં પહેરેલું સેન્ડલ બળપૂર્વક દબાવી દીધું. આંખમાંથી અંગારા ખેરવીને એ બોલી ગઇ, ‘મેં જે ચગદી નાખ્યું છે એ ફૂલ નથી પણ તારી નિર્લજ્જતા છે. તારામાં આવી હિંમત આવી જ ક્યાંથી? તારા મા-બાપે તને આવા સંસ્કાર આપ્યા છે? ’ સુકેશ ફિલ્મોના ખલનાયકની જેમ હસ્યો, ‘દુનિયાના કોઇ મા-બાપ પોતાનાં સંતાનને સંસ્કાર કે કુસંસ્કાર નથી આપતા. મા-બાપ તો ફક્ત લાડ-પ્યાર અને સુખ-સુવિધા આપે છે. બાકીનું બધું કિતાબોમાંથી, ફિલ્મોમાંથી અને ભાઇબંધો પાસેથી શીખી લેવાનું હોય છે.’ ‘તને તારા મા-બાપે ભલે કંઇ ન શીખવ્યું હોય પણ મારા મમ્મી-પપ્પાએ મને ઘણુંબધું શીખવ્યું છે અને બધું સારું સારું જ શીખવ્યું છે. એમાં એક વાત એ પણ શીખવી છે કે જાહેર જગ્યા પર કોઇ આવારા છોકરો છોકરીની છેડતી કરતો હોય તો છોકરીએ ડરી જવાની જરૂર નથી. આવા લફંગાઓ અંદરથી ભારે ડરપોક હોય છે. છોકરી જ્યારે ઊંચા અવાજમાં એને પડકારે છે કે પગમાં પહેરેલું સેન્ડલ હાથમાં પકડે છે ત્યાં જ પેલો છેડતી બહાદુર છૂમંતર થઇ જાય છે.’ જન્નતે આટલું કહીને પોતાના અવાજને સહેજ મોટો કર્યો એટલામાં કામ પૂરું થઇ ગયું. પગનાં સેન્ડલ સુધી જવાની જરૂર ન પડી.’

થોડી જ વારમાં સિટી બસ આવી ગઈ. બસ ચિક્કાર ભરેલી હતી, સારું હતું કે બસ સ્ટોપ પર વધારે પેસેન્જર્સ ન હતા, નહીંતર ડ્રાઈવરે બસ ઊભી જ રાખી ન હોત. જન્નત બસમાં ચડી ગઈ. બેસવાની વાત તો બાજુ પર રહી, બસમાં ઊભા રહેવાની પણ જગ્યા ન હતી. જેમ-તેમ કરીને જન્નત વચ્ચેના પેસેજમાં જઈને ઊભી રહી. પણ આજે એનું નસીબ વાંકું હતું. એની આગળ અને પાછળ બંને તરફ બે પુરુષો ઊભા હતા. જન્નતની જુવાની જોઇને એ બંનેના મોઢામાં તો જાણે બગાસુ ખાતા પતાસું આવી પડ્યું. બંનેએ જન્નતને ભીંસમાં લેવાનું શરૂ કર્યું. એમાં પણ જ્યારે ડ્રાઈવર બસને બ્રેક મારતો ત્યારે તો જન્નતની સ્થિતિ સેન્ડવીચનાં બે પડ વચ્ચે દબાયેલી ચટણી જેવી થઇ જતી હતી. બે પુરુષોમાંથી જે એક ચાલીસેક વર્ષનો હતો એ તો વધારે હિંમત અને નફ્ફટાઈપૂર્વક જન્નતના શરીરને દબાવી રહ્યો હતો. જ્યારે વારંવાર આવું થવા માંડ્યું ત્યારે જન્નતથી રહેવાયું નહીં. તેણે મોટા અવાજે પેલાને પડકાર્યો, ‘મિસ્ટર, તમને કંઈ લાજ-શરમ જેવું છે કે નહીં? હું તમારી દીકરીની ઉંમરની છું.’ પેલાએ એનું પોત પ્રકાશ્યું, ‘તું મારી દીકરી જેવડી છો પણ દીકરી તો નથીને? અને હું કંઈ જાણી-જોઈને તારા શરીર સાથે મારા શરીરને અથડાવતો નથી. જો આટલી બધી ટણી રાખવી હોય તો સિટી બસમાં શું કામ ફરે છે? તારા બાપને કહે કે તને કાર લઇ આપે.’ સિટી બસમાં મોટાભાગના પેસેન્જર્સ પુરુષો હતા. બધા મોટેથી હસી પડ્યા.

ઓફિસની પાસેનું બસ સ્ટોપ આવી ગયું એટલે જન્નત સિટી બસમાંથી ઊતરી ગઈ. પણ એની આંખમાં આંસુ ધસી આવ્યાં હતાં. એ મનોમન વિચારી રહી હતી કે આ પુરુષપ્રધાન સમાજમાં યુવાન અને રૂપાળી સ્ત્રીઓની આવી જ હાલત રહેશે? એક પણ પુરુષ સારો નહી? વાંક પેલા બે વાસનાના કીડા જેવા પુરુષોનો હતો અને તેમ છતાં સાંભળવાનો વારો પોતાનો આવ્યો? તારા બાપને કહેજે કે તારા માટે કાર લઇ આપે. દરેક જુવાન દીકરીનો બાપ એટલો ધનવાન કઈ રીતે હોઈ શકે? જો પોતાના પપ્પા એટલા પૈસાદાર હોત તો દીકરીને નોકરી જ શા માટે કરવા દેતા હોત? જન્નત એક સંસ્કારી બ્રાહ્મણ પરિવારની દીકરી હતી. એના પિતા જનકરાય જોષી પ્રામાણિક કર્મકાંડી બ્રાહ્મણ હતા. પેટે પાટા બાંધીને એમણે દીકરીને ભણાવી હતી. જન્નતના પગારમાંથી તેઓ એક રૂપિયો પણ લેતા ન હતા. એમની એક જ ઈચ્છા હતી કે જન્નત માટે સારો મુરતિયો મળી જાય. જન્નતને કપડાંનો શોખ હતો. પોતાના પગારમાંથી દર મહિને એ બે-ત્રણ નવા ડ્રેસીસ ખરીદતી હતી. એની ગોરી, સપ્રમાણ, પુષ્ટ કાયા પર બધા જ રંગો ખીલી ઊઠતા હતા અને આ જ બાબત એની પરેશાનીનું કારણ બની ગઈ હતી. એ ઘરની બહાર પગ મૂકતી એ સાથે જ શિકારની રાહ જોઇને બેઠેલા સ્ત્રીભૂખ્યા પુરુષોની નજર એના માખણ જેવા દેહને વીંધી નાખતી હતી. જ્યાં સુધી પુરુષો તેને જોતા હતા ત્યાં સુધી વાંધો ન હતો પણ આજે તો હદ થઇ ગઈ હતી. એને સમગ્ર પુરુષજાત પ્રત્યે નફરત થઈ ગઈ.

એ દિવસે ઓફિસમાં કામ પણ ખૂબ જ રહ્યું. સાંજે પાંચ વાગે ઓફિસ પૂરી થવાના સમયે મેનેજરે જાતે એના ડેસ્ક પર આવીને કહ્યું, ‘મિસ જન્નત, દિલ્હીથી ચેરમેનનો મેઈલ આવ્યો છે. એક ફાઈલ પૂરી કરીને પછી જ તમારે ઘરે જવાનું છે. ભલે ગમે તેટલું મોડું થાય. તમારું ડિનર ઓફિસમાં જ આવી જશે. રાત્રે તમે કેબમાં ચાલ્યા જજો. ડરવાનું કારણ નથી. વોચમેન મનુકાકા અહીં હાજર હશે.’ આટલું કહીને મેનેજર રવાના થઇ ગયા. ધીમે-ધીમે ઓફિસ ખાલી થઇ ગઈ. મનુકાકા આધેડ ઉંમરના હતા અને વિશ્વાસપાત્ર હતા. થોડી થોડી વારે આવીને એ પૂછી જતા હતા, ‘બહેન, કંઈ લાવી આપું?’ કામ પૂરું કરતા સાડા દસ વાગી ગયા. જન્નતે ફોન કરીને ઘરે જણાવી દીધું હતું કે આજે મોડું થશે. એટલે એ વાતની તો ચિંતા ન હતી. ચિંતા એ વાતની ઊભી થઇ કે બસ સ્ટોપ પર પહોંચતાં અગિયાર વાગી ગયા એટલે બસ સેવા બંધ થઇ ગઈ હતી.

અચાનક એક કાર ત્યાં આવીને ઊભી રહી. અંદરથી એક યુવાન બહાર આવ્યો, નરમાશ પૂર્વક બોલ્યો, ‘હેલ્લો મિસ, તમે તકલીફમાં લાગો છો, હું કઈ મદદ કરી શકું?’ યુવાન દેખાવમાં સંસ્કારી અને વિવેકી લાગતો હતો. પણ અંદરથી કેવો હશે એ કોને ખબર? જન્નતે રિક્ષા અથવા કેબ કરી લેવાનું વિચાર્યું. પણ આજકાલ એમાં પણ છોકરીઓ સાથે દુર્વ્યવહારની ઘટનાઓ બનતી હતી. એ દ્વિધામાં મુકાઇ ગઈ. પેલો યુવાન એની આંખમાં અંજાયેલી મૂંઝવણ વાંચી ગયો. ‘મારું નામ ખુમાર મહેતા છે. આ મારું ડ્રાઈવિંગ લાઇસન્સ જુઓ. તમને મારી પર વિશ્વાસ ન બેસતો હોય તો બે કામ કરો. મારા લાઇસન્સનો અને મારી કારની નંબર પ્લેટનો ફોટો પાડીને તમારા ઘરે સેન્ડ કરી દો. એ પછી તમે જે ક્ષણે મારી કારમાં બેસો ત્યારથી લઇને તમારું ઘર આવે ત્યાં સુધી તમારા પપ્પા કે ભાઈની સાથે વિડીયોકોલ ચાલુ રાખો. આટલું કહ્યા પછી પણ જો તમને વિશ્વાસ ન પડતો હોય તો હું ચાલ્યો જાઉં.’ જન્નત કારમાં બેસી ગઈ. પચીસ મિનિટ પછી ઘર પાસે કારમાંથી ઊતરતી વખતે એણે આટલું જ પૂછ્યું, ‘ખુમાર, આવા સંસ્કાર તમને કોણે આપ્યા?’ ‘મારી મમ્મીએ. એણે મને શીખવ્યું છે કે બેટા, કોઈ પણ ઉંમરની સ્ત્રીને એટલું જ સન્માન આપજે જેટલું તું તારી બહેન અને મમ્મીને આપે છે.’ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો