તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહજ સંવાદ:એક અનોખા વિદ્વાન અને ગૌરવ એવોર્ડી દયાળજી પરમાર

21 દિવસ પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક
  • વાત 2008ની, તેને બાર વર્ષે સંસ્કૃત અકાદમીના માધ્યમથી આકાર અપાયો અને 9 જુલાઈએ નાનકડો પ્રભાવી કાર્યક્રમ થયો

સંસ્કૃતના ચારે વેદના ભાષાંતરના આઠ ગ્રંથો, (જેમાં 20397 મંત્રોનો સમાવેશ છે), આયુર્વેદના ચરક અને સુશ્રુત સહિતના સંસ્કૃત વિદ્વાનોના 18 પુસ્તકો, ઋષિ દયાનંદ સરસ્વતીની જીવની, ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટ ઓફ લિટરેચરની પદવી, કન્યા કેળવણી અને સમાજ સુધારમાં સક્રિય દયાળજી પરમારનું ગૌરવ બે દિવસ પૂર્વે થયું. વિદ્વાનો સર્વત્ર પૂજાય છે, પણ આ અકિંચન વિદ્વાનની વય 85 વર્ષની અને મૂળ વ્યવસાય દરજી કામનો. જામનગર જિલ્લાના નાનકડા ગામમાં જન્મેલા દયાળજી શરૂઆતમાં સિલાઈ કામ કરતા. પછી સંસ્કૃત સાહિત્ય તરફ વળ્યા. ટંકારા મોરબી જિલ્લાનું નાનકડું ગામ મુખ્યત્વે દયાનંદ સરસ્વતીના જન્મસ્થાનને કારણે જાણીતું. તેની એક ગલીમાં આ વયોવૃદ્ધ દંપતી રહે છે. વીતેલા સપ્તાહે ત્યાં જવાની તક મળી ગઈ. નિમિત્ત દયાળજી પરમાર (હવે આર્યસમાજ દીક્ષિત મુનિ દયાળ નામે પરિચિત)ને ગૌરવ સન્માન એનાયત કરવાનું હતું. સ્વયં રાજ્યપાલ દેવવ્રત આચાર્યના વરદ હસ્તે આ સન્માન હતું એટલે સોનામાં સુગંધ ભળી. ગુજરાત સંસ્કૃત અકાદમીએ ચીલો ચાતરીને નક્કી કર્યું કે પ્રતિ વર્ષ અપાતાં ગૌરવ સન્માન અને એક લાખ રૂપિયાની ધનરાશિ, સન્માનપત્ર માટે મુનિ દયાળનું નામ નક્કી કરવું. તેમણે પ્રસન્નચિત્તે હા પાડી, પણ હવે તેમનું સ્વાસ્થ્ય અમદાવાદમાં કાર્યક્રમ થાય તો આવી શકાય તેવું નહોતું એટલે તેમના નિવાસસ્થાને નાનકડો કાર્યક્રમ કરીને ત્યાં જવું એમ નિર્ણય લીધો. દરમિયાન રાજયપાલને કાશી વિશ્વવિદ્યાલયના અધ્યાપક ડો. રામદાસ ગૌડ રચિત, 80 વર્ષ જૂનો ‘હિંદુત્વ’ ગ્રંથ વિમોચન માટે વિનંતી કરી ત્યારે ટંકારાના આ ગૌરવ સન્માનની વાત થઈ તો ખૂબ રાજી થયા અને કહ્યું કે એ કાર્યક્ર્મમાં હું આવીશ. રસપ્રદ અને મહત્ત્વની વાત એ થઈ કે તેમણે મુનિ દયાળના ગૌરવ સન્માનમાં રાજભવન તરફથી બીજા બે લાખ રૂપિયા ઉમેર્યા! ગુજરાતનાં રાજભવનથી આવું સન્માન કદાચ પ્રથમ વાર થયું હશે. ટંકારા અને મુનિ દયાળ અમારા માટે સાવ અપરિચિત નહોતા. દયાનંદ સરસ્વતી ભારત ભ્રમણ દરમિયાન 1857ના અનેક વિપ્લવી નેતાઓને મળ્યા હતા. ટંકારા તેમની જન્મભૂમિ અને તેમનાં કાર્યો માટે અહીં આર્યસમાજ સક્રિય છે એટલે કંઇક વિગત મળશે એટલે ‘ગુજરાતનાં ક્રાંતિતીર્થો’ સંશોધન માટે આરતી અને હું ટંકારા પણ ગયાં. ત્યાં તુરત મુનિ દયાળનું નામ બધાંએ સૂચવ્યું કે મોટા વિદ્વાન છે, દયાનંદ જીવની લખી છે. એટલે ટંકારાની સાંકડી ગલીમાં આવેલાં તેમનાં નિવાસસ્થાને પહોંચ્યાં. આ દંપતી સહજ અને સરળ જીવન ગાળે છે. ઘણી વાતો થઈ, પણ જેના વિશે હું જાણતો નહોતો તે તેમણે વેદ ગ્રંથોના અનુવાદનું મોટું કામ હતું. એક સામાન્ય દરજી, જેને માટે યુનિવર્સિટી સુધી પહોંચવું મુશ્કેલ હતું, તે કોઈ યુનિવર્સિટીના અધ્યાપક કરે તેનાથી મોટું વિદ્યાકીય કાર્ય કરે તે ખરેખર અનોખી ઘટના ગણાય. ત્યારથી મનમાં હતું કે ગુજરાતે તેમના સન્માન માટે સજ્જ થવું જોઈએ. એ વાત 2008ની, તેને બાર વર્ષે સંસ્કૃત અકાદમીના માધ્યમથી આકાર આપવાનું બન્યું અને નવમી જુલાઈએ નાનકડો પણ પ્રભાવી કાર્યક્રમ થયો, તે પણ ટંકારામાં. અગાઉ સુરતમાં ગુજરાતી સાહિત્યકાર ભગવતીકુમાર શર્માનું આવું સન્માન કરવા સુરતની હોસ્પિટલમાં અકાદમી ગઈ હતી. બે વર્ષ પછી તેવું પુનરાવર્તન થયું. ગુજરાત સાહિત્ય અકાદમીનું ગૌરવ સન્માન ખ્યાત સાહિત્યકાર મહંમદ માંકડને આપવાનો નિર્ણય લેવાયો, પણ તેઓ પથારીવશ હતા અને આજે પણ છે. તો ગાંધીનગર તેમના નિવાસસ્થાને સ્વયં મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા. સાહિત્યકારોની વચ્ચે તેમને આ સન્માન અપાયું ત્યારે મેં એક વિધાન કર્યું કે, પેલી જાણીતી ઉક્તિ છે કે મહંમદ પર્વત પાસે જઇ શકે તેમ નહોતો, સ્વયં પર્વત તેની પાસે આવ્યો હતો. રાજકર્તાઓ આવું ઉદાહરણ આપે તો તે વિદ્યાકીય પ્રેમ અને સમજનો પ્રસંગ બની રહે છે. તેને ‘રાજકીય’ ‘રાજકીય’ કહીને ટીકા કરવી તે અર્થહીન છે. સમાજ અને સત્તા બંને સાહિત્ય સહિતનાં ક્ષેત્રોમાં સહયોગ દ્વારા સાંસ્કૃતિક માહોલ રચે એ પણ સ્વસ્થ સમાજની નિશાની છે. મુનિ દયાળના સન્માનમાં રાજ્યપાલનું ઉદ્્્બોધન પણ ગરિમાપૂર્ણ અને વિદ્યાકીય ગૌરવને અભિવ્યક્ત કરતું હતું તે પણ આ કાર્યક્રમનું મોરપિચ્છ ગણાય. સંસ્કૃત, ગુજરાતી, ઉર્દૂ, સિંધી, હિન્દી અને કચ્છી ભાષાના અંતરિયાળ ખૂણે સક્રિય એવા અજાણ્યા રહી ગયેલા વિદ્યારત્નો તેમ જ ખ્યાતિ પ્રાપ્ત થયેલા વિદ્વાનો, બંનેનો સુભગ સમન્વય કરવાનો પ્રયત્ન સાહિત્ય અકાદમી કરી રહી છે, તેમાં અન્ય સાહિત્ય સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, કોલેજો પણ સામેલ થાય તે જરૂરી છે અને તેવા મહત્ત્વના પ્રયોગો શરૂ થયા છે. ગુજરાત યુનિવર્સિટી નવા યુગના માસ મીડિયાને ભાવાત્મક અને વ્યવહારગત બંને રીતે અસરકારક કરતો અભ્યાસક્ર્મ તૈયાર કરી રહી છે. આંબેડકર યુનિવર્સિટી, જેમની આ વર્ષે જન્મ શતાબ્દી ઉજવાઇ તેવા સાહિત્યકાર સુરેશ જોશીના નામે એક પીઠ (ચેર) સ્થાપિત કરવા અકાદમીના સહયોગ સાથે જઇ રહી છે. સૌરાષ્ટ્રમાં મેઘાણી સંશોધન કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત સાહિત્ય અકાદમી અંતર્ગત મેઘાણી ઉત્સવ, તેમનું તૈલચિત્ર, વ્યાખ્યાનોની તૈયારી થઈ રહી છે. ⬛ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...