સહજ સંવાદ:ગુજરાતી સાહિત્યમાં એક અનોખો કવિતા-સંગ્રામ!

4 મહિનો પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક
  • મેઘાણીનું મૂલ્યાંકન માત્ર લોકસાહિત્યકાર તરીકે કરીને એક ચોકઠામાં મૂકી દીધા છે. વાસ્તવમાં તે કવિ, નવલકથાકાર, સંશોધક અને જ્વલંત પત્રકાર પણ રહ્યા

આજકાલ ગુજરાતી સાહિત્યમાં કવિ અને કવિતાનું યુદ્ધ ચાલે છે. બેશક, તે શબ્દોના હથિયાર સાથેનું છે. સોશિયલ મીડિયા તેનું મેદાન છે. પંડિત યુગમાં અને તે પછી પણ સાહિત્યકારો એકબીજાના સાહિત્ય સામે મેદાને પડતા. સાહિત્યની સંસ્થાઓ પણ તેમાં બાકાત રહેતી નહીં.એટલે તો એક વાર ગાંધીજી પણ ચૂંટણીમાં હારી ગયેલા અને કનૈયાલાલ મુનશીના ‘આધિપત્ય’ સામે ઉમાશંકર અને બીજા સાહિત્યકારોએ વિરોધનો ઝંડો ઉઠાવ્યો હતો. ધીરુભાઈ ઠાકરે સાહિત્યિક વિવાદોનું એક પુસ્તક લખીને આપણા સાક્ષરોની લડાઈની રોચક વિગતો આપી છે, પણ આ વિવાદનું એક સ્તર હતું. ભાષાનું સૌજન્ય વિરોધ કરવામાં ક્યાંય ઊણું ઊતરતું નહીં. હા, બળવંતરાય ઠાકોર કોઈક વાર પુણ્યપ્રકોપની સ્થિતિમાં આવે, ત્યારે ‘મેઘાણી જેવા મંચ પર ગીતડા ગાય તે સાહિત્ય ના કહેવાય’ એવું કહી દેતા! પછીથી તેમના જ કાવ્યસંચયમાં મેઘાણીને કવિનું સ્થાન મળતું પણ ખરું! ... પણ આજે જે કવિતા-સંગ્રામની વાત કરવી છે તે સાવ અનોખી અને રોચક છે. દરેક પ્રજાનું પોતાનું લોકજીવન, જીવનશૈલી અને લોકસાહિત્ય હોય છે. ગુજરાત પણ તેમાં સમૃદ્ધ છે. વિશેષે સૌરાષ્ટ્ર અને કચ્છની સાહિત્યધારા, તેના ઉત્સવો, રીતરિવાજો, પ્રસંગો, અધ્યાત્મ અને રોજના સવારથી સાંજ અને રાતથી વહેલી સવાર સુધીના સમય અને ક્ષણોને વ્યક્ત કરે છે. દક્ષિણ અને પંચમહાલની વનવાસી દુનિયાનો વળી પોતાનો અવાજ છે. દુહા, ગીતો, ભજનો, કથા અને કથા ગીતો, હાલરડાં, પ્રેમગીતો, ઋતુગીતો, મરશિયા અને યુદ્ધગીતો... હોઠ અને નૃત્ય સુધીના માધ્યમોમાં તેનો રણકાર સંભળાય છે. આ દિવસો સુરેશ જોશી અને ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિ ઉજવણીના છે. મેઘાણીનું મૂલ્યાંકન માત્ર લોકસાહિત્યકાર તરીકે કરીને એક ચોકઠામાં મૂકી દીધા છે. વાસ્તવમાં તો તે કવિ હતા, નવલકથાકાર હતા, ઇતિહાસ સાથે આત્મીય નાતો હતો, સંશોધક રહ્યા અને જ્વલંત પત્રકાર પણ રહ્યા. તેમની ખુમારીએ સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લઈને જેલ ભોગવી, ક્યારેક ફિલ્મ નિર્માણ તરફ પણ વળ્યા. સૌરાષ્ટ્ર અખબારનાં પાનાં પર સમય નામે બંદૂકધારીના પડછાયે રચેલી કવિતા તો ગોળમેજી પરિષદમાં જઈ રહેલા ગાંધીની રાષ્ટ્રીય મનોવ્યથાનું પ્રતિબિંબ પાડતી રચના બની રહી. સમગ્ર મેઘાણીને સમજવા માટે તેમણે ‘સોરઠી બહારવટિયા’, ‘સૌરાષ્ટ્રની રસધાર’ કે ‘સોરઠ, તારા વહેતાં પાણી’ જેવાં પુસ્તકો લખ્યાં તેનો અંદાજ અધ્યયન માગી લે છે અને સમયની સૂઝ પણ એટલી જ જરૂરી બની જાય છે. હમણાં સાવ અચાનક તેમની ‘સોરઠી ગીતકથાઓ’ નામે જર્જરિત ચોપડી હાથમાં આવી. 1931માં તે છપાઈ હતી, બરાબર ગાંધીના નમક સત્યાગ્રહ પછીના વર્ષે. તેમાં ક્યાંય તે સમયના રાષ્ટ્રીય માહોલની વાત નથી. માત્ર અને માત્ર સૌરાષ્ટ્રના પરિભ્રમણ દરમિયાન પ્રાપ્ત ગીતો, કથાઓની વાત છે, પણ જરાક તેનો પડછાયો જોઈ શકો તો પ્રજાકીય ચૈતન્યનો અંદાજ મળી રહેશે. આ પુસ્તકનાં પ્રવેશકમાં તેમણે ‘દુહો દસમો વેદ’નો અંદાજ આપ્યો છે. કેવી રીતે? મેઘાણી વર્ણન કરે છે : ‘ત્રણ દિ’ ને ત્રણ રાતના અખંડ ઉજાગરા અમે ખેંચેલા છે. સેંકડો લોકોએ પાંપણને પોરો નથી આપ્યો. ગિરનારની શિવરાતનો તો મૂળ મેળો જ ગાંડોતૂર. તેમાં વધુ ગાંડાં કરી મૂકનાર તો એ બે જણા : એક કોર આપણાં બગસરા ગામનો લૂકમાનભાઈ વોરો અને બીજી કોર બરડાના બખરલા ગામની અડીખમ મેરાણી! મેળાના પહેલા દિવસે ઊઘડતા પ્રભાતથી એ બે જણાંને સાંસામાં કવિતાના સંગ્રામ માનદાય., બેઉંને વીંટળાઇ વળીને સેંકડો સોરઠવાસીઓ સામસામા જાણે ગઢકિલ્લાના મોરચા માંડ્યા હોય તેવાં ગોઠવાઈ જાય. સોય પડે તોય સંભળાય એવા એકધ્યાન, વેણેવેણને ઝીલીઝીલી રસના ઘૂંટડા પીતાં એ માનવીયુંના મેળા અને એની વચ્ચે આ વોરો ને આ મેરાણી ત્રણ-ત્રણ દિવસ લગી સામસામા દુહાસોરઠા લલકારે. દેહને પિતળિયા ચાપડી જડેલી ડાંગોને ટેક્ણે ટેકવ્યા હોય, એક કાનમાં ડાબા હાથની આંગળી દીધી હોય, જમણા હાથમાં ઊનના ફૂમકાં ઝૂલવતી અકકેક છડી લીધી હોય અને જેમ જેમ દુહો બોલાતો જાય તેમ તેમ રંગત જામે. એ તો કવિતાના સંગ્રામ, પણ સમશેરો કરતાં કાતિલ. વીણીવીણીને દુહા છાતીમાં ચોંટવા માંડે. મે-ઊજળીના, ઓઢા-હોથલના, વિજાણન્દના, આઈ નાગબાઈના, માંગડા ભૂતના, અહોહો! અખૂટ ભંડાર. પણ કોણ હારે? કોણ જીતે? બેઉ વટના કટકા. બેઉના હજારું દુહા હૈયે નોંધેલા. અખંડ દિ’ ને અખંડ રાત. ઊંઘવાની તે વાત હોય? મલ્લા ને મેરાણી તો ખાવાનુંયે ના ખાય. બેસેય નહીં. ઉભૌભા પોરો આવે તો કઢેલું દૂધ પી લ્યે. બાકી તો ડાંગનું ટેકણ એ જ તેનો તકિયો. એ જ એમની પથારી ને એ જ વિશ્રામ. અકકેક દુહે લોક શાબાશીથી પડકારે. દુહા ખૂટે પછી આપજોડિયા દુહા અને છકડિયા નીકળે. મેરાણી પણ જવાંમર્દ હતી. દુહા ગાવામાં જાણે જૂના કાળની દુવાગીર બાઈ ચૂડ વિજોગણની અવતાર!’ મેઘાણીએ આ ગિરનારની સાક્ષીએ થતાં દુહા-સંગ્રામની વાત કરી છે અને નોંધ્યું છે કે તે સમયના સૌરાષ્ટ્રના તમામ મેળાનું આ સાહિત્યિક આકર્ષણ. પંડિતાઈ નહીં, પણ બે પંક્તિમાં આખું આકાશ. મજાની વાત એ પણ છે કે આવા ગીત સંગ્રામોની પરંપરા સૌરાષ્ટ્રની જેમ ઈંગ્લેન્ડમાં પણ હતી! આ દુહા જે સમાજની નીપજ છે તેની જીવનશૈલી આગવી હતી. ગાંધીનગરના એકવીસમા સેક્ટરમાં ધારાસભ્યોના નિવાસ છે અને ત્યાં એક ભોજનાલય પણ છે. તેમાં પ્રવેશ કરતાં દીવાલ પર એક ચિત્ર જોવા મળશે. તે માંગડાવાળાની પ્રેમકથાનો ભડભડ બળતો વડલો છે! બાળપણમાં અમારે ગામના પાદરે દેશી નાટક સમાજ મંડળી આ નાટક ભજવતી. મંચ પર વડલો બળતો દેખાય અને તે કથાનો દુહો.. ‘વડલા તારી વરાળ, પાને પાને પરજ્ળે....’ ગાંધીનગરમાં આવીનેય પોતાના ગામના લોકકથાના આ માંગડાવાળાને ભોજનાલયનો માલિક ભૂલ્યો નથી! લોકજીવનનો સાવ આગવો પ્રકાર દુહો છે. બે પંક્તિમાં તો કેટલી બધી લાગણીનો અહેસાસ થાય. તેમાં શૌર્ય છે, શૃંગાર છે, ધિક્કાર છે, ભક્તિ છે, મમતા છે, ચિત્કાર છે, આર્તનાદ છે. તેને રચનારો કોઈ એક કવિ નથી. કોઈ એક ઘટના-સ્થાન પણ નથી. અનરાધાર વરસાદની જેમ તે આવે છે અને ભીંજવી નાખે છે. તેની કથા પણ અજબગજબની છે. શેણી-વિજાણંદ મેહ-ઊજળી, વીર માંગડાવાળો, મૂળુ માણેક, જોગીદાસ ખુમાણ વગેરે આવા અનેક પાત્રોની આસપાસ દુહા રચાયા હતા. તેમાં ક્યારેક અતિશયોક્તિ હશે, પણ જાજરમાન વ્યક્તિઓના ચરિત્ર ચિત્રણ પણ છે. જોધા માણેક અને મૂળુ માણેકના બલિદાન પછી દ્વારિકાની શેરીઓમાં જે દુહા રચાયા હશે, તેમાં એક ‘ઓખો રંડાયો આજ’ એવી પંક્તિ આવે છે. ઓખા નાગરરૂપી પુરુષ પણ વૈધવ્ય પ્રાપ્ત કરે છે. આવી કલ્પના, દુહા, ગિરને જ આવે. રાણકદેવીની ઘટના તો એકદમ સ્ત્રીત્વના ચિત્કાર અને માતૃત્વના રણકાર જેવી છે. રા’ખેંગારના મૃત્યુ પછી સિદ્ધરાજની સાથે જવા માટે મજબૂર રાણકને ગિરનાર ઉપર ગુસ્સો આવે છે. ‘ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતો કરે, મરતાં રા’ખેંગાર ખરેડી ખાંગો નવ થયો,’ આટલું કહ્યું ત્યાં સુધીમાં તો ગિરનાર ખળભળવા માંડ્યો હતો અને પછી ‘મા પડ મારા આધાર’ કહીને રોક્યો હતો. દુહાનું આવું ચરિત્ર છે. ⬛ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...