સહજ સંવાદ:એક અનોખી સાંસ્કૃતિક ઇમારત બહાઉદ્દીન કોલેજ

2 વર્ષ પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક

ગરવા ગિરનાર કે ભવનાથના મેળે જાવ તો નગરના ધમધમતા કાળવા ચોક જરૂર જજો. અહીં અત્યારે તો જેના સગડ ન મળે તેવાં દેશી નાટકોનો જમાનો હતો. દયાશંકર ગિરનારાએ છેક 1899માં ગુજરાતી નાટક મંડળીની સ્થાપના કરી, પાલિતાણા ઠાકોરે જૂનાગઢમાં 1896માં અહીં નવાબની ઉપસ્થિતિમાં નાટક ભજવ્યું. સૌરાષ્ટ્રમાં ગુજરાતી રંગભૂમિનું એ પ્રાગટ્ય. પછી તો તેનો દમદાર પ્રારંભ થયો. હાલ જ્યાં અતિથિગૃહ છે તેની નાટકશાળા ચાલતી. મોરબીના મણિશંકર આવ્યા, વખારિયા શેઠે આ ચોકમાં જયેન્દ્ર થિયેટર બાંધ્યું. નૂર મોહમ્મદ અલી શાના પાછળ રહે? ધોરાજીના આ વેપારી મેમણનો નવાબની સાથે ઘરોબો હતો એટલે આ ચોકમાં નવાબની બેગમ સાથે ભાગીદારી કરીને કાળવા ચોકમાં એક વધુ નાટ્યગૃહ સ્થાપ્યું. પાછળથી તે હરેશ ટોકિઝ તરીકે જાણીતું બન્યું. મણિશંકર ભટ્ટે જૂનાગઢને નાટકની મહેફિલ સાથે જોડી દીધું, તેનું એક કારણ નવાબોનો રંગીન સ્વભાવ પણ હતો. છેલ્લા નવાબની પાકિસ્તાન સાથેના જોડાણની ઐતિહાસિક નાદાનીને બાદ કરીએ તો તે નાટ્યશોખીન હતો અને કોઈક વાર સ્ત્રી-પુરુષના કિરદાર ભજવતો. 125 વર્ષ પહેલાંનો એ યુગ સાચે જ ‘ખંડહર બતા રહા હૈ કિ ઇમારત કિતની બુલંદ થી’નો નિસાસો નાખવો પડે તેવી પરિસ્થિતિ છે. પણ ના. આવું કહેતાં પહેલાં કાળવાથી આગળ વધો. સરદારની ભવ્ય પ્રતિમા અને તેમના નામનો ઉદ્યાન, ડાબી તરફ જાવ તો દિલારામ બંગલો અને અતિથિગૃહ... ત્યાંથી જ દેખાશે ભવ્ય અને સુંદર ઇમારત તે બહાઉદ્દીન કોલેજ, જેને ગુજરાત સરકારે હવે સાંસ્કૃતિક વિરાસત જાહેર કરી છે. તેના એક છેડે મિનારના ખંડમાં આપણા મૂર્ધન્ય શિક્ષણકાર અને લેખક ડો. તખ્તસિંહ પરમાર મારા જેવા બી.એ.ના વર્ગમાં સાવ એકલવીર હોઉં તોય એટલી જ તન્મયતાથી ગુજરાતી ભણાવે. સાહિત્યમાં સ્વસ્થ છતાં નિર્ભિકતાથી વિવેચન કરનારા ડો. લાભશંકર પુરોહિત પણ વર્ગ લે, પ્રિન્સિપાલ નોરોન્હાની છાપ એવી કે તેઓ નીકળે ત્યારે તેમની સામેથી નીકળવાનું છાત્રો અચૂક ટાળે. આ કોલેજનું ઉદ્્ઘાટન ત્રીજી નવેમ્બર, 1900ના દિવસે લોર્ડ કર્ઝનના વરદ હસ્તે થયું ત્યારની એક રોચક કહાણી સાંભળવા જેવી છે. મુંબઈ પ્રેસિડન્સીની આ ત્રીજી કોલેજ. પહેલી મુંબઈની એલ્ફિન્સ્ટન, બીજી ભાવનગરની શામળદાસ અને ત્રીજી આ બહાઉદ્દીન કોલેજ. 35 વર્ષ સુધી નવાબના લાલ રસાલાના વડા તરીકે કામ કરનાર આ માણસ ખાસ ભણેલો નહોતો એટલે મનમાં હતું કે ભણતર તો જોઈએ જ. ત્રણ નવાબોની સેવા અને મહાબતખાન નવાબની બહેન લાડલી બીબીની સાથે શાદી, આટલું તેને માટે અધૂરું હતું તો રાજા-રજવાડાંએ ભેગાં થઈને 60418 રૂપિયા ભેટ આપ્યાં. તેમાં 20000 ‘કોરી’ ઉમેરીને કોલેજ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. મુઘલ અને હિન્દુ સ્થાપત્યનો આ અજોડ નમૂનો છે. મધ્યસ્થ ખંડની રચના આશ્ચર્ય પમાડે તેવી છે. તેના 52 દરવાજા છે, 100x60ની લંબાઈ અને પહોળાઈ છે. છાપરું ટકાવવા થાંભલા તો જોઈએે? આ ખંડમાં એક પણ થાંભલો (પિલર) નથી. લોર્ડે પહેલો જ સવાલ પૂછ્યો કે આવી ભવ્ય અને અભૂતપૂર્વ કારીગરી કોની છે? તેના અભણ સ્થપતિ જેઠા ભગા નામે કડિયાને બોલાવવામાં આવ્યો. શામજી કલ્યાણજી મેવાડા સુતારે કુશળતાથી સભાખંડની ઉપર નળિયાં ગોઠવ્યાં હતાં. લોર્ડને થયું કે આવું અદ્્્ભુત સ્થાપત્ય અને બાંધકામ ઇંગ્લેન્ડમાં પણ જોવા મળ્યું નથી. નીચે ઇટાલિયન આરસ જડવામાં આવ્યા. આ સભાખંડમાં અનેક સભા, નાટકો, વક્તૃત્વ સ્પર્ધા, યુવા મહોત્સવો ઊજવાયાં. તેને જો જબાન મળે તો આ સાંસ્કૃતિક ધરોહરનો 121 વર્ષનો અદ્્્ભુત ઇતિહાસ પ્રાપ્ત થાય. જેમ કેટલાક વિદ્વાનો ‘અમે એલ્ફિસ્ટિયન’ કહેવાનું ગૌરવ કરે છે તેમ અમે બહાઉદ્દીનિયન પણ કહી શકાય. અહીંના પ્રાચાર્યોની વિદ્યાપ્રીતિ એક ઊંચાઈ પર હતી. સ્થાપનાનાં વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા 97 હતી! અત્યાર સુધીમાં 50,000 જેટલા વિદ્યાર્થીઓ અને શાપુરજી હોડીવાલા, જી.એસ. ધૂર્યે, માર્સ હેસ્કેથ, મહાદેવ મલ્હાર જોશી (ખ્યાત સમાજવાદી નેતા એસ.એમ. જોશીના ભાઈ) ગણિતશાસ્ત્રી એ.આર. રાવ, એન. એન. ભરુચા, એચ. ડી. નરોન્હા, તખ્તસિંહ પરમાર, એસ. જી. શાસ્ત્રી, વી.એસ. ગોગટે એવા પ્રાચાર્યો અને અધ્યાપકો રહ્યા કે, ‘તેમના સમયે અમે આ કોલેજના વિદ્યાર્થી હતા’ એમ કહેવામાં ગૌરવનો અનુભવ થાય. આ કોલેજનું 100મું વર્ષ ચીલાચાલુ રહ્યું, ભવ્ય ઉજવણીથી વંચિત રહી ગયું. આ મેદાને ઐતિહાસિક ઘટનાઓ નિહાળી છે. એક ખૂણે તકતી બોલે છે કે 13 નવેમ્બર, 1947ના દિવસે સ્વાધીન ભારતના ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઇનું ભાષણ સાંભળ્યું અને જૂનાગઢ પાકિસ્તાનમાં નહીં, પણ ભારતમાં જ હોઇ શકે એવો મત હાથ ઊંચો કરીને દર્શાવ્યો હતો. 15 ઓગસ્ટે અહીં ત્રિરંગો-રાષ્ટ્રધ્વજ ફરક્યો નહોતો. પાકિસ્તાન સાથેના વિલિનીકરણની જાહેરાત થઈ, હિજરત શરૂ થઈ, બે પત્રકાર અમૃતલાલ દલપતભાઈ શેઠ અને શામળદાસ ગાંધી, ગુજરાતની અસ્મિતાના ધ્વજધારી કનૈયાલાલ મુનશી તેમજ મુંબઈના સોરઠનિવાસીઓએ આરઝી હકૂમત રચી. રજવાડાંઓની દેશી પોલીસે સાથ આપ્યો અને છેક ઓક્ટોબર-નવેમ્બરમાં જૂનાગઢ-માણાવદર મુક્ત થયાં. સરદારે અહીં ભાષણ પછી સોમનાથ જઈ સોમનાથના ભગ્ન ખંડેરનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ લીધો. કાળવાથી થોડા અંતરે આ ભવ્ય વિરાસત છે. ત્યાં કોલેજ છે અને ધૂમકેતુ, મેઘાણી, હરિપ્રસાદ શાસ્ત્રી, રામપ્રસાદ શુક્લ, જમનાદાસ મહેતા... બધા અહીં ભણ્યા હતા. બીજાં ઘણાં નામો ઉમેરાય. આજે આલ્મામેટર બહાઉદ્દીન કોલેજને સલામ. ⬛ vpandya149@gmail.com