તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહજ સંવાદ:પત્રો અને હસ્તાક્ષરોની અનોખી જુગલબંધી

19 દિવસ પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક
  • મહાપુરુષોએ મહત્ત્વનાં પત્રો પોતાના જ અક્ષરોમાં લખ્યા અને સેંકડો લખાવડાવ્યા. લોકો સુધી પહોંચવાનું આ ઉત્તમ માધ્યમ છે

અક્ષરની વાત આવે એટલે ફટ કરતા ગાંધીજીને યાદ કરવામાં આવે અને મજાકમાં એવું પણ કહેવાય કે ખરાબ અક્ષરોથી મહાત્મા થઈ શકાય! જોકે, ખુદ ગાંધીજીએ સ્વીકાર્યું છે કે ખરાબ અક્ષરો અધૂરી કેળવણીની નિશાની છે, પણ ગાંધીજીએ આવા અક્ષરોમાં જ તેમનું પ્રથમ પુસ્તક ‘હિન્દ સ્વરાજ’ લખ્યું તેનું યથાવત્ સંસ્કરણ પણ મળે છે. શક્ય છે કે તેમના મોટા ભાગના પત્રો મહાદેવભાઇ કે પ્યારેલાલે કાગળ પર ઉતાર્યા હશે, પણ તેની સંખ્યા હજારો છે. મહાપુરુષોએ મહત્ત્વનાં પત્રો પોતાના જ અક્ષરોમાં લખ્યા અને સેંકડો લખાવડાવ્યા. લોકો સુધી પહોંચવાનું આ ઉત્તમ માધ્યમ રહ્યું છે. જવાહરલાલ નેહરુ, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઇ, રવીન્દ્રનાથ ટાગોર તમામના પત્રોના ગ્રંથો થયા તે તત્કાલીન ઇતિહાસની ભૂમિકા રચી આપે છે. ઝવેરચંદ મેઘાણીના પત્રો હિમાંશી શેલતે ‘લિખિતંગ હું આવું છું’ શીર્ષકથી સંપાદિત કર્યા છે. વર્ષો પહેલાં બેનિટો મુસોલિનીના પત્રોનું પુસ્તક મને મળ્યું હતું. એડોલ્ફ હિટલરનું પુસ્તક હશે? હિટલરે જો આત્મકથા ‘મેન કામ્ફ’ લખી હોય તો પત્રો લખ્યા હોવા જોઈએ! પત્રો અભિવ્યક્ત થવા માટે લખાય છે. તેવા પત્રો તેમનું વ્યક્તિત્વ અને તત્કાલીન સમય સુધી આપણને પહોંચાડે છે. મારી પાસે જયપ્રકાશ નારાયણની સહી સાથેનો એક પત્ર સચવાયેલો છે. 31 જાન્યુ, 1976ના દિવસે તેઓ મુંબઇની જસલોક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. સરકારે તેમને ‘મિસા’ હેઠળ પકડેલા પણ કિડની ખરાબ થતાં પેરોલ પર છોડ્યા એટલે હોસ્પિટલમાં હતા. (તેમની સારવાર માટે જે ફંડ એકત્રિત કરવામાં આવ્યું તેમાં, જેમની જન્મશતાબ્દી છે, તે સમર્થ ગુજરાતી સાહિત્યકાર સુરેશ જોશીએ તેમને પ્રાપ્ત રણજિતરામ સુવર્ણચંદ્રક આપી દીધો હતો આ આડવાત કરવી રહી.) એ દિવસોમાં ગુજરાતનાં અધ્યાપકોએ સંમેલન યોજ્યું અને તેમાં આંતરિક કટોકટી તેમ જ સેન્સરશિપનો વિરોધ કરતાં વક્તવ્યો મરાઠી વિદુષી સાહિત્યકાર દુર્ગાતાઈ ભાગવત, રામ જેઠમલાની, બાબુભાઇ પટેલ સહિત અનેકોએ આપ્યા. આ સંમેલન નિમિત્તે આયોજકોમાં એક હતો અને મુંબઈ સંપર્ક કર્યો હતો એટલે જેપીનો એક પત્ર મને મળ્યો, તેનું સંમેલનમાં પઠન કર્યું ત્યારે ઘણાની આંખોમાં આંસુ હતા. પત્રની આટલી શક્તિ છે! મોરારજીભાઈની ખાસિયત કે તેઓ જાતે પત્ર લખે. મોટે ભાગે પત્તું(પોસ્ટકાર્ડ) જ હોય. તેમને લખેલા પત્રના જવાબમાં તેમણે નાનકડી ટકોર કરી કે સરનામામાં ‘મુરારજીભાઈ’ લખ્યું છે. હું મુરારજી નથી, મોરારજી છું! વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ હસ્તાક્ષરોમાં પત્રો લખતા! એક વાર તેમણે લખેલો, પણ અંગત સચિવથી મોકલવાનો રહી ગયેલો પત્ર, બીજા પત્ર સાથે મોકલ્યો હતો. 1974ની ગુજરાતની ચૂંટણીના પ્રચારમાં આવ્યા ત્યારે પહેલી વાર વિપક્ષી એકતાનો ગુજરાતમાં મોરચા સ્વરૂપે પ્રયોગ થયો હતો. દિલ્હીથી અમદાવાદ આવતા વિમાનમાં જ નાનકડો લેખ લખ્યો, તેનું શીર્ષક હતું : ‘મુઝે મોરારજીભાઇ સે મોહબ્બત હો ગઈ હૈ!’ 1952થી જે સામસામા પક્ષમાં હતા તેમની રાજકીય અનિવાર્યતા પારખીને કરાયેલી નોંધ હતી! ખુશવંતસિંઘે પોતાની કોલમમાં વખાણેલી કવિતા ‘25 દિસમ્બર’ પોતાના હસ્તાક્ષરોમાં મોકલી હતી. એ સમયે જેલથી જે પત્રો આવતા તે હસ્તાક્ષરોમાં રહેતા. દુર્ગાતાઈ ભાગવત મુંબઈની જેલમાંથી પોસ્ટકાર્ડ લખે, મરાઠી કે અંગ્રેજીમાં, પણ એવું લાગે કે હાસ્ય સાથે તે ટંકાર કરે છે. જ્યોર્જ ફર્નાન્ડિઝ ત્વરાથી લખે. મીનુ મસાણીના પત્રો મુદ્દાસર રહે. બાબુભાઇ પટેલના ઝીણા મકોડી જેવા પણ વિગતવાર હોય. ડો. વસંત પરીખ ભુલાયેલું નામ છે, પણ ’67માં ચાર વિપક્ષી ધારાસભ્યો સત્તા પક્ષને ભીંસમાં લેતા તેમાંના એક. મોતીના દાણા જેવા અક્ષરો. તેમના પત્રોનું પુસ્તક બહાર પડ્યું છે. વિજ્ઞાન અને અધ્યાત્મનું સાયુજ્ય રચીને નવી દુનિયા સર્જી શકાય તેવું પ્રબોધન કરનારાં વિમલાતાઈના અક્ષરો શ્રાવણની વરસતી ધારા જેવા. પુરુષોત્તમ માવલંકર સુવાચ્ય અધ્યાપકનો અહેસાસ કરાવે. ગુલાબદાસ બ્રોકર, કે.કા. શાસ્ત્રી, સુંદરમ્, એચ. એમ. પટેલ, મકરંદ દવે(તેમના આંતરદેશીય પત્રમાં તો કવિતાનો ઉપહાર પણ મળે!) ડો. ધર્મવીર ભારતી, વાસુદેવ મહેતા, હરસુખ સંઘાણી, હરીન્દ્ર દવે, યશવંત શુકલ, ધીરુભાઈ દેસાઇ, ન્યાયમૂર્તિ સાંકળચંદ શેઠ અને નરેન્દ્ર નથવાણી, ધારાશાસ્ત્રી ચંદ્રકાંત દરૂ.. રાજનીતિ-ન્યાયતંત્ર-સાહિત્ય-પત્રકારત્વ-શિક્ષણ-અધ્યાત્મ જેવાં ક્ષેત્રોમાં વિશિષ્ટ મહાનુભાવોના પત્રો, પત્રાક્ષરો અને હસ્તાક્ષરોની ગઠરી ખોલું ત્યારે રોમાંચ થાય છે. આ લેખમાં મૂકેલી, જન્મશતાબ્દી ઊજવાઇ રહી છે તે ફિલ્મકાર સત્યજિત રાયની, બે ભાષામાં સહી, જે 1983માં કોલકાતા તેમના નિવાસસ્થાને વાત કર્યા પછી આપી હતી. સાદી નોટબુકમાં! શ્રેષ્ઠ કલાકારનું કેવું વ્યક્તિત્વ છલકે છે, આ હસ્તાક્ષરોમાં! ⬛ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...