તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડૂબકી:માણસ હોવાની સાચી સેલ્ફી

એક મહિનો પહેલાલેખક: વીનેશ અંતાણી
  • કૉપી લિંક

થોડા દિવસ પહેલાં એક મિત્રે સુંદર વિચારકણિકા પોસ્ટ કરી : ‘આપણી જિંદગી માનવ હોવા અને માનવ બનવા વચ્ચેની યાત્રા છે.’ માનવનો અવતાર મળવાથી જ કોઈ વ્યક્તિ સાચા અર્થમાં માનવ બની જતી નથી, માનવતા જ માણસને માણસ બનાવે છે. દુનિયાભરના સંતો અને મહાત્માઓએ માણસાઈના ગુણ પર ભાર મૂક્યો છે. સુરેશ જોશીએ એક પ્રવચનમાં કહ્યું હતું : ‘તમે માણસને ઉલ્લંઘીને ઇશ્વર પાસે જઈ શકો નહીં.’ કવિ સુંદરમની આ કાવ્યપંક્તિ ઘણું કહી જાય છે : ‘હું માનવી માનવ થાઉં તો ઘણું.’ પ્રેરણાત્મક વિચારોના પ્રસારક રોબિન શર્માએ લખ્યું : ‘તમે દિવસમાં એક અજાણ્યા માણસના મોંઢા પર સ્મિત લાવી શકો તો તમારો આખો દિવસ જીવવાલાયક બનશે.’ કહેવાય છે કે સમયની સાથે માણસ બદલાયો છે. કોઈના દુ:ખની વેળાએ માણસોએ મોઢું ફેરવી લીધું હોય એવાં ઘણાં દૃષ્ટાંત જોવા મળે છે, પરંતુ એ વાત સંપૂર્ણપણે સાચી નથી. આજના બદલાયેલા સમયમાં પણ માણસાઈના દીવા ટમટમતા જોવા મળે છે. ક્યાંક વાંચ્યું હોવાનું યાદ આવે છે. એક સમયે કેરળના એક ગામમાં ઉત્તમ પ્રથા હતી. લોકો રાતે સૂવા જાય તે પહેલાં શેરીએ ઊભા રહી બૂમ પાડતા : ‘ગામમાં કોઈ ભૂખ્યું છે?’ એ સાંભળીને કોઈ ભૂખી વ્યક્તિ આવે તો એને પેટભરીને જમાડ્યા પછી જ એ લોકો ઘર બંધ કરતા. કેટલાય નામી અને અનામી લોકોએ માણસાઈની મશાલ પ્રજ્વલિત રાખી છે. એમણે મોટાંમોટાં દાનનો પ્રવાહ નહીં વહાવ્યો હોય, પરંતુ એમનામાં જરૂરતમંદ લોકોને સહાય કરવાની ભાવના હોય છે. કોઈ વૃદ્ધ કે સૂરદાસને ટ્રાફિકમાં રસ્તો ઓળંગાવાથી માંડી ધરતીકંપ કે કોઈ પણ કુદરતી આફતના સમયે એવા લોકો સેવાભાવનાથી પ્રેરિત થઈ હાજર થઈ જાય છે. એમને નામ કમાવાની કે તકતી પર નામ કોતરાવવાની તમા હોતી નથી, સેવાપ્રવૃત્તિ એમનું રોજિંદું અને સહજ વલણ હોય છે. કોઈ જ ભાર નહીં, વળતરની કોઈ આશા નહીં. મહામારીના આ સમયે આપણે ઊભા થવાની કોશિશ કરીએ છીએ ત્યારે અનેક લોકોએ કરેલી માનવસહાયની પ્રવૃત્તિ વિશે આપણે જાણ્યું છે. અદના રિક્ષાચાલકથી માંડી સેલિબ્રિટિસ કહેવાય એવા લોકોએ નિ:સ્વાર્થભાવે લોકોને સહાયતા કરી છે. એ બધાનાં નામો ઉલ્લેખ કરવા અહીં શક્ય નથી, પરંતુ એમની વિગતો આપણે જાણીએ છીએ. ગયા રવિવારે અહીં વિનોદ કાપરીના પુસ્તક ‘1232 કિ.મી. : ધ લોન્ગ જર્ની હોમ’ની વાત કરી હતી. એમાં કપરા કાળમાં લોકોએ બતાવેલી માનવતાની ઘટનાઓની સારી એવી વિગતો મળે છે. સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થયા પછી હજારો-લાખો શ્રમિકોએ એમને ગામ પહોંચવા હિજરત કરી. એમના જેવા જ બિહારના સાત શ્રમિકોએ સાઇકલ પર એમને ગામ પહોંચવા કઠિન મુસાફરી આદરી. એ શ્રમિકોને રસ્તામાં ખરાબ અનુભવ થયા, તો માનવતાના પણ અનુભવ થયા. લોકડાઉન વખતે હાઇ-વે પર કાયદાનું કડકાઈથી પાલન કરાવતી પોલીસનો માર ખાવો પડ્યો. એવી સખતાઈથી બચવા સાત શ્રમિકો લપાતા-છુપાતા ગામડાની કાચી સડક પર આગળ વધ્યા. રસ્તામાં નદી આવી. આગળ જવા નદી પાર કરવી જ પડે તેમ હતી. એમણે બે માછીમારોને હોડીમાં સામે કાંઠે લઈ જવા વિનંતી કરી, પણ પોલીસના ડરથી માછીમારો તૈયાર ન થયા. એથી ત્રણ જણે નાછૂટકે સાઇકલ ઊંચકી અને નદીમાં ઊતર્યા, બીજા સાથીદારો એમને ના પાડતા રહ્યા. કોઈ ઉપાય જ નહોતો. એ ત્રણ જણ માથાડૂબ પાણીમાં પહોંચ્યા, વેગથી વહેતા પાણીમાં કોઈ પણ ક્ષણે તણાઈ જવાનો ભય હતો. એ જોઈને એક માછીમારથી રહેવાયું નહીં. એ બૂમ પાડી ઊઠ્યો : ‘પાછા વળો, હું તમને મારી હોડીમાં લઈ જઈશ. વધારેમાં વધારે શું થશે, પોલીસ મને મારશે અને હોડી જપ્ત કરી લેશે, એટલું જ ને?’ એ માછીમાર એની બાકીની જિંદગી માણસ હોવાના સંતોષ સાથે જીવવા માગતો હતો. લોકડાઉનમાં લોકોએ દુકાન ખોલવાનું જોખમ ઉઠાવીને શ્રમિકોની સાઇકલનાં પંક્ચર કરી આપ્યાં, ટાયર બદલી આપ્યાં, સૂવાની અને ખાવાની સગવડ કરી આપી. બે ડ્રાઇવરોએ એમને ટ્રકમાં છુપાવી થોડું અંતર ઓછું કરાવી આપ્યું. ઉત્તર પ્રદેશના એક ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે પોલીસ ચોકી પાસેથી પસાર થવું પડ્યું. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પણ ત્યાં ઊભા હતા. પોલીસે રોક્યા. શ્રમિકોના જીવ ચપટીમાં આવી ગયા. એમના આશ્ચર્ય વચ્ચે બે કોન્સ્ટેબલે સાહેબની કારમાંથી સારી રીતે પેક કરેલાં ફૂડ પેકેટ્સ લાવી એમને આપ્યાં. કાયદાના પાલનની સાથે માનવીય સંવેદનાનો તંતુ જોડાય તો કેટલાયના જીવ બચે. એક મોડી રાતે એમને ખાવા-સૂવાની જરૂર હતી. વિનોદ કાપરીના મિત્રના વિદ્યાર્થી પ્રત્યુષે સાતે સાત જણને એની પ્રાઇવેટ હોસ્ટેલમાં ગરમાગરમ જમાડ્યા અને માની શકાય નહીં, પરંતુ બધાને હોસ્ટેલના એ.સી. રૂમમાં સુવડાવ્યા. બીજી સવારે શ્રમિકોને પાંચ દિવસ ચાલે એટલાં પૂરી-શાક બાંધી આપ્યાં. એ લોકો જવા નીકળ્યા ત્યારે પ્રત્યુષે કહ્યું : ‘તમારે ગામ પહોંચો ત્યારે સેલ્ફી પાડીને મને મોકલજો.’ સામાન્ય પરિસ્થિતિમાં આવાં ઉદાહરણ સાધારણ લાગે, પરંતુ લાચાર શ્રમિકોની જેમ મહામારીની વચ્ચે રસ્તે રઝળી પડ્યા હોઈએ, ત્યારે આવી નાનીનાની ઘટના પણ માનવતાની સાચી સેલ્ફી બને. ⬛ vinesh_antani@hotmaill.com

અન્ય સમાચારો પણ છે...