ડૂબકી:બદલાતા સમયનું પ્રચંડ વાવાઝોડું

વીનેશ અંતાણીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાદા સાતેક વર્ષના પૌત્ર સાથે એમના સમયની વાતો કરવા માગતા હતા. પૌત્રને દાદાની વાતોમાં રસ નહોતો. એ સ્માર્ટ ફોનમાં ગેમ રમવા ઉત્સુક હતો. દાદાએ પૂછ્યું: ‘આખો દિવસ કાં ટીવી, કાં લેપટોપ, કાં આ ફોન. કંટાળી નથી જતો? અમારા વખતમાં તો આવું કશું હતું જ નહીં.’ પૌત્રને નવાઈ લાગી. એણે પૂછ્યું: ‘તો તમે આખો દિવસ કરતા શું?’ દાદા એમના નાનપણમાં પહોંચી ગયા. એ વિગતવાર જવાબ આપવા માગતા હતા, પરંતુ પૌત્ર એના સેલ ફોનમાં મગ્ન થઈ ગયો હતો. દાદા એને કહેવા માગતા હતા – અમે ઘરમાં જ બેસી રહેતા નહીં. દોસ્તોની સાથે શેરીમાં કબડ્ડી, ખો, લંગડીદાવ જેવી જાતજાતની રમતો રમતા. પાદરમાં વડની વડવાઈ પકડી મજાથી ઝૂલતા, તળાવમાં ધુબાકા મારતા. એમણે પૌત્રનું ધ્યાન ખેંચવા નિષ્ફળ પ્રયત્ન કર્યો, પછી મૂંગા થઈ ગયા. બાજુબાજુમાં બેઠેલા દાદા અને પૌત્રની વચ્ચે બદલાયેલા સમયની ખાઈ આવી ગઈ હતી. એક સમય જૂની પેઢીનો હતો. એ સમયની આગવી મજાઓ હતી. હવે આજની પેઢીનો સમય છે. એની પણ અલગ મજા છે. આગળ જતાં પરિવર્તનનો પવન ફૂંકાશે અને અત્યારનું નવું જૂનું થઈ જશે. સમયની સાથે બધું બદલાતું જાય એ કુદરતનો ક્રમ છે. બધાં પરિવર્તનો એકસાથે નથી આવતાં. થોડો સમય જૂનું અને નવું બંને સાથે ચાલે, પછી નવાની ઝડપ સામે જૂનું હારી જાય અને પાછળ રહી જાય. છેવટે એક સમયનો વર્તમાન ભૂતકાળ બની જૂની પેઢીની સ્મૃતિમાં સંકોચાઈ જાય છે. એ સ્મૃતિઓ પર પણ ધૂળ ફરી વળે છે. કોઈએ સરસ વાત કરી છે કે આપણે સમયના ત્રણ પ્રવાહોમાં જીવીએ છીએ. એક જૂનો સમય, બીજો બદલાયેલો સમય અને ત્રીજો બદલાઈ રહેલો સમય. છેલ્લા કેટલાક દાયકામાં ટેક્નોલોજીમાં આવી રહેલાં ઝડપી પરિવર્તનોની આંધીમાં સમયના આ ત્રણેય પ્રવાહોને સ્થિર થવાની તક મળતી નથી. એક સમયે રેડિયો ઘરેઘરમાં પરિવારના સભ્ય જેવું સ્થાન ધરાવતો હતો. સવારે છ વાગ્યે ભક્તિગીતોથી રાતના અગિયારના સમાચાર પૂરા થાય પછી જ રેડિયોને શ્વાસ લેવાનો સમય મળતો. રેડિયોની જગ્યા ટી.વી.એ લીધી. બદલાયેલી ટેક્નોલોજીને લીધે ટી.વી.નાં અદ્યતન મોડેલ આવવા લાગ્યાં છે. કાર્યક્રમોનું સ્વરૂપ અને જોનારાની રુચિ બદલાઈ છે. આ દૃષ્ટાંત દરેક ઉપકરણોને લાગુ પડે છે. શું નથી બદલાયું? લેન્ડ લાઇન ફોન લેવા વર્ષો સુધી રાહ જોવી પડતી. આજે બધાના હાથમાં સેલ ફોન આવી ગયા છે. એકે હજારા જેવા સ્માર્ટ ફોનમાં કેમેરા અને લેપટોપ જેવી સગવડો હથેળીવગી થઈ ગઈ છે. ડિજિટલ ક્રાંતિના આ યુગમાં આજનું આવતી કાલે જ જૂનું થવા લાગ્યું છે. આપણે હોંશભેર ખરીદેલું લેટેસ્ટ ટી.વી. કે એ.સી. આપણા પછી પડોશીએ ખરીદેલાં ટી.વી. કે એ.સી.ની સરખામણીમાં જૂનું લાગવા માંડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. લગભગ બધાં જ ઉપકરણો દિવસે અને દિવસે બિન-ઉપયોગી થવા લાગ્યાં છે. એ બધી જ વસ્તુઓનો ઢગલો ખડકાતો રહે છે. એની વચ્ચે આપણે પોતે પણ જાણે ઘરનો ભંગાર ફેંકવા માટેના માળિયા જેવા બની ગયા છીએ. આવાં પરિવર્તનો નિર્જીવ ચીજવસ્તુઓ પૂરતાં મર્યાદિત રહ્યાં નથી. બદલાતા સમયની સાથે આપણાં મૂલ્યો, સંબંધો, જીવન પ્રત્યેના અભિગમમાં બદલાવ આવ્યો છે. લોકો સામાજિક, પારિવારિક અને અંગત જીવનમાં બહારથી અને અંદરથી બદલાયા છે. જૂની પરંપરાઓ લુપ્ત થવા લાગી છે. વ્યક્તિગત સ્વતંત્રતાના ખ્યાલો બદલાયા છે. કુટુંબજીવન વધારે ને વધારે સાંકડું થવા લાગ્યું છે. એકમેકને સાચવી લેવાની વૃત્તિમાં ઓટ આવી છે. સાહિત્ય અને અન્ય કળાઓનું મહત્ત્વ ઘટી ગયું છે. દરેક ક્ષેત્રમાં ગળાકાપ હરીફાઈ જીવનમંત્ર બની ગઈ છે. આધ્યાત્મિકતાનું સ્થાન ભૌતિક સુખો પાછળ આંધળી દોટે લીધું છે. બજાર અને ટેક્નોલોજીએ આપણા જીવનને સર કરી લીધું છે. ટૂંકમાં, આજે માનવજાતે જે ‘સિદ્ધ’ કર્યું છે અને કરશે તે એક સમયે કોઈએ સપનામાં પણ કલ્પ્યું નહોતું. કદાચ અહીં જ થોડી વાર રોકાઈને નવેસરથી વિચારવાની તાતી જરૂર છે. આ બધું આપણે શેના ભોગે મેળવી રહ્યા છીએ તે પ્રશ્ર્નનો જવાબ સ્થિરચિત્તે મેળવવો પડે. સમયની સાથે બધું બદલાતું રહે છે એ સત્યનો સ્વીકાર કર્યા પછી પણ આપણી ભીતર કશુંક તો પડેલું હોય છે, જે બધાં જ પ્રકારનાં, ખાસ કરીને જીવનમૂલ્યોમાં આવતાં, પરિવર્તનોને સ્વીકારતાં ખચકાય છે. અંગ્રેજીના વિખ્યાત નવલકથાકાર થોમસ હાર્ડીએ કહ્યું હતું કે આપણી અંદર રહેલું કોઈક તત્ત્વ બેફામ પરિવર્તનોથી ડઘાઈ જાય છે અને એને સંપૂર્ણપણે સ્વીકારવા તૈયાર થતું નથી. આ રૂઢિચુસ્ત માનસિકતા નથી, માણસને માણસ બનાવતાં મૂળભૂત મૂલ્યોને સાચવી રાખવાની ચિંતા છે. બદલાતો સમય ઘણું આપે છે તો એની સામે ઘણું છીનવી પણ લે છે. માનવને માનવ બનાવનાર વારસો તો સચવાવો જ જોઈએ. પરિવર્તનનું પ્રચંડ વાવાઝોડું આપણું બધું જ ઉસેડી નાખે અને માનવ હોવાનો અર્થ બદલાઈ જાય તે પહેલાં ચેતી જવું જોઈએ. નવી પેઢીને ભૂતકાળની ઉત્તમ બાબતોનો વારસો આપવાની જવાબદારી વડીલોની છે. એ ધર્મનિષ્ઠાથી બજાવી શકાય તો ભવિષ્યની ઇમારત વધારે મજબૂત બને અને આપણું માણસપણું સચવાઈ રહે. દાદા કશુંક કહેતા હોય ત્યારે પૌત્રે સ્માર્ટ ફોન બાજુમાં મૂકી દેવો જોઈએ.⬛ vinesh_antani@hotmail.com

અન્ય સમાચારો પણ છે...