સાિહત્ય વિશેષ:આદિવાસી સંસ્કૃતિ અને કળાનો ગ્રંથ

રઘુવીર ચૌધરીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યત્વે ભીલ આદિવાસીઓની દિનચર્યા, વાદ્યો, રિવાજો, દેવો, ઉત્સવો, કલાસંપદા, સંપાદન, જેવા વિષયોનું આલેખન છે

સુરતની સંસ્થા કલા પ્રતિષ્ઠાને એનો તેત્રીસમો કલા-ગ્રંથ પ્રગટ કર્યો છે : ‘આદિવાસી સંસ્કૃતિ-સમાજ અને કળા’. એના લેખક અને સંપાદક છે ડો. ભગવાનદાસ પટેલ. એમને આલાપ બ્રહ્મભટ્ટ અને રોહિત મિસ્ત્રીની તસવીરો અને ચિત્રોનો ભરપૂર સાથ મળ્યો છે. એ બધું જોવાનું ગમે છે. નવીનતા છે, ઝીણવટ છે, આદિવાસી જાતિઓની નવી નવી ઓળખ છે. ગ્રંથના મુખપૃષ્ઠ પર જેમની તસવીર છે એ વારસી ચિત્રકાર તરીકે ઓળખાતા પદ્મશ્રી જીવ્યા સોમા મશેની છે. એના તસવીરકાર છે જ્યોતિ ભટ્ટ. આરંભે એમનો સચિત્ર લેખ પણ છે. કલાપ્રતિષ્ઠાનાં પ્રમુખ રમણીક ઝાપડિયા અને મંત્રી સી. ટી. પ્રજાપતિ આ પ્રકાશન-પ્રવૃત્તિને વધુ વ્યાપક કરવા ધારે છે. આવા મોટા ગ્રંથોની 1100 નકલ પ્રગટ કરી એનું વિના મૂલ્યે વિતરણ કરે છે. એમને સત્પુરુષોનો સાથ મળે છે. નારાયણ બાપુ લખે છે કે હું તો નિમિત્તમાત્ર છું, એવું માનનાર પોતાના પ્રારબ્ધમાં હોય તેના કરતાં અનેક ગણું સત્યકાર્ય કરી શકે છે. એમનું ટ્રસ્ટ તાજપુરામાં આંખની હોસ્પિટલ પણ ચલાવે છે. કલાના ઉપાસકની આંખ તંદુરસ્ત હોવી જોઈએ ને! અછતના સમયમાં મહિલાઓને મધુબની પરંપરાના ચિત્રો બનાવવાની તક મળી, પુરુષો એમની સાથે પછી જોડાયા. જ્યોતિ ભટ્ટ કહે છે તેમ પહેલાં રાષ્ટ્રીય અને પછી આંતરરાષ્ટ્રીય સ્તરે કૃતિઓ પ્રદર્શિત થવા લાગી... ફ્રાન્સમાં ‘ધરતી સાથે નાતો ધરાવતા’ કલાકારોની કૃતિઓનાં પ્રદર્શનો ગુજરાતની દક્ષિણ સરહદે આવેલા દહાળુ તાલુકાના વારલી આદિવાસી કલાકાર પદ્મશ્રી જીવ્યા સોમા મશેની કૃતિઓ પ્રદર્શિત થયેલી. 312 પૃષ્ઠના ક્રાઉન-8 કદના આ ગ્રંથ પરિશિષ્ટ સાથે કુલ 18 પ્રકરણ છે. દરેક પૃષ્ઠ પર લખાણ સાથે નાનીમોટી તસવીરો છે. અહીં મુખ્યત્વે ભીલ આદિવાસીઓની દિનચર્યા, વનનું જીવન અને લોકોના ઉદ્યોગો, વાદ્યો, રીતરિવાજો, દેવો, ઉત્સવો, દૃશ્ય-શ્રાવ્ય કલાસંપદા, મૌખિક સાહિત્યનું સંશોધન, સંપાદન અને પ્રસારણ જેવા વિષયોનું આલેખન છે. ત્રીજા પ્રકરણમાં ગુજરાતની આદિવાસી જાતિઓનો પરિચય છે. દૂબળા, ઘોડિયા, ચૌધરી, ધાનકા, કુંકણા, વારલી, ગામીત, કાથોડી, બામચા, યોમલા, પારઘી, ચોથા પ્રકરણમાં ભીલ લોકોનો પરિચય છે. ‘ભીલ’ શબ્દ ઉત્તર ગુજરાતમાં પ્રચલિત છે. ભીલ પ્રજાતિની શ્યામવર્ણ સ્ત્રીઓ તેજસ લાગે છે. એમનાં ઘરેણાંમાં પણ વૈવિધ્ય છે. એમનું મૌખિક સાહિત્ય સુલભ કરવામાં ડો. ભગવાનદાસ પટેલે સતત કામ કર્યું છે. એ ખેડબ્રહ્મામાં શિક્ષક હતા અને પગપાળા પ્રવાસો કરીને એમણે સંશોધન-સંપાદન કર્યું. ‘ભીલોમાં ગવાતા અરેલા’ પર 1984માં એમ.ફિલ. થયા અને ‘ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ’ પર 1990માં પીએચ.ડી. થયા. છેલ્લાં 30 વર્ષમાં એમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનેક સન્માન મળ્યાં છે. એમણે સમાજ સુધારનું કામ પણ કર્યું છે. ખેડબ્રહ્મા તાલુકાની અમાનવીય ડાકણપ્રથા નાબૂદ કરી છે. ‘મારી લોકયાત્રા’ એમનું આત્મવૃતાંત છે. ખેડબ્રહ્મા આદિ પ્રદેશોમાં ભીલોનો વસવાટ, વસ્તી, ખેતી, જંગલો, વૃક્ષો આદિનો પરિચય આપ્યા પછી લખ્યું છે : ‘ફાગણ અને ચૈત્ર માસ તેઓ માટે આનંદના દિવસો છે. આ મહિનાઓમાં ઘઉં પાકે છે અને મહુડા પુરબહારમાં ખીલે છે. તેમને સફેદ ફૂલો આવે છે. વહેલી સવારે આ ફૂલો જમીન પર ખરે છે. ભીલો મહુડાનાં મીઠાં ફૂલો ચૂસતાં ચૂસતાં વીણે છે અને કપરા દિવસોમાં ખાવા માટે અને દારૂ બનાવવા માટે સંગ્રહ કરે છે. આ ઋતુમાં તેમનો પ્રિય તહેવાર હોળી આવે છે. પછી પ્રાદેશિક મેળા અને લગ્નો આવે છે. વગડો પલાશનાં કેસરી ફૂલોથી શોભી ઊઠે છે. ભીલો મહુડાનાં ફૂલોનો દારૂ પીએ છે, કાને કેસૂડાં ભરાવીને ઢોલ લઈને નાચે છે, ગીતો ગાય છે. પરિણામે કુદરતની ઓછી મહેરના કારણે કઠોર લાગતા આ પ્રાકૃતિક પ્રદેશમાં ભીલોની આનંદની કિલકારીઓ વ્યાપી વળે છે.’ (પૃ. 80 ) ભીલી ભાષાની લિપિ નથી, પણ અભ્યાસીઓ એને બોલી ન કહેતાં ભાષા કહે છે. ભીલી પર રાજસ્થાની હિન્દીની અસર છે. ભીલો હિન્દી તેમ જ ગુજરાતી પણ બોલી શકે છે. પાંચમા પ્રકરણમાં ભીલોની રહેણીકરણી અને દિનચર્યાની વાત છે. વનના લોકોના ઉદ્યોગો અને કલા-કારીગરી વિશે સચિત્ર લેખન રસપ્રદ છે. ભગવાનદાસ બોલે ત્યારે વિરહ-મિલનની પંક્તિઓ ટાંકી શ્રોતાનું દિલ જીતી લે છે. સંવત 1250થી 1302 સુધી ઇડર પર ભીલ રાજા હાથ સોડ અને તેના પુત્ર શામળિયા સોડે રાજ કર્યાના લેખિત ઐતિહાસિક ઉલ્લેખ ‘ઇડર રાજ્યનો ઇતિહાસ’ પુસ્તકમાં છે. આ વિસ્તારના ભીલો રાજપૂતોમાં પ્રચલિત રાઠોડ, પરમાર, હોબાન (સોલંકી) જેવાં ગોત્રો ધરાવે છે અને રાજપૂતોની માફક સ્થાનિક લોકો પર સત્તા ભોગવવાની પરંપરા દેશ આઝાદ થયો ત્યાં સુધી ચાલુ રહી છે. આ પુસ્તકને સર્વસંગ્રહ તરીકે પણ ઓળખી શકાય.⬛

અન્ય સમાચારો પણ છે...