મનનો મોનોલોગ:આપણા દેશમાં એક નાગરિક કરતાં એક પ્રવાસીનું મૂલ્ય વધારે છે

22 દિવસ પહેલાલેખક: ડો. નિમિત્ત ઓઝા
  • કૉપી લિંક
  • ભારતીય પ્રજાની સ્વયં-શિસ્તના ભરોસે રહેવું એ કોઈ પોલિટિકલ લીડરની નૈતિકતાના ભરોસે ટકી રહેવા જેટલું જ જોખમી છે

હેવલોક આઈલેન્ડ એટલે કે સ્વરાજ દ્વીપથી દરિયાઈ મુસાફરી કરીને અમારે એલિફન્ટ બીચ જવાનું હતું. સ્વાભાવિક રીતે, ત્યાં સુધી પહોંચવા માટેનું એકમાત્ર વાહન સ્પીડબોટ હતું. એક હોડીમાં મહત્તમ દસ પ્રવાસીઓ બેસશે એવી સૂચના સાથે અમને ટિકિટ આપવામાં આવી. બોટમાં બેસતા પહેલા અમને ફરજિયાતપણે લાઈફ-જેકેટ પહેરાવવામાં આવ્યાં. એન્ડ ટુ માય સરપ્રાઈઝ, દરેક લાઈફ-જેકેટ એકદમ કાર્યક્ષમ અને પરફેક્ટ કન્ડિશનમાં હતું. ન તો લાઈફ જેકેટ ક્યાંયથી ફાટેલાં હતાં, ન તો ક્યાંયથી પટ્ટા કે બક્કલ તૂટેલાં હતાં. આંદામાન ટૂરિઝમ પર ગર્વ કરવા માટેનું મને વધું એક કારણ મળી ગયેલું. ભારતના નકશાથી થોડે દૂર અને સમુદ્રની વચ્ચે હોય તો શું થયું ? જેનો સમાવેશ ભારતમાં થતો હોય એવા દરેક પ્રદેશમાં ખાસિયતો શોધીને હું ગર્વ અનુભવતો રહું છું. આંદામાન પર્યટનથી પ્રભાવિત થયેલા અમે બોટમાં બેઠાં. સંખ્યા-મર્યાદાની બાબતમાં તેઓ થોડા વધુ પડતા કડક હતા. દસ એટલે માત્ર દસ જ પ્રવાસી. એક પણ વધારે નહીં. એક જ કુટુંબનાં અગિયાર જણાં હોય, તો પણ નહીં. એ અગિયારમી વ્યક્તિએ અન્ય નવ પ્રવાસીઓ સાથે બીજી બોટમાં જવાનું. ટૂંકમાં, સ્પીડબોટ માટે નક્કી કરેલી ‘Carrying Capacity’ કે વહન ક્ષમતાને તેઓ ચુસ્તપણે વળગી રહેતા. એમાં જરાય સમાધાન કરતા નહીં. નાવિકે સ્પીડબોટ શરૂ કરી અને અફાટ સમુદ્રની વચ્ચેથી અમે ગતિ કરવા લાગ્યાં. કિનારો દેખાતો બંધ થયો અને ચારેય તરફથી પાણીએ અમને ઘેરી લીધાં ત્યારે નાવિકને જોઈને મારા મનમાં તદ્દન એવો જ વિચાર આવેલો જેવો સામાન્ય રીતે મને જોઈને દર્દીઓના મનમાં આવતો હોય છે, ‘અત્યારે તો તમે જ અમારા ભગવાન.’ That brings me to the point, કોઈના ભગવાન કે તારણહાર બનવા માટે શિક્ષણ કે ડિગ્રીની જરૂર નથી પડતી. તમે તમારા વ્યવસાય કે રોજગારમાં કાર્યરત હો, ત્યારે તમારા કામ સાથે કેટલી જિંદગીઓ સંકળાયેલી છે એ પ્રશ્નનો જવાબ તમારું મહત્ત્વ, ‘ભગવાનપણું’ કે જવાબદારી નક્કી કરે છે. હોડીમાં બેઠેલા દસેય પ્રવાસીઓ માટે એ હોડીનો નાવિક જ ભગવાન હતો કારણકે એ નાવિકની ડ્રાઈવિંગ સ્કિલ, અનુભવ, દરિયાના જ્ઞાન અને દિશાસૂઝ પર દસ જિંદગીઓ નિર્ભર હતી. મેં એમની સાથે વાત કરવાની શરૂઆત કરી. મેં પૂછ્યું, ‘દસ પ્રવાસીઓ જ કેમ ?’ એના જવાબમાં તેમણે ઈશારો કરીને બોટની અંદર લગાડેલું એક માહિતીપત્રક વંચાવ્યું. તેના પર ‘Vessel Information’ એટલે કે હોડી વિશેની તમામ માહિતીઓ લખેલી હતી. એમાં સૌથી પહેલા બોલ્ડ અને મોટા અક્ષરોમાં લખેલું હતું ‘કેપેસિટી : 10+ 2’ એટલે કે દસ પેસેન્જર્સ અને બે નાવિક. અને એ સ્પીડબોટ પર પરફેક્ટલી અમે એટલા જ જણ હતા. દસ પ્રવાસીઓ, એક નાવિક અને એક તેનો સહાયક. આંદામાન ટૂરિઝમ એક હોડીની વહન-ક્ષમતાને કેટલું ચુસ્તપણે વળગી રહે છે એવો વિચાર હજુ મારા મનમાં પ્રવેશે એ પહેલાં જ નાવિકે હસતાં હસતાં કહ્યું, ‘અગર એક ભી ટૂરિસ્ટ કો કુછ હો ગયા, તો સરકાર હમારા ગલા પકડેગી.’ ત્યારે મને રિયલાઈઝ થયું કે પ્રવાસીઓના આટલા ધસારા વચ્ચે પણ થતું નિયમોનું ચુસ્ત પાલન એ કાંઈ સ્વયં-શિસ્ત નહીં, પણ ડરને કારણે હતું. જો પ્રવાસીનો જીવ જોખમમાં મુકાય, તો આખો પર્યટન વિભાગ ભાંગી પડે. હોડીના માલિક, નાવિક કે પ્રશાસનની બેજવાબદારીને કારણે જો કોઈ હોનારત થાય, તો આખા ટૂરિઝમની છાપ ખરાબ થાય. પ્રવાસીઓ આવવાનું બંધ કરી દે. આવક ઘટી જાય. વાહ, આપણા જ દેશમાં એક ભારતીય પ્રવાસી કેટલો મૂલ્યવાન હોય છે ! એ હકીકતની ઉજવણી કરવા માટે મને બહુ વધારે સમય ન મળ્યો કારણ કે આ બન્યાના થોડા જ દિવસો પછી મોરબી પુલ હોનારત થઈ. દસ પ્રવાસીઓની કિંમતી જિંદગીનું યોગ્ય વેલ્યુએશન થયાના ક્ષણિક આનંદની સામે 130થી વધારે જિંદગીઓ ગુમાવ્યાનું દુઃખ અનેકગણું તીવ્ર, વજનદાર અને કાયમી બની ગયું. ફિટનેસ સર્ટિફિકેટ અને સંખ્યા-મર્યાદાની ચકાસણી વગર ખુલ્લા મૂકી દેવાયેલા પુલ પર માનવમેદની ઊમટી પડી અને ઓવરલોડિંગથી પુલ તૂટ્યો. મૃતકોની સંખ્યા, બાળકોના ડેડબોડીઝ અને હિબકે ચડેલાં સ્વજનોનાં આંસુઓ જોઈને ખ્યાલ આવ્યો કે આપણા દેશમાં નાગરિકોની જિંદગી કેટલી સસ્તી હોય છે ! જ્યાં કાયદો નથી હોતો, ત્યાં ડર નથી હોતો. જ્યાં ડર નથી હોતો, ત્યાં શિસ્ત નથી હોતી. અને જ્યાં શિસ્ત નથી હોતી, ત્યાં સલામતી નથી હોતી. એ ટ્રાફિક હોય કે સ્વચ્છતા, વાહન હોય કે પુલ, ભારતીય પ્રજાની સ્વયં-શિસ્તના ભરોસે રહેવું એ કોઈ પોલિટિકલ લીડરની નૈતિકતાના ભરોસે ટકી રહેવા જેટલું જ જોખમી છે. બેઝિકલી, માનવ મહેરામણથી ઉભરાતા આ દેશમાં સામાન્ય નાગરિક ‘ક્ષમતા’ અને ‘શિસ્ત’ જેવા શબ્દો જ ભૂલી ચૂક્યો છે. અબુધ નાગરિકોને એ શબ્દો અને વ્યવહાર શીખવવાની અને યાદ કરાવતા રહેવાની જવાબદારી પ્રશાસનની છે. આંદામાન જેવા દૂર આવેલા ટાપુમાં વસતા એક સામાન્ય નાવિકને જો પોતાની જવાબદારી અને કાયદાનું ભાન હોય તો ફ્લાયઓવર, બ્રિજ કે રસ્તાઓ બનાવનારા કોન્ટ્રાક્ટર આટલા બેદરકાર કઈ રીતે હોઈ શકે ? આપણા દેશમાં એક નાગરિક કરતાં એક પ્રવાસીનું મૂલ્ય વધારે છે એ વાત મને ખૂંચી રહી છે. આપણા દેશમાં જિંદગીઓ વધારે સસ્તી છે કે કાયદો એ નક્કી કરવું અઘરું છે કારણ કે ખરીદી તો બંને શકાય છે. કિંમત તો બંનેની ચુકવાય છે. ભારત જેવા દેશમાં આવી કોઈ Criminal negligence નો ભોગ બનેલા એક સામાન્ય નાગરિક માટે રૂપિયા કે વળતરથી પણ મોટી રાહત ન્યાયની હોય છે. જ્યાં સુધી એ ગુનેગારને સજા નહીં મળે, ત્યાં સુધી આ આક્રોશ અને આંસુઓ યથાવત્ રહેશે. એક જ રાષ્ટ્રમાં બે ભારત વસે છે. એક તરફ એવા નાગરિકો છે જેઓ વિકાસ માગે છે. બીજી તરફ એવા પીડિતો છે જેઓ ન્યાય માગે છે. આવી પૂલ હોનારતના સમયે વિકાસની અસમાનતા અને ન્યાયની અનિશ્ચિતતા સ્પષ્ટ દેખાઈ આવે છે. આવી દુર્ઘટનાઓ પછી જવાબદાર વ્યક્તિઓની તાત્કાલિક ધરપકડ થાય અને પીડિતોને ન્યાય મળે, એ જ સાચો વિકાસ. ખરો ગર્વ તો ત્યારે થશે જ્યારે પેલા નાવિકની જેમ કોઈ કોન્ટ્રક્ટર કે સિવિલ એન્જિનિયર કહેશે, ‘અગર એક ભી સિટિઝન કો કુછ હો ગયા, તો સરકાર હમારા ગલા પકડેગી.’ માનવવધમાં સીધી કે આડકતરી રીતે સંકળાયેલા દરેકનું જ્યારે નિષ્પક્ષ રીતે ગળું પકડાશે, ત્યારે વિકાસ થયો કહેવાશે. ⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...