વિચારોના વૃંદાવનમાં:વાદળને પેલે પાર એક હજાર સૂર્ય ઝળહળે!રાજા રામમોહન રૉયની આસ્તિકતા રૅશનલ હતી

ગુણવંત શાહએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તમે જો ‘freedom at midnight’ પુસ્તક ન વાંચ્યું હોય, તો હજી એ ભૂલ સુધારી લેવા જેવી છે. એના સહલેખક ડોમિનિક લાપિયર ભારતીય બાળકો પ્રત્યે ખાસી લાગણી ધરાવનારા ઉમદા મનુષ્ય હતા. વર્ષ 1980માં તેઓ પશ્ચિમ બંગાળના ગ્રામવિસ્તારમાં ફરતા હતા ત્યારે એમની નજરે ડાંગરની ક્યારીની ધારે ધારે ચાલી રહેલી એક નાની છોકરી પર પડી. એ છોકરી થાકેલી અને ભૂખી જણાતી હતી. લાપિયરે પોતાનું ગજવું ફંફોળ્યું ત્યારે એક બિસ્કિટ મળી આવ્યું. એમણે એ બિસ્કિટ અજાણી છોકરીને આપી દીધું. એ છોકરી માંડ થોડાંક ડગલાં દૂર ગઇ હશે, ત્યાં સાવ દૂબળું પડી ગયેલું એક કૂતરું એની નજરે પડ્યું. એ છોકરીએ પોતાને મળેલા બિસ્કિટના બે ટુકડા કર્યા અને એક ટુકડો કૂતરાને ખવડાવી દીધો! પોતાને ભારતમાં થયેલા અનુભવોને આધારે લાપિયરે એક સુંદર પુસ્તક લખ્યું છે, જેનું મથાળું છે: ‘A Thousand Suns.’ આવું અનોખું મથાળું એમને દક્ષિણ ભારતમાં પ્રચલિત એવી ઉક્તિમાંથી પ્રાપ્ત થયું: ‘વાદળની પેલે પાર હંમેશાં એક હજાર સૂર્ય ઝળહળે છે.’ લાપિયરની પત્ની પણ પતિ સાથે ગ્રામવિસ્તારોમાં ફરતી રહેતી. એ પત્નીને ગ્રામજનો ‘દીદી ડોમિનિક’ કહેતાં. જે સમાજ વિચારવાનું ટાળે છે એને ગરીબી ટાળવાનું નથી ફાવતું. ધાર્મિક કટ્ટરતાના પાયામાં હઠીલું પાગલપણું રહેલું હોય છે. કટ્ટરતા એક જ કામ કરે છે. એ ધાર્મિક અવળચંડાઇને પણ આદરણીય બનાવી મૂકે છે. ધર્મના ક્ષેત્રમાં હોય એવાં તમામ અનિષ્ટો સામ્યવાદી કટ્ટરતામાં જગતે જોયાં છે. સામ્યવાદી સમાજોમાં વિચારવા માટે ઝાઝી છૂટ નથી હોતી. એવા સમાજોમાં વિચારસ્વાતંત્ર્ય પર લોખંડી પહેરો રાખવામાં આવે છે એવું હું જાતઅનુભવે કહું છું. બર્લિનની અડીખમ અને અભેદ્ય દીવાલ તૂટી તેને આગલે વર્ષે હું બર્લિનમાં જ હતો. રેફ્રિજરેટરની એક ખૂબી જાણી રાખવા જેવી છે. જ્યારે રેફ્રિજરેટરનું બારણું ખૂલે કે તરત જ અંદર પ્રકાશ પ્રગટે છે! કોઇ પણ વિચારધારા પ્રત્યે એટલી અંધશ્રદ્ધા ન હોવી જોઇએ કે અન્ય વિચારધારામાં પ્રગટ થતું અન્ય કોઇ સત્ય આપણને તુચ્છ જણાવા લાગે. ભારતના સામ્યવાદી બિરાદરો અંધશ્રદ્ધામાં ડૂબકાં ખાનારા ભક્તોથી ચડિયાતા નથી. આ બધું લખતી વખતે નિષ્ઠાવંત આસ્તિક એવા પ્રાત: સ્મરણીય સુધારક રાજા રામમોહન રૉયનું તીવ્ર સ્મરણ થઇ રહ્યું છે. તેઓ ક્રાંતિકારી વિચારો ધરાવનારા આસ્તિક વિદ્વાન હતા. તિબેટ જઇને એમણે પાલિ ભાષાઓનો અભ્યાસ કર્યો હતો અને બૌધ ધર્મના ઉત્તમ ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો, પરંતુ ત્યાં પણ લામાની ઇશ્વરના અવતાર તરીકે થતી પૂજાનો વિરોધ કર્યો હતો. મોટાભાઇ જગમોહનનું અવસાન થયું ત્યારે ભાભી અલોકમંજરી સતી થવા માટે તૈયાર ન હતાં. એમ છતાં એમને બળજબરીથી પતિ સાથે બાળી મૂકવામાં આવ્યાં. તે ક્ષણે રાજા રામમોહન રૉયે સતીપ્રથા નાબૂદ થાય તે અંગેનો કાયદો થાય તેની ઝુંબેશ શરૂ કરી. એમના એક પુસ્તકનું મથાળું હતું: વેદાન્તસૂત્ર.’ તેઓ પોતે મોટા જમીનદાર હતા. તેમની પર્સનાલિટી પ્રભાવશાળી હતી. તેઓ મૂર્તિપૂજાના વિરોધી હતા. તેમણે અંગ્રેજીમાં બાઇબલ વાંચ્યું હતું. ‘જૂનો કરાર’ વાંચવા માટે તેઓ હિબ્રૂ ભાષા પણ શીખ્યા હતા. વળી, ‘નવો કરાર’ મૂળ ભાષામાં વાંચવા માટે ગ્રીક ભાષા પણ શીખ્યા હતા. તેમણે વર્ષ 1815માં ‘આત્મીય સભા’ની સ્થાપના કરી હતી. એ સભામાં દ્વારકાનાથ ટાગોર પણ જતા હતા. રાજા રામમોહન રૉયના અથાક પ્રયત્નોને કારણે જ લોર્ડ બેન્ટિકે તા. 4 ડિસેમ્બર,1829ને દિને સતીપ્રથા નાબૂદ કરવાનો કાયદો કર્યો હતો. રાજા રામમોહન રૉયના માનમાં એક સમારંભનું આયોજન થયું ત્યારે ‘વેસ્ટ મિન્સ્ટર રિવ્યૂ’ના સંપાદક જૉન બ્રાઉરિંગે પ્રવચનમાં કહેલા શબ્દો બે વખત વાંચવા પડે તેમ છે: પ્લેટો અથવા સોક્રેટિસ કેમિલ્ટન અથવા ન્યૂટન એકાએક આપણી વચ્ચે આવી પડે અને મનમાં જે ભાવ જાગે તેવા ભાવથી હું રાજા રામમોહન રૉયનું સ્વાગત કરું છું. (મુગટલાલ બાવીસી લિખિત પરિચય પુસ્તિકા ‘રાજા રામમોહન રૉય’માંથી સાભાર) આજે પણ બ્રિસ્ટલ નગરમાં રાજા રામમોહન રૉયની સમાધિ જળવાયેલી છે. એક-દોઢ મહિના માટે બ્રિસ્ટલ યુનિવર્સિટીમાં કામ કરવાની તક મને પ્રાપ્ત થયેલી. વર્ષ 1966માં હું મારી હોટેલ (સેન્ટ મેવા ગેસ્ટ હાઉસ)થી રોજ ચાલીને શહેરના સસ્પેન્શન બ્રિજ પાસે આવેલી એક ઊંચી ભેખડ પર બાંકડે બેસતો અને સૂર્યાસ્ત નિહાળતો. એ જ રસ્તાની પાસે રાજા રામમોહન રૉયની સમાધિ આજે પણ જળવાયેલી છે. રોજ હું એ સમાધિ પર જતો અને એ મહાન સુધારકનું સ્મરણ મૌન પ્રાર્થના દ્વારા કરતો. રોજ જ મારી સાંજ બ્રિજ પર જતી વખતે એ સમાધિની મુલાકાત સાથે પસાર થતી તેથી એકલતાનાં નખોરિયાંનો ઉપદ્રવ કાબૂમાં રહેતો. આસ્તિકતા વેવલી જ હોય એવું થોડું છે? નાસ્તિકતા ભાવશૂન્ય જ હોય એવું થોડું છે? આવા મહાન સુધારકે ભારતને નિર્ભ્રમિત અને સ્વચ્છ આસ્તિકતાનું સૌંદર્ય કેવું હોય તે પોતાના પ્રદાન દ્વારા સમજાવ્યું. એ સુધારકે કેવાં કેવાં પુસ્તકો લખ્યાં? થોડાંક મથાળાં જ એમના વિચારની ક્ષિતિજનો પરિચય કરાવનારાં છે: Â વેદાન્તસૂત્ર Â બ્રહ્મસંગીત Â ગાયત્રીનો અર્થ Â બ્રહ્મનિષ્ઠ ગૃહસ્થનાં લક્ષણો માનશો? આવા મહાન સુધારકે કેનોપનિષદનો અનુવાદ પણ કર્યો હતો. વડોદરા કદાચ એકમાત્ર એવું મહાનગર છે, જ્યાં રાજા રામમોહન રૉયની પ્રતિમા જોવા મળે છે. એમની પ્રતિમા યોગ્ય રીતે સ્થાપવાનો સઘળો જશ લોકસેવક અને સ્વરાજ મળે તે પહેલાંનાં વર્ષો દરમિયાન પંડિત નેહરુની પહેલથી સ્થપાયેલા કોંગ્રેસમાં રહીને સમાજવાદી હોવામાં ગૌરવ અનુભવનારા કેટલાક કોંગ્રેસીઓમાં સમાજવાદી જૂથ સ્થાપનારાઓમાં સદ્ ગત કમળાશંકર પંડ્યાને પણ મળે છે. એમણે લખેલી આત્મકથાનું મથાળું, ‘વેરાન જીવન’ છે, જે માટે એમને સુરત બોલાવીને નર્મદ સુવર્ણચંદ્રક અપર્ણ કરવામાં આવ્યો હતો. સુરત આવ્યા ત્યારે તેઓ કદમ્બપલ્લી સોસાયટીમાં મારા ઘરે પણ પધાર્યા હતા. એમના દેહવિલય પછી રાજા રામમોહન રૉયની પ્રતિમાને અન્ય સ્થાને મૂકવામાં આવી હતી. કમળાશંકરભાઇના સુપુત્ર અને નવલકથાકાર ડૉ. પ્રદીપ પંડ્યાએ પ્રતિમા નવેસરથી નવા સ્થાને સ્થાપવાનું મંગળ કાર્ય કર્યું, ત્યારે એ પ્રતિમાનું અનાવરણ આદરણીય સ્વામી સચ્ચિદાનંદજી અને મારે હસ્તે કરાવ્યું હતું. આજે એ પ્રતિમા કઇ હાલતમાં છે તેની ખબર નથી, કારણ કે ઘરની બહાર જવાનું થતું જ નથી. મારા પિતાજીનું અવસાન વર્ષ 1957માં થયું હતું. પછી ત્રીસેક વર્ષે મારી બાનું અવસાન થયું હતું. પિતાજીની વિદાય પછી લગભગ ત્રીસ વર્ષ સુધી મને બાની હૂંફ મળી, તેનો બધો યશ રાજા રામમોહન રૉયને ફાળે જાય છે. આવી મહાન પ્રતિભાને વંદન! }}} પાઘડીનો વળ છેડે કોઇ ગહન સત્તાને કારણે જગતની બધી જ બાબતો પરસ્પર સંકળાયેલી છે. એકાદ તારાને ખલેલ પહોંચાડ્યા વિના તમે કોઇ પુષ્પની દાંડીને હલાવી નહીં શકો. - ફ્રાન્સિસ થોમ્સન નોંધ: કોઇને ગમે કે ન ગમે, પરંતુ આજે ઇસ્લામ ધર્મને એક રાજા રામોહન રૉયની જરૂરિયાત છે. ટ્યુનિશિયામાં શરૂ થયેલી ‘આરબ સ્પ્રિંગ’ જેવી ક્રાંતિ શરૂ થઇ ત્યારે આશા જન્મેલી, પરંતુ આરબ સ્પ્રિંગની નિષ્ફળતા નિરાશા જન્માવનારી હતી. ⬛ Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...