તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાહિત્ય વિશેષ:ખાલીપાનો વિકલ્પ સૂચવતી કથા

25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન પછી કથાની નાયિકા ઇતિ અને પતિ અર્થની જીવનરીતિ વચ્ચે અંતર વધતું જાય છે

‘ખાલીપો’ નાયિકાપ્રધાન લઘુનવલ છે. લેખિકા સ્નેહા પટેલનું કવિતા અને ટૂંકી વાર્તા પછી આ ત્રીજું પુસ્તક છે. કથાની નાયિકા ઇતિ મામાના ઘરે અને પછી હોસ્ટેલમાં રહીને ભણી છે. મકાનોના આંતરિક અને બાહ્ય સુશોભનનાં કામમાં નિષ્ણાત છે. એની મૌલિકતા એની કારકિર્દી ઘડે છે. કામગીરીને લગતી બેઠકોમાં અર્થ નામના પ્રભાવશાળી યુવકનો પરિચય થાય છે. મૈત્રી આગળ વધે છે, પરણે છે, પણ પછી ઇતિ અને અર્થની જીવનરીતિ વચ્ચે અંતર વધતું જાય છે. ઇતિ સૂફી ગાયિકા આબિદા પરવીનની ગાયકીની શોખીન છે. પારિજાત અને બાળકો પ્રત્યે સંવેદનશીલ છે, પણ અર્થ? ‘અર્થનો જીવનમંત્ર એક જ હતો. ‘જિંદગી મળી છે તો જીવી લો. કાલ કોણે જોઇ છે? એની ચિંતા શીદને કરવાની? અને ઇતિને બધું ‘વેલ પ્લાન્ડ’ જોઇએ. (ઇતિનો જીવનવિવેક જીતે છે. અર્થનો વિલાસ હારે છે.) જીવનને તળિયાં સુધી માણી લેવાની ઘેલછામાં અર્થ શરાબ, સિગારેટ, નોનવેજ એ બધા શોખનો ગુલામ થતો ચાલ્યો હતો. વળી, પૈસા પાણીની જેમ વાપરતો. પરિણામે, ઘણીય કમાણી છતાં ઘરમાં હંમેશાં પૈસાની ખેંચ રહેતી અને ઘરનો બધો આર્થિક બોજ ઇતિ પર આવી પડતો. ઘરમાં બેસીને ટ્યુશન કરીને આવક કરતી ઇતિ ઘરના બે છેડા ભેગા કરતાં કરતાં મનથી તૂટી જતી. એ તૂટવાની પ્રક્રિયા દરમિયાન પણ એને અર્થની સતત ચિંતા તો સતાવતી જ રહેતી.’ (પૃ. 18, ખાલીપો) અહીં બોલચાલની ભાષામાં વાર્તાનું આરંભિક વસ્તુ રજૂ કર્યું છે. ઇતિ ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે કામ કરતી હતી ત્યારે અંગ્રેજી શબ્દોની છાલક હતી. ગૃહિણી અને માતાનો ધર્મ બજાવવા એણે નોકરી છોડી. અર્થની કમાણી વ્યસનો પાછળ ખર્ચાતી રહી. અંતર વધતું ગયું. તિરાડ ખાઇ બની ગઇ. દીકરા સ્પર્શના દૂધ માટેય પૈસા કાઢવા અઘરા થવા લાગ્યા. વિધવા સાસુ વિમળાબહેન આ પરિસ્થિતિ જોતાં રહેતાં. ઇતિ એમને દીકરીથીય વધુ વહાલી છે. ઇતિ એમને કહીને ફરીથી નોકરી શોધી લે છે, પણ અર્થને પૂછ્યું નથી એથી અર્થ અકળાય છે. સાસુ વિમળાબહેન સાથેની વાતમાં કહે છે : ‘અર્થને ક્યાં ટાઇમ છે, મમ્મી અમારા માટે? વળી, મારે એને શા માટે પૂછવાનું? એ ક્યારેય એના નિર્ણયો મને પૂછી-પૂછીને લે છે?’ (પૃ.22) અહીં સૂચવાતો નારીવાદ સ્વાભાવિક લાગે છે. પુત્ર સ્પર્શની માંદગી અને ઇતિના ખોળામાંથી પડી જતાં ગળા પાછળ વાગવું – આ ઘટના પતિ-પત્ની વચ્ચે ખાઇ ઊભી કરી દે છે. અર્થ બડાઇ હાંકે છે. ઇતિના ચરિત્ર પર શંકા કરે છે, એ સહન ન થતાં ઇતિ અર્થ પર હાથ ઉપાડે છે. અર્થ બોલી ઊઠે છે : ‘હવે આપણે સાથે નહીં રહી શકીએ.’ ઇતિ વારંવાર ફસડાઇ પડે છે ગોળીઓ લઇને જ ઊંઘી શકે છે. અર્થ એને હોસ્પિટલમાં મૂકવાનો નિર્ણય કરે છે. ગણતરી છે છૂટવાની, પણ દલીલ એવી કરે છે કે આમ ને આમ તો એ સ્પર્શને મારી નાખશે! કથામાં અહીં વિધાયક વળાંક આવે છે. ‘ડો. વિકાસ પંડ્યા, માનસિક રોગોના દર્દીના ડોક્ટર, તેણે અર્થની સાથે આવેલી નાજુક રૂપકડી ઇતિને જોયા જ કર્યું… ઇતિ એકદમ ચૂપચાપ બેઠી બેઠી દીવાલના સફેદ રંગને જ તાક્યા કરતી હતી. અત્યારે એ એકદમ નોર્મલ હતી. વિચારોમાં ગૂમસૂમ અર્થે થોડુંઘણું વધારીને એની હાલત વર્ણવી જે અત્યારે સાજીસમી હાલતમાં રહેતી ઇતિ સમજી શકતી હતી, પણ એણે કોઇ જ વિરોધ ન નોંધાવ્યો. એને ખ્યાલ હતો કે આ બધુંય અર્થ એને સરળતાથી છૂટાછેડા મળી જાય એ માટે જ કરતો હતો.’ (પૃ. 38) ડો. વિકાસ પંડ્યાનું પાત્ર સેવાભાવી, જાણતલ યુવક તરીકે ઊપસી આવે છે. ઇતિ માટે એની કાળજી, સદ્્ભાવ લાગણીમાં પરિણમે છે. વિમળાબહેન પૌત્ર સ્પર્શને રિક્ષામાં લઇને ઇતિને મળવા આવે છે એ પ્રસંગ માર્મિક છે. સ્પર્શ બોલી શકતો નથી, પણ અમુક અવાજો કરીને ભાવ વ્યક્ત કરે છે. આ મિલન પણ ઉજ્જવળ ભાવિનો સંકેત છે. પારિજાતનાં ફૂલોનો નિર્દેશ ઇતિની ઓળખ વધારે છે. ડો. વિકાસ પંડ્યાની ભલામણથી ઇતિને ફરી નોકરી મળે છે. રસિકભાઇ જેવા પરગજુ માણસનો ઉલ્લેખ પણ સુખનો સંકેત છે. ખુદ સાસુમા વિમળાબહેન ઇચ્છે છે કે ઇતિ અને ડો. વિકાસ પંડ્યા લગ્નગ્રંથિથી જોડાય. આ પાત્ર અનન્ય છે. બીજી બાજુ અર્થ અનેક યુવતીઓના સંપર્કમાં રહે છે. છેવટે મોના સાથે જોડાવા ઇચ્છે છે ત્યારે એ જ ખસી જાય છે. અર્થ સ્પર્શને ઇલાજ માટે અમેરિકા મોકલવા ઇચ્છે છે. અડધો ખર્ચ ઇતિ-વિકાસ આપે એ માટે મળે છે. અઠવાડિયા પછી બંને મળવા જાય છે ત્યાં અર્થ ફસડાઇ પડ્યો છે. ઇતિ એની સારવારમાં ઉજાગરા કરે છે, પણ ડોક્ટર વિકાસને જણાવે છે કે અર્થને છેલ્લા તબક્કાનો એઇડ્સ છે. એકાદ મહિનો જીવશે. આ વિગત જાણી ગયેલો અર્થ બધું છોડીને ચાલ્યો જાય છે. બચતથી જાણ કરે છે. ઇતિ અને સ્પર્શને સંભાળી લેવા વિકાસને વિનંતી કરે છે. ⬛

અન્ય સમાચારો પણ છે...