લક્ષ્યવેધ:પીડામાંથી પ્રગટ થતાં પ્રકાશની કથા : IRS રાજતનિલ સોલંકી

21 દિવસ પહેલાલેખક: ઉત્સવ પરમાર
  • કૉપી લિંક
  • રાજતનિલ સોલંકી હાલ ડેપ્યુટી કમિશનર તરીકે અમદાવાદ એરપોર્ટ કસ્ટમ્સના કાર્ગો ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે
  • UPSCની સિવિલ સેવા પરીક્ષા બીબાંઢાળ નથી હોતી. પાંચ વર્ષથી તૈયારી કરનાર ઉમેદવાર અને પાંચ મહિનાથી તૈયારી કરનાર ઉમેદવાર બંનેને સરખો પડકાર ફેંકે છે

મનું નામ સાવ જુદું. અંગ્રેજીમાં લખાય તો જુદા જુદા ઉચ્ચાર થાય. રાજતનિલ સોલંકી. સૌમ્ય સ્વભાવ અને મૃદુ વાણી. મૂળ પાટણ પણ અમદાવાદ જ વર્ષોથી ઘર. પિતા એન.ડી. સોલંકી પોલીસ ખાતાંમાં IPS અધિકારી તરીકે વય નિવૃત્ત થયા. માતા હેમલતા સોલંકી. રાજતનિલને પપ્પાની નોકરીના કારણે ગુજરાત આખામાં ફરવાનું થયું. ગુજરાતનું લોકજીવન જ શાળા. 13-14 વર્ષની ઉંમરે પપ્પાની નોકરી અને કાર્યશૈલીએ પ્રભાવિત કર્યા. ઓફિસથી પાછા ફરેલા પપ્પા બેગમાં જાણે સિવિલ સેવાનું સ્વપ્ન પણ લઈને આવતા, પણ આ સ્વપ્નને ખીલવા માટે કેટલાય કપરાં ચડાણ તેમની રાહ જોઈને બેઠા હતા. તેમણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું. જીવને જરા જુદો વળાંક લીધો. લગ્ન થયાં, પણ જીવનની એ સુખદ ક્ષણો લાંબી ના ચાલી. તૂટેલા લગ્નજીવનની કાયદાકીય લડાઈમાં શક્તિ ખર્ચાઈ રહી હતી છતાં રાખમાંથી બેઠા થતા ફિનિક્સની જેમ રાજતનિલબહેનના બાળપણમાં ઓફિસથી ઘરે પપ્પાની બેગમાં આવેલું સપનું ફરી જીવતું થયું. ઈમોશનલ ટર્બ્યુલન્સના કાળમાં યુપીએસસીની તૈયારી જીવનનૌકાનો સઢ બની. પરિવારનો સાથ હતો. મિત્રોનો ટેકો હતો. કવિતા લખવાનો શોખ હતો. એક સ્વપ્ન ફરી જન્મ્યું હતું. સફળતા માટે જોમ ચડાવે એવા તમામ પરિબળો હતા. ભૂગોળ અને ગુજરાતી સાહિત્ય સાથે શરૂઆત કરી. મેઇન્સની તૈયારી પહેલાં શરૂ કરી. વૈકલ્પિક વિષયો મજબૂત કર્યા. પાયો મજબૂત હોવો જોઈએ. પ્રીલિમ્સ અને મેઇન્સના વિષયો પર પકડ લેવા એ વિષયોનું વારંવાર વાંચન કર્યું. જે-તે ટોપિક વાંચે એની ટૂંકી નોંધ બનાવી લે. છ મહિનાના વિષય વાંચનનો સાર 10-15 પાનાંમાં જ આવી જાય. એ સારાંશને વારંવાર વાંચી-વાંચીને એ જ્ઞાન એટલી હદે આત્મસાત કરી લેવું કે એ મગજની મૂળભૂત જાણકારીનો હિસ્સો થઇ જાય. મેઇન્સ કે પ્રીલિમ્સમાં રિએક્ટ કરવાનો સમય જ્યારે ખૂબ ઓછો હોય ત્યારે મગજ ઓટો પાયલટ મોડમાં કામ કરે એ જરૂરી છે. પર્સનાલિટી ટેસ્ટમાં પણ તેમનું સુંદર પ્રદર્શન રહ્યું. તેમને પૂછવામાં આવ્યું કે રાજસ્થાન કે કચ્છ વિસ્તારનાં લોકોના પરિધાન આટલા રંગીન કેમ હોય છે? સ્ત્રી-પુરુષ સમાનતા પર પણ પ્રશ્ન પૂછાયા. તેઓ કહે છે કે ઇન્ટરવ્યૂમાં હંમેશાં પ્રામાણિક રહેવું. પોતાની જાતને છેતરવી નહીં. તેમની મહેનત રંગ લાવી અને તેઓ ઇન્ડિયન રેવેન્યુ સર્વિસમાં પસંદગી પામ્યાં. તેઓ કહે છે કે ‘બદલાતા સમય સાથે પરીક્ષાની બદલાતી પેટર્ન સમજવી જરૂરી છે. તૈયારીના સમયમાં આ ચૂક તેમનાંથી થઇ હતી. UPSCની સિવિલ સેવા પરીક્ષા બીબાંઢાળ નથી હોતી. એ વર્તમાનના સંદર્ભો પ્રમાણે એનું સ્વરૂપ બદલતી રહે છે. પાંચ વર્ષથી તૈયારી કરનાર ઉમેદવાર અને પાંચ મહિનાથી તૈયારી કરનાર ઉમેદવાર બંનેને સરખો પડકાર ફેંકે છે. આ તૈયારીમાં પોતાની જાત સાથે વાત કરવી જરૂરી છે. પોતાની શક્તિઓ અને મર્યાદાની સમજ કેળવવી પડે.’ કવિતા લખવા અને વાંચવાના શોખે પણ આ સફરમાં તેમને સાથ આપ્યો. મનની પીડાની ચરમ અવસ્થાએ લખાયેલી કવિતાઓએ શાતા આપી. રોજનું વાંચન એક નવી જ દુનિયામાં લઈ જતું. અંદરની કુતૂહલવૃત્તિને શાંત કરતી આ યાત્રાએ માણસ તરીકે અંદરથી તૈયાર કર્યા છે. આવી તૈયારીએ પૂર્વગ્રહો તોડ્યા છે અને વૈશ્વિક દૃષ્ટિ આપી છે. તૈયારીની આ જ મજા છે. બહુ બધા દુઃખ આપે. બહુ બધા સુખ આપે. રાજતનિલ સોલંકીને ભૂગોળ અતિપ્રિય. તેમનાં વીડિયો લેક્ચર આખા ભારતમાં લોકપ્રિય થયાં. સરળ ભાષામાં મૂળભૂત કન્સેપ્ટ સમજાવવાની એમની રીત સિવિલ સેવાના ઉમેદવારોને ખૂબ પસંદ પડી. આ લખનાર પોતે પણ એમના વીડિયો જોઈને ભૂગોળના પાયા મજબૂત કરી શક્યા છે. રાજતનિલ સોલંકી હાલ ડેપ્યુટી કમિશનર તરીકે અમદાવાદ એરપોર્ટ કસ્ટમ્સના કાર્ગો ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે. આ પહેલાં તેઓ મદુરાઈ ખાતે પોસ્ટેડ હતાં. અલગ ભાષાના પ્રદેશમાં વહીવટી કામ કરવું એ રોચક પડકાર છે. આ પડકાર વચ્ચે દાણચોરીના કેસ પકડવામાં તેમને ઘણી સફળતા મળી. રાજતનિલ સોલંકીનો લક્ષ્યવેધ અંગત પીડામાંથી પ્રગટ થતા તેજપુંજની કથા છે. નિરાશા ઘેરી વળે ત્યારે આશાની કેડીએ હળવે હળવે ચાલીનેય અંધારા ચીરી શકાય તેની કથા છે. સિવિલ સેવાની તૈયારીમાં પરીક્ષા ખંડની બહાર પણ ઘણી પરીક્ષાઓ આપવાની હોય છે.

સફળતા માટેની ટિપ્સ
⚫ બદલાતા સમય સાથે પરીક્ષાની બદલાતી પેટર્નને સમજવી બહુ જરૂરી છે.
⚫ ઇન્ટરવ્યૂમાં હંમેશાં પ્રમાણિક રહેવું અને જાતને છેતરવાનો પ્રયાસ ન કરવો.
⚫ પોતાની શક્તિ અને મર્યાદા સમજવી
⚫ જે ટોપિકની તૈયારી કરો એને સારી રીતે સમજવા ટૂંકી નોટ ચોક્કસ બનાવી
⚫ જ્યારે નિરાશા ઘેરી વળે ત્યારે હતાશ થવાના બદલે આશાની કેડીએ આગળ વધવાથી આત્મવિશ્વાસમાં વધે છે.
⚫ કોઇ પણ વિષયની તૈયારી કરતી વખતે તેને તમામ પાસાંનો સારી રીતે અભ્યાસ કરવાનો પ્રયાસ કરવો.

અન્ય સમાચારો પણ છે...