જીવનના હકારની કવિતા:પોતાના ભોળપણને બિરદાવતું ગીત...

અંકિત ત્રિવેદીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજા ભોળો હોય ત્યારે પ્રજા ઓછી દુઃખી થાય. ભોળિયો રાજા બધાંનું માને અને પોતાને જે કરવાનું છે, એ કામ પણ આગળ વધારે! આપણે જ આપણા મનના ભોળા રાજા છીએ. છેલ્લી સફરની વાટ નહીં પકડીએ તો એ સફર આપણને સામેથી લેવા આવશે. સમજીને જ એ છેલ્લી સફરની વાટ પકડીએ તો? કવિ કહે છે એમ આપણે આપણા રાજા ને આપણને જ આપણો સંગ! આખા મારગના ભેરુ કોઈક જ મસ્ત ઓલિયા હોવાના! એમની સાથે વાતો કરાય, હળાય, મળાય પણ એમનો સંગ થોડેક સુધીનો! પાદર, ગાઉ કે બે ગામ સુધીનો. પછી તો આપણે આપણી સફરમાં આગળ જવાનું કહીને તેઓ પાછા વળે છે. એમને ભોળા ભાવે મીઠું મલકીને વળાવીને આખરની વાટ પકડવાની હોય છે. સંબંધો, સંગ, સ્નેહ, મિત્રો એક સમય સુધી આપણી સાથે ચાલે. પછી એમને મૂકીને આપણે જ આગળ વધવાનું હોય છે. આખરનો રસ્તો રાજાના રૂઆબથી કાપવો હોય તો પહેલી નિસ્બત જ બધું સ્વીકારીને ભોળા થઈને જીવવું! ગતિ અને પ્રગતિ સાથે જ આવે છે. આપણી મતિને સ્થિર રહેતાં આવડવું જોઈએ. ખબર હોય કે સાથ છેક સુધીનો નથી, છતાંય જેટલો સંગાથ છે એને માણતા આવડવું જોઈએ. ભલે ચાલનારો ભેરું ડહાપણનો દરિયો હોય કે પોતાને બધું જ આવડે છે અને ખબર છે – એનો દંભ કરનારો હોય, એને પારખીને, પાઠ ભણાવીને, આપણે ભોળા થઈને આગળ વધવાનું છે. વટ જમાવતો હોય, ઈર્ષાનો ઊગમણો હોય એને સોંસરવું સંભળાવીને ત્યાંથી જ વિદાય કરીને આપણે આગળ વધવાનું! ભોળા બનવામાં ભોટ નથી બનવાનું. નિસંગ રહેવાનું છે. ભેળા થઈને અળગા જીવવાનું છે. કોઈ વાટમાં એવો મુકામ પણ આવે કે સાથે ચાલનારાનો ભાર ઉપાડવો પડે. ત્યારે ભાર ઉપાડીને હળવા થઈને આગળ વધવાનું ભૂલવાનું નથી. સાચો ધર્મ વાતમાંને વાતમાં જ વાટ બતાવે છે. દુનિયાના રંગઢંગથી આપણે વાકેફ છીએ એને મનથી ખમાવીને આગળ વધવાનું છે. મકરન્દ દવેની આ કવિતા પોતાના ભણી યાત્રા કરતા મુસાફરની દાસ્તાન છે. માર્ગમાં જે મળે છે તે ક્ષણિક છે. એનો સ્વીકાર કરીને, વધાવીને એકલા વધવાનું છે એ રસ્તે, જેની મંજિલનું નામ ખબર છે, પણ સરનામું જાતે શોધવાનું છે. આ ગીત મનની પત્તાંની રમતનું હુકમનું પાનું છે. ⬛ ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...