રણમાં ખીલ્યું ગુલાબ:એક જ નાની ફૂંક વહે ને એક બંસરી વાગે, એક જ પીછું રંગ ભરે ને દૃશ્ય સજીવન લાગે

એક દિવસ પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
  • કૉપી લિંક
  • એક વર્ષના અંશને લઇને ઇનાયત યકીનથી અલગ થઇ, પણ યકીનને ડિવોર્સ ન આપ્યા

ઇનાયત રૂવાલાને જેણે જોઇ હોય એ એને ‘રૂવાલા’ને બદલે ઇનાયત રૂપવાલા કહીને જ બોલાવતા હતા. કોલેજમાં બધા યુવાનો એના પ્યારમાં પડી ચૂક્યા હતા પણ એ તમામને આઘાત ત્યારે લાગ્યો જ્યારે એમને જાણ થઇ કે ઇનાયત તો કોમર્સના સ્ટુડન્ટ યકીન શાહના પ્રેમમાં પડી ગઇ છે. પ્રેમ આંધળો હોય કે નહીં પણ આ કિસ્સામાં પ્રેમિકા તો આંધળી જ છે એવું બધાને લાગ્યું. ઇનાયત સાયન્સ શાખાની રેન્કર સ્ટુડન્ટ હતી, યકીન કોમર્સ શાખાનો લાસ્ટ બેન્ચર હતો. ઇનાયત રૂપાળી, સુરેખ, કાકડી જેવી કાયા ધરાવતી કમનીય કામિની હતી, યકીન ચારે બાજુથી ફુલી ગયો હતો. પણ પ્રેમમાં ક્યાં કોઇ આવું બધું જુએ છે? જો મમ્મી-પપ્પાએ આવો મુરતિયો બતાવ્યો હોત તો ઇનાયતે પહેલી નજરમાં જ એને રીજેક્ટ કરી દીધો હોત. પોતે પસંદ કર્યો એટલે યકીન સર્વગુણસંપન્ન બની ગયો. સાતમા માળેથી કોઇ વ્યક્તિ આંખે પાટા બાંધીને પડતું મૂકે એવી જ રીતે ઇનાયતે પ્રેમના કૂવામાં છલાંગ લગાવી દીધી હતી. ખુદ યકીનના મિત્રો આવીને ઇનાયતને ચેતવી ગયા હતા, ‘ઇનાયત, બીજું બધું જવા દે, પણ તારા મેરેજ આલ્બમનો તો વિચાર કર. તમારાં બંનેનો એક પણ ફોટો સારો નહીં આવે.’ ઇનાયતને સમજાતું ન હતું કે આ બધા આવું શા માટે કહેતા હતા. એને તો યકીન ભારે હેન્ડસમ લાગતો હતો. બીજો એક મિત્ર ખાનગીમાં આવું કહી ગયો હતો, ‘યકીન ચારિત્ર્યની બાબતમાં જરાક ઢીલો ખરો, હોં! તપાસ કરીને પછી નિર્ણય લેજે.’ તપાસ તો એ કરે જેને આવી વાત માનવી હોય. ઇનાયત તો આવું કંઇ સાંભળ‌વા માટે પણ તૈયાર ન હતી. તેમ છતાં એક વાર એણે દાણો ચાંપી જોયો હતો, ‘યકીન, મેં એવું સાંભળ્યું છે કે છોકરાઓ બધા જ લફરાંબાજ હોય છે. આ વિશે તારું શું માનવું છે?’ યકીને સાવધાનીભર્યો જવાબ આપ્યો હતો, ‘વાત સાચી છે. મારા લગભગ બધા મિત્રો એવા જ છે, પણ હું એવો નથી. એટલે તો હું તને ક્યારેય મારા મિત્રો સાથે ઇન્ટ્રોડ્યુસ નથી કરતો. એ બદમાશો જે જગ્યાએ ઊભા હોય ત્યાંથી તને લઇને પસાર પણ નથી થતો, રસ્તો બદલાવી નાખું છું. મારા જેવા સંસ્કારી છોકરાઓ ખૂબ ઓછી સંખ્યામાં હોય છે, પણ સાવ નથી હોતા એવું નથી.’ પ્રેમીએ કહ્યું અને પ્રેમિકાએ સ્વીકારી લીધું. યકીને પોતાની એક છબિ બનાવીને ઇનાયતની સામે રજૂ કરી હતી જે પૂરેપૂરી ઊજળી હતી, એમાં ક્યાંય એક પણ કાળો ડાઘ રહેવા દીધો ન હતો. મમ્મી-પપ્પાના પ્રખર વિરોધ વચ્ચે ઇનાયતે યકીન સાથે લગ્ન કરી નાખ્યા. લગ્ન કર્યા પછી એક-દોઢ મહિનામાં જ સત્ય સામે આવી ગયું. જેને હીરો સમજીને લગ્ન કર્યા હતા, એ તો વિલન નીકળ્યો. ઇનાયતને પહેલો આંચકો ત્યારે લાગ્યો, જ્યારે એક મધરાતે મોડેથી ઘરે આવેલો યકીન એને ચૂમવા ગયો, ત્યારે સિગારેટના ધુમાડાની તીવ્ર દુર્ગંધથી ઇનાયતનું મોં કડવું થઇ ગયું. ઇનાયતે ધક્કો મારીને પતિને દૂર હડસેલી દીધો. પૂછ્યું, ‘તમે સિગારેટ પીઓ છો?’ ‘હા.’ યકીન લાજવાના બદલે ગાજ્યો, ‘સિગારેટ હું રોજ પીઉં છું અને શરાબ ક્યારેક ક્યારેક. હું મરદ છું એટલે પીઉં છું.’ આઘાત પામેલી ઇનાયતથી પુછાઇ ગયું, ‘તમારી મરદાનગી તમારી પાસે બીજું શું શું કરાવે છે, એ પણ કહી નાખો.’ યકીનનો ચહેરો લાલઘૂમ થઇ ગયો. એણે ઇનાયતનો ચોટલો પકડીને ત્રાડ પાડી, ‘મારી મરદાનગીનો પુરાવો જોવો છે તારે? દીવાલ સાથે અથડાવીને શ્રીફળની જેમ તારું માથું વધેરી નાખીશ. મને ટોકવાની કે રોકવાની કોશિશ ન કરતી.’ ઇનાયત ડરી ગઇ. જગતભરના પતિઓએ એક વાત જાણી લેવાની જરૂર છે. બાયોલોજિકલી સ્ટ્રોંગ હોવાના કારણે તમે તમારી પત્નીને ડરાવી શકવામાં અવશ્ય સફળ થઇ જશો, પણ એટલું યાદ રાખજો કે એ સ્ત્રી એ પછી ક્યારેય તમને ચાહશે નહીં. પ્રેમ પામવો હોય તો પ્રેમ આપવો પડે. આ ઘટના પછી યકીન અને ઇનાયતનાં પ્રેમલગ્નમાંથી માત્ર લગ્ન રહ્યું અને પ્રેમ ઊડી ગયો. ઇનાયત સમજી ગઇ હતી કે આ લગ્નજીવનમાં હવે રસ જેવું કશું રહ્યું નથી. એ કોઇ હિંમતભર્યો નિર્ણય લે ત્યાં સુધીમાં એને મોર્નિંગ સિકનેસ ચાલુ થઇ ગઇ. પિયરમાં જઇ શકાય તેવું નહોતું. મમ્મી-પપ્પા નારાજ હતાં. ઇનાયત જોબ કરતી ન હતી. આર્થિક રીતે પગભર ન હોય એવી ગૃહિણીને પતિના અત્યાચારોનો ભોગ બની રહેવું પડે છે. કપરી માનસિક સ્થિતિ વચ્ચે નવ મહિના પસાર કરીને આખરે ઇનાયતે દીકરાને જન્મ આપ્યો. આ નવ મહિના દરમિયાન યકીન બીજી એક સ્ત્રીના પ્રેમપાશમાં બંધાઇ ગયો હતો. એના પુરાવા યકીનના મોબાઇલમાંથી મળી આવ્યા. ઊંટની પીઠ ઉપરનું આ અંતિમ તણખલું હતું. ઇનાયતે એની બેસ્ટ સહેલીને કહ્યું, ‘હું યકીનને ડિવોર્સ આપીને નવેસરથી મારી જિંદગી ગોઠવવાં માગું છું.’ સહેલીએ સાચી સોનામહોર જેવી વાત કરી, ‘આ નિર્ણય તારે પ્રેગ્નન્ટ બનતાં પહેલાં લઇ લેવો જોઇતો હતો. દીકરાના જન્મ પછી બધું બદલાઇ ગયું છે. તેં તારી જાતને લગ્નના પિંજરામાં બંધ કરી દઇને પિંજરાની જાળી ઉપર માસૂમ દીકરાના નામનું તાળું વાસી દઇને તારા જ હાથે તાળાની ચાવીને દરિયામાં ફેંકી દીધી છે. તું મા બન્યાં પછી પણ આકર્ષક લાગે છે. તને બીજો પુરુષ મળી જશે, પણ તારા દીકરાનું શું?’ ઇનાયત આ મુદ્દા પર દિવસો સુધી વિચાર કરતી રહી. નવો પતિ કદાચ એના દીકરાને સ્વીકારવા તૈયાર થાય પણ ખરો, કદાચ ન પણ થાય! ડિવોર્સ આપતી વખતે કોર્ટમાં યકીન બીજાં લગ્નનું કારણ દર્શાવીને દીકરાનો કબજો પિતાને સોંપાય એવી માગણી કરે તો શું થાય? પોતાના દેહના જ એક અંશને છોડીને સ્વર્ગનું સુખ મળતું હોય તોયે એ શું કામનું? દીકરો અંશ એક વર્ષનો થયો ત્યારે ઇનાયત એને લઇને પતિથી અલગ થઇ ગઇ. ડિવોર્સ આપ્યા વગર એણે અલગ રીતે ડિવોર્સ લઇ લીધા. પતિ સાથેનો તમામ સંપર્ક કાપી નાખ્યો. એ ભણેલી હતી એટલે નોકરી શોધવામાં તકલીફ ન પડી. એક વર્ષના અંશને મકાનમાલિક દાદા-દાદી પ્રેમપૂર્વક સાચવતાં હતાં. સંઘર્ષનો સમય શરૂ થયો અને દોઢ દાયકા સુધી ચાલતો રહ્યો. આટલાં વર્ષો દરમિયાન ઇનાયતની સામે કોઇ શારીરિક, આર્થિક કે સામાજિક પ્રલોભનો નહીં આવ્યાં હોય એવું તમે માનો છો? એની સાથે કામ કરતા, એના અધિકારીઓ, પડોશમાં રહેતા તેમ જ યકીનના મિત્રોમાંથી કેટલાય પુરુષોએ આ રૂપાળી મેનાને જાળમાં સપડાવવા માટે દાણા નાખી જોયા, પણ આ ચરિત્રવાન પંખિણીએ કોઇનો દાણો ચાંચમાં લીધો નહીં. એનું મુખ્ય ધ્યેય અંશને શ્રેષ્ઠ ઉછેર આપવાનું રહ્યું. આ પંદર વર્ષ દરમિયાન યકીને છૂટાછેડા મેળવવા માટે અસંખ્ય વાર ધમપછાડા કર્યા. ઇનાયત ડિવોર્સ આપવાના મૂડમાં ન હતી. પોતાની જિંદગી બરબાદ કરનાર પુરુષ આસાનીથી બીજી વાર લગ્ન કરીને ગોઠવાઇ જાય એવી છૂટ આપવા જેટલી ઇનાયત ઉદાર ન હતી. અત્યારે ઇનાયત જિંદગીના ત્રિભેટા પર આવીને ઊભી છે. અંશ અભિનયના ક્ષેત્રે કાઠું કાઢી રહ્યો છે. ભણવામાં ખૂબ તેજસ્વી છે. ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપીને એ કલેક્ટર બનવા માગે છે. સ્પોર્ટ્સમાં એ રાષ્ટ્રીય સ્તરે રમી રહ્યો છે. આ થઇ ત્રિભેટાની એક કેડી. બીજી કેડી પર યકીન ઊભો છે. એ હવે પશ્ચાતાપનાં આંસુ સારીને ઇનાયતની માફી માગી રહ્યો છે. ત્રીજી કેડી પ્રેમ અને નવા સંસારની દિશામાં ખૂલી રહી છે. વર્ષો પહેલાં સ્કૂલમાં સાથે ભણતો પ્રિયમ નામનો મિત્ર દાયકાઓ પછી ઇનાયતને મળીને કહે છે, ‘તું મને ગમે છે. સ્કૂલમાં ભણતાં હતાં, ત્યારે પણ ગમતી હતી. હું તને કહી ન શક્યો. દુઃખી લગ્નજીવનમાંથી મુક્તિ મેળવીને તારી પાસે આવ્યો છું. આપણે પરણી જઇએ. હું તને અને તારા અંશને હથેળીનો છાંયડો કરીને સાચવીશ.’ ઇનાયતે અંશની સામે પ્રિયમનો પ્રસ્તાવ રજૂ કર્યો. સોળ વર્ષનો અંશ એની ઉંમર કરતાં ઘણો વધારે મેચ્યોર છે. એણે કહ્યું, ‘મમ્મી, ઇટ’સ યોર લાઇફ. તું તારો નિર્ણય લઇ શકે છે. મારા પપ્પાએ તને કોઇ વાતનું સુખ નથી આપ્યું. જો પ્રિયમ અંકલ તને બધું સુખ આપવાના હોય તો તું જઇ શકે છે. હવે મારી વાત કરું. મારા પપ્પા બાયોલોજિકલી મારા પપ્પા છે. મારી રગોમાં એમનું રક્ત વહી રહ્યું છે. બ્લડ ઇઝ થિકર ધેન વોટર. તું પતિ બદલાવી શકે છે, હું પિતા નહીં બદલાવી શકું. હું તમારી સાથે રહેવા નહીં આવું. હું એકલો રહીને....’ ઇનાયત અંશને વળગી પડી. રડતાં રડતાં બોલી, ‘બેટા, જ્યાં તું ત્યાં હું. પતિને અને પ્રેમીને હું છોડી શકું છું, પણ મારા અંશને નહીં.’ ⬛ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...