તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વચારોના વૃંદાવનમાં:મૈત્રીભાવનું પવિત્ર ઝરણું કે શત્રુભાવનું અપવિત્ર ખાબોચિયું ?

ગુણવંત શાહ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભગવાન બુદ્ધે બ્રહ્મવિહારનાં ચાર પગથિયાં ગણાવ્યાં હતાં: ‘ મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા.’ ટૂંકમાં મૈત્રીને તથાગતે બ્રહ્મવિહારના પ્રથમ પગથિયે મૂકીને એનું બહુમાન કર્યું છે

આપણા પગને સ્થાને પૈડાં ગોઠવાઇ ગયાં ! આપણા હાથ સ્વિચ દબાવતા થયા. આપણાં ટેરવાં સ્માર્ટ ફોન પર રમતાં થયાં ! આપણી અખંડ સૌભાગ્યવતી કિડની ડાયાલિસીસને પનારે પડી ! ચક્ષુબેંક, ત્વચાબેંક અને લિવરબેંક જીવતી થઇ તથા પ્રજનન અવયવો દુકાનમાં મળતા થયા ! માયાવી વાસ્તવિકતા એટલે virtual reality જીવનમાં પ્રસરે ત્યારે તમે માયાવી માધુરી દીક્ષિત સાથે બેસીને એનું સ્મિત સાચમાચ માણી શકશો. તમારે સુખી જ થવું છે ને? તો કેવળ એક જ કામ કરો કાયમ અવાસ્તવિકતામાં જ જીવવાનું રાખો. ડ્રગ લેવાથી તમે જરૂર સાતમા આસમાને પહોંચી જશો. જીવન એટલે શું? જીવન એટલે ભ્રમણાની ફૂલદાની ! ભ્રમણા સુખદાયિની છે, વાસ્તવિકતા દુઃખદાયિની છે ! જ્ઞાનીઓ આજકાલ ફિલોસોફિકલ ચર્ચા કરી રહ્યા છે. કોનું મહત્ત્વ વધારે? સાધન વાપરતો મનુષ્ય કે મનુષ્યને વાપરતું સાધન? Tool-using man કે man using tool? ડેનિયલ બેલ નામના વિચારકે ટેકનોલોજીને ‘ઝપાટાબંધ વધતી જતી માનવીય કલ્પનાની કસરત’ તરીકે પ્રમાણી હતી. કાર્લ માર્ક્સે ટેકનોલોજીને ‘આદર્શ સમાજવ્યવસ્થા (યુટોપિયા) ભણીના રાજમાર્ગ તરીકે પ્રમાણી હતી. આજે ટેકનોલોજી આપણાં શમણાંને પટાવતી અને પંપાળતી રહે છે. થોડાંક જ વર્ષો અમદાવાદના આશ્રમરોડ પર કે સુરતના કણપીઠ વિસ્તારમાં કે પછી મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલી 10× 10ની સાંકડી દુકાનમાં બેઠેલો કોઈ ઘરડો માણસ ચંદ્ર કે મંગળ માટેની કોમર્શિયલ અવકાશયાત્રાનું એડવાન્સ બૂકિંગ કરતો હશે. બૂકિંગ કરાવનારાં મનુષ્યોમાં કોઈ ચંચળબહેન કે ભીખુભાઈ પણ હશે. સુખી થવાની ઝંખનાનું ઝરણું ઘણુંખરું નામ વિનાનું હોય છે. નદીનાં નામો જાણીતાં હોય છે, પરંતુ ઝરણું તો બેનામ જ હોવાનું! મૈત્રીની ઝંખના મનુષ્યને જીવતો રાખે છે. ખાબોચિયું ધાર્મિક પણ હોઈ શકે છે. મૈત્રી સહજપણે ધર્મનિરપેક્ષ હોય છે. ભગવાન બુદ્ધે બ્રહ્મવિહારનાં ચાર પગથિયાં ગણાવ્યાં હતાં : ‘મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા.’ ટૂંકમાં મૈત્રીને તથાગતે બ્રહ્મવિહારના પ્રથમ પગથિયે મૂકીને એનું બહુમાન કર્યું છે. મોબાઈલ ફોન આજની મૈત્રીભાવનાનું અતિ પવિત્ર રમકડું છે. બે મિત્રોને જોડનારું આવું ‘રામ રમકડું’ પવિત્ર છે. બધા ભેદભાવો ખરી પડે અને બધી રાષ્ટ્રીય સરહદો અલોપ થઇ જાય, ત્યારે મૈત્રીભાવનું પવિત્ર ઝરણું હૈયામાં વહેતું થાય છે. ઝરણાને વળી સરહદ કેવી? ક્યારેક મૈત્રી પણ કલાપીની કવિતામાં અમર બની ગયેલા પંખીની માફક ઘાયલ થાય છે. ઘાયલ થયેલું માનવહૃદય પૃથ્વી પર પ્રગટ ન થયેલું પવિત્ર મંદિર ગણાય. એ ઘાયલ હૃદયની અપ્રગટ પીડાને શાયરો ‘દર્દ’ કહે છે. પ્રત્યેક શાયર સ્વભાવે જ ‘દર્દમંદ’ હોય છે. શાયરી તો ઘાયલ હૃદયની પ્રસાદી છે. ભારતીય સમાજની પીડામાં મૈત્રી વિનાનાં કરોડો લગ્નોમાં સંભળાતું શરણાઈવાદન રહેલું જણાય છે. બે સાવ જ અજાણ્યા જીવ વડીલોને વાંકે એકાએક પરણી જાય છે. મધુરજનીની પ્રથમ રાતે પણ તેઓ પલંગ પર પણ વિખૂટાં જ રહી જવા પામે છે. મૃત્યુપર્યંત તેઓ લગભગ પરાયાં જ રહી જવા પામે છે. જગતમાં અધ્યાત્મને નામે ઉપદેશ આપનારા સાધુપુરુષોની ખોટ નથી પરંતુ મૈત્રીને આધ્યાત્મિક શિખર પર મૂકનારા અને માનવીય કક્ષાએ એની ચર્ચા કરનારા સંસારીજનોની બહુ મોટી ખોટ છે. મૈત્રી એ કોઇ આશ્રમનું ઘરેણું નથી કે મંદિરના ગભારામાં ગોઠવાયેલા કોઇ દેવીદેવતાનું આભૂષણ નથી. મૈત્રી એક એવી ઘટના છે જેમાં દિવ્યતાનું આરોપણ કરવાનો પ્રયત્ન જોઇ તેટલો થતો નથી. આવી મૈત્રી જ્યાં પણ પ્રગટે, જ્યારે પણ પ્રગટે ત્યારે એનું અભિવાદન કરવાનું સાધુપુરુષો પણ ચૂકી જતા હોય છે. ‘મૈત્રી એટલે જ અધ્યાત્મ’- એવું સમીકરણ વ્યવહારુ સમાજમાં પ્રતિષ્ઠિત થવું જઇએ. એને કારણે બલાત્કારનું પ્રમાણ ઘટતું નથી અને સહજ મૈત્રીનું ઝરણું વહેતું થતું અટકી જાય છે. ઝરણાની જગાએ નહેર આવી જાય તેનો વાંધો નથી, પરંતુ એ નહેરને પણ સહજપણે વહેવાની સંપૂર્ણ છૂટ હોવી જોઇએ. સહજને કિનારે જીવતો સમાજ ગોકુળ-વૃંદાવનની રાસલીલાનું માધુર્ય સર્જે છે અને અસહજને કિનારે સબડતો સમાજ કંસનગરી મથુરાનું સર્જન કરે છે. પરિણામે કુરુક્ષેત્રનું યુદ્ધ જન્મે છે. એવા યુદ્ધને ધર્મયુદ્ધ ગણાવવું પડે એ કૃષ્ણની પણ મજબૂરી ગણાય. મૈત્રી દ્વારા અધ્યાત્મની દિશામાં આગળ વધનાર માણસને જે મહત્ત્વ મળવું જોઇએ તે મળતું નથી અને દંભી ઉપદેશકોને જે મહત્ત્વ ન મળવું જોઇએ તે મહત્ત્વ મળતું જ રહે છે. કૃષ્ણની મૌલિકતા ગીતામાં પ્રગટ થઇ છે. સોળમા અધ્યાયમાં દંભને આસુરી સંપત્તિના પ્રથમ લક્ષણ તરીકે ગણાવવામાં આવ્યો છે. આવા દંભ સામે ઉપદેશકોને કોઇ વાંધો હોતો નથી. દંભ અને ધર્મને બાર ગાઉનું છેટું હોય છે તો ય સમાજમાં મંદિરતા, મસ્જિદતા અને દેવળતાને કારણે ધર્મ અને દંભ સાથોસાથ હાથમાં હાથ ઝાલીને ચાલતા જોવા મળે છે. આ આપણી કમનસીબી છે અને એ કમનસીબીમાં જ રોગ ગોઠવાઇ જાય છે. આવો સમાજ એક વિરાટ મેન્ટલ હોસ્પિટલ જેવો બની ગયો છે. જેમાં દર્દીને ખાટલો બદલવાની છૂટ છે પરંતુ હોસ્પિટલ છોડવાની છૂટ નથી હોતી. ભગવાન બુદ્ધના જીવનમાં શું બન્યું? મહાભિનિષ્ક્રમણ પછી વર્ષો વીતી ગયાં. પત્ની યશોધરા પણ બૌદ્ધ સંઘમાં જોડીને ભિક્ષુણી બની ગઈ હતી. એક વાર નવરાશની પળોમાં યશોધરાએ તથાગતને એક પ્રશ્ન સહજભાવે પૂછ્યો : ‘ભગવન્ ! તમારી સાધનાનાં વર્ષો દરમ્યાન હું તમને ક્યારેક યાદ આવતી હતી ખરી?’ તથાગતનો જવાબ સાંભળવા જેવો છે. તથાગતે કહ્યું : ‘હે યશોધરા ! તું મને યાદ આવતી હતી. શરદપૂર્ણિમાની રાતે ચંદ્રનાં શીતળ કિરણો નદીનાં સ્વચ્છ જળ પર પરાવર્તન પામે ત્યારે જે ચળકતો પટ સર્જાય તેમાંથી પસાર થઇ જતી સફેદ સઢવાળી નૌકાની માફક તું મારા ચિત્તમાંથી પસાર થઇ જતી હતી ! આવો જવાબ તથાગત સિવાય બીજું કોણ આપી શકે? ગુર્જિએફ મહાન વિચારક તરીકે વિશ્વમાં જાણીતો છે. એના પિતા પણ પુત્રથી ઊતરે તેવા ન હતા. રોકડું બોલવામાં અને રોકડું જીવવામાં માનનારા એ પિતાની કબર પર કોતરાયેલ મૃત્યુલેખ (એપિટાફ)ના શબ્દો છે: હું જે છું, તે જ તું છે તું જે છે, તે જ હું છું ! તે આપણો છે અને આપણે તેનાં છીએ ! તેથી આપણે બધાં જ આપણાં પાડોશી બનીને રહીએ ! આપણા જેવા સામાન્ય માણસોની સીધીસાદી જિંદગીમાં તો એક ફિલ્મી પંક્તિ પણ નવટાંક પ્રેરણા આપનારી છે : ‘આપ જૈસા કોઈ મેરી જિંદગીમેં આયે તો બાત બન જાયે!’ મૈત્રીભાવના પવિત્ર ઝરણાને શત્રુભાવના અપવિત્ર ખાબોચિયાથી બચાવી લેવાના દિવસો આવી પહોંચ્યા છે. ⬛ }}} પાઘડીનો વળ છેડે સદ્્ગુરુ કબીરને પંથ-પ્રપંચમાં કોઈ રસ ન હતો. મહંત-મુલ્લા તેમને ગમતા ન હતા. કબીરસાહેબ પણ હિંદુ-મુસ્લિમ એકતા સાધવામાં નિષ્ફળ ગયા તેથી પાકિસ્તાન અને બાંગ્લાદેશ રચાયાં. ઊંડામાં ઊંડું તત્ત્વજ્ઞાન સરળ પંક્તિઓમાં પ્રગટ કરવાની કળામાં કબીરને કોઈ ન પહોંચી શકે. એમણે લખ્યું : હંસા, કરો પુરાતન બાત કૌન દેસ સે આયા હંસા ઉતરના કૌન ઘાટ? નોંધ : દેશમાં રોજ સર્જાતાં લાખો કજોડાં ફળિયે ફળિયે કણસી રહ્યાં છે. એમને આ લખાણ મદદરૂપ થાય ખરું? જવાબ : ના, ના, ના ! (તારીખ 25 એપ્રિલ, 2021ના રોજ અહીં પ્રસિદ્ધ થયેલા લેખમાં હર્ષદ ત્રિવેદીના બદલે હર્ષદ યાજ્ઞિક નામ વાંચવું.) Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો