તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂ રીલ્સ:એ. આર. રહેમાનનો જાદુ ઓસરી રહ્યો છે?

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લાં કેટલાક વર્ષોથી લાગે છે કે એ. આર. રહેમાનનું ‘નામ’ મોટું થઇ રહ્યું છે, એમના સંગીતમાં ખાસ ઊંચાઇ આવી રહી નથી

યાદ કરો, એ. આર. રહેમાનનું છેલ્લું સુપરહિટ ગાયન કયું હતું? એમના સંગીતવાળી ફિલ્મ હતી, ‘દિલ બેચારા’. (જેની ક્રેડિટ આ રીતે લખવામાં આવી હતી કે ‘મ્યુઝિક કમ્પોઝ્ડ, અરેન્જ્ડ એન્ડ પ્રોડ્યુસ્ડ બાય એ. આર. રહેમાન’). એ ફિલ્મને હજી બે વર્ષ પણ પૂરાં થયાં નથી, છતાં એનું કયું ગીત તમને યાદ છે? એનાં પાંચેક ગીતોમાંથી પેલું ‘દિલ બેચારા, ફ્રેન્ડ-ઝોન કા મારા’ જ્યારે કોઇ યાદ કરાવે, તો માંડ માંડ યાદ આવે તેવું ઢીલું અને ફિક્કું છે. એની સામે રહેમાનની પહેલી ફિલ્મ ‘રોજા’નું કોઇ પણ ગીત યાદ કરો. ‘દિલ હૈ છોટા સા’, ‘યે હંસી વાદિયાં’, ‘રુક્મણિ રુક્મણિ’ કે ‘ભારત હમ કો જાન સે પ્યારા હૈ’ તમામ ગીતો આપણને પહેલી વાર સાંભળતાંની સાથે જ ગમી ગયાં હતાં. રહેમાનનાં નવા ગાયનોમાં કેમ એવું નથી થતું? એમના ચાહકોની દલીલ એવી છે કે રહેમાન સાહેબની ધૂન શેમ્પેઇન જેવી હોય છે. એનો નશો ચડતાં થોડી વાર લાગે છે. સવાલ એ છે કે કેટલી વાર લાગવી જોઇએ? બે વર્ષ? પાંચ વર્ષ? હિંદી ફિલ્મોનાં ગીતોની સૌથી પહેલી ડિમાન્ડ એ છે કે તેની ધૂન અને તેના શબ્દો સામાન્ય દર્શક કે શ્રોતાની જીભે સરળતાથી ચડી જવાં જોઇએ. જોકે આમાં ને આમાં આજના સંગીતકારો બહાવરા બનીને ઓલરેડી હિટ ગયાં હોય તેવાં ગાયનો ઉઠાવીને તેનું રિ-મિક્સ બનાવી નાખે છે. ‘ભુજ’ ફિલ્મનું ‘ભાઇ-ભાઇ’ તેનું લેટેસ્ટ ઉદાહરણ છે. ચાલો, માની લઇએ કે નિર્માતાઓ અને ડિસ્ટ્રિબ્યુટર્સ સંગીતકારો ઉપર ભારે દબાણ કરતા હોય છે. છતાં રિ-મિક્સ સિવાયનાં ગાયનો પણ હિટ થઇ જ રહ્યાં છે ને? એમાં એ. આર. રહેમાન ક્યાં છે? વળી, એવું પણ નથી કે એ. આર. રહેમાનનાં ગીતો આવતાંની સાથે હિટ ન થયાં હોય. થિરુડા થિરુડા (ચોર ચોર), મુકાબલા, બોમ્બે, રંગીલા, દૌડ, જિન્સ, દિલ સે, તાલ, પુકાર, લગાન, સાથિયા, યુવા, સ્વદેશ, રંગ દે બસંતી, ગુરુ, જોધા અકબર, જાને તૂ યા જાને ના, ગઝની, વગેરેનાં ગીતો આવતાંની સાથે હિટ થઇ ગયાં હતાં. એટલું જ નહીં, એમાંથી અમુક ગીતો, એમના ચાહકો કહે છે એમ, ધીમે ધીમે સમય પસાર થયા પછી જૂની થઇ રહેલી શરાબની જેમ વધારે ને વધારે લિજ્જતદાર બનતાં ગયાં છે, પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી લાગે છે કે એ. આર. રહેમાનનું માત્ર ‘નામ’ મોટું થઇ રહ્યું છે, એમના સંગીતમાં ખાસ ઊંચાઇ આવી રહી નથી. કદાચ, ‘સ્લમડોગ મિલિયોનેર’ માટે એમને જે ઓસ્કર એવોર્ડ મળ્યો એ વાત પણ કારણભૂત હોઇ શકે. 2008માં મળેલા આ મહાન એવોર્ડ સાથે એ. આર. રહેમાન પણ ‘મહાન’ બની ગયા! ‘દિલ્હી-6’નાં બે ગાયન, ‘રાવણ’નું એકાદ ગીત ‘જૂઠા હી સહી’નું એક પણ ગીત યાદગાર નહીં… એ રીતે ચાલ્યું. છેક 2011માં આવેલી ‘રોકસ્ટાર’નાં ગીતોએ બેશક, સાવ અનોખી છાપ ઊભી કરી દીધી હતી, પરંતુ એ પછી, અફસોસ સાથે કહેવું પડે કે, રહેમાનનાં કમ્પોઝિશનોમાં એ જાદુ રહ્યો નથી. હા, ‘રાંઝણા’નાં બે-ત્રણ ગીતો કે ‘તમાશા’ તથા ‘હાઇવે’ના એકાદ-બે ગીત કોઇ યાદ અપાવે તો યાદ આવે છે. ‘તમાશા’ ફિલ્મને છ વર્ષ થવાં આવ્યાં. દરમિયાનમાં રહેમાનસાહેબ સંગીત-સ્પર્ધાના શોમાં માનનીય જજ તરીકે દેખાતા રહે છે અને બર્કલી સ્કૂલ ઓફ મ્યુઝિકના સ્ટુડન્ટ્સ ભારતીય કુર્તા-પાયજામા અને સાડી વગેરે પહેરીને રહેમાનનાં એ જ વીસ-બાવીસ ગીતો સ્ટેજ ઉપરથી રજૂ કરતાં રહે છે. કદાચ એ. આર. રહેમાન હવે ફોરેનના ગાયકોનું બિઝનેસ મોડલ અપનાવી ચૂક્યા છે. જે રીતે માઇકલ જેક્સન એક વાર વર્લ્ડ સેલેબ્રિટી બની જાય પછી પાંચ-પાંચ વર્ષ લગી તેના નાકની પ્લાસ્ટિક સર્જરી અથવા કિશોર વયના બાળકો સાથેનાં સ્કેન્ડલો વડે જ હાઇપમાં રહે એ રીતે એ. આર. રહેમાન હવે (ભલે સ્કેન્ડલો વિના) ‘ન્યૂઝ’માં રહી આવતા રહેશે, પણ ‘મ્યુઝિક’ માટે હજી રાહ જોવી રહી… ⬛

અન્ય સમાચારો પણ છે...