જીવનના હકારની કવિતા:પરમાર્થની પ્રાર્થના

એક મહિનો પહેલાલેખક: અંકિત ત્રિવેદી
  • કૉપી લિંક

‘પ્રાર્થના વેળાએ …’ તું પ્રાર્થના કરજે પણ ત્યારે તારા વિજય માટે પ્રાર્થના ન કરીશ કારણ કે એ જ ક્ષણે તારો પ્રતિસ્પર્ધી પણ વિજય માટે પ્રાર્થના કરતો હશે, અને બિચારા ભગવાનને મૂંઝવણ થશે કે કોને વિજય અપાવવો? તું પ્રાર્થના કરજે પણ ધન, માન, ઐશ્વર્ય માટે પ્રાર્થના ન કરીશ કારણ કે એના માગનારાની ભીડ જામી હશે ભગવાનને બારણે, અને તારા તરફ ભગવાન ન જુએ એ જ એની કૃપા ગણજે. તું પ્રાર્થના કરજે પણ રોગમાંથી જલ્દી મુક્ત કરવાની અને ચમત્કારિક રીતે સાજોતાજો કરી દેવાની પ્રાર્થના ન કરીશ કારણ કે તને રોગમુક્ત કરવા માટે અનેક ડોક્ટરો, વૈદ્યો, હકીમો દવાની શોધ કરી રહ્યા છે અને માનવજગત પર ઉપકાર કરવાની તપસ્યા કરે છે. તેમની તપસ્યા નિષ્ફળ ન જાય એ તરફ પણ ભગવાનનું ધ્યાન કેન્દ્રિત થયું હશે. તું પ્રાર્થના કરજે પણ એટલી જ કરજે કે પ્રતિસ્પર્ધી સાથે સારો ને સાચો મુકાબલો થાય. તું પ્રાર્થના કરજે કે મારી પ્રામાણિક મહેનતને અંતે કૃપાનાં અમીછાંટણાં કરજો ભગવાન, જે અંતરના નિર્મળ આનંદરૂપે પ્રગટે. તું પ્રાર્થના કરજે કે ડોકટરરૂપે, વૈદ્યરૂપે, હકીમરૂપે તમે જ આવ્યા છો ભગવાન, અને તેમના હાથમાં સંજીવની આપજો. તું પ્રાર્થના કરજે કે મારી પ્રાર્થનાનો પ્રતિસાદ તમારી ઈચ્છા પ્રમાણે જ આપજો, ભગવાન ! - મકરંદ દવે

***

આપણે પ્રાર્થના કરીએ છીએ એના કરતાં વધારે યાચના કરીએ છીએ... આપણી પ્રાર્થનામાં ભાવ નથી હોતો, ભીખ હોય છે! આપણે પ્રાર્થના સ્વાર્થ માટે કરીએ છીએ, પરમાર્થ માટે નથી કરતાં... આપણે પ્રાર્થના બીજાને ધ્યાનમાં રાખીને કરીએ છીએ, આપણાં આત્માનું ધ્યાન રાખીને નથી કરતાં! આ પ્રાર્થના સ્વયંના અહમ્્માંથી મુક્તિ મેળવવાની પ્રાર્થના છે. આ પ્રાર્થનામાં નિખાલસ નિરાંત છે! આ પ્રાર્થનામાં સ્તુતિ-મંત્રો કે શ્લોક નથી પરંતુ સ્તુતિ- મંત્રો અને શ્લોકની શરૂઆત થાય એ પહેલાં આપણા અંત:કરણને શુદ્ધ કરવાની વાત કરવામાં આવી છે. આપણે પ્રાર્થના આપણા પોતાના વિજય માટે કરતાં હોઈએ છીએ, ત્યારે ભૂલી જઈએ છીએ કે પ્રાર્થનાની આવી જ કોઈક ક્ષણે એનો પ્રતિસ્પર્ધી ‘એના’ વિજય માટે પ્રાર્થના કરતો હશે! અને આપણે અને આપણો પ્રતિસ્પર્ધી બંને ભગવાનને મૂંઝવણમાં મૂકતાં હોઈશું કે વિજય કોને અપાવવો? આપણી પ્રાર્થનામાં ધન-માન અને ઐશ્વર્ય હોય છે. આવું જ માગનારાઓની ભીડ ભગવાનને બારણે જામતી રહે છે! એવાં સમયે ભગવાન આપણી સામે ન જુએ એને પણ ભગવાનની ‘કૃપા’ જ ગણાવી જોઈએ.આંતરમન સાથે આ પ્રાર્થના આપણામાં સંવનન કરે એ જ સાચો હકાર, જીવન જીવવાનો પ્રકાર. ⬛ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...