સત્યાવીસેક વર્ષની યુવતી પોતાની પુત્રીની ત્રીજી વર્ષગાંઠ ઊજવી રહી છે. નાનકડાં ઘરમાં ઉલ્લાસનો માહોલ છે. એ યુવતીને પોતાની દીકરીનો પહેલો જન્મ દિવસ યાદ આવે છે. પણ બે વર્ષ પહેલાનો વીતી ગયેલા સમયનો એક ટુકડો તેની આંખો સામેથી ખસતો નથી. એ યુવતી માધ્યમિક શાળાની શિક્ષિકા છે. અચાનક સર્જાયેલી સ્થિતિએ એના મક્કમ મનની ઈમારતની એક એક ઈંટને હચમચાવી મૂકી હતી, જ્યારે તેની એક વર્ષની દીકરી જાણે એનાથી લાખો જોજન દૂર થઈ ગઈ હતી. વાત આમ બની હતી. એ શિક્ષિકાએ જે યુવક સાથે લગ્ન કર્યા છે એ મુંબઈનો છે. રતલામમાં બંને નોકરી કરે છે. બેય જણાએ પોતાના સહજીવનનાં સપનાં જોયાં. છતાં શિક્ષિકાના પરિવારજનો વાંધો એટલો જ હતો કે એ યુવક બીજા રાજ્યનો અને અજાણ્યો હતો. પરિવારજનોએ યુવતીને સમજાવી. પરંતુ એ યુવતી મક્ક્કમ રહી. તેણે એ યુવક સાથે રજિસ્ટર્ડ મેરેજ કરી લીધા. યુવતીના પિતાએ આશીર્વાદ લેવા આવેલી દીકરીને કહી દીધું, ‘તેં તારી મરજીથી કર્યું છે. જો તારું આ પગલું સાચું છે એમ તું માનતી હોય તો તને ગમે તેવું દ:ુખ આવી પડે, આ ઘરનું બારણું ખટખટાવતી નહીં. અમે તને તિરસ્કારતા નથી પણ તને ભૂલી જવા માગીએ છીએ.’ યુવતીને આઘાત લાગ્યો પણ, તેણે નક્કી કર્યું કે ઠીક છે, નિર્ણય મારો છે તો પરિણામ પણ હું ભોગવીશ. સમય સડસડાટ વહેતો રહ્યો. એ યુવકને ખબર હતી કે મારી પત્નીને હવે મારા સિવાય કોઈનો આધાર નથી. પત્ની આ શહેરમાં જ મોટી થઈ છે અને તેને જન્મ આપનારાં, વહાલથી ઊછેરનારાં ભૂલી ગયા છે. એ યુવકે પોતાની પત્નીને એટલું સુખ આપ્યું કે માવતર છોડ્યાનું દુ:ખ એ યુવતી ભૂલી ગઈ. લગ્નનાં ત્રણ વર્ષ પછી એ યુવતીએ એક બાળકીને જન્મ આપ્યો. તેમનાં પરિવારના આંગણામાં એક નાનું શું પંખી ટહુક્યું. પતિ – પત્ની બંનેની નોકરી હતી એટલે નાની બાળકીને સાચવવા એ યુવતીની સાસુ તેની સાથે રહેવા આવ્યા. પેલી બાળકી બાર મહિનાની થવામાં થોડા દિવસની જ વાર હતી. યુવતીનો ઘરસંસાર સુખરુપે ચાલતો હતો. એ યુવતી પોતાના સંસારથી ખૂબ જ રાજી હતી. અચાનક એક દિવસ સમય પડખું ફર્યો. બોર્ડની પરીક્ષાના પેપર ચેક કરવા પોતાના શહેરથી સાઠ કિલોમીટર દૂર તંત્રે ગોઠવેલા સ્થળે ગઈ. આ તરફ એ ઘેરથી નીકળી એના એક કલાક પછી એના પતિને ફોન આવ્યો કે તેના પિતાને લકવાનો હુમલો આવ્યો છે. પોતે અને મા વતન જાય છે અને બાળકીને પણ લઈને જાય છે. બે દિવસ પછી બેમાંથી કોઈ એક પાછા આવી જશે. આ અગાઉ જ્યારે આવી રીતે જવાનું થતું ત્યારે બાળકીને લઈને એ લોકો ગયાં હતાં. સાંજે એ શિક્ષિકા નોકરીથી પરત આવી. અચાનક આખા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. આંતર જિલ્લા અને રાજ્યનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યું. ચિંતામાં પડી ગયેલી યુવતીએ મનને આશ્વાસન આપ્યું કે કોઈ રસ્તો નીકળશે. પણ બીજા દિવસથી તેને સમજાયું કે હવે અહીંથી બહાર નીકળવું મુશ્કેલ છે. તેણે પોતાના મિત્રોને, ઓળખીતાને વાત કરી જોઈ પણ બધાએ હાથ ઊંચા કરી દીધા કે આ સ્થિતિમાં કોઈ મદદ કરી શકે તેમ નથી. પેલી તરફ એના પતિએ પણ પોતાની ફસાઈ ગયેલી પત્ની માટે તંત્ર પાસે દોડ્યો પણ વ્યવસ્થાઓમાં અટવાયેલું તંત્ર તેને મદદ કરી શક્યું નહીં. જેમ જેમ દિવસ વીતતા ગયા તેમ તેમ એ યુવતીને લાગ્યું કે તે કોઈ વિશાળ મહાસાગર વચ્ચે નિર્જન ટાપુ ઉપર એકલી છે. તેને જન્મ આપનારા માવતર એ જ શહેરમાં હતા, પણ સમયે પહોળી કરી દીધેલી ખાઈ એ યુવતીથી કૂદી શકાય તેમ નહોતી. ચાર દિવસમાં તે બેબાકળી બની ગઈ. જાણે તેને ઘર કેદ મળી છે. એ જ્યાં રહેતી હતી ત્યાં મોટાભાગના પરપ્રાંતના લોકોની વસ્તી હતી. યુવતી પોતાના ઘર અને આંગણાં વચ્ચે આંટા માર્યા કરે છે. વારંવાર તેનો ફોન રણકે છે, પણ તેને શબ્દો મળતા નથી. તેનો પતિ આશ્વાન આપે છે પણ એ શબ્દો તેને સાવ કોરા લાગે છે. દીકરીના પહેલા જન્મ દિવસે કાલીઘેલી ભાષામાં વિડિયો કોલ પર વાત કરતી તેની દીકરીને જોઈ તેનું હૈયું ચિરાઈ જાય છે. સમય સ્થિર છે. ⬛ mavji018@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.