લક્ષ્યવેધ:મેઇન્સમાં એક પેપર ખરાબ ગયું, હિમત ન હાર્યા, ઇન્ટરવ્યૂમાં રેકોર્ડબ્રેક માર્ક્સ લાવ્યા, આજે IAS ઓફિસર

વિશાલ પાટડિયા6 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિવિલ સર્વિસિઝની તૈયારીઓનાં ત્રણ તબક્કા - પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂમાં સૌથી મહત્ત્વની વાત છે હિમંત હાર્યા વિના અને નાસીપાસ થયા વગર કરાતી સતત મહેનત. કારણ કે સફળ ઉમેદવારોને કોઇ એક તબક્કામાં પર્ફોર્મન્સ સારું ન હોય તેમ છતાં તેમનું સાતત્ય અને હકારાત્મક વલણ જ તેમને સિવિલ સર્વિસની વૈતરણી પાર કરવામાં મદદરૂપ થાય છે. આવી જ પ્રેરક વાત છે કે IAS ઓફિસર અને ગુજરાતના રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ ડી. પી. દેસાઇની. આ ઓફિસરનું મેઇન્સ વખતે એક પેપર ખરાબ ગયું જેથી એક સમયે તેમને લાગ્યું કે સિલેક્શન નહીં થાય. પરંતુ નાસીપાસ થયા વગર ઇન્ટરવ્યૂની તૈયારીઓમાં અથાગ પરિશ્રમ કર્યો અને તેમાં રેકોર્ડબ્રેક માર્ક લાવીને GPSC ક્લિયર કરી. ડી.પી. દેસાઇ જણાવે છે, ‘સુરેન્દ્રનગરમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધા પછી સિવિલ એન્જિનિયરિંગમાં જવાની ઇચ્છા હોઇ મેં સાયન્સ લીધું હતું. પરંતુ ધો. 12 સાયન્સમાં મેરિટ ખૂબ જ ઊંચુ જવાથી મારું સપનું પૂરું ન થયું અને મેં આણંદની કોલેજમાં બેચલર ઇન વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરીમાં એડમિશન લીધું. ગ્રેજ્યુએશન પછી 1989માં હું ગુજરાત સરકારમાં પશુ ચિકિત્સક વર્ગ-2 તરીકે લાગ્યો અને મારું પોસ્ટિંગ ભાવનગરના ત્રાપજ ગામના દવાખાનામાં થયું. આ દરમિયાન પિતાની પ્રેરણા અને મિત્રોનાં સહકારથી મેં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ શરૂ કરી. વર્ષ 1990માં GPSCની ભરતી બહાર પડી અને મેં તૈયારીઓ શરૂ કરી. જોકે ગામડામાં પોસ્ટિંગ અને નોકરીનો નેચર જોતાં આ પરીક્ષાની તૈયારીઓમાં કેટલાય પડકારો હતા.’ ગામડામાં પોસ્ટિગ, લાઇટો જાય તો ફાનસમાં વાંચતા, ઇમરજન્સી વચ્ચે વાચન ડી. પી. દેસાઇને પશુ ચિકિત્સક હોવાથી રોજ સવારે 8થી 12 અને બપોરે 3થી 6 દવાખાને હાજર રહેવું પડતું. એટલું જ નહીં, પરંતુ પશુની ઇમરજન્સી આવે ત્યારે ગામોમાં ટ્રાવેલ પણ કરવું પડતું. ક્યારેક સરકારની રસીકરણ ઝૂંબેશ હોય તો ક્યારેક પશુઓમાં રોગચાળો ફાટી નીકળે. જોકે, તેમણે તમામ વિકટ પરિસ્થિતિમાં સમય સાચવીને વાચન ચાલુ રાખ્યું. તેઓ કહે છે કે, ‘મારું ત્રાપજમાં સવા ત્રણ વર્ષ પોસ્ટિંગ રહ્યું. મેં ઝુઓલોજી અને માઇક્રો બાયોલોજી વિષય રાખ્યા હતા. હું અંતરિયાળ વિસ્તારમાં રહેતો હોઇ હું વિષયના પ્રોફેસરો પાસેથી પત્ર વ્યવહારથી ગાઇડન્સ મેળવતો. પુસ્તકો પણ પોસ્ટમાં મગાવતો. ક્યારેક ગાંધીનગર મીટિંગમાં જવું તો ત્યાંથી પુસ્તકો લઇ આવું. મારું વાચન દવાખાનામાં પશુઓની ચિકિત્સા પહેલાં અને પછીનું રહેતું. કોઇ શીડ્યુલ ફિક્સ હતું નહીં કારણ કે ઇમરજન્સી ગમે ત્યારે આવે. જો લાઇટ જતી રહે તો ફાનસમાં પણ વાંચ્યું છે કારણ કે સમયનો વ્યય પોષાય તેમ ન હતો. છેવટે મારી મહેનત ફળી અને મેં પરીક્ષા ક્લિયર કરી.’

પશુ ચિકિત્સક તરીકેની ફરજ ચૂક્યા વિના આ રીતે કર્યો ઈન્ટરવ્યૂમાં રેકોર્ડ

ડી. પી. દેસાઇ જ્યારે મેઇન્સની તૈયારી કરતા હતા ત્યારે તેમની તૈયારીઓમાં પડકારો આવ્યા હતા. આ વિશે તેઓ કહે છે, ‘મેઇન્સ વખતે મારી બરોબર તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે જ પશુઓમાં રોગચાળો ફાટી નીકળ્યો. હું બેમાંથી એક વિષયને કદાચ ન્યાય ન આપી શક્યો. જેની અસર એ થઇ કે મારી માઇક્રોબાયોલોજીની પરીક્ષા સંતોષકારક ન રહી. એક તબક્કે મને લાગ્યું કે હું સ્પર્ધામાંથી આઉટ થઇ ગયો છું. જોકે, મેં ઇન્ટરવ્યૂમાં લડી લેવાનું નક્કી કર્યું. હું પુષ્કળ સફળ ઉમેદવારો અને સિનિયરોને મળ્યો અને ઇન્ટરવ્યૂમાં ખૂબ મહેનત કરી. પરિણામ એ આવ્યું કે સમગ્ર બેચમાં ઇન્ટરવ્યૂમાં મારે રેકોર્ડ બ્રેક માર્ક્સ આવ્યા. મને પેનલે 80માંથી 68 માર્ક આપ્યા જે એક રેકોર્ડ હતો. જો મેં હિંમત હારીને તૈયારીઓ છોડી દીધી હોત તો હું ફેઇલ થાત કારણ કે માઇક્રોબાયોલાજીમાં મને ખૂબ ઓછા માર્ક આવ્યા. ઇન્ટરવ્યૂનાં લીધે જ મેં GPSC ક્લિયર કરી.’

પોતાના ઇન્ટરવ્યૂ વિશે તેઓ જણાવે છે કે, ‘મને કેટલાય પ્રકારના અને ક્ષેત્રોનાં સવાલો પુછાયા હતા. પશુ ચિકિત્સા, રોગ, રસી વગેરેના પ્રશ્નોની સાથે મને બીજા વિશ્વયુદ્ધ તેમજ વિશ્વસ્તરની ઘટનાઓ વિશે પણ પૂછાયું. મને મારા આદર્શ વિશે પૂછાયું તો મેં ગાંધીજીનું નામ લીધું અને પછી મને ગાંધીજી વિશે પુષ્કળ પ્રશ્નો પૂછાયાં જેના મેં સવિસ્તર ઉત્તર આપ્યાં. મારા ખ્યાલથી ઇન્ટરવ્યૂ એ નોલેજનો નહીં પરંતુ વ્યક્તિત્વનો, સંવેદનશીલતાનો ટેસ્ટ છે. પેનલ એ જ ટેસ્ટ કરે છે કે તમે તમારા વ્યવહારથી જાહેર સેવામાં કેવી રીતે યોગદાન આપી શકશો. માટે કોઇ પણ કૃત્રિમ જવાબો આપ્યા વિના નિખાલસ અને નેચરલ જ રહેવું. જેથી તમારી નોંધ ચોક્કસ લેવાશે.

 રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ, ગુજરાત Âજિલ્લા વિકાસ અધિકારી - ગાંધીનગર, વલસાડ Âડેપ્યુટી મ્યુનિ. કમિશનર - AMC  પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર - ટ્રાઇબલ ડેવ. વિભાગ, ગુજરાત Âરેસિડન્ટ ડે. કલેક્ટર - નર્મદા

અન્ય સમાચારો પણ છે...