ડૂબકી:દરિયો ઠાંસોઠાંસ ભરેલું મ્યુઝિયમ

વીનેશ અંતાણીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમુદ્ર સાથે અનેક સત્યઘટનાઓ, દંતકથાઓ, પૌરાણિક કથાઓ, માન્યતાઓ અને વહેમની વાતો જોડાયેલી છે

દરિયાનાં અનેક રૂપ છે. કાંઠે ઊભા રહી છબછબિયાં કરતાં લોકો માટે દરિયાનું એક રૂપ છે, સાચા મોતી શોધવા છેક તળ સુધી ડૂબકી મારતા મરજીવા માટે બીજું રૂપ છે, જીવના જોખમે મધદરિયો ખેડતા સાગરખેડુને તો દરિયો અલગ જ રૂપ બતાવે છે. એક દરિયાપ્રેમીએ કહ્યું છે : ‘દરિયાનો ઘૂઘવાટ અને એની ગંધ મારા આત્માને શુદ્ધ કરે છે.’ જન્મથી જ દરિયાકાંઠે રહેતી એંસી વર્ષની સ્ત્રીનો ભાવ જુઓ : ‘દરિયો તો મારા માટે જાદુનો ખજાનો છે. હું નાનપણમાં જળપરી બનવા માગતી હતી, આ ઉંમરે પણ મારી એ ઇચ્છા હજી પણ એવી જ રહી છે.’ સમુદ્ર સાથે અનેક સત્યઘટનાઓ, દંતકથાઓ, પૌરાણિક કથાઓ, માન્યતાઓ અને વહેમની વાતો જોડાયેલી છે. હું લાંબી વાર્તા ‘દરિયો’ લખતો હતો, ત્યારે સમુદ્રની કેટલીય રોચક કથાઓ જાણવા મળી હતી. દરિયાના દેવ, દરિયાના દૈત્ય, દરિયાનાં ભૂત. એક કાલ્પનિક કથા પ્રમાણે એક વહાણવટીનું ખરાબે ચડેલું વહાણ ખેંચાતું-ખેંચાતું દરિયો અને આકાશ એકમેકમાં ભળી ગયાં હતાં એવા સ્થળે પહોંચ્યું. ત્યાં બધું સફેદ હતું. જમીન સફેદ, દરિયો સફેદ અને આકાશ પણ સફેદ. ચારે બાજુ વાદળાં અને અગરના થર જામ્યા હતા. વહાણ ઘડીક દરિયામાં તરે, ઘડીક આકાશમાં ઊડે. કોઈએ એની વાત માની નહોતી. એક કથા સમુદ્રમાં રહેતા દૈત્યની હતી. એક વહાણ રાતે મધદરિયે જતું હતું. દરિયો શાંત હતો. એવામાં ભયાનક રાક્ષસ દરિયામાંથી ઊછળ્યો અને વહાણ પર ચડી આવ્યો. બધા ખલાસી જીવ બચાવવા સંતાઈ ગયા. દૈત્યનું માથું મોટા તપેલા જેવું ઉપરથી ખુલ્લું હતું. ખાવા ધસતા દૈત્યનો પગ રાંઢવામાં ફસાયો અને એ ઊંધે માથે પડ્યો. તે સાથે માથાના તપેલામાંથી બધું પાણી ઢોળાઈ ગયું અને એ તરફડીને મૃત્યુ પામ્યો. એ દૈત્યનો જીવ માથામાં ભરેલા પાણીમાં હતો. પાણી ઢોળાયું એથી એ મરી ગયો. દરિયાઈ ભૂતના પણ ઘણા કિસ્સા વહાણવટીઓ પાસેથી સાંભળવા મળે. એક વહાણના માલમની વાત પ્રમાણે એમના વહાણને અડોઅડ બીજું વહાણ ચાલતું હતું. એ લોકોએ બીજા વહાણના સુકાનીને એનું વહાણ દૂર કરવા બૂમો પાડી, પણ જવાબ ન મળ્યો. એ વહાણના સુકાન પર કોઈ બેઠું નહોતું, છતાં એ બરાબર જતું હતું. પછી ખબર પડી કે એ વહાણ કોઈ ભૂત ચલાવતું હતું. જેટલા દેશ, જેટલા સાગરખેડુ એટલી વાતો. આધુનિક સમયમાં પણ દરિયો એની અંદરથી એવું કશુંક ઊલેચીને કાંઠે ઠાલવે છે કે લોકો એને દરિયાઈ દૈત્ય માનવા તૈયાર થઈ જાય. વર્ષ 2003માં ચીલી દેશના દરિયાકાંઠે વિચિત્ર મહાકાય પ્રાણી તણાઈ આવ્યું. અભ્યાસીઓ તે વિરાટકાય પ્રાણી શું હશે એનું અનુમાન કરતા રહ્યા, પરંતુ એમને કોઈ તર્કસંગત ઉત્તર મળ્યો નહીં. સામાન્ય લોકોએ તો એને દરિયાના દૈત્યના શબ તરીકે સ્વીકારી લીધું હતું. ગુજરાતી ભાષાના જ્ઞાનકોશ સમા ભગવદ્્ગોમંડળમાં સમુદ્રના અનેક અર્થોની સાથે એવું પણ જણાવ્યું છે કે સમુદ્ર સાગર દેવનું નામ છે. હનુમાનજી સીતાજીને શોધવા નીકળ્યા ત્યારે લંકામાં પ્રવેશ કરવા સમુદ્ર પરથી ઊડતા હતા. ત્યાં એમને પડકારોનો સામનો કરવો પડ્યો હતો. એક પ્રસંગ પ્રમાણે સમુદ્રમાં નિવાસ કરતી નાગમાતા સુરસાએ રાક્ષસીનું રૂપ ધારણ કરી હનુમાનજીનો માર્ગ રોક્યો. એણે હનુમાનજીને હડપ કરી જવા મોઢું ઉઘાડ્યું ત્યારે હનુમાન એમના શરીરનું કદ વિશાળ કરતા ગયા અને અચાનક સાવ નાનું કરી સુરસાના મોંઢામાં પ્રવેશ્યા, પછી તરત બહાર નીકળી આવ્યા. હનુમાનની શક્તિ જોઈ સુરસા પ્રસન્ન થઈ એમને સફળતાના આશીર્વાદ આપ્યા. બીજા પ્રસંગમાં એમને સિંહિકા રાક્ષસીનો સામનો કરવો પડ્યો. સિંહિકા પાસે આકાશમાં ઊડતાં પક્ષીઓની છાયાને પકડવાની શક્તિ હતી. એ છાયા ખેંચી પક્ષીને નીચે લાવતી અને ખાઈ જતી. એણે હનુમાનની છાયા પકડી અને નીચે ખેંચ્યા. હનુમાન રાક્ષસીની પકડમાંથી છૂટી શક્યા નહીં. એણે એમને ખાવા માટે મોઢામાં નાખ્યા. હનુમાનજીએ અંદરથી સિંહિકા પર ગદાના પ્રહારો કરી મારી નાખી. અન્ય દેશોની પૌરાણિક કથાઓમાં પણ સમુદ્રના દેવ અને દૈત્યોની કથા મળે છે. ગ્રીકની પ્રાચીન કથા પ્રમાણે સમુદ્રના દેવનું નામ પોસાયડન હતું. એ સમુદ્રમાર્ગની ચોકી કરતો અને મુશ્કેલીમાં સપડાયેલા વહાણવટીઓનું રક્ષણ કરતો. ક્રોધે ભરાય તો દુષ્ટોનો વિનાશ કરી નાખતો. એ જમીનમાર્ગે આક્રમણ કરતો ત્યારે ધરતીકંપ થતો. એથી એને ‘ધરતી ધ્રુજાવનાર’ નામ પણ મળ્યું હતું. એ મોતી અને પરવાળામાંથી બનેલા મહેલમાં દરિયાની નીચે રહેતો, અનેક અશ્વોવાળા રથ પર આરુઢ થતો. ગ્રીક કથાપરંપરા પ્રમાણે ‘સ્કાયલા’ કે ‘સિલા’ જેવા ઉચ્ચારવાળી રાક્ષસી સમુદ્રમાં રહેતી હતી. એ સુંદર જલપરી હતી. સમુદ્રની એક દેવીએ ઇર્ષ્યાવશ એને કદરૂપી રાક્ષસી બનાવી દીધી. એને બાર પગ હતા, છ મસ્તક હતાં, દરેક મુખમાં તીક્ષ્ણ દાંત હતા. એ સમુદ્ર પાસે ગુફામાં રહેતી. એના વિસ્તારમાંથી કોઈ ભૂલેચૂકે પણ પસાર થતું તો એનું ભક્ષણ કરી જતી. ચીનની એક દંતકથામાં માઝુ નામની સમુદ્રની દેવી હતી. લોકોમાં એ બધી દેવીઓથી વિશેષ પ્રિય હતી. એનાં અનેક નામ હતાં. એક નામ ‘સ્વર્ગની મહારાણી’ હતું. કોઈ એને બીજાં નામથી બોલાવે ત્યારે તરત હાજર થઈ જતી, પરંતુ જો કોઈ ‘સ્વર્ગની મહારાણી’ કહીને બોલાવે તો વિલંબ થતો કારણ કે એ મહારાણીની જેમ સજીધજીને પછી જ નીકળતી. જન્મ પછી એક વર્ષ સુધી રડી નહોતી. એની પાસે ભવિષ્યમાં જોવાની શક્તિ હતી. માઝુ દરિયાકિનારે ઊભી હતી ત્યારે એક સાપ દરિયામાંથી બહાર આવ્યો. એની બહેનપણીઓ ડરીને નાસી ગઈ, પરંતુ માઝુ શાંતિથી ઊભી રહી. એથી સાપે એને ભવિષ્યમાં જોઈ શકવાનું વરદાન આપ્યું. માઝુએ અનેક સાગરખેડુઓને બચાવ્યા હતા. અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે એણે દુનિયામાંથી વિદાય લેવાનો નિર્ણય લીધો, ઊંચા પહાડ પર ચડી અને વાદળમાર્ગે સ્વર્ગે સંચરી. ચીનમાં લોકો એનો જન્મદિવસ અને વિદાયદિવસ ઊજવે છે. કોઈએ સરસ વાત કહી છે : દરિયો ઠાંસોઠાંસ ભરેલું મ્યુઝિયમ છે. એ એનાં રહસ્ય ખોલવા આતુર છે, પરંતુ એનાં રહસ્યોનાં તળ સુધી પહોંચી શકે એવો મરજીવો એને મળ્યો નથી. એથી તો દરિયો દિવસરાત ધૂંધવાય છે.⬛ vinesh_antani@hotmail.com

અન્ય સમાચારો પણ છે...