ફૂલદાની:વકીલ

એક દિવસ પહેલાલેખક: ડૉ. અશોક ચાવડા
  • કૉપી લિંક

રબી શબ્દ વકીલ ગુજરાતીમાં ધારાશાસ્ત્રી, સનદી કાયદાશાસ્ત્રી, કાનૂની સલાહકાર ઇત્યાદિની તુલનામાં વધારે પ્રચલિત છે. સામાન્ય અર્થમાં વકીલ એટલે જે-તે પક્ષકારનો નીમાયેલો પ્રતિનિધિ. તેનું કાર્ય મસલત કરવાનું હોવાથી મસલતિયો પણ કહેવાય. વકીલ વકીલવિદ્યા થકી જે કાર્ય કરે તે વકીલી. વકીલી એટલે વકાલત. અરબીમાં વકલ અર્થાત્ કામ સોંપ્યું તેના પર્યાયરૂપે પણ વકાલત પ્રયોજાય. એ રીતે વકલ પરથી વકીલ આવ્યો એવું લાગે. વકાલત થકી જે આર્થિક લાભ મળે તે પણ વકીલી અર્થાત્ આડત. ઘટના માટે અરબીમાં વકીઆ શબ્દ છે. વકીઆનું બહુવચન વકાએ, જેનો એક અર્થ સંવાદકાર. ઘટના ઘટવાની શક્યતા દર્શાવતા વકઅ માટે ગુજરાતીમાં વકી, આશા. વકાલત થકી વકીલી વસૂલનાર વકીલ પાસે તો વાદી અને પ્રતિવાદી બંનેને જીતની વકી હોવાની જ. ખૈર, કવિ વકીલ હોય એવાં અનેક ઉદાહરણો, પરંતુ કવનમાં કાનૂની પદાવલિ કવચિત્ જ. કવિ દલપતરામનો કિસ્સો જાણીતો છે. વ્રજભાષામાં કવિતા કરતાં કવિને ફાર્બસે ગુજરાતીમાં કવિત કરવા સૂચવ્યું અને હાથ લાગ્યું અર્વાચીન ગુજરાતી સાહિત્યનું પહેલું કાવ્ય ‘બાપાની પીંપર’. તો ખાંડેરાવ ગાયકવાડે ગુજરાતની વહીવટી ભાષા મરાઠી કરેલી. કવિએ રાજમહેલમાં ગુજરાતી કવિતાઓ લલકારી પોતાની ઓળખ આપી. ગાયકવાડે આનંદવિભોર થઈને ગુજરાતની વહીવટી ભાષા ગુજરાતી કરી. દાખે દલપતરામ, ખુદાવિંદ ખંડેરાવ! રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું. મુંબઈ હાઈકોર્ટનો 1885નો ભીખાજી વિ. રખમાબાઈનો કેસ જાણીતો છે. જનાર્દન પાંડુરંગ અને જયંતીબાઈની દીકરી રખમાબાઈએ બાળપણમાં પિતાની છત્રછાયા ગુમાવી. માતાએ સખારામ અર્જુન સાથે બીજાં લગ્ન કર્યાં. 11 વર્ષે રખમાબાઈનાં લગ્ન ભીખાજી સાથે થયાં. 1887માં પતિએ લગ્નહકનો કેસ કર્યો. રખમાબાઈ રાઉતની દલીલ કે પોતાના જીવન બાબતમાં નિર્ણય લેવા માટે પોતે પુખ્ત જ નહોતાં એથી મરજી વિરુદ્ધનાં લગ્ન નામંજૂર કરવાં. અદાલતે રખમાબાઈની દલીલ ફગાવીને એમને પતિગૃહગમન અથવા છ મહિનાનો કારાવાસ એમ ચુકાદો આપ્યો. રખમાબાઈ છ મહિનાના કારાવાસ માટે સંમત થયા, પણ મરજી વિરુદ્ધનાં લગ્ન માટે ના માન્યાં. ચુકાદા સામે ક્વિન વિક્ટોરિયાને પત્ર લખ્યો. ઇંગ્લેન્ડનાં રાણીએ ચુકાદો ખારિજ કર્યો. બાદમાં રખમાબાઈના પતિએ અદાલતમાંથી સમાધાન રૂપે બે હજાર રૂપિયા લઈને હક જતો કર્યો. આ કેસથી ભારતમાં કન્યાની લગ્નવય નક્કી કરતો કાયદો ‘એજ ઓફ કન્સેન્ટ એક્ટ, 1891’ આવ્યો. આ કેસ વિષયક ઉદ્દયન ઠક્કરની કવિતા છે ‘રુખમાબાઈની ઉક્તિ’. એક અંશ માણીએ. નોટિસ મળી હતી મને મોટા વકીલની, ‘મારા અસીલ સાથે તમારા થયાં છે લગ્ન, તેડાવ્યાં તે છતાંય તમે આવતાં નથી. અઠવાડિયામાં એના ઘરે જો જશો નહીં, માંડીશું લગ્ન-ભોગવટાનો મુકદ્દમો!’ રખમાબાઈએ 1889માં લંડન સ્કૂલ ઓફ મેડિસિન ફોર વિમેનમાં અભ્યાસ કર્યો અને 1894માં ડો. રખમાબાઈ થયાં. એમનાં પર 2016માં મરાઠીમાં ‘ડોકટર રૂખમાબાઈ’ ફિલ્મ બની. ગુલાબદાની તોડો તો એક ફૂલ છું, વાંચો તો વિલ છું; સંવેદનોના કેસની અંતિમ દલીલ છું! પાંચેય તત્ત્વ સાક્ષીઓ હોસ્ટાઈલ થઈ ગયા, કાયાની કોર્ટમાંનો પરાજિત વકીલ છું. હરકિસન જોશી ⬛ a.chavda@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...