તાજેતરમાં ભારતીય મૂળના નીલ મોહન યૂટ્યુબના નવા CEO નિયુક્ત થયા છે. નીલે યૂટ્યૂબ ઉપરાંત ગૂગલ અને માઇક્રોસોફ્ટમાં પણ કામ કર્યું છે. ગૂગલના મુખ્ય એડવર્ટાઇઝિંગ પ્રોડક્ટ્સ જેમ કે એડવડર્સ, ડબલક્લિક અને ગૂગલ એનાલિટિક્સના ડેવલપમેન્ટમાં નીલની ભૂમિકા મહત્ત્વની રહી છે. યૂટ્યૂબ શોર્ટ ફીચર અને યૂટ્યૂબ ટીવીને લોન્ચ કરવામાં તેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હતી, પરંતુ ટોચની કંપનીઓમાં મોટી જવાબદારી નિભાવનારા નીલે પોતાની કારકિર્દીની શરૂઆત એક નાના સ્ટાર્ટઅપમાં એક સામાન્ય નોકરીથી કરી હતી. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા બાદ નીલની સામે કોર્પોરેટ જોબનો વિકલ્પ હતો પરંતુ તેમણે તેમના લર્નિંગ માટે એક નાની જાહેરાત કંપની ડબલક્લિક સાથે કામ કરવાનું શરૂ કર્યું. 2007માં ગૂગલે ડબલક્લિકને ખરીદી લીધી. તેમને ગૂગલમાં વાઇસ પ્રેસિડેન્ટ ઓફ પ્રોડક્ટ એન્ડ સ્ટ્રેટેજી ઓફ એડવર્ટાઇઝિંગ નિયુક્ત કરાયા. 2015માં તેઓ યૂટ્યૂબના ચીફ પ્રોડક્ટ ઓફિસર નિયુક્ત થયા. આ દરમિયાન તેમણે શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ તેમ જ યુએક્સ ટીમ બનાવી યૂટ્યૂબને ઊંચાઇ પર લાવી દીધા.
લીડરશિપથી થયો ફાયદો
ક્યારેક ચૂપચાપ રહેનારા નીલ આજે સફળ લીડર છે. 1992માં તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં B.Sc. કર્યું. નોકરી મળવા છતાં તેમણે અભ્યાસ ચાલુ કર્યો. 2003માં નીલે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં MBA કર્યું. આરજે મિલર સ્કોલર તરીકે તેમણે MBAની ડિગ્રી પૂરી કરી. આ સમ્માન સૌથી વધુ માર્ક્સ મેળવનારા ટોપ 10% વિદ્યાર્થીઓને જ અપાય છે. એક સારા વિદ્યાર્થી હોવાનો ફાયદો તો નીલને મળ્યો જ છે, સાથે જ એક ટીમ લીડર તરીકે શ્રેષ્ઠ નિર્ણય લેવાની ક્ષમતાથી તે આ મુકામ પર પહોંચ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.