સહજ સંવાદ:એક ગુજરાતીનું પુસ્તક ‘સ્મગલર્સ ઓફ ટ્રૂથ’

19 દિવસ પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક
  • ગુજરાત વીજળી ક્ષેત્રમાં જે વ્યવસ્થાગત સુધાર આવ્યા તે મકરંદ દેસાઈને આભારી છે. મકરંદ દેસાઇને કાળદેવતાએ પોતાની પાસે ઊગતી રાજકીય કારકિર્દીમાં બોલાવી લીધા

ચૂંટણીની મલકુસ્તીમાં પણ જાણવા જેવી ઘટના. આ ગુજરાતીએ પરદેશમાં બેસીને જે સાહસ કર્યાં તે જાણવા જેવા છે. વિશેષે, વડોદરાના, સુરતના અને ગાંધીનગરના મતદારો, ઉમેદવારો અને પક્ષોએ. બની શકે તો તેની છબીને સાર્વજનિક રીતે એકત્ર થઈને, વંદન કરીને, ચૂંટણી પ્રચાર કે ઉમેદવારીપત્રક ભરવા જવું જોઈએ, કેમ કે તે લોકોએ સાહસપૂર્વક લોકશાહીને બચાવી લેવાનો સંઘર્ષ કર્યો અને સફળ થયા. તેમનું નામ મકરંદ દેસાઇ. અમેરિકન યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી લઈને વડોદરામાં વ્યવસાય શરૂ કર્યો. વડોદરાના કેટલાક (મોરબીના ઝૂલતા પુલના રિપેર કરનારા જેવા નહીં) મજબૂત બ્રિજ તેમના નિર્માણના પ્રમાણ છે. આમ તો જુનિયર ચેમ્બર, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય, સ્કૂલ, નેશનલ બ્રેઇન ટ્રસ્ટ જેવાં સંગઠનો અને સંસ્થાઓમાં અધ્યક્ષ જેવી જવાબદારી હતી, પણ પછી લાગ્યું કે ટેક્નોક્રેટ લોકોએ પણ રાજકારણમાં જવું જોઈએ એટલે તત્કાલીન ભારતીય જનસંઘમાં જોડાયા. જોતજોતામાં પ્રદેશ પ્રમુખ, ધારાસભ્ય અને મંત્રી બન્યા. ગુજરાત વીજળી ક્ષેત્રમાં જે વ્યવસ્થાગત સુધાર આવ્યા તે મકરંદ દેસાઈને આભારી છે. મકરંદ દેસાઇ અને અરવિંદ મણિયાર પણ મુખ્યમંત્રી તરીકે સજ્જતા ધરાવતા હતા પણ કાળદેવતાએ બંનેને પોતાની પાસે ઊગતી રાજકીય કારકિર્દીમાં બોલાવી લીધા. પણ આજે જે કર્યાંની સ્મૃતિ આવશ્યક છે તે તો 1975-76ના કટોકટી અને સેન્સરશિપમાં પ્રતિબંધ અને કારાગારના દિવસો દરમિયાન આ અનાવિલ દેસાઇએ (મોરારજીભાઈ સાથે એકવાર ચર્ચા અને મતભેદનો પ્રસંગ આવ્યો ત્યારે મકરંદભાઈએ કહ્યું: ‘મોરારજીભાઈ, તમે અનાવલા છો, તો હું પણ અનાવલો છું.’ મોરારજીભાઇ હસી પડ્યા હતા.) જે સાહસ કરીને પોલીસની નજરથી છટકીને વિદેશ પહોંચ્યા અને ભારતમાં કટોકટીનો વિરોધ કરવા સક્રિય બન્યા તે પ્રકરણ રોમાંચક છે. બન્યું એવું કે માર્ચ 1976 સુધી તો ગુજરાતમાં જનતા મોરચાનું શાસન રહ્યું. તેમાં બાબુભાઇ પટેલ મુખ્યમંત્રી હતા, કેશુભાઈ પટેલ, હેમાબહેન આચાર્ય અને મકરંદ દેસાઇ જનસંઘના પ્રતિનિધિ તરીકે મંત્રીપરિષદમાં. પણ એક-બે ધારાસભ્યોના દ્રોહને લીધે બહુમતી ગુમાવી એટલે સરકારે રાજીનામું આપ્યું. દેશ આખામાં તો કટોકટી ચુસ્ત રીતે ચાલુ હતી, માત્ર તામિલનાડુ અને ગુજરાત લંડનના ‘ગાર્ડિયન’ અખબારની નજરે ‘સ્વતંત્રતાના ટાપુ’ રહ્યા તે પણ ભય અને એકાધિકારવાદના સકંજામાં આવી ગયા. 12 માર્ચ, 1976 ગાંધીનગરના તેમના મંત્રીનિવાસથી અમદાવાદ થઈને વિમાનમથકેથી થોડાક સમાન સાથે ઈંગ્લેન્ડ-અમેરિકા પહોંચી ગયા. ત્યાં ‘સત્યવાણી’ સામયિક શરૂ કર્યું. દુનિયાના ખ્યાત નોબલ-વિજેતાઓનો સંપર્ક કર્યો. ભારતમાં શું બની રહ્યું છે તે જણાવતી અપીલ અખબારોનાં પૂરાં એક પાનાં પર પ્રકાશિત થઈ તો ભારત સરકાર ચોંકી ઊઠી. બંને રાજદૂતોને ખખડાવવામાં આવ્યા. મકરંદ-મંડળીમાં રામ જેઠમલાની અને સુબ્રમણિયમ સ્વામી હતા. આપણા ગુજરાતી મહિલા અંજલિ પંડ્યા પણ હતાં. આ નાનીસરખી પત્રિકાએ દુનિયાભરમાં ભારત વિશેની અસલી વાસ્તવિકતા રજૂ કરી. વાત આસન તો નહોતી. મકરંદ તો વડોદરામાં રહેતા તેમના પરિવારને જાણ કર્યા વિના જ નીકળ્યા હતા. પછી પત્ર અને ફોનથી સંપર્ક થયો. વડોદરામાં ‘વસંત કુટિર’માં તેમનાં પત્ની, માતા, પુત્રી રહેતાં. ગુપ્તચર તંત્ર ત્યાં પણ પૂછપરછ માટે જાય. પત્ની નીલાબહેન પણ બહાદુર મહિલા. પતિના અનિશ્ચિત ભવિષ્ય છતાં તેઓ મકરંદભાઈને ફોન પર હિંમત આપતાં, ‘અહીંની ચિંતા કર્યા વિના, લોકશાહી માટેના આ સંઘર્ષને ચાલુ રાખજો.’ સુબ્રમણ્યમ તો અતિ સાહસિક એટલે એકવાર ગુપચુપ ભારત આવ્યા અને સંસદ ચાલુ હતી, પોતે સાંસદ હતા એટલે પહોંચી ગયા. પ્રવેશપત્રમાં સહી કરી, ગૃહમાં પહોંચ્યા એટલે સન્નાટો. કેટલાકને ભય પણ લાગ્યો કે આ માણસ ક્યાંક ભગતસિંહની જેમ બોમ્બ વિસ્ફોટ માટે તો નથી આવ્યોને? કટોકટીની સામે હાથ ઉઠાવીને વિરોધ કરી સ્વામી ચાલ્યા પણ ગયા! આ ઘટના સેન્સરશિપને લીધે ભારતના અખબારોમાં આવી નહીં પણ તે સમયની ભૂગર્ભપ્રવૃત્તિના નાયક નરેન્દ્ર મોદીએ તમામ પત્રિકાઓમાં તે અહેવાલ છાપ્યો. વડોદરા જેલમાં તેની અંગ્રેજી પ્રત મને મોકલી, તેનો અનુવાદ થયો અને ત્રણ દિવસમાં છપાઈ પણ ગઈ એવું ભૂગર્ભ તંત્ર અસરકારક હતું! માર્ચ, 1977માં ભારતમાં સામાન્ય ચૂંટણી થઈ. તે સામાન્ય ના રહી, અસમાન્ય બની ગઈ. મકરંદભાઈ પણ પાછા ફર્યા. લાંબા સમય પછી પરિવાર અને પક્ષનું મિલન થયું. ચૂંટણી લડ્યા અને વડોદરા વિસ્તારમાંથી જીત્યા, મંત્રી બન્યા. તે સમયે એક બીજું મહત્ત્વનું કામ કર્યું. કટોકટીકાલીન પત્રકારત્વ અને સાહિત્યના પ્રકાશનનું. કુલદીપ નાયરનું ‘ઇન જેલ’, ચંદ્રશેખરની આત્મકથા, જયા પ્રકાશની જેલ-ડાયરી, અટલ બિહારી વાજપેયીની ‘કૈદી કવિરાય કી કુંડલિયાં’, સ્નેહલતા રેડ્ડીની અંતિમ કથા, ગુજરાતમાં નરેન્દ્ર મોદીની ‘સંઘર્ષમાં ગુજરાત’, આ કોલમના લેખકના ‘મિસાવાસ્યમ્’ જેવાં જેલ અને સંઘર્ષના અનુભવોનાં પુસ્તકો પ્રકાશિત થયાં. તેમાં એક ઉમેરો મકરંદ દેસાઇના ‘સ્મગલર્સ ઓફ ટ્રૂથ’ છે. ‘સત્યવાણી’ના તે સમયના લેખોનો તે સંચય છે.બરાબર કચ્છી ગુજરાતી શ્યામજી કૃષ્ણ વર્માનું સ્મરણ થઈ આવે. 1905માં તેમણે લંડન જઈને ભારતીય આઝાદીની અહાલેક જગાવી હતી અને ‘ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ’ અખબાર બહાર પાડ્યું હતું. સ્વતંત્રતા પછી છેક 1975માં લોકશાહીને સમાપ્ત કરવાનો પ્રયાસ થયો તેની સામે વયોવૃદ્ધ જયપ્રકાશ નારાયણે ઝંડો ઉઠાવ્યો અને વિદેશ જઈને સંઘર્ષનું પત્રકારત્વ કરનારા નીકળ્યા તેમાં મકરંદ દેસાઇ પણ હતા. ચૂંટણીના રસ્તા પર ઉમેદવારી કરનારા ઉમેદવારો, પક્ષો અને પ્રજાએ લોકશાહીને સ્વસ્થ રાખવા જાગૃત થવું જોઈએ. ⬛ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...