તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાગ બિન્દાસ:યંગ સાથે ચંદ ગુફ્તગૂ લાઇફ ઇઝ નોટ ફેર

સંજય છેલ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિંદગી નામના રાક્ષસનો હાઉ ન રાખીને એનો સામનો કરવા માટે સાચી, કડવી વાતો કહેવી જરૂરી છે. જે ‘લાઇફ ઇઝ નોટ ફેર’માં પાને-પાને છે

ટાઇટલ્સ સલાહ ન આપવાની સલાહ સૌથી સાચી સલાહ (છેલવાણી) ‘આજથી ચાલીસમા વર્ષે કોઈ બોરિંગ પાર્ટીમાં બે પેગ પીતાં પીતાં તમે જો એમ વિચારતા હશો કે ‘હાય, સ્કૂલ - કોલેજનાં દિવસો કેવા મજાના હતા’ તો એનો મતલબ કે આજે તમે હારેલાં છો! એવો દિવસ કદીયે ન આવે માટે આજે જ વિચારી લો કે કોલેજથી નીકળીને તમે કેવું જીવન જીવવા માગો છે!’ ‘ જે લોકો કોલેજ પછી તરત નોકરી કરવા જઈ રહ્યા છે, એ સૌને મારી પ્રેક્ટિકલ સલાહ છે નોકરીના પહેલા બે-ત્રણ દિવસ ઓફિસમાં ખૂબ મોડે સુધી કામ કરજો. બીજું કોઈ નહીં, પણ ઓફિસનો ઝાડુવાળો તો એ વાત જરૂર માર્ક કરશે અને એની વાત ઉપર બોસ સુધી પહોંચશે.’ ‘દુનિયાની કોઈ કોલેજ ‘કંટાળાને કેમ હેન્ડલ કરવો’ એ શીખવતી નથી, શીખવી શકતી નથી! તમે નોકરીધંધા, મિત્રો, પ્રેમી-પ્રેમિકા, દીવાલોના રંગ, તમારા વિચારો, તમારી જાત... બધાંથી આખરે તો કંટાળવા માંડશો! અને કંટાળાથી ભાગવા નવો પ્રેમ, નવા મિત્રો, નવું ઘર, પ્રવાસ, લફડાં, ડ્રગ્ઝ, ધર્મધ્યાન... તમે શું નું શું અપનાવશો! બોરડમ તમને એક વાતનો અહેસાસ કરાવે કે આખરે તમે પણ મરવાનાં છો! કોઈ વસ્તુ ક્ષણભંગુર હોય એટલી જ એ જીવનથી છલોછલ, લાગણીથી લબાલબ ને રોમાંચથી તરબતર હોય છે…’ આ બધા શબ્દો છે, અમેરિકાની યુનિવર્સિટીમાં કોન્વોકેશન વખતે વક્તાઓના. એ વક્તાઓ જે પોતે ક્યારેક સ્ટુડન્ટ હતા. કોલેજ પત્યા બાદ,પદવીદાન સમારંભ વખતની આ અમુક સ્પીચીઝનું સંપાદન ‘લાઇફ ઇઝ નોટ ફેર!’ કોલેજ બાદ જિંદગી શરૂ કરતાં દરેક જુવાન માટે મસ્ટ રીડ બુક છે. એમાં અમેરિકન પ્રેસિડન્ટ રોનાલ્ડ રેગનથી માંડીને ટી.વી. એન્કર ઓપ્રાહ વીનફ્રે જેવાં અનેક સેલેબ્રિટીના વિચારો છે અને એકદમ પ્રેક્ટિકલ સલાહો છે. જેમ કે - ‘મેં જીવનમાં અનેક સંતુષ્ટ લોકોને જોયા છે, પણ લક્ષ્ય વિનાના એ સુખાળવા લોકો ખૂબ ખતરનાક હોય છે. મને આજેય ઘણી વાતોનો અસંતોષ છે : શહેરનાં રસ્તાઓ માટે, મચ્છરોના ત્રાસ માટે, રેલવેસ્ટેશનની હાલત માટે, મારા ઘરની બહાર ઊગેલી લીલ માટે! મને અસંતોષ છે, અમેરિકા માટે એક દેશ તરીકે. અરે, મારી જાત માટે પણ અસંતોષ છે, હું પેલાં સંતુષ્ટ-સુખાળવા લોકોથી ખૂબ ડરું છું, કારણ કે જ્યાં સુધી અસંતોષ નથી, ફરિયાદ નથી ત્યાં સુધી પ્રગતિ નથી. અસંતોષ, પ્રગતિની પહેલી શરત છે. યંગસ્ટર્સ, બની શકે એટલા અસંતુષ્ટ રહેજો.’ ‘કમ્પ્યૂટર્સ ક્યારેય નવા સવાલો નહીં પૂછે, સમાજે આગળ વધવું હશે તો જુવાનોએ નવા પણ ખતરનાક પ્રશ્નો પૂછવા પડશે. સમાજ અને સિસ્ટમને હલાવવી પડશે. કિનારે નાંગરેલું વહાણ સલામત છે, પણ એ કિનારા પર લાંગરવા માટે નથી બન્યું. ડૂબો તો ભલે ડૂબો પણ દુનિયાના સમંદરમાં કૂદીને જિંદગીને નવા સવાલો પૂછો!’ ‘કોલેજમાંથી નીકળીને તમે નોકરી કરશો ત્યારે એક વાત યાદ રાખજો કે તમે કોઈનાય ગુલામ નથી. તમે ગુલામ અને તમે જ તમારા માલિક છો. એવું જીવન જીવજો કે આજથી દસ વર્ષ બાદ તમે પગારની પે-સ્લીપનો આંકડો કે બેંક ખાતાનો નંબર બનીને ન રહી જાવ. તમારું આ વેકેશન પતી જતાં ‘તમે માલિક છો કે ગુલામ?’ની રમત તમારા જીવનમાં શરૂ થઇ જશે.’ ઇન્ટરવલ આ જવાની છે, જવાની (ટ્રક પર વાંચેલું) જિંદગી નામના રાક્ષસનો હાઉ ન રાખીને એનો સામનો કરવા માટે સાચી, કડવી વાતો કહેવી જરૂરી છે. જે ‘લાઇફ ઇઝ નોટ ફેર’માં પાને-પાને છે. એમાં યંગસ્ટર્સ માટે ખાલી ડાહી-ડાહી વાતો જ નથી, પણ સોલિડ સેન્સ ઓફ હ્યુમર અને એસિડિક આક્રોશ પણ છે. આપણે ત્યાં જુવાનોને ઉદ્દેશીને લોકો યા તો બાવાબાપુઓની વાણીમાં બોર કરવા માંડે કે પછી રોમાંસ-સેક્સની વાતો કરીને ગલગલિયાં કરવા માંડે. આ બે અંતિમો વચ્ચે વિચારતો ધબકતો યુવાવર્ગ છે, એમના માટે કેટલાંક મજેદાર ક્વોટ્ઝ પેશ છે : ‘તમે નસીબદાર છો કે ગ્રેજ્યુએટ થઈને તમે આવતાં વર્ષે શું કરશો એની તમને ખબર છે, પણ હું રોનાલ્ડ રેગન, અમેરિકાનો પ્રેસિડન્ટ જાણતો નથી કે હું આવતા વર્ષે ખુરસી પર હોઈશ કે નહીં? તમે લોકો આ ક્ષણે મારાથી વધુ પાવરફૂલ છો!’ ‘એક કાર્ટૂનિસ્ટ તરીકે મારી તમને એક જ સલાહ છે કે એક જ વસ્તુ તમને આ દુનિયામાં બચાવી શકશે, અને એ છે: તમારી સેન્સ ઓફ હ્યુમર-રમૂજવૃત્તિ! આ જિંદગી આખરે તો એક જોકથી વિશેષ કંઈ નથી. દરેક હાલમાં જાત પર હસવાની વૃત્તિ કેળવજો. દુનિયા નામના સરકસમાં તમે એક જોકરથી વિશેષ કશું જ નથી. આજે ગ્રેજ્યુએટ થતી વખતે કાળો કોટ અને માથા પર ફૂમતાંવાળી કાળી ટોપી પહેરી છે, એમાં પણ જોકર જ તો લાગો છો ને!?’ ‘છોકરાઓ પ્રેમ વ્યક્ત કરવામાં નબળા હોય છે, એટલે મારી સલાહ છે કે જેવો પદવીદાન સમારંભ પતે કે સર્ટિફિકેટ લઈને મા-બાપ તરફ દોડો. એમને ‘લવ યુ’ કહી પછી કહેજો કે ‘આટલાં વર્ષ મને સહન કર્યો એ માટે ખૂબ ખૂબ થેંક્સ.’ આ સુણીને મા-બાપ ખુશ થશે અને એકમેકને સમજવામાં બીજાં દસ વર્ષ મહેનત નહીં કરવી પડે!’ ‘જાણકારી અને પ્રેરણા કરિયર માટે મહત્ત્વની છે. જાણકારી તો લાઇબ્રેરીઓમાં, છાપાંની કોલમોમાં, લોકોની સલાહોમાં ઢગલાબંધ મળશે, પરંતુ પ્રેરણા એટલી સસ્તી નથી! એને તો તમારે સત્યોને ઉલેચીને જાતે જ મેળવાની છે. ભૂલો કરીને પણ જિંદગીનો અનુભવ લેજો. તમારો પરાજય, હતાશા જ સાચી પ્રેરણા આપશે.’ ‘કોલેજ પછી જીવનના દરેક તબક્કે ઓપન માઈન્ડ રાખજો, પણ એટલું બધું પણ ખુલ્લું નહીં રાખતાં કે એમાંથી તમારું ભેજું બહાર પડી જાય.’ ‘એક વિજ્ઞાની તરીકે સૌથી મોટું સત્ય કહું? જીવનમાં તમારાં સપનાંથી વધારે કંઈ જ સાચું નથી. દુનિયા તમને, તમારી શકલને બદલી નાખશે, પણ સપનું નહીં બદલાય. તમારું સપનું જ તમને જુવાની સાથે જોડી રાખશે. સપનાંને મુઠ્ઠીમાં જકડી રાખશો તો ક્યારેય બુઢ્ઢા નહીં થાવ. સાચી ઉપલબ્ધિ એટલે સપનાંનું જીવતાં રહેવું!’ ‘જ્યાં આનંદ નથી ત્યાં સફળતા નથી! એવી ચીજોને, લોકોને શોધજો, જે જીવનમાં આનંદ ભરી દે. આનંદથી મોટી કોઈ કરિયર નથી!’ એન્ડ ટાઇટલ્સ આદમ : મોટો થઈને શું બનું? ઇવ : મોટો ક્યારેય થઈશ? ⬛ sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...