એક જિજ્ઞાસા વ્યક્ત થઈ છે કે ‘બાપુ, ઘણાં વર્ષો પહેલાં આપે એક કથામાં કહ્યું હતું કે ગુરુ કુંભારની માફક શિષ્યનો ઘડો બનાવે છે. માટીમાંથી કાંકરા કાઢી લઈને ચાક પર ઘડો બનાવવા સુધીની જે વ્યાખ્યા હતી એ ખૂબ જ સુંદર અને માર્મિક હતી. આજે પણ વિચારું છું તો આંખો ભરાઈ આવે છે. પરંતુ અંતે કહેવાયું હતું કે ઘડો બનાવીને ગુરુ એ ઘડાને ટકોરા મારીને જુએ છે કે એ બરાબર છે કે નહીં અને પછી એને બજારમાં મૂકી દે છે; તો બજારમાં મૂકવાનું તાત્પર્ય શું છે?’ હું ન ભૂલતો હોઉં તો કદાચ કબીરસાહેબની વાણી છે, ‘ગુરુ કુમ્હાર, શિષ્ય કુંભ હૈ.’ ગુરુ કુંભાર છે અને શિષ્ય ઘડો છે. એ આખી પ્રક્રિયા જે ક્યારેક કહી હશે. ગુરુએ માટી લીધી; એને પાણીમાં ભેળવી; ચાક પર ચઢાવીને એક આકાર આપ્યો; પવનમાં એને સુકવ્યો; આકાશ નીચે મૂક્યો અને અગ્નિમાં પકાવ્યો. ગુરુ પોતાના આશ્રિતને પાંચેય તત્ત્વોની યાત્રા કરાવે છે; માટીની, જળની, વાયુની, આકાશની અને અગ્નિની. ગુરુની પોતાની એક રચના છે. ગુરુ સ્વયં સર્જક છે. જેવી રીતે આ સંસારના રચયિતા પરમાત્મા, બ્રહ્મા, જે કહો એ, આ સંસાર-ચક્ર ફેરવે છે, એવી રીતે ગુરુ પણ એક ચાકનું પ્રતીક છે; એ ચાક પર આપણા પડને નાખીને આપણું એક નૂતન વ્યક્તિત્વ નિર્મિત કરે છે. માટીમાંથી પસાર કરવા એટલે સહનશીલ બનાવવા. પાણીમાં માટી ભેળવવી એટલે કણ-કણને સંયુક્ત રાખવા. આકાર આપીને ખુલ્લા આકાશ નીચે રાખવા; એ ઘટાકાશને મહાકાશનો બોધ આપવો અને પછી વાયુમાં સૂકવવા. સહનશીલતા શીખવવી; કણ-કણને એકઠા કરવા; ઘડાના ભીતરી આકાશને મહા આકાશ સાથે મેળવવું અને વાયુમાં સૂકવવું; એક પાવન સ્પર્શમાંથી પસાર કરવું અને અંતે અગ્નિમાં પકાવવું. કુંભાર ઘડો બનાવે છે ત્યારે ઉપરથી એક ટપલું લઈને પીટે છે. કાચા ઘડાને પીટે છે એ વખતે લાગે છે કે કુંભાર કઠોર છે; પરંતુ આપણે બધાં જાણીએ છીએ કે કુંભાર એક હાથે ઘડાને આકાર આપે છે, પીટે છે પરંતુ એનો બીજો હાથ ઘડાની અંદર છે. ઉપરથી ઘડો બનાવવાનો પ્રયાસ છે અને ભીતર સદૈવ પ્રસાદનો હાથ રહેલો હોય છે. આશ્રિતરૂપી કુંભ જ્યારે પાકી ગયો; આગમાંથી પસાર થયો અને પછી બજારમાં મૂકવામાં આવ્યો. જ્યારે કુંભાર કે કોઈ પણ બજારમાં ઘડાને વેચે છે ત્યારે શું થાય છે? તો કુંભાર જ્યારે ઘડાને પીટે છે ત્યારે એક વરદ હસ્ત અંદર છે એ દેખાતો નથી. પરંતુ જ્યારે બજારમાં મૂકવામાં આવે છે ત્યારે ટકોરા મારવામાં આવે છે. જે ગ્રાહક ઘડો ખરીદવા આવ્યો છે એ ઘડાને હાથમાં લઈને ટકોરા મારશે કે એ બરાબર પાક્યો છે કે નહીં. કુંભારે તો પાંચેય તત્ત્વોમાંથી પસાર કરીને ઘડો પકવી દીધો છે. હવે ખરીદનાર ખરીદતાં પહેલાં એની પરિપક્વતાને ચકાસે છે. પ્રશ્ન છે કે ગુરુ એને બજારમાં કેમ મૂકે છે? બજારમાં મૂકવાનો મતલબ હું જે સમજ્યો છું, તે એ છે કે ગુરુ આશ્રિતને પૂર્ણત: તૈયાર કરીને પછી બજારમાં મૂકે છે, દુનિયાની સેવામાં એને મૂકી દે છે કે આ મારો બનાવેલો ઘડો છે, આપ લો. આમ તો અમૂલ્ય છે, પરંતુ સેવાના ક્ષેત્રમાં એને મૂકી દે છે; આ ઘડાને લઈ જાઓ, એમાં શીતળ પાણી ભરો; પીઓ; તૃપ્ત થાઓ. આપ ટકોરા મારીને કસોટી કરી લો. મારી પાસેથી એ ઘણી યાત્રામાંથી પસાર થઈને બજાર સુધી પહોંચ્યો છે. આપ લઈ જાઓ; આપના ઘરમાં આવશે પછી એ આપનું ઘર છોડશે નહીં. એને એક જગ્યાએ રાખી દો. તમને શીતળતા આપવા માટે, પવિત્રતા આપવા માટે મારો આશ્રિત તમારા ઘરનો એક સદસ્ય બની જશે; ઘરની શોભા બની જશે; વિચારના રૂપમાં અને આચારના રૂપમાં પણ; સેવામાં રાખી દેજો. આપે સાંભળ્યું હશે, ભગવાન બુદ્ધ પાસે ઘણાં લોકો દીક્ષિત થયાં. બુદ્ધે પણ કુંભારનું કામ કર્યું; ભિખ્ખુઓને તૈયાર કર્યા. પછી એ બધા ઘડાઓને, એ બધાં પાત્રોને, એ બધી યોગ્યતાઓને વિશ્વની સેવામાં, વિશ્વમંગલનાં સૂત્રો આપીને વિશ્વમાં મોકલી દીધાં. આ જ તો બજારમાં મૂકવાની વાત છે. કોઈને લંકા મોકલ્યા, કોઈને જાપાન મોકલ્યા; કોઈને ચાઈના, કોઈને આ બાજુ, કોઈને પેલી બાજુ, એમ ચારે બાજુ બુદ્ધ ભગવાને પોતાના શિષ્યોને મોકલ્યા. બુદ્ધના આશ્રિતો ચક્રવર્તી સમ્રાટના સંતાનો પણ બુદ્ધ દ્વારા ઘડા પાકી ગયા પછી અનેક પ્રદેશોમાં ભગવાન બુદ્ધનાં સૂત્રો લઈને જાય છે. એક ઘડો તૈયાર થઈ જાય અને પછી કુંભાર પાસે જ એ પડ્યો રહે તો એની સાર્થકતા શું? અને શૃંગારરસમાં તો એવું કહેવામાં આવ્યું; સંસ્કૃતમાં અને લોકબોલીમાં પણ શૃંગારમાં તો એવું કહેવામાં આવ્યું કે ઘડાએ આટલી તપસ્યા કરી; એ બજાર સુધી ગયો; ખરીદનારે એને ટકોરા મારીને લીધો પરંતુ એનું સ્થાન તો જુઓ! કોઈ સુંદર, શાલીન, ખાનદાન પરિવારની પુત્રી કે વહુ એ ઘડાને પોતાના માથા પર મૂકે છે; એમાં જળ ભર્યું છે અને માથે મૂકીને એ પોતાને ઘેર લઈ જાય છે. એનું સ્થાન તો જુઓ! ક્યાં પગથી માટી ખૂંદી હતી અને એ તપસ્યામાંથી પસાર થયા બાદ એક સુંદર, શાલીન યુવતીના માથા પર ચડ્યો છે! એ એની પ્રગતિ છે; સફળતા છે. ઘડો હવે શાલીનતાનું શિખર બની ગયો. તો ગુરુ શિષ્યને વેચતા નથી. જે ગુરુના શિષ્ય વેચાઉ હોય એ ટકાઉ કેવી રીતે હોઈ શકે? જેમના ગુરુ ટકાઉ છે; એટલે કે શાશ્વત છે, એનો કુંભ પણ ટકાઉ હોય છે. ટકાઉ ગુરુ પોતાના શિષ્યને વેચાઉ નથી થવા દેતા. ગુરુ શિષ્યને બજારમાં મૂકે છે એનો મતલબ છે કે એને જગતમાં, સેવાના ક્ષેત્રમાં મૂકી દે છે. સેવા શિષ્ય દ્વારા કરાવશે; ગુરુ સ્મરણ કરશે. ગુરુ બજારમાં કેમ મૂકે છે શિષ્યોને? હિમાલયની કંદરાઓમાં કસોટી નથી થતી, ભર્યા સંસારમાં જ કસોટી થાય છે. આપ કહો કે હું હિમાલયની ગુફામાં બેઠો છું, મને ક્યારેય ક્રોધ નથી આવતો; તો એ મોટી વાત નથી. ક્રોધ કરવા માટે દ્વૈત જોઈએ; ત્યાં કોઈ નથી, જે તમને ઉશ્કેરે. બજારમાં મૂકવાનો મતલબ એ છે કે હવે તારા ટકાઉપણાની કસોટી છે. નીકળો એક વાર સંસારમાં. અને એવા મહિમાવંત કુંભને જ્યારે એ શૃંગારરસના પક્ષમાં મેં કહ્યું કે કોઈ ગૌરીના માથા પર ચઢી જાય છે; એનો મહિમા એટલો થઈ જાય છે કે સાત-આઠ સખીઓ જળ ભરવા જાય છે, હાથતાળી લગાવે છે, વાતો કરે છે પરંતુ બધાંની સ્મરણ-ચેતના ઘડામાં લાગેલી હોય છે. ઘડો નીકળ્યો જળની સેવા કરવા; સ્મરણ કોઈ બીજું કરી રહ્યું છે. ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર, મોહમ્મદ પયગંબર સાહેબ, જિસસ અને ભારતની ભૂમિએ તો કેટલા બધા બુદ્ધપુરુષો આપ્યા છે! એ બધા પરમતત્ત્વને પ્રાપ્ત કરવા માટેના પોતપોતાના સ્થાનના કુંભ હતા; એ માટીથી બનેલા કુંભ હતા. નીકળી પડ્યા હતા બધાંનો ત્યાગ કરીને, પરંતુ જ્યારે પામી ચૂક્યા તો બજારમાં આવી ગયા; ભર્યા સંસારમાં આવી ગયા. ગુરુ શિષ્યને બજારમાં મૂકે છે કે જાઓ, હવે તમારા ટકાઉપણાની પરીક્ષા આપો. એ ઘડાને બજારમાં મૂકવાની વાત છે. ગુરુ સેવામાં મૂકી દેશે. કુંભને લાગશે કે મને બનાવનારાએ, મારા સર્જકે મને એમનાથી દૂર કરી દીધો! પરંતુ ના, મૂકી દીધો સંસારમાં. કસોટી તો ત્યાં જ છે. તો આશ્રિતને બજારમાં મૂકવાનો અર્થ મને આવો જ લાગે છે. જ્યારે આપણે ગુરુ પાસે પાકીએ છીએ ત્યારે આપણા પર ઘણાંની નજર હોય છે! પ્રત્યેક ઘડો જ્યારે ઘણીબધી પ્રક્રિયામાંથી પસાર થાય છે ત્યારે એના પર બધી નજર હોય છે. આપણંુ વર્તન છૂપું રહેશે એવું માનવાની ક્યારેય ભૂલ ન કરવી. અસ્તિત્વની નજર આપણા પર મંડાયેલી હોય છે. ⬛ (સંકલન : નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.