જબલપુરમાં એક જૈનની દુકાન છે. દુકાનનું નામ છે : ‘દિગમ્બર ક્લોથ સ્ટોર.’ લંડનમાં શરાબની દુકાન છે : ‘મહાત્મા ગાંધી પબ.’ મુંબઇમાં થોડાંક વર્ષો પહેલાં શરાબખાનાંનાં નામો હતાં : ‘રાધાકૃષ્ણ બાર’, ‘શબરી બાર’, ‘સીતા બાર’... ઇત્યાદિ. અમદાવાદમાં એક સ્લમ-વિસ્તાર છે, જેનું નામ છે : ‘કુબેરનગર’. વડોદરામાં કચરાપેટીઓમાંથી કાગળ, ગંધાતાં ચીંથરાં અને શીશીઓ એકઠી કરનારી ગરીબ છોકરીને એક વાર મેં પૂછ્યું હતું : ‘બહેન, તારું નામ શું?’ એ છોકરીનો જવાબ હતો : ‘રાજેશ્વરી.’ પ્રત્યેક ધર્મનું અથાણું બનાવી દેવાની માનવજાતને ટેવ પડી ગઇ છે. તમે કોઇ રાજાપુરી કેરીને હાથમાં રાખીને બે મિનિટ પ્રાર્થનામય ચિત્તે વિચારવાનું સાહસ કરી જોજો. એ સુગંધમય, સ્વાદમય અને સુંદર કેરી પર શું શું વીતતું હશે ત્યારે એ કેરીનું અથાણું બનતું હશે? ભારતના કયા શંકરાચાર્યને અસ્પૃશ્યતા ખૂંચી હશે? આવું માનવવિરોધી મહાપાપ દૂર થાય તે માટે આપણે ગાંધીજી અને બાબાસાહેબ આંબેડકર સુધી કેમ થોભવું પડ્યું? માણસ હેરાનગતિથી દુ:ખી દુ:ખી થઇ જાય છે, પરંતુ વિચારની હેરાનગતિ સૌથી ભવ્ય હેરાનગતિ ગણાય. મહાકવિ ન્હાનાલાલે દુનિયાની સંસ્કૃતિઓના ચાર મુખ્ય પ્રવાહો ગણાવ્યા છે. એ ચાર પ્રવાહો કયા? 1. રોમની રાજસ્વલ્લભ સંસ્કૃતિ 2. યુરોપ-અમેરિકાની અર્થવલ્લભ સંસ્કૃતિ 3. ગ્રીસની સૌંદર્યવલ્લભ સંસ્કૃતિ 4. ભારતની ધર્મવલ્લભ સંસ્કૃતિ સાંભળવામાં તો આપણી ‘ધર્મવલ્લભ’ સંસ્કૃતિ સારી લાગે છે, પરંતુ એ સંસ્કૃતિ પટાવાળા કે પછી ઘરની કામવાળી સાથેના શોષણયુક્ત વર્તનમાં ક્યાંય ડોકાય છે ખરી? જો અન્ય માનવીમાં આપણે માનવત્વ જોયું હોત, તો છેક છેવાડે જીવનારાં સ્ત્રી-પુરુષો સાથેનું આપણું વર્તન પ્રભુવિરોધી અને ધર્મવિરોધી તથા માનવવિરોધી હોત ખરું? અંધારું અને અજવાળું સાથોસાથ ટકી શકે? ટૂંકમાં માનવીની પ્રતિષ્ઠા કહેવાતા ધાર્મિક દેશોમાં પણ થઇ નથી. આપણા દેશમાં કોઇ મંદિર કે મસ્જિદ કે ચર્ચ વટાવ્યા વિના એકાદ કિલોમીટર પણ ચાલી ન શકો. જે અર્થમાં નવું બંધાતું મકાન મોટું થાય છે, તે અર્થમાં કોઇ વૃક્ષ મોટું નથી થતું. વૃક્ષનું મોટું થવું એ તો વૃક્ષની ભીતર થતાં અંકુરણનું પરિણામ છે. મકાન કદી ઊગતું નથી, વૃક્ષ ઊગે છે. માણસ જેમ જેમ મોટો થાય, તેમ તેમ એને વિચાર પ્રત્યે આકર્ષણ જાગે છે. આપણે ત્યાં વિચારશૂન્ય માણસને જાનવર ગણવાનો રિવાજ નથી. સમાજમાં ‘જાનવરો’ બહુમતીમાં હોય છે. એથેન્સમાં કદી સોક્રેટિસ પાસે બહુમતીનો ટેકો ન હતો. છેવટે એણે હૅમલૉક જ પીવું પડેલું. એક અતિ સુંદર અને સુવાસિત કેરીનું અથાણું થઇ ગયું! સુરતમાં આદર્શ સોસાયટીમાં રહેતા પ્રખર આયુર્વેદાચાર્ય સદ્્ગત બાપાલાલ વૈદ્યને એમના છેવટના દિવસોમાં એક જ વાર મળવાનું મને સદ્્ભાગ્ય સાંપડ્યું હતું. એમણે એક યાદગાર વાત મને કહી હતી, તે આજે પણ યાદ છે. આયુર્વેદના જ્ઞાતા એવા વૈદ્યરાજો જ્યારે કોઇ જંગલમાં ઊગેલી વનસ્પતિને લેવા જતા ત્યારે શું કરતા? કોઇ ખાસ છોડ સમક્ષ આગલે દિવસે જઇને પ્રાર્થના કરતા : ‘હે દેવતા! માનવજાતના કલ્યાણ માટે આવતીકાલે પ્રભાત સમયે હું આપને કષ્ટ આપવા માટે આવીશ. મારી આવી હિંસા બદલ આપ મને ક્ષમા કરજો.’ બીજા દિવસે પાણીનો કળશિયો લઇને અને કંકુનો ચાંદલો કરીને કુમારિકાઓ જતી અને છોડની પૂજા કર્યા પછી ક્ષમાભાવપૂર્વક ઉખેડવામાં આવતો. સદ્્ગત બાપાલાલજી ‘ભિષગભારતી’ નામનું એક સામયિક પણ ચલાવતા. એમણે ગુજરાતમાં ‘છાશની પરબ’ શરૂ કરવાનો વિચાર પ્રચાર પણ કર્યો હતો. એમની સ્મૃતિને વંદન હજો. મારી બા પ્રથમ કક્ષાની કર્મશીલ હતી. એણે ગામના હળપતિઓ માટે છાશની પરબ ચલાવેલી. ઉનાળો પૂરો થયો અને શિયાળો બેઠો પછી એ પરબ બંધ પડેલી. માનવીય ઉત્ક્રાંતિની દિશા આવી હોવી જોઇએ. બધા ધર્મોના મૂળિયાં આખરે તો કરુણામાં પડેલાં છે! માંસાહાર આખરે તો માણસમાં પડેલી કરુણાને જ ખતમ કરે છે. આજની દુનિયામાં વાઘ અને સિંહ માટે અભયારણ્ય રચાયાં, પરંતુ મનુષ્યો માટે ક્યાંય અભયારણ્ય રચાયું ખરું? ત્રણ પ્રકારના ભયથી આજનો મનુષ્ય થથરી રહ્યો છે : 1. ગરીબ થઇ જવાનો ભય. 2. ઇજ્જત ગુમાવી બેસવાનો ભય. 3. રોગ થાય ત્યારે થનારી પીડાનો ભય. અબ્રાહમ લિંકને કહ્યું હતું કે મને કોઇના ગુલામ થવાનું ન ગમે તેથી કોઇ મારો ગુલામ ન બને એ જરૂરી છે. હું કોઇનો ગુલામ નથી, એ તો સ્વતંત્રતાની વ્યાખ્યાનો પૂર્વાર્ધ છે. એ જ વ્યાખ્યાનો ઉત્તરાર્ધ એવો છે કે કોઇ મારો ગુલામ ન હોય. આ જ તર્ક આગળ ચલાવીએ, તો એમ કહી શકાય કે મારે જો નિર્ભયતા પ્રાપ્ત કરવી હોય, તો કોઇ મારાથી ભય ન પામે એ જરૂરી છે. આવો તર્ક મનુષ્ય માટે અભયારણ્ય રચાય તે માટે જરૂરી છે. આજકાલ પુસ્તક પ્રકાશનના ક્ષેત્રે હેરી પોટરની ધૂમ મચી રહી છે. એની બધી વાર્તાઓ કાલ્પનિક હોય છે. એ લોકપ્રિય લેખિકાની એક કલ્પના અહીં પ્રસ્તુત છે. લેખિકા પૃથ્વી પર વસનારા રાક્ષસોની એક જાતિની કલ્પના કરે છે, જેનું નામ છે : ‘ડિમેન્ટર્સ.’ આ રાક્ષસોની એક વિશેષતા એ કે તેઓ કદી કોઇ માણસની હત્યા ન કરે કે હાનિ ન પહોંચાડે. તેઓ એક જ કામ કરે છે. તેઓ માણસનું સુખ શોષી લે છે પણ માણસ જીવતો જ રહે છે. દુનિયાનો પ્રગટ-અપ્રગટ ઇતિહાસ શું કહે છે? વાસ્તવમાં માણસોના સુખને ચૂસી લેવાનો ઇતિહાસ છે. મહાભારતનું યુદ્ધ તો છેક છેવટે થયું, પરંતુ ત્યાં સુધી કૌરવોએ પાંડવોને મારી નાખવાને બદલે એમના સુખને ખતમ કરી નાખવાનું જ કામ કર્યું હતું! સંસારમાં કેટલીય પત્નીઓ પતિની હત્યા કરવાને બદલે પતિના સુખને ખતમ કરવાનું કામ વગર બોલ્યે કરતી રહે છે. એ પત્ની ડિમેન્ટર્સ જાતિની રાક્ષસી ગણાય. એવો પતિ પણ હોય છે કે જે પત્નીની હત્યા ન કરે, પરંતુ પત્નીના સુખને ખતમ કરતા જ રહે! સંસારમાં ક્યારેક કોઇ મામા-મામી, કાકા-કાકી, માસા-માસી કે ફોઇ-ફુઆ ડિમેન્ટર્સનું કામ કરતાં રહે છે. હત્યા ન થાય, પરંતુ સુખ નાશ પામે. ક્યારેક મિત્રો પણ ડિમેન્ટર્સ હોઇ શકે છે. હેરી પોટર્સની કલ્પનામાં વાસ્તવિકતાનું તત્ત્વ ભારોભાર છે. ક્યારેક ઇજ્જત નામની વાંસા વગરની ચૂડેલની માફક માણસને સતત પજવતી રહે છે. { ગણિકાઓના સમૂહમાં મર્યાદા પાળનારી ગણિકાની ઇજ્જત ઝાઝી હોતી નથી. { અપ્રમાણિક બિઝનેસમેનોના ગૃપમાં પ્રામાણિકતાનો આગ્રહ રાખનારા વેપારીની મશ્કરી થતી હોય છે. { પરીક્ષામાં ચોરી ન કરનારા વિદ્યાર્થીની ઇજ્જત ઊંચી નથી હોતી. { નાગરી નાતમાં નરસિંહ મહેતાની પ્રતિષ્ઠા ઝાઝી ન હતી. ફ્રોઇડ જેવા મહાન મનોવિજ્ઞાનીએ કહ્યું હતું : જે માણસ પ્રથમ વાર પથ્થરનો ઘા કરવાને બદલે શત્રુ સાથે ગાળાગાળી કરી તે માણસ સંસ્કૃતિનો શોધક હતો! અમારા સુરતની એક ખૂબી જાણી રાખવા જેવી છે. સુરતમાં રોજ કેટલીય મારામારી ટળી જાય છે કારણ કે ગાળાગાળી થાય તેમાં જ ઘણોખરો ગુસ્સો ઓગળી જાય છે. ફ્રોઇડની વાતમાં દમ છે, એવું મને સુરતમાં સમજાયું! ⬛ }}} પાઘડીનો વળ છેડે હે વસુધા! હું મૃત્યુ પામું ત્યારે તારા મૌન વચાળે મારે માટે આટલો એક શબ્દ રાખજે : ‘મેં પ્રેમ કર્યો છે.’ રવીન્દ્રનાથ ઠાકુર Blog:http://gunvantshah.wordpress.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.