મનનો મોનોલોગ:બાળક એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો જીવ છે

ડો. નિમિત્ત ઓઝા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગિજુભાઈની સૌથી મોટી ચમત્કૃતિ બાળગીતો અને બાળવાર્તાઓ હતી. વાર્તાકથન દ્વારા કેળવણી, એ તેમની વિશિષ્ટ શિક્ષણ પદ્ધતિ હતી. તેઓ માનતા કે ફક્ત બાળકોને જ નહીં, કોઈ પણ ઉંમરની વ્યક્તિને શિક્ષણ આપવાનો સૌથી શ્રેષ્ઠ અને સરળ રસ્તો ‘વાર્તા’ છે. ગિજુભાઈ કહેતા કે, ‘વાર્તા સાંભળવી એ દરેક બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે અને એમને વાર્તા કહેવી, એ આપણી ફરજ.’ તેમની બાળવાર્તાઓ અને બાળગીતોને કારણે બાળકો તેમના તરફ ખેંચાવા લાગ્યાં અને તેમના સ્વભાવ અને ઉદારતાને કારણે તેમની આસપાસ સ્થાયી થવા લાગ્યાં. પછી શું? ગોળના ટુકડાની આસપાસ કીડીઓ ઊભરાય, એમ ગિજુભાઈની આસપાસ બાળકો ઊભરાતાં. સરમુખત્યારશાહી, બળજબરી અને ધાકધમકીથી ચલાવવામાં આવતા બાળ-સામ્રાજ્યમાં એ વાત આગની જેમ ફેલાઈ ગઈ કે શહેરમાં કોઈ તારણહાર આવ્યો છે. લાંબી મૂછો ધરાવતો એક એવો ચહેરો જેમની આંખોમાં ક્યારેય ક્રોધ નથી હોતો, હંમેશાં કરુણા જ હોય છે. એમના હાસ્ય, સ્પર્શ, ઉદારતા અને વાત્સલ્યમાં બાળકોને પોતાની મમ્મી દેખાવા લાગી. એ વાત સમજતાં બાળકોને જરાય વાર ન લાગી કે તેમને પોતાનો ઓરિજિનલ સુપરસ્ટાર મળી ચૂક્યો છે, પણ એટલું પર્યાપ્ત નહોતું. ગિજુભાઈનું વિઝન તો બહુ વિશાળ હતું. તેમનો ઉદેશ્ય ફક્ત બાળકોને રાજી રાખવાનો નહોતો. તેમનો ઈરાદો બાળકોના માધ્યમ દ્વારા વાલીઓને કેળવણી આપવાનો હતો. ગિજુભાઈ એ વાત સ્પષ્ટ રીતે જાણતા હતા કે ફક્ત ફૂલોને ચાહવાથી કશું જ નહીં થાય. બાગમાં ખીલેલાં પુષ્પોની પ્રસન્નતા ટકાવી રાખવી હશે, તો સૌથી પહેલાં માળીમાં માતૃત્વ ઉગાડવું પડશે. જેમને ખરા અર્થમાં ફૂલો સાથે નિસ્બત હોય છે, તેઓ સૌપ્રથમ માળી સાથે મિત્રતા કરે છે. બાળકોની નજરમાં હીરો બની ગયેલા ગિજુભાઈએ સભાનતાપૂર્વક એ વાતની કાળજી લીધી કે તેઓ મા-બાપની નજરમાં વિલન ન બની જાય અને માટે જ, તેમણે માળી સાથે મિત્રતા શરૂ કરી. બાળકોનાં માતા-પિતા સાથે સંવાદ શરૂ કર્યા, પત્રવ્યવહાર શરૂ કર્યો. વાલીઓને સંબોધી પુસ્તકો લખ્યાં, સભાઓ કરી, સરઘસ કાઢ્યાં. ગિજુભાઈ દ્વારા લખાયેલા ‘દિવાસ્વપ્ન’, ‘મા-બાપોને’, ‘વાર્તાનું શાસ્ત્ર’, ‘મા-બાપ થવું આકરું છે’ જેવાં પુસ્તકો અનેક વાલીઓના જીવનમાં પરિવર્તન લાવ્યાં. ગિજુભાઈના સંપર્કમાં આવેલા વાલીઓમાં, પોતાના બાળકને સમજવાની અને સમજાવવાની એક નવી દૃષ્ટિ કેળવાઈ. આ માત્ર ગિજુભાઈનો જાદુ કે ચમત્કાર નહોતો, આ બાળમાનસશાસ્ત્રની શરૂઆત હતી. બાળકો તોફાન કે અવાજ શું કામ કરે છે? તેઓ આપણી વાત કેમ નથી માનતાં? તેઓ કઈ રીતે વિચારે છે? અને એ રીતે શું કામ વિચારે છે? ગિજુભાઈએ જ્યારે આ બધા પ્રશ્નોના જવાબ આપવાની શરૂઆત કરી ત્યારે પેરેન્ટિંગ-જગત અવાચક બની ગયું. ‘તારે મારી વાત માનવી જ પડશે’, ‘હું કહું એમ જ થશે’, ‘નીચે બેસ, નહીં તો એક ફડાકો પડશે’ જેવા ઓનરશિપના ચાલી રહેલા આતંકવાદની વચ્ચે ગિજુભાઈની વાતો ક્રાંતિકારી હતી. બાળકો પર હાથ ઉપાડતા, જોહુકમી ચલાવતા કે મન ફાવે એ રીતે વર્તતાં મા-બાપની સામે ગિજુભાઈની શિક્ષણ પદ્ધતિ એક એવું અહિંસક, સુખદ અને મજબૂત આંદોલન હતું કે જે આવનારા સમયમાં બાળ-ઉછેરની પરિભાષા બદલી નાખનારું હતું. ‘બાળકોને ક્યારેય મારશો નહીં’, ‘એમને ડરાવશો નહીં’ જેવા બાળ-કેળવણીના મૂળભૂત સિદ્ધાંતો દ્વારા તેમણે રૂઢિચુસ્ત અને પરંપરાગત શિક્ષકો તથા વાલીઓને હેબતાવી નાખ્યા. તેમને સમજાતું નહોતું કે આ માણસ શું કરવા ધારે છે? ત્યારે તેમને ખબર નહોતી કે તેઓ એક યુગ પરિવર્તકને નિહાળી રહ્યા છે. ઈતિહાસને પડખું ફરતા જોઈ રહ્યા છે. ગિજુભાઈની આસપાસ રહેલા લોકો સુન્ન પડી ગયેલાં કારણ કે તેઓ એક અદ્્ભુત અને અદ્વિતીય ‘બાળ-ક્રાંતિ’ની ઘટનાના સાક્ષી બની રહ્યા હતા. નરસિંહ મહેતા કે મીરાંબાઈ માટે જે રીતે કૃષ્ણ હતા, એ જ રીતે ગિજુભાઈ માટે બાળકો. તેમણે પોતાની જાત બાળકોને સમર્પિત કરી દીધી. તેમણે અનેક પુસ્તકો લખ્યાં, આદર્શ શિક્ષણ પદ્ધતિની પ્રપોઝલ મૂકી, બાળ માનસિકતા સમજાવી પરંતુ બાળ-કેળવણીમાં સૌથી મોટી ક્રાંતિ ત્યારે આવી, જ્યારે તેમણે બાળકના સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર કર્યો. તેમણે કહ્યું, ‘બાળક એક સ્વતંત્ર જીવ છે. તેને પોતાની સ્વતંત્ર અનુભૂતિ અને અભિવ્યક્તિ છે.’ બસ, આ એક એવું પગલું હતું જે નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર ભરેલું. વન જાયન્ટ સ્ટેપ ફોર એન્ટાયર મેનકાઈન્ડ. બાળક આપણું એક્સ્ટેન્શન નથી. એ આપણી ઈચ્છાઓ, વિચારો કે વ્યક્તિત્વનું પ્રતિબિંબ નથી. એને પોતાનાં વિચારો, પસંદગી અને ગમા-અણગમા છે. એના દરેક ગમા-અણગમા પાછળનાં કારણો આપણે શોધી કાઢવાના છે અને એની પસંદગીને આદર આપવાનો છે. તેઓ આપણી ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા માટેનું સાધન નથી. આપણે તેમના માલિક નથી, માળી છીએ. ‘મારા બાળકને હું મારી મરજી પ્રમાણે ઉછેરીશ’ જેવાં વાક્યો મા-બાપનાં ઘમંડ, અજ્ઞાનતા અને માલિકીભાવનો પરિચય આપે છે. બાળકના ગાલ કે માનસ પર પડતો દરેક તમાચો, એ આપણી અણઆવડતનું પ્રમાણપત્ર છે. કમનસીબે, કેટલીક ‘પ્લેઝર-સીકિંગ એક્ટિવિટીઝ’ ચાઈલ્ડ-બર્થમાં પરિણમતી હોય છે. એ આપણા સમાજની સૌથી મોટી વક્રતા છે કે પેરેન્ટ બનવા માટે ફક્ત પુખ્ત હોવું જરૂરી છે, સમજદાર નહીં. રસ્તા પર ચાલતાં અજાણ્યાં લોકોનો જીવ ન જોખમાય, એ માટે ડ્રાઈવિંગ લાઇસન્સ ફરજિયાત હોય છે, પણ આપણા જ બાળકનો શ્રેષ્ઠ ઉછેર કરી શકીએ, એ માટે પેરેન્ટિંગ-લાઇસન્સ જરૂરી નથી હોતું. એક જીવને જન્મ આપી દેવાની લાયકાત દરેકમાં હોય છે, પણ એને ઉછેરવાની ક્ષમતા અમુકમાં જ અને એટલે જ આપણી આસપાસ અનંત સુધી વિસ્તરેલી સામાજિક સમસ્યાઓ, અપરાધો અને અત્યાચારો છે. કાશ, આપણે આવનારી પેઢીનું ભવિષ્ય બદલી શકીએ. ગિજુભાઈની વાતો, વિચારો અને પુસ્તકો આજે પણ એટલા જ સુસંગત અને સ્તુત્ય છે. આપણાં બાળકોના વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે તેઓ હંમેશાં આદર્શ અને પથદર્શક રહેશે. ⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...