મનનો મોનોલોગ:જીવનના ધોમધખતા તાપમાં પહેલા વરસાદ જેવી ટાઢક અને રાહત આપતું પુસ્તક

18 દિવસ પહેલાલેખક: ડૉ. નિમિત્ત ઓઝા
  • કૉપી લિંક

24 વર્ષની ઉંમરે ડિપ્રેશનથી પીડાઈ રહેલા એક લેખકે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો. પ્લાન તો કંઈક એવો હતો કે એક પહાડની ટોચ પર પહોંચીને, ત્યાંથી કોઈ ઊંડી ખીણમાં જંપ મારી દેવો અને આ નિરર્થક જીવનનો અંત લાવી દેવો. લેખક એ પહાડની ટોચ સુધી પહોંચ્યા પણ ખરા. તેઓ કૂદકો મારવાની તૈયારીમાં જ હતા કે ધારની લગોલગ પહોંચતા જ તેઓ એક સેકન્ડ અટક્યા. જીવન ટૂંકાવી દેવાની એ ક્ષણે તેમને અનેક વિચારો આવ્યા. માતા-પિતાનો ચહેરો અને તેમનો પ્રેમ યાદ આવ્યો, પોતાની ગર્લફ્રેન્ડ યાદ આવી. તેમણે એ તમામ સુખદ શક્યતાઓનો વિચાર કર્યો જે જિંદગી તેમને ઓફર કરી શકે તેમ હતી, જો તેઓ જીવતા રહે તો! નીચે પડ્યા પછી ધારો કે મૃત્યુ પામવાને બદલે તેઓ આજીવન પેરાલાઈઝ થઈ જાય, તો એ જીવતર કેટલું ભયાનક હશે! આવા અનેક વિચારોને કારણે તેઓ નીચે ઊતરી ગયા અને ઘરે ચાલ્યા ગયા.

એ પછી તેમણે ડિપ્રેશન સામે એક લાંબી લડત આપી. શરાબની લત છોડી. જીવનશૈલીમાં થોડાઘણા ફેરફારો કર્યા અને ડિપ્રેશન પછીના જીવન વિશે એક પુસ્તક લખ્યું, ‘Reasons to stay alive’ જે મહિનાઓ સુધી ન્યૂયોર્ક ટાઈમ્સ બેસ્ટ-સેલરના લિસ્ટમાં રહ્યું. નિરાશાની ખીણમાંથી આશાવાદનો પહાડ ચડીને ડિપ્રેશનનો જડબાતોડ જવાબ આપનારા એ લેખક એટલે મેટ હેઈગ. પણ આજે મારે તેમના પહેલાં પુસ્તકની વાત નથી કરવી. મારે વાત કરવી છે એમના એ પુસ્તકની જે 2021માં પ્રકાશિત થયું અને જે પુસ્તકે લોકોની જિંદગીઓ બદલી નાખી. એ પુસ્તકનું નામ છે ‘ધ કમ્ફર્ટ બુક’. જેવું નામ, એવું કામ. વાચકને રાહત, નિરાંત અને ટાઢક આપવાનું. એક એવું પુસ્તક જે વાંચ્યા પછી તમને ફરી એકવાર જીવવાની ઈચ્છા જાગે. જિંદગીથી નારાજ અને ઉદાસ થયેલી કોઈ વ્યક્તિને મારે કોઈ એક પુસ્તક સજેસ્ટ કરવાનું હોય, તો હું કહીશ ‘ધ કમ્ફર્ટ બુક’. પાટા પરથી નીચે ઉતરી ગયેલી જિંદગીની રેલગાડીને ફરીથી ટ્રેક પર લાવવા માટે, આવું કશુંક વાંચવું જરૂરી છે. જો ફક્ત એક જ વાક્યમાં મારે તમને એ પુસ્તકનો સાર કહેવાનો હોય તો હું કહીશ કે લાખ તકલીફો અને નિરાશાના બળ સામે અડગ રાખેલી એક નાનકડી એવી આશા અનેકગણી વધારે તાકતવર હોય છે. આ પુસ્તકના પાનામાં શબ્દો નહીં, જિંદગી રહેલી છે. એમાંથી વીણેલાં કેટલાંક મોતી તમારી સાથે શેર કરું છું.

​​​​​​​જાતને પૂછાયેલો સૌથી અઘરો પ્રશ્ન હોય છે, ‘જો મને પ્રેમ કરવાવાળું કોઈ જ ન હોય, તો પછી મારે કોના માટે જીવતા રહેવાનું?’ તો એનો જવાબ છે, ‘તમારી એ ફ્યુચર-સેલ્ફ માટે જે આજ કરતા અનેકગણી ખુશ, ઉન્નત અને પરિપક્વ હશે. અને જીવતા રહેવા બદલ જે તમારો આભાર માનશે.’ Â Â Â કોઈ કરે કે ન કરે, તમે ખૂબ બધા પ્રેમને લાયક છો. માટે હંમેશાં સ્વ-કરુણા રાખજો. ઉદારતા રાખીને જાતને માફ કરી દેવાથી આ વિશ્વ વધુ સુંદર લાગશે. Â Â Â દરેક ક્ષણનો સદુપયોગ જ કરવો, એવું જરૂરી નથી. આપણને ક્ષણો વેડફી નાખવાનો પણ અધિકાર છે. Â Â Â બાહ્ય પરિસ્થિતિઓ તટસ્થ હોય છે. જે ક્ષણે તે આપણા મનમાં પ્રવેશ કરે છે, તે જ ક્ષણે તેના પર ‘પોઝિટિવ’ કે ‘નેગેટિવ’નું લેબલ લાગે છે. કોઈ પણ પરિસ્થિતિની ગંભીરતા કે તીવ્રતાનો આધાર આપણા પરસેપ્શન પર રહેલો છે. કોઈ એક જ પરિસ્થિતિને જુદા એન્ગલથી પણ જોઈ શકાય, એ હકીકત આપણને રાહત આપે છે. Â Â Â જેમની પાસે તમે સલાહ માગવા ન જતા હો, એવા લોકોની ટીકાને ગંભીરતાથી ન લેવી. Â Â Â અલબત્ત, જીવનમાં મિત્રો જરૂરી છે. પણ મિત્રો મેળવવા માટે તમારે ‘કોઈના જેવા’ કે ‘એમને ગમે એવા’ બનવાની જરૂર નથી. તમે એવા જ રહો, જેવા છો. દંભ કે દેખાડા વગર તમારી મૂળભૂત જાત પહેરીને જ ફરો અને લોકો સામેથી તમને શોધતા આવશે. Â Â Â આશાનો સાવ સીધો અને સૌથી સરળ અર્થ થાય સુખદ શક્યતાઓનો સ્વીકાર. Â Â Â એક જૂની અને મૃતપ્રાય થયેલી લવ-સ્ટોરીને જીવતી કરવાના પ્રયત્નોમાં આખું જીવન વેડફી નાખવું નહીં. જ્યારે તમને ખરેખર જરૂર હતી ત્યારે જે ન મળ્યો હોય એવા પ્રેમનો મોહ રાખ્યા વગર સાવ કોરી પાટીએ એક નવી લવ-સ્ટોરીની શરૂઆત કરવી. તમે ભૂતકાળ, અન્ય કોઈ વ્યક્તિ કે એના મનમાં તમારા વિશે રહેલી ગેરમાન્યતાઓને બદલી શકવાના નથી. તો જૂનું ભૂંસીને ‘rewrite’ કરવાને બદલે, એક નવા પ્રકરણની શરૂઆત કરો. Â Â Â સોશિયલ મીડિયા એક એવી બારી છે જ્યાં તમને સતત તમારી ઊણપ દેખાડવામાં આવે છે. તમને સતત એવી જિંદગીઓ, પાર્ટીઝ, પ્રવાસ અને પિક્ચર્સ દેખાડવામાં આવે છે, જે તમને અપૂર્ણ, અયોગ્ય કે ઇન્ફિરિયર ફીલ કરાવે છે. તે અન્યની જિંદગીના એક એવા ભ્રમિત અને આભાસી આનંદનું ટ્રેલર બતાવે છે, જે તમે નથી માણી રહ્યા એવું તમને લાગ્યા કરે છે. સોશિયલ મીડિયામાંથી એક ટૂંકો બ્રેક લેશો ત્યારે તમને સમજાશે કે સ્ક્રોલ અને એક્સ્પ્લોર કરવા જેવું ખરું વિશ્વ તો આપણી અંદર પડ્યું છે. Â Â Â વરસાદ રોકવાના પ્રયત્નો કરવા કરતા એમાં ભીંજાઈ જવાનો આનંદ લેતા શીખવું વધારે યોગ્ય રહેશે. Â Â Â સર્જનાત્મકતા, સફળતા કે ઉત્પાદન દ્વારા સતત આપણા અસ્તિત્વને સાર્થક કરતા રહેવું, એવું બિલકુલ જરૂરી નથી. Â Â Â એકલતાનો ઉપાય વધારે લોકોની હાજરી નથી. એકલતાનો ઉપાય જાત પ્રત્યેની સમજણ અને સ્વીકાર છે. Â Â Â જેઓ તમને ક્યારેય સમજી શકવાના નથી, એવા લોકોને સમજાવવા, મનાવવા કે ખુલાસો આપવામાં જાતને વેડફી નાખવી નહીં. Â Â Â અન્ય લોકોના મન, વિચાર કે અભિપ્રાયમાં ક્યારેય તમારી સેલ્ફ-વર્થ શોધવાનો પ્રયત્ન કરવો નહીં. એ ફક્ત તમારી અંદર જ રહેલી છે. એ બીજે ક્યાંય નહીં મળે. Â Â Â જાતને હેરાન, પરેશાન કે દુઃખી કરવા કરતાં અન્યની અપેક્ષાઓ પર ખરા ન ઊતરવું સારું. Â Â Â ચિંતા, ઉદ્વેગ અને બેચેનીનો શ્રેષ્ઠ ઉપાય શોખ, કુતૂહલવૃત્તિ કે પેશન છે. (જગતની કોઈપણ અકળામણ કે ગભરામણનું કોમન સોલ્યુશન વિસ્મય અને રોમાંચ છે.) Â Â Â જગતની અપેક્ષાઓ અને તમારી મહત્ત્વાકાંક્ષાઓ ખરી પડ્યાં પછી બાકી રહી ગયેલી તમારી મૂળભૂત જાતનો સહર્ષ સ્વીકાર એટલે સુખ

અન્ય સમાચારો પણ છે...