તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાહિત્ય વિશેષ:રાજા રવિ વર્માની મહાનતા આલેખતો ગ્રંથ

રઘુવીર ચૌધરી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંગ્રેજ સરકારે રવિ વર્માને ‘કૈસર-એ-હિન્દ’નો એવોર્ડ અને ‘રાજા’નો ખિતાબ આપ્યો

પ્રા.ભરત ખેની મૂળ ભાવનગર યુનિવર્સિટીના વિદ્યાર્થી. આણંદના એન. એસ. પટેલ આર્ટ્સ કોલેજના અધ્યાપક. આચાર્ય મોહનભાઇ પટેલે સર્જેલું વિદ્યાકીય વાતાવરણ. ત્યાંથી સરકારી કોલેજના અધ્યાપક માટેની પરીક્ષા આપીને દાહોદ જિલ્લાના ગરબાડાની વિનયન કોલેજમાં જોડાયા. દરમિયાન પીએચ.ડી. થયા. કવિતા અગાઉથી લખતા હતા. ડો. નરેશ વેદ અને ડો. હસુ યાજ્ઞિકે એમની અભ્યાસનિષ્ઠાની કદર કરવા સાથે રાજા રવિ વર્માના પ્રદાન વિશે પણ ઉપકારક લેખ આપ્યા છે. ત્રાવણકોરના રજવાડી પરિવાર સાથે જોડાયેલા હોવાથી રવિ વર્મા રાજા કહેવાતા. જન્મ 1848માં. ત્રિવેન્દ્રમના દરબારી ચિત્રકાર રાજા રાજ વર્મા રવિ વર્માના મામા થાય. રવિ વર્માના ભાઇ અને સહાયક રાજા વર્મા પણ ચિત્રકાર હતા. સને 1866માં ભાગીરથીબાઇ તંપુરાટ્ટી સાથે લગ્ન. સને 1868માં થિયોડોર જોન્સનની ચિત્રકલા-પ્રક્રિયા જોઇ તૈલ માધ્યમને આત્મસાત કરવાનો પ્રયત્ન કરે છે. પછીના દાયકામાં યુરોપના કળા-સામયિકોનો અભ્યાસ કરી ચિત્રકલાનાં વિવિધ માધ્યમોની ઊંડી સમજણ કેળવે છે. પછી તો રાજા-મહારાજાઓનાં ચિત્રો બનાવવા બદલ ખિતાબો મળતા થાય છે. ખ્યાતિ દેશ-વિદેશમાં વધે છે. ઇનામો મળે છે. આમંત્રણ મળે છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પોતાના રાજ્યાભિષેક સમારોહમાં નિમંત્રે છે. ચિત્ર 1882માં પૂરું થાય છે. ભારતનાં મહાનગરોના કલાપ્રેમીઓમાં રવિ વર્મા મહાન ચિત્રકાર તરીકે ઓળખ પામે છે. અંગ્રેજ સરકારે એમને ‘કૈસર-એ-હિન્દ’નો એવોર્ડ અને ‘રાજા’નો ખિતાબ આપ્યો. સને 1904, બે વર્ષ પછી એમનું અવસાન થયું. ચાર પૃષ્ઠમાં લેખકે સમગ્ર તવારીખ સમાવી છે. આજે કેલેન્ડરોમાં લક્ષ્મી કે સરસ્વતીના જે રંગીન ચિત્રો જોવા મળે છે. એના મૂળમાં રાજા રવિ વર્માનાં ચિત્રો છે. એમણે સંસ્કૃત સાહિત્ય અને પુરાણોનો અભ્યાસ કર્યો હતો. પૌરાણિક સંદર્ભોને કલ્પનાના રસાયણથી સંયોજી એમણે એ ચિત્રો સર્જ્યાં હતાં. ભરત ખેની બીજા પ્રકરણને અંતે રવિ વર્માની રુચિ ને અભ્યાસના સંદર્ભમાં લખે છે : ‘હિન્દુ પેન્થેઓન’ ગ્રંથમાંના એક ચિત્રે રવિ વર્માને સૌથી વધારે આનંદિત અને આકર્ષિત કર્યા હતા. એ હતું લાલ સૂર્યનો ઉદય. સાત ઘોડાઓ દ્વારા ખેંચાયેલા પ્રભાતરૂપી રથ પર બેસીને ઉદયયાત્રા કરનાર સૂર્ય. એક બીજા ચિત્રે પણ રવિ વર્માને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એ ચિત્ર હતું કૃષ્ણને છાતીએ વળગાડી સ્તનપાન કરાવતી દેવકીનું.’ (પૃ. 22) આ ચિત્રના પ્રભાવમાં રવિ વર્માએ દોરેલા ચિત્રની વિગત રસપ્રદ છે : ‘કેરળની કોઇ માતા બાળકને સ્તનપાન કરાવી, માતૃત્વનો આનંદ લઇ રહી હોય એવી લાગણીઓ પ્રગટ થઇ છે. બાળકની આંખો આકાંક્ષાથી છલકતી અને હસતી હોય એ રીતે ચિત્રમાં આલેખન પામી છે. આ ચિત્ર રાજેન્દ્ર આર્ટ ગેલેરી, જગમોહન મહેલ, મૈસૂર, દ. કર્ણાટક ખાતે રાખવામાં આવ્યું છે. (પૃ. 22) જલરંગો અને તૈલરંગોના પ્રયોગમાં રહેલી શક્યતા અને પ્રતિકૂળતા વિશે પણ અહીં ચર્ચા છે. રવિ વર્મા સર્જન-પ્રક્રિયા વિશે વિચારતા રહ્યા છે. પત્નીના ઘર-ગામનો નૈસર્ગિક પરિવેશ, દાંપત્યજીવન અને કલાકર્મ વચ્ચે ઊભા થતા અંતરાય અને એનું નિવારણ ઔચિત્ય સાથે આલેખાયું છે. પ્રકરણ 4 દેવીદર્શન – શ્રી મૂકાંબિકાના દર્શન માટેની વિકટ યાત્રા અદ્્ભુત રસનો અનુભવ કરાવે છે. લેખક નોંધે છે : ‘શ્રી મૂકાંબિકાને વિદ્યાની દેવી માનવામાં આવે છે અને આદિ પરાશક્તિનું પ્રતિનિધિત્વ કરતી બ્રહ્માંડની માતા હોવાનું કહેવાય છે. દક્ષિણ અને ખાસ કરીને કેરળના વિદ્વાનો અને કલાકારો માટે એ પવિત્ર અને આકર્ષણનું કેન્દ્ર છે… દેવીની કૃપાને ભવિષ્યનાં કાર્યોની પ્રગતિ માટે શ્રેયસ્કર માને છે.’ (પૃ. 34) આ વિકટ યાત્રા પૂરી કરીને રવિ વર્મા 41 દિવસ મંદિરમાં રહ્યા. અહીં શ્વેત-શ્યામ ચિત્રો છે. ગ્રંથના 18 પ્રકરણ વર્ણનાત્મક હોવાની સાથે ચિત્રાત્મક છે. 5મા પ્રકરણને અંતે 4-6 રંગોમાં છપાયેલાં વિખ્યાત ચિત્રો છે. લક્ષ્મી, સરસ્વતી, સીતા-ભૂમિપ્રવેશ, જટાયુદ્ધ, શાંતનુ અને મત્સ્યગંધા, હંસ-દમયંતી સંવાદ, શકુંતલા પત્રલેખન, તો 12મા પ્રકરણને અંતે જુડીય, દારિદ્રય, મ્યુઝિક ગેલેક્સી, મહારાજા તખ્તસિંહજી ભાવનગર, કુરુ પક્ષના રાજા અને રાણી વાસંતિકા એ પછી પોતાનો પરિવાર. એક જ ચિત્ર કલારસિકો સમક્ષ મૂકવું હોય તો એ છે વાસંતિકા. પૃષ્ઠભૂમિમાં વસંત ઋતુનું વાતાવરણ અને વૃક્ષને અઢેલીને ઊભેલી વસંતદેહી કન્યા. આ ગ્રંથ માત્ર 500 રૂપિયામાં સુલભ થશે. પ્રકાશક લેખક પોતે છે. મો. નં. 9925660646. મુદ્રણની દૃષ્ટિએ આ ગ્રંથ જોવા જેવો છે. અક્ષરો અને શ્વેત-શ્યામ ચિત્રો વચ્ચે સંવાદિતા છે. ⬛

અન્ય સમાચારો પણ છે...