તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિચારોના વૃંદાવનમાં:ઘરના બાગમાં ખીલેલું ફૂલ સંત ગણાય કોઇ ખીલેલા સાધુને તમે મળ્યા છો?

9 દિવસ પહેલાલેખક: ગુણવંત શાહ
  • કૉપી લિંક
  • રામ એક વિચારનું નામ છે અને વિચારને મૃત્યુ હોતું નથી, માટે રામ અમર છે. રામ કેવળ કોઇ વિચારનું જ નામ નથી. રામ તો એક ભીનીભીની ભાવનાનું નામ છે. આ વાત શબરીને સમજાય, પરંતુ કોઇ બુદ્ધિખોર કે ચાલાક મનુષ્યને ન સમજાય એમ બને

સંપૂર્ણપણે ખીલેલા પુષ્પને નજીક જઇને નિહાળવું એ તો કોઇ સાચા સાધુ સાથે થતો સત્સંગ ગણાય. ગાંધીયુગમાં દેશને અનેક ખાદીધારી સાધુજનો પ્રાપ્ત થયા. સ્વામી આનંદ ખીલેલા ફૂલ જેવા સાધુ હતા. વર્ષ 1957માં પૂજ્ય રવિશંકર મહારાજને મળવા માટે સ્વામી આનંદ કુડસદ ગામે આવવાના હતા. અમે સૌ પદયાત્રીઓ રાજી રાજી હતા કે આજે સ્વામી આનંદના દર્શન થશે. કોઇ કારણસર સ્વામી આનંદ કુડસદ ન આવી શક્યા તેથી બધા જ પદયાત્રી નિરાશ થયેલા. ગાંધીયુગના બીજા સાધુજન હતા પૂજ્ય કેદારનાથજી. સાચા અધ્યાત્મનો પરિચય પામવો હોય, તો કેદારનાથજીનું મૂલ્યવાન પુસ્તક ‘વિવેક અને સાધના’ અચૂક વાંચવું રહ્યું. ગાંધીયુગના ત્રીજા ઓછા પ્રસિદ્ધ સાધુજન હતા, સાને ગુરુજી. ગુરુજી એટલા તો સંવેદનશીલ હતા કે એમણે ગાંધીજીના ગયા પછીના ભ્રષ્ટ રાજકારણથી દુખી થઇને આત્મહત્યા કરી હતી. વિદાય થતાં પહેલાં એમણે જે અમૂલ્ય પુસ્તકો લખ્યાં : ‘શ્યામ ચી આઇ’, ‘આસ્તિક’, ‘ગીતાહૃદય’ ઇત્યાદિ. વિનોબાજીએ જે ગીતા પ્રવચનો ધૂળિયાની જેલમાં આપ્યાં તે સુંદર અક્ષરે લખી લેનારા સાધુ, તે સાને ગુરુજી. આજે જ મને ભાવનગરથી ઋષિતુલ્ય નાનાભાઇ ભટ્ટના સુપુત્ર પ્રશાંતભાઇનો પત્ર મળ્યો છે. પ્રશાંતભાઇ લખે છે : ‘મારે મન પણ મોરારજીભાઇ એક રાજકારણી નહીં, પરંતુ રાજનીતિમાં રહેલ એક સંત તરીકેની છાપ છે.’ (તા. 24-5-2021નો પત્ર) ઘરના બાગમાં રોજ સવારે ચાલવાનું શરૂ થાય ત્યારે સંતો વચ્ચેથી પસાર થતો હોઉં એવી લાગણી થાય છે. મનુષ્યને પોતાના ભાવજગતમાં તરવાનો, ચાલવાનો અને ઊડવાનો અધિકાર છે. આદરણીય લોકશિક્ષક શ્રી મોરારિબાપુ ઘરે પધારે ત્યારે રામાયણ દ્વારા સર્જાતા ભાવજગતમાં બે વાતો થાય છે. રામ એક વિચારનું નામ છે અને વિચારને મૃત્યુ હોતું નથી, માટે રામ અમર છે. રામ કેવળ કોઇ વિચારનું જ નામ નથી. રામ તો એક ભીનીભીની ભાવનાનું નામ છે. આ વાત દલિત જ્ઞાતિમાં જન્મેલી શબરીને સમજાય, પરંતુ કોઇ બુદ્ધિખોર કે ચાલાક મનુષ્યને ન સમજાય એમ બને. મહાકવિ વાલ્મીકિએ શબરીનો પરિચય કરાવ્યો છે. શબરી કોણ હતી? વાલ્મીકિ કહે છે : ‘જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં બહિષ્કાર ન પામેલી’, એવી ‘ચારુભાષિણી’, ‘સિદ્ધ તપસ્વિની’ હતી. રામ શબરીને કહે છે કે : ‘હે તપોધના! શું તેં તપના માર્ગમાં આવતાં બધાં વિઘ્નો પર વિજય પ્રાપ્ત કરી લીધો છે ને?’ મારી દૃષ્ટિએ તો શબરી એક ‘ક્રાંતિકન્યા’ હતી અને ઋષિ માતંગ તે યુગમાં થયેલી ક્રાંતિના અધ્વર્યુ હતા. આજના યુગમાં માતંગ એટલે વેડછીના વડલા જુગતરામકાકા! પૂજ્ય રવિશંકર મહારાજની સાધુતાને સાવ નજીકથી સેવવાનો અને નિહાળવાનો લાભ મળ્યો, તે પરમ સદ્્ભાગ્ય ગણાય. પૂજ્ય બબલભાઇ મહેતા થામણા ગામમાં રહેતા અને કોઇને ઝટ ખબર ન પડે એમ સેવાસુગંધ પ્રસરાવતા. ગાંધીજીએ કેટલાં રત્નોને સીધી મદદ પહોંચાડી? એમની પ્રેરણાથી કેટલાં બ્રાહ્મણોએ માથે મેલું ઊંચક્યું હશે? સદ્્ગત પરીક્ષિતલાલ મજમુદાર તેમાંના એક હતા. મામાસાહેબ ફડકેને મુખે એક વાત સાંભળી હતી. તેઓ પંચમહાલ જિલ્લાના કોઇ ગામે સેવા કરવામાં મશગૂલ હતા. ખાવાનું શરૂ કરે ત્યારે એક ઘટના બનતી. તેઓ કશુંક ખાય ત્યારે ભૂખ્યાં આદિવાસી બાળકો બારીમાંથી ડોકિયાં કરે તેથી મામાસાહેબ માટે ખાવાનું જ મુશ્કેલ બની જતું! છેવટે એમણે બારીઓ બંધ કરીને ગુનેગારની માફક છાનામાના ખાવાનું શરૂ કર્યું જેથી રોટલો કે ભાખરી ખાઇ શકાય. મામાસાહેબને કોઇએ પ. પૂ. ધ. ધૂ. એવા સાધુ કહ્યા નથી. જે થયું તે સારું થયું. ઘરના બાગમાં જે ખીલેલા સાધુસંતો હવામાં ડોલી રહ્યાં હોય તેમને જોઇને મને આવા યુનિફોર્મ વિનાના સાધુસંતોનું સ્મરણ થાય છે. સવાર સુધરી જાય છે. આ સાધુસંતો મહાત્મા ગાંધીના રંગે રંગાયેલા હતા, તોય વ્યક્તિગત કક્ષાએ ઉત્તમ એવા સેવાપરાયણ સંતો હતા. મોરારજી દેસાઇને કોઇ સમજુ માણસ ‘સંત મોરારજી’ કહે, તો સાંભળનારને કેવું લાગે? એ હસી જ પડે ને? ભલે એમ બને, પરંતુ તેથી મોરારજીભાઇને કશું ગુમાવવાનું હોતું નથી. એમની ટટ્ટારતા તો અકબંધ જ રહેવાની! વેદના ઋષિએ પ્રભુને પ્રાર્થના કરી હતી : ‘હે પ્રભુ! અમારું જીવન અને અમારી ચાલ ટટ્ટાર હો.’ મોરારજી દેસાઇએ ઋષિના શબ્દોને સાચા ઠેરવી બતાવ્યા! ⬛ ⬛ ⬛ સંત દાદૂના જીવનમાં બનેલો એક પ્રસંગ નોંધવાનો લોભ રોકી શકાય તેમ નથી. સાંભળો : બપોર વરસાદમાં ભીની થઇ રહી હતી. સંત દાદૂ પોતાના ઘરમાં બેઠાબેઠા ચામડું સીવી રહ્યા હતા. કામ કરતા જાય અને સંત મસ્તીમાં ગાતા જાય! બરાબર એ જ સમયે કબીરના શિષ્ય કમાલ સંતના ઘરના બારણે પહોંચ્યા. સંત પોતાની ધૂનમાં મશગૂલ હતા. એમના નિજાનંદમાં ખલેલ ન પડે એવું વિચારીને કમાલ આંગણાના છજામાં બહાર ઊભા રહી ગયા. થોડોક સમય વીતી ગયો પછી સંતની નજર કમાલ પર પડી. તરત જ ઊભા થઇને દાદૂ બહાર આવ્યા અને સ્નેહપૂર્વક કમાલનો હાથ ઝાલીને બોલ્યા : ‘આવો, આવો! મારા અસ્વચ્છ ઘરમાં આવતાં તમને કોઇ સંકોચ તો નથી થતો ને? કમાલે કહ્યું : બાબા, મને વળી શેનો સંકોચ? હું તો આપના દર્શન માટે આવ્યો છું. દાદૂએ કમાલ માટે ચામડાનું આસન બિછાવ્યું ત્યારે જોયું કે કમાલની આંખો ભીની થઇ ગઇ હતી. દાદુએ કહ્યું : ‘ખોટું ન લગાડશો. મેં આવું આસન તમને જાણીજોઇને નથી આપ્યું. મારી પાસે ચામડા સિવાયનું બીજું આસન ક્યાંથી હોય?’ કમાલે સંકોચપૂર્વક સંતને કહ્યું : ‘હું આપના દરવાજે એક બે ક્ષણ માટે ઊભો રહ્યો અને આપે પ્રેમપૂર્વક મારું સ્વાગત કર્યું. આપ મારો હાથ ઝાલીને અંદર લઇ આવ્યા અને બેસવા માટે આસન આપ્યું! મને ખબર નથી કે ઇશ્વર મારા આંગણામાં દરવાજે આ જ રીતે ચુપચાપ ઊભો છે. મને વારંવાર થાય છે કે મારી નજર એના પર ક્યારે પડશે? હું ક્યારે એ ઇશ્વરને મારી અંદર લાવીને મારા હૃદયાસન પર બેસાડીશ?’ આટલું બોલતાં તો કમાલની આંખો વરસી પડી. સંત દાદૂ એ કરુણાર્દ્ર સ્વરે કમાલને કહ્યું : ‘બેટા, ગભરાઇશ નહીં. આવા વિષાદના રૂપમાં ઇશ્વર પોતે તારી ભીતર આવ્યો છે. બસ, એને નીરખવાની જ વાર છે!’ ।। (પવનારથી પ્રગટ થતાં मैमैत्री માસિકમાંથી.) ⬛ }}} પાઘડીનો વળ છેડે જે બહાર જોતો રહે છે તે સ્વપ્નાંમાં રાચે છે, પરંતુ જે અંદર ડોકિયું કરે છે, તે જાગ્રત થાય છે. - મનોવિજ્ઞાની કાર્લ યુંગ નોંધ : આ વિશ્વવિખ્યાત મનોવિજ્ઞાનીના પ્રવેશદ્વાર પર સર્પથી વીંટળાયેલી ડોકવાળા ભગવાન શિવનું ચિત્ર જોવા મળતું. તેમના ઘરે વિજ્ઞાની આઇન્સ્ટાઇન ડિનર લેવા માટે જતો. Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...