તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રે જિંદગી:અ બિગ બિઝનેસ ટાયકૂન મિ. મનીષ

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનીષ ગામના વાસમાં રહેતો જીંથરા જેવા વાળવાળો છોકરડો... આજે બિઝનેસ ટાયકૂન બનીને વીસ વર્ષ પછી પાછો ગામમાં આવ્યો હતો. એને હતું કે બધાં એને ઓળખી નહીં શકે, પણ....???

- રાજ ભાસ્કર

વીસ વર્ષે મનીષના પગને ગામપાદરની ધૂળનો સ્પર્શ થયો, જોકે વચ્ચે સ્કેચર્સનાં બ્રાન્ડેડ શૂઝનું તળિયું આવી જતું હતું તોય એને ઝણઝણાટી થઈ આવી. ગાડીને લોક કરીને એ થોડી વાર ત્યાં જ ઊભો રહ્યો. બાવળના ઠુંઠામાં ઠુંઠવાઈ પડેલા સંસ્મરણો ધૂળની ડમરી બનીને એને બાઝી પડ્યા. એણે ક્યાંય સુધી ગામને જોયા કર્યું. એને આમ ઊભેલો જોઈ આજુબાજુ રમી રહેલા શેેડાળવા છોકરાવ ફાટેલા બુશકોટની બાંયથી નાક સાફ કરતા ખડખડાટ હસી પડ્યા. ગલ્લે ઊભેલા બે-ચાર જુવાનિયા પણ તાકી રહ્યા હતા, પણ કોઈ પૂછે એ પહેલાં મનીષ વાસ તરફ ચાલી નીકળ્યો.

ચિંથરેહાલ ગામને જોઈને એ થોડો પોરસાયો. પોતાના થ્રી-પીસ શૂટ પર નજર નાંખી. રોજ આદમકદના આઈનામાં જોતો પોતાનો ચહેરો અને બદન યાદ આવ્યા. આહ… કેટલો ફરક પડી ગયો હતો. પોતે ગામમાં રહેતો ત્યારે એની પાસે માત્ર બે ચડ્ડી હતી. બે થિંગડાવાળી અને ત્રણ થિંગડાવાળી. એના ઉપર મામાના દીકરાએ પહેરી-પહેરીને અધમૂઆ કરી નાંખેલા બે સદરા. અત્યારે એ ડેડી કહીને બોલાવે છે, પણ ત્યારે તો એના પપ્પા રમણભાઈને એ બાપા કહીને જ બોલાવતો. આ જ ગામની ધૂળમાં એણે ધિંગામસ્તી કરી હતી. બાજુવાળા જીવીકાકીને એ ખૂબ રંજાડતો. રોજ એમની બોરડીમાંથી બોર તોડી લેતો, એમના આંગણામાં ગિલ્લીડંડા રમતો અને ક્યારેક માટલું ફોડી નાખતો, તો ક્યારેક કપાળ. એને એનો બાળસખો ભીમો પણ યાદ આવી ગયો. શી ખબર અત્યારે અહીં હશે કે નહીં? હશે અને મળશે તો ઓળખીયે નહીં શકે. ક્યાં એ તેલ વગરના જીંથરા વાળવાળો છોકરડો અને ક્યાં અત્યારે એક કંપનીનો માલિક મનીષ પટેલ. રૂપિયાએ આખું બદન બદલી નાંખ્યું હતું. કાળો ચહેરો રૂપાળો થઈ ગયો હતો. સ્પેશિયલ પાર્લરે એના જીંથરાને મખમલી કેશરાશિમાં ફેરવી દીધા હતા. બાજરીના અડધા રોટલા પર નભતું શરીર જ્યૂસ અને ફ્રૂટના ખોરાકથી મદમસ્ત બની ગયું હતું અને મોંઘાદાટ કપડાં.

*** વીસ વર્ષ પહેલાં મનીષ અહીંથી ગયો ત્યારે એનાં ખિસ્સામાં ફદીયુંય નહોતું. ગરીબી આંટો લઈ ગયેલી, પણ શહેરમાં આવ્યો અને કિસ્મતનું ચક્કર ફરી ગયું. સામાન્ય કંપનીનાં પટાવાળાથી લઈને મનીષ આજે મોટો બિઝનેસ ટાયકૂન બની ગયો હતો. એ વિચારવા માંડ્યો, પહેલાં તો મને કોઈ ઓળખી જ નહીં શકે. સાહેબ… સાહેબ કરીને વીંટળાઈ વળશે. મોં આશ્ચર્યથી પહોળા થઈ જશે. વાઉ! કેટલી મજા આવશે. વિચારમાત્રથી મનીષ રોમાંચિત થઈ ઊઠ્યો અને વિચારોમાં એ વાસના ચોકમાં પહોંચી ગયો. સામે જીવીકાકીનું ઘર હતું. બાજુમાં ભીમાનું અને એનાથી ત્રીજું ઘર જદુકાકાનું. જીવીકાકી મોતિયાવાળી આંખે ચશ્માં ભરાવીને આંગણામાં જ બેઠાં હતાં. ભીમો એ જ જીંથરાળા વાળ અને ફાટેલા ખમીસ સાથે ઓસરીમાં કોઈક સાથે લમણાઝીંક કરતો હતો. બીજાય જાણીતા ચહેરા દેખાયા. જીવીકાકી ઘરડાંખખ થઈ ગયાં હતાં અને ભીમો બાળકમાંથી જવાન. બીજાય લોકોમાં ફેરફાર થયો હતો, પણ એમની પરિસ્થિતિ એની એ જ હતી. એટલે જ આજે વીસ વર્ષનાં ગાળા પછીય મનીષ બધાંને ઓળખી ગયો. પોતાને કોઈ નહોતું ઓળખવાનું, કારણ કે પોતાની પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. પોતે હવે ગામનો ફાટેલી ચડ્ડીવાળો છોકરડો નહીં, પણ ‘અ બિગ બિઝનેસ ટાયકૂન મિ. મનીષ પટેલ’ હતો. મનીષ ફરી પોરસાયો અને જીવીકાકીના ખાટલા પાસે જઈ ઊભો રહ્યો. જીવીકાકીએ ઊંચે જોયું, ચશ્માં સરખા કર્યાં, પણ કંઈ કળાયું નહીં. મનીષ થોડો અક્કડ થઈને મરક મરક હસતો ઊભો રહ્યો. એ વિચારી રહ્યો હતો કે હમણાં જીવીકાકી પૂછશે, ‘કોણ છો સાહેબ?’ અને પોતે કહેશે, ‘હું મનીષ.’ જીવીકાકી ગાંડાઘેલાં થઈ જશે પોતાને જોઈને. વિચારતાં એણે વધારે અક્કડ થઈને કમરે હાથ દઈને જીવીકાકી સામે છાતી કાઢી. જીવીકાકીએ ફરી આંખો ઝીણી કરી અને એક… બે… અને ત્રીજી સેકંડે બૂમ પાડી, ‘અલ્યા, ભીમલા, જલદી આય! જો રમણકાકાનો મનિયો આયો સે!’ અને મનીષના રુંવેરુંવે રોપાઈ ગયેલો આભ જેવડો અહમ એક જ વાક્યે જમીનદોસ્ત થઈ ગયો. rcbhaskar@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો